એક સમયે જેની અખિલ ભારતમાં સત્તા હતી અને હવે જે એક સક્ષમ વિરોધ પક્ષની નવી ભૂમિકામાં પોતાને ઢાળવાની મથામણ કરી રહી છે, તે અખિલ ભારતીય કાઁગ્રેસ કમિટીના અધ્યક્ષ પદે, 24 વર્ષમાં એક બિન-ગાંધી વ્યક્તિની વરણી થાય, તે પાર્ટીના વિવિધતાઓ અને ઉતાર-ચઢાવથી ભરેલા ઇતિહાસમાં મહત્ત્વનું સીમાચિન્હ છે. તેનાથી દેશની વિભિન્ન ચૂંટણીઓનાં બેલેટ-બોક્સમાં શું ફરક પડશે અથવા પડશે કે નહીં તે તો આવનારો સમય કહેશે, પણ દેશ અત્યારે જે સ્વરૂપમાં ઊભો છે, તેના એક મહત્ત્વના શિલ્પકાર ગણાતી કાઁગ્રેસ પાર્ટીમાં જે પણ ઊથલ-પાથલ થઇ રહી છે, તે એક સમજદાર નાગરિક માટે કુતૂહલનો વિષય ચોક્કસ બને.
આ પદ પર, 80 વર્ષના વરિષ્ઠ કાઁગ્રેસી મલ્લિકાઅર્જુન ખડગેની વરણીની સાથે, સોનિયા ગાંધીના કાર્યકાળનો અંત આવે છે, જે સૌથી લાંબો સમય સુધી કાઁગ્રેસનાં અધ્યક્ષપદે રહેવાનું ‘બહુમાન’ ધરાવે છે. સ્વતંત્રતા પહેલાંના તેના ઇતિહાસને સળંગ ગણીએ, તો 1885થી શરૂ કરીને કાઁગ્રેસમાં 97 લોકો અધ્યક્ષપદે રહી ચુક્યાં છે. ખડગે 98મા છે. સોમવારે જાહેર થયેલાં પરિણામમાં તેમને 7,897 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ શશી થરુરને 1,072 મત મળ્યા હતા.
1951માં પહેલીવાર જવાહરલાલ નહેરુ પાસે પાર્ટીની કમાન આવી હતી. તે પછી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેના અધ્યક્ષ રહી ચુક્યાં છે. એ પાંચે વચ્ચે, કુલ 10 બિન-નહેરુ-ગાંધી વ્યક્તિઓ અધ્યક્ષપદે રહી ચૂકી છે. જો કે, આ સર્વેનો કાર્યકાળ બહુ ટૂંકો રહ્યો છે અને મોટાં ભાગનાં વર્ષોમાં પાર્ટી ગાંધી પરિવારના નિયંત્રણમાં રહી છે. ખડગે તેમાં અગિયારમા બિન-ગાંધી અધ્યક્ષ છે.
ભારતીય જનતા પાર્ટીએ એટલા માટે કાઁગ્રેસને ‘પરિવારવાદી પાર્ટી’ કહીને કાયમ નિશાન બનાવી છે. ભા.જ.પ.માં આવો કોઈ આરોપ લાગી શકે તેમ નથી. જો કે, કાઁગ્રેસ હવે ભા.જ.પ.ના અધ્યક્ષને ‘રબર-સ્ટેમ્પ’ તરીકે ગણાવે છે, કારણ ભા.જ.પ.માં ઈલેકશન નહીં, સિલેકશન થાય છે. 137 વર્ષ જૂની કાઁગ્રેસ પાર્ટીમાં માત્ર પાંચ વખત જ ચૂંટણીઓ થઇ છે; 1939, 1950, 1977, 1977 અને 2000. સોમવારે તેની છઠ્ઠી ચૂંટણી હતી.
ખડગેની ચૂંટણીથી પાર્ટીને એક ફાયદો એ થશે કે તેના માથા પરથી ‘ગાંધી પરિવારની બાપીકી મિલકત’નું કલંક ભુંસાઈ જશે, પરંતુ એ ફાયદો બહુ સાધારણ જ હશે, કારણ કે ગાંધી પરિવાર તેને પાછલા બારણે ચલાવે છે તેવી છાપ યથાવત રહેવાની છે. એ સાચું પણ અનિવાર્ય દૂષણ છે. કાઁગ્રેસ પાર્ટીને ગાંધી પરિવારની છાયામાંથી સંપૂર્ણ રીતે બહાર કાઢવામાં ઘણો સમય લાગશે અને તેના માટે એક ગતિશીલ અધ્યક્ષની જરૂર પડશે. ખડગે એ વર્ગમાં આવતા નથી.
ખડગેની જીત અપેક્ષિત મનાતી હતી. તેઓ ગાંધી-પરિવારની ‘પસંદ’ના ઉમેદવાર હતા. ખડગે 50 વર્ષની તેમની રાજકીય કારકિર્દીમાં ગાંધી પરિવારને સમર્પિત રહ્યા છે. તેઓ કર્ણાટકની વિધાનસભાની એક જ બેઠક પરથી 1972થી 2004 સુધી લગાતાર ચૂંટાતા આવ્યા હતા. તેના માટે કન્નડમાં તેમને ‘સોલિલ્લડા સરદારા’ તરીકે બોલાવામાં આવે છે; પરાજય વગરના નેતા.
ખડગે અધ્યક્ષપદની રિંગમાં ત્યારે આવ્યા હતા, જ્યારે ગાંધી-પરિવારની પહેલી પસંદ, રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહલોતે રીતસર સોનિયા ગાંધી સામે બળવો કરી દીધો હતો. પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહલોતને અખિલ ભારતીય કાઁગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાનો “પાયલોટ પ્રોજેક્ટ,” ડેપ્યુટી મુખ્ય મંત્રી અને પ્રદેશ કાઁગ્રેસના અધ્યક્ષ સચિન પાયલોટના કારણે નિષ્ફળ ગયો હતો. અથવા એવું કહો કે ગહલોતે પોતે જ તેને નિષ્ફળ બનાવ્યો છે.
ગહલોત રાષ્ટ્રીય અધ્યક્ષપદ માટે ઉમેદવારી કરે, તો પાર્ટીના “એક વ્યક્તિ એક હોદ્દા”ના નિયમ મુજબ તેમણે મુખ્ય મંત્રીની ખુરશી ખાલી કરવી પડે. ગાંધી પરિવારે પક્ષના અધ્યક્ષ પદે બિન-ગાંધી વ્યક્તિને બેસાડવા માટે ચૂંટણીની કવાયત હાથ ધરી, એમાં બે નેતાઓએ ઉમેદવારી કરવાની ઈચ્છા બતાવી હતી. એક, થિરુવંથપુરમ-કેરળના સાંસદ શશી થરુર અને બીજા ગહલોત. ઉમેદવારી કરવા માટે તેમણે સોનિયા ગાંધીની “મંજૂરી” પણ લીધી હતી. ગહલોત ઉમેદવારી પત્ર પણ ભરવાના હતા, પણ એ પહેલાં આગલી રાતે રાજસ્થાન કાઁગ્રેસમાં બળવો થયો, અને સરકાર તૂટી પડે એવી સ્થિતિ ઊભી થઇ.
દરઅસલ, “ભારત જોડો યાત્રા”માં વ્યસ્ત રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદમાં એક પ્રશ્નના જવાબમાં એવું કહ્યું કે ગહલોત ઉમેદવારી કરશે તો “એક વ્યક્તિ એક હોદ્દા”ના નિયમનું પાલન થશે. તેમને ખબર નહોતી કે ગહલોત મુખ્ય મંત્રીની ખુરશી છોડવા ઇચ્છતા નથી. અથવા એવું કહો કે તેઓ તેમના હરીફ સચિન પાયલટને તેમના ઉત્તરાધિકારી બનવા દેવા માંગતા નહોતા. રાષ્ટ્રીય અધ્યક્ષપદે બિન-ગાંધી વ્યક્તિને બેસાડવાની કવાયત કેટલી પેચીદી છે એ આ ગહલોતના ઉદાહરણ પરથી સાબિત થાય છે. ખડગેએ આવું સળગતું ઘર હાથમાં લીધું છે.
32 વર્ષ સુધી જીત જાળવી રાખવાના તેમના વિક્રમના બદલામાં તેઓ ત્રણ વખત કર્ણાટકના મુખ્ય મંત્રી બનતાં-બનતાં રહી ગયા હતા, પરંતુ દર વખતે તે નિષ્ફળતાને સ્વીકારીને તેઓ પક્ષને વફાદાર રહ્યા હતા. વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાને બાજુએ મૂકીને પક્ષની નીતિઓ અને સિદ્ધાંતો પ્રત્યે સમર્પિત રહેવાની તેમની વૃત્તિ તેમને કાઁગ્રેસમાં એક સન્માનનીય નેતા બનાવે છે.
જો કે તેનો અર્થ એ નથી કે કાઁગ્રેસના અધ્યક્ષ તરીકે તેમનો રસ્તો આસાન છે. અત્યાર સુધી કાઁગ્રેસ માટે જે ગાંધી પરિવાર આશીર્વાદરૂપ હતો, તે હવેના બદલાયેલા રાજકીય સંજોગોમાં અભિશાપ બની ગયો છે. અધ્યક્ષ માટેની વર્તમાન ચૂંટણી એ શાપને ઉતારવા માટેની કવાયત હતી. મુસીબત એ છે કે પાર્ટીમાં ગાંધી પરિવારની સર્વસ્વીકૃત છબીની તોલે આવે તેવો કોઈ નેતા પણ નથી. એ સાચું કે ગાંધી પરિવાર પાર્ટીને જીત અપાવામાં નિષ્ફળ જઈ રહ્યો છે, પરંતુ સામે પક્ષે એ પણ એક વાસ્તવિકતા છે કે પક્ષના તમામ મણકા છૂટા ન પડી જાય તે માટે ગાંધી-પરિવારનો દોરો ટકી રહે જરૂરી છે. નહીં તો આંતરિક ખટપટો માટે કુખ્યાત કાઁગ્રેસીઓ પાર્ટીને લઈને ડૂબે તેવા છે.
ખડગેએ એ દોરો બાંધી રાખવાનો છે અને કાઁગ્રેસમાં નવું જોમ ઉમેરીને તેને ચૂંટણીનાં મેદાનમાં જીતનો ઘોડો પણ બનાવવાનો છે. 24 વર્ષમાં ખડગે પહેલા બિન-ગાંધી અધ્યક્ષ બન્યા છે એ હકીકત તેમના માટે એક મોટો ભાર છે. તેમણે એ જવાબદારીને સફળ સાબિત કરી બતાવવી પડશે. ખડગે સામે અંદર અને બહાર બંને મોરચે પડકારો છે. કાઁગ્રેસને ડૂબતું જહાજ ગણીને ઘણા નેતાઓ પાર્ટી છોડી ગયા છે, તેવા સંજોગોમાં તેમની ચૂંટણી એ ધોવાણને ખાળવા માટે અગત્યની હતી. ખડગેએ પાર્ટીને બચાવવાની પણ છે અને બદલવાની પણ છે.
બ્રિટનમાં એક જમાનાની સશક્ત લેબર પાર્ટીની આજે જે હાલત છે, તેવી જ હાલત કાઁગ્રેસની છે અને લેબર પાર્ટી માટે ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે જે કહ્યું હતું, તે કાઁગ્રેસને પણ એટલું જ લાગુ પડે છે. ગયા વર્ષે તેમણે કહ્યું હતું, “માત્ર નેતા બદલવાથી પાર્ટી ઊભી નહીં થાય. તેના માટે સંપૂર્ણ વિખંડન અને નવસર્જનથી ઓછુ ના ખપે.”
ટૂંકા ગાળામાં, ખડગેની પહેલી પરીક્ષા ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીઓ છે. બંને રાજ્યોમાં ભા.જ.પ.નો કાબૂ છે. બંને રાજ્યોમાં કાઁગ્રેસ નબળી છે એટલું જ નહીં, આમ આદમી પાર્ટી પૂરી ગંભીરતાથી ભા.જ.પ.ના મુખ્ય વિરોધ પક્ષની જગ્યા કબજે કરી રહી છે. ખડગે હજુ નવા છે એટલે આટલા ટૂંકા સમયમાં આ બે રાજ્યોમાં તે ખાસ ચમત્કાર નહીં કરી શકે, પરંતુ એમાં જેટલો પણ ધબડકો થશે તે તેમના નામે ઉધારાશે.
તેમનો લાંબા ગાળાનો પડકાર કાઁગ્રેસને એક લડાયક વિરોધ પક્ષ તરીકે અને અન્ય વિરોધી પક્ષોને એક દોરીએ પરોવાની તાકાત તરીકે સાબિત કરવાનો રહેશે. તેના માટે ખડગેએ કાઁગ્રેસની વૈચારિક દિશા નક્કી કરવી પડશે, કારણ કે આર્થિક મુદ્દાઓ, લઘુમતીઓના મુદ્દાઓ, હિન્દુત્વના મુદ્દાઓ અને રાષ્ટ્રવાદને લઈને પાર્ટીમાં સ્પષ્ટતાનો અભાવ છે, અને એટલે પાર્ટીના કાર્યકરોથી લઇને મતદારો સુદ્ધાં મુંઝવણમાં છે. અત્યાર સુધી તો કાઁગ્રેસ ભા.જ.પ. અને ખાસ તો નરેન્દ્ર મોદીની ટીકા કરવા સુધી જ સીમિત થઈને રહી ગઈ છે. તેણે જનતા સામે કોઈ વૈકલ્પિક વિચારધારા રજૂ નથી કરી.
રાહુલ ગાંધીની ‘ભારત જોડો’ યાત્રા એ દિશામાં એક નાનકડો પ્રયાસ છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં 11 જેટલાં રાજ્યોની ચૂંટણી થવાની છે. એમાં એક રાજ્ય ખડગેનું વતન કર્ણાટક છે. પાર્ટીમાં નેતાગીરીમાં અમુલ પરિવર્તન અને દક્ષિણના રાજ્યોમાં રાહુલની યાત્રા કાઁગ્રસને જો ચાવીરૂપ રાજ્યોમાં પણ સંતોષજનક લાભ કરાવી શકે, તો ખડગે માટે રસ્તો થોડો આસાન થશે. બાકી, કાઁગ્રેસનું પતન ત્યાં સુધી ચાલુ જ રહેશે, જ્યાં સુધી, ટોની બ્લેર કહે છે તેમ, તેનું વિખંડન ન થઇ જાય.
લાસ્ટ લાઈન :
“રાજકારણીઓ અને ડાઈપર્સને, એક જ કારણથી, વારંવાર બદલતા રહેવું જોઈએ.”
— માર્ક ટ્વેઇન
ઇંગ્લિશ લેખક
પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 23 ઑક્ટોબર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર