શીર્ષક કદાચ વિચિત્ર લાગી શકે છે. પરંતુ આપણા દેશ અને આપણા રાજ્યની આ કડવી વાસ્તવિક્તા છે. કોરોના મૃત્યુઆંકનું આપણી સરકારો દ્વારા દફન કરી દેવામાં આવ્યું છે.
અલબત્ત, આ અંગેની જાણકારી આપણા સહુ પાસે છે; કારણ કે આપણે તમામ લોકો આંખ, કાન ધરાવતા જીવિત લોકો છીએ. અને આપણે આપણી આંખોથી રાજ્યમાં બીજી લહેરની સ્થિતિ જોઈ પણ છે અને અનુભવી પણ છે. પરંતુ એ સમયે નહીં અને અત્યારે આ ચર્ચા કરવી પડી રહી છે, તેનું એક અગત્યનું કારણ એ છે કે હાલમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દેશની રાજ્ય સરકારો કોરોના મૃતકોના વારસદારોને રૂપિયા ૫૦ હજારની સહાય આપી રહી છે. જો કે વાત તો હતી રૂપિયા ચાર લાખની. કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૨૦માં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના વારસદારોને રૂપિયા ચાર લાખની સહાય આપવાની જાહેરાત પણ કરી હતી. આ જાહેરાતને લગતો કાગળ અનેક લોકોની સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર મોટા પાયે વાયરલ પણ થયો. પરંતુ આ જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં કેન્દ્ર સરકારે આ નિર્ણયને પાછો પણ ખેંચી લીધો હતો. સુપ્રીમ કોર્ટે પણ કોરોના મૃતકોના વારસદારોને રૂપિયા ૪ લાખ આપવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ પી.એમ.કેર ફંડમાં હજારો કરોડ રૂપિયાનું ફંડ એકત્રિત કરનાર કેન્દ્ર સરકારે વિના સંકોચે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો હતો કે સરકાર પાસે ચાર લાખ રૂપિયા જેટલી સહાય આપવા માટે પૂરતું ભંડોળ નથી. અને અંતે સુપ્રીમ કોર્ટે પણ રૂપિયા ૫૦ હજારની સહાયને મંજૂરી આપી. હાલમાં રાજ્યોમાં રૂ.૫૦ હજારની આ સહાય આપવાની પ્રક્રિયા ચાલુ છે. જો કે આપણા રાજ્ય સહિત અનેક રાજ્યોમાં આ બાબત અંગે પૂરતા પ્રમાણમાં જાહેરાત કે પ્રચાર નથી થયા. પરિણામે અનેક સ્થળે સત્તાવાર મૃત્યુઆંક કરતાં ઓછી અરજીઓ આવી રહી છે. તો, આપણા રાજ્યમાં સત્તાવાર મૃત્યુઆંક કરતાં ઘણી વધુ અરજી આવી છે અને હજુ આ આંકડો વધવાની પૂરેપૂરી સંભાવના છે.
અમેરિકા અને ભારતની સરખામણી
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં પણ કોરોનાથી હાલત વકરેલી છે. વિકસિત દેશ હોવા છતાં કોરોના મહામારીના કારણે અમેરિકામાં સત્તાવાર મૃત્યુઆંક આઠ લાખ કરતાં વધુ છે. અમેરિકામાં આરોગ્ય સેવા ભારત કરતાં ઉન્નત છે, તેમ જ વસ્તીની ગીચતા ભારત કરતાં ઘણી ઓછી છે. તેમ જ તાજેતરનો ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ જણાવે છે કે ઓમિક્રોનની આ લહેર માર્ચના અંત સુધીમાં ધીમી પડશે ત્યાં સુધી હજુ વધુ ૫૦ હજારથી ત્રણ લાખ લોકોના મૃત્યુ અમેરિકામાં થઈ શકે છે. તેની સામે આપણા દેશમાં સત્તાવાર મૃત્યુઆંક ચાર લાખ કરતાં વધુ છે. તો સવાલ એ છે કે અમેરિકા અને આપણા દેશના મૃત્યુઆંકમાં આટલો મોટો તફાવત શા માટે છે? તેની પાછળનું એક મુખ્ય કારણ એ છે કે અમેરિકામાં ગમે તેવાં જમણેરી પરિબળોનું આધિપત્ય હોય તેમ છતાં ત્યાંના લોકશાહી માળખામાં એટલું લઘુતમ મૂલ્ય તો છે કે મૃત્યુઆંક ના તો ઓછો બતાવવામાં આવે છે, ના તો સંક્રમિત કેસોની સંખ્યા ઓછી બતાવવામાં આવે છે. માધ્યમોની સ્વતંત્રતા પણ આપણા કરતાં ત્યાં વધુ છે. અને એટલા માટે જ અમેરિકાનો સત્તાવાર મૃત્યુઆંક આપણા દેશ કરતાં બમણો છે.
જો કે અનેક અહેવાલો એ દર્શાવી ચૂક્યા છે કેકોરોના મહામારીની બીજી લહેરની સમાપ્તિ સુધીમાં આપણા દેશમાં ૪૦થી ૪૨ લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પરંતુ સમગ્ર દેશમાં મૃત્યુઆંક છુપાવવાની જાણે કે હોડ ચાલી હતી! અને હવે જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સહાય આપવામાં આવી રહી છે ત્યારે સહાય મેળવવા માટે આવી રહેલી અરજીઓની સંખ્યા સરકારનાં જુઠ્ઠાણાંને ખૂલ્લું પાડી રહી છે.
કોરોના મૃત્યુઆંકને લઈને ગુજરાતની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ એફિડેવિટ પર રજૂ કરવામાં આવેલ સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં બીજી લહેરની સમાપ્તિ સુધીમાં ૧૦,૦૯૪ મૃત્યુ નોંધાયા હતા, જેની સામે હાલમાં કોરોના સહાય માટે આવેલી અરજીઓનો આંકડો ૯૦,૦૦૦ને પાર કરી ગયો છે. અને ખુદ રાજ્ય સરકાર સ્વીકારે છે કે ૫૮ હજાર જેટલી અરજીઓને સહાય ચૂકવી પણ દેવામાં આવી છે. આ આંકડા જોતાં જ્યારે ગુજરાત સરકારનું જુઠ્ઠાણું સત્તાવાર રીતે પકડાઈ રહ્યું છે, ત્યારે હજુ ફરી એકવાર જુઠ્ઠું બોલવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટે કોરોના મૃત્યુની વ્યાખ્યામાં બદલાવ કર્યો હોવાથી ગુજરાતમાં મૃત્યુ આંકની સંખ્યા વધી છે! હવે સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોરોના મૃત્યુની વ્યાખ્યા કેવી રીતે બદલાઈ છે? સમગ્ર દુનિયામાં કોરોનાથી થતા મૃત્યુની એક જ વ્યાખ્યા છે કે કોરોનાથી સંક્રમિત થયા બાદ વ્યક્તિનું મૃત્યુ થાય તો તે મૃત્યુ 'કોરોનાથી થયેલ મૃત્યુ' ગણવામાં આવે. ગુજરાત સરકાર કોમોર્બીડિટીથી થતા કોરોના મૃત્યુને 'કોરોના મૃત્યુ'તરીકે ગણવા નહોતી માંગતી. અલબત્ત ડાયાબિટીસ, કેન્સર કે અન્ય ગંભીર રોગોથી પીડાતા દરદીઓ કોરોના સંક્રમિત થઈને મૃત્યુ પામે તો તેમના મૃત્યુનું તાત્કાલિક કારણ તો 'કોરોના' જ ગણાય. તેમ છતાં મૃત્યુઆંક ઓછો દર્શાવવા માટે ગુજરાત સરકારે મૃત્યુ આંકની દેખરેખ કરવા માટે એક ઓડિટ કમિટી પણ બનાવી હતી. કદાચ સમગ્ર દુનિયામાં અનોખું ઉદાહરણ આપણા રાજ્યનું જ હશે કે જ્યાં મૃતકોની ગણતરી માટે ઓડિટ કમિટી બનાવવામાં આવી હોય!
સહાય મેળવવામાં પડતી મુશ્કેલીઓ
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને અનેક વાર ફટકાર લગાવી છે. અને અત્યારે સહાયની રકમ ચૂકવવામાં જે થોડી ઘણી અસર દેખાઈ રહી છે, તેની પાછળ સુપ્રીમ કોર્ટની ફટકાર જવાબદાર છે. તેમ છતાં આ સહાય અંગે હજુ પૂરતા પ્રમાણમાં પ્રચાર થયો ન હોવાથી રાજ્યના અનેક લોકો આ બાબતથી માહિતગાર નથી. અનેક રજૂઆતો બાદ માત્ર બે દિવસ માટે માધ્યમોમાં આ અંગેની જાહેરાત આપવામાં આવી હતી, જે સ્વાભાવિકપણે અપૂરતી કહી શકાય.
સહાય મેળવવા માટે જે લોકોને માર્ગદર્શનની જરૂર હોય અથવા તો જે લોકો ઓનલાઈન ફોર્મ ભરવાનું જાણતા ન હોય તેવા લોકો માટે અમે એક 'હેલ્પ સેલ'ની શરૂઆત કરી હતી. એ દરમિયાન જે પ્રશ્નો સામે આવ્યા તે નીચે મુજબ છે.
એ સમયે મૃત્યુઆંક છુપાવવા માટે અનેક લોકો કે જેમનાં મૃત્યુ હોસ્પિટલમાં થયા હતા તેમને 'મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ’ આપવામાં આવ્યું નહોતું. પરિણામે જે લોકો પાસે એન્ટીજન કે આર.ટી.પી.સી.આર. રિપોર્ટના પુરાવા નથી, તેવા લોકો આ 'મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ’ મેળવવા માટે હોસ્પિટલના ધક્કા ખાઇ રહ્યા છે.
દરદીના મૃત્યુ સમયે હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ ડેથ સ્લીપમાં મૃત્યુના કારણ તરીકે 'કોરોના’ સ્પષ્ટ દર્શાવ્યું હોય, તેમ છતાં જ્યારે 'મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ’ અત્યારે મેળવવું પડે છે, ત્યારે તેમાં મૃત્યુનાં કારણ 'કુદરતી' દર્શાવવામાં આવે છે. પરિણામે એક જ હોસ્પિટલના બે દસ્તાવેજોમાં ભયંકર વિરોધાભાસ છે. અને પરિણામે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રાજ્યની સૌથી મોટી,૧,૨૦૦ પથારીની ક્ષમતા ધરાવતી સિવિલ હોસ્પિટલમાં આવી ઘટનાઓ સૌથી વધુ બની છે. અને રાજ્યભરમાં એક સાથે આવા કિસ્સા મોટી સંખ્યામાં બહાર આવ્યા છે. માટે આ ચૂકને માત્ર 'તકનીકી ખામી' ગણાવી શકીએ નહીં, તે 'ઉપરના આદેશ'નું પરિણામ છે.
જે સમયે પંચાયતની ચૂંટણીઓ રાજ્યમાં હતી એ સમય દરમિયાન અરજી કર્યાના બે-ત્રણ દિવસ જેટલા ટૂંકા ગાળામાં સહાયની રકમ ચૂકવી દેવામાં આવી હતી. પરંતુ અત્યારે હાલ અરજી કર્યાના મહિના ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતાં સહાયની રકમ મળવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે.
જેમની પાસે પુરતા દસ્તાવેજો હોય તેવી સાચી અરજીઓ પણ ધડાધડ નામંજૂર કરવામાં આવી રહી છે.
બીજી લહેર દરમ્યાન શું સ્થિતિ હતી, આપણે સહુ જાણીએ છીએ! એ સમયે એન્ટીજન અથવા આર.ટી.પી.સી.આર. રિપોર્ટની વ્યવસ્થા ના થઈ શકી હોય તો અનેક લોકોએ સી.ટી.સ્કેનના રિપોર્ટ કરાવ્યા હતા. જેમની પાસે સી.ટી.સ્કેન એકમાત્ર પુરાવો છે તેવા લોકો પણ આ સહાયથી વંચિત થઈ રહ્યા છે; કારણ કે સી.ટી. સ્કેનને પુરાવા તરીકે માન્ય ગણવામાં આવેલ નથી.
સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે આ તમામ પ્રકારની હેરાનગતિ, એ મૃત્યુઆંકમાં વધારો ના થાય તે માટેની કોશિશ છે.
જો કે આ તો સહાય મેળવવા માટેના પ્રશ્નો છે. પરંતુ આ ફોર્મ ભરવવા માટે આવતી દરેક વ્યક્તિ જાણે કે કોરોનાની ભયાનકતાની એક જીવતી જાગતી વાર્તા હતી. લગભગ દરેક વ્યક્તિની વાતો સાંભળીને મને હંમેશાં એવું લાગતું કે આ વ્યક્તિઓ પોતાના સ્વજનને ગુમાવવાથી માનસિક શાંતિ ગુમાવી બેઠાં છે. અનેક લોકો સારવાર કે મૃત્યુની એ ક્ષણો યાદ કરીને અમારી સામે જ ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી પડતા હતા. તો, અનેક લોકો મૃત્યુની એ ઘટનાની વાત વારંવાર અમારી સમક્ષ પુનરાવર્તિત કર્યા કરતા! મારી નજર સામે ય એ દિવસોનાં દૃશ્યો ઉભરી આવતાં. વાડજ સ્મશાનગૃહ એ મારો રોજની અવરજવરનો રસ્તો. સતત એમ્બ્યુલન્સના અવાજો, શબવાહિનીની છે’ક રીવરફ્રન્ટ સુઘી પહોંચેલી કતારો અને મારા ઘરના ધાબા પરથી સ્મશાનની ચીમનીમાંથી નીકળતો સતત ધુમાડો ય આજે ય મારી ઊંઘને છીનવે છે. જ્યારે મારા એક કુટુંબીજનની સ્થિતિ કોરોનાથી કથળી હતી, અને હું ય હોસ્પિટલમાં ખાલી જગ્યા શોધવા ભટકતી હતી, ત્યારે એક ડોકટરે ફોન પર કહ્યું હતું, “તમે આવશો ત્યારે કોઈનું તો મૃત્યુ થઈ જ ગયું હશે, એટલે જગ્યા ખાલી થઈ જશે”. આ સ્થિતિ પ્રવર્તતી હતી, રાજ્યમાં. તો, બીજી બાજુ પ્રધાન મંત્રીના નામથી નવીનીકરણ કરાયેલા સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ પણ ચાલતી હતી. મારા કુટુંબીજનને ગુમાવી દીધા બાદ જ્યારે સ્મશાનમાં પહોંચ્યા ત્યારે એક છોકરો પોતાના ચાર કુટુંબીજનોના મૃતદેહ સાથે એકલો લાઈનમાં બેઠો હતો. આપણામાંથી કોણ આ યાતનાઓમાંથી પસાર નથી થયુ??
આ સમગ્ર ઘટનાક્રમ માત્ર પચાસ હજાર રૂપિયાની સહાય મેળવવાના સંદર્ભમાં નથી. મનુષ્યને જેમ સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે, તે જ રીતે મનુષ્યના મૃત્યુનું પણ સન્માન જળવાવું જોઇએ. રાજ્યમાં બીજી લહેર દરમિયાન શું સ્થિતિ હતી, તેને વાગોળવી એટલે ઘા પર મીઠું ભભરાવવું. ઓક્સિજનના અભાવે, હોસ્પિટલમાં પથારીના મળવાના કારણે, આપણે આપણા અનેક સ્નેહીજનોને ગુમાવ્યા છે. અનેક લોકો હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ રસ્તામાં મૃત્યુ પામ્યા છે. આર્થિક રીતે સંપન્ન લોકો કે જેઓ સારવારના બદલામાં લાખો રૂપિયા ખર્ચવા સુધ્ધા તૈયાર હતા, તેમ છતાં તબીબી સારવાર સમયસર ના મળવાના કારણે પોતાના સ્નેહીજનોને ગુમાવી ચૂક્યા છે. પોતાના નિકટ જનના મૃત્યુ બદલ આર્થિક સહાય લેવી એ ઘણીવાર પસંદગીની વાત નથી હોતી. પણ કદાચ આ નાનકડી રકમ ક્યાંક કોઈકને નાનકડી રાહત આપી શકે! અને આમ પણ આ લોકોના ટેક્સના રૂપિયા છે જેના ઉપર લોકોનો પૂરતો અધિકાર છે. પણ મૃત્યુનું પણ સન્માન ન જાળવતી રાજ્ય સરકાર સાધારણ લોકોને 'પોતાના સ્વજનનું મૃત્યુ કોરોનાથી થયું છે' તે સાબિત કરાવવા અહીંથી ત્યાં ધક્કા ખવડાવી રહી છે. આથી વધુ અપમાન અને અવહેલના બીજું શું હોઈ શકે?
e.mail : vaghelarimmi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 11-12