તમને જો યાદ હોય તો અયોધ્યા વિવાદનો નિર્ણય કરતી વખતે સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો ‘નનામો’ લખ્યો હતો. મતલબ કે તે ચુકાદા પર કોઈ જજના હસ્તાક્ષર નહોતા. એની સામે સવાલો થયા ત્યારે તે વખતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (અને હાલ ભા.જ.પ.ના રાજ્યસભા સદસ્ય) રંજન ગગોઈએ એક ઇન્ટરવ્યૂમાં વળતો સવાલ કર્યો હતો; “ચુકાદા પર શા માટે કોઈના હસ્તાક્ષર હોવા જોઈએ?” એના પર કાનૂની વર્તુળમાં બહુ ગુસપુસ થઇ હતી. અમુક લોકોને જસ્ટિસ ગગોઈની વાત ઉચિત લાગી હતી તો અમુક લોકોએ કહ્યું હતું આ ભારતમાં કાનૂની પરંપરાની વિરુદ્ધ છે.
કોર્ટની ભાષામાં તેને ‘પર કુરિયમ’ (બાય ધ કોર્ટ) જજમેન્ટ કહે છે. કોઈ કેસમાં એકથી વધુ જજ ઉપસ્થિત હોય ત્યારે, તેમાં બહુમતી જજના મતને કોર્ટ પોતાના નામે (બેંચના નામે નહીં) ઘોષિત કરે છે. નિયમિત ચુકાદામાં એ કેસ અંગે નિર્ણય કરનારા જજનાં નામ મુકવામાં આવે છે. ટૂંકમાં, ‘પર કુરિયમ’ ચુકાદાને પૂરી કોર્ટનો સર્વસંમત ચુકાદો ગણવામાં આવે છે. એમાં એક મુશ્કેલી એ છે કે બહુમતી બેંચમાં કોઈ જજનો ભિન્ન મત (ડિસેન્ટ) હોય તો ‘નનામા’ ચુકાદામાં તે ખબર નથી પડતો.
કાનૂનમાં ભિન્ન મત એટલે એટલે કોઈ કેસનો નિર્ણય કરતી વખતે એક અથવા એકથી વધુ જજ કાયદાનું અર્થઘટન જુદી રીતે કરે, જે બહુમતી જજથી ભિન્ન હોય. ભારતીય (અને વિશ્વમાં અન્ય દેશોમાં પણ) ભિન્ન મતનું બહુ અગત્યનું સ્થાન છે. તેનાથી ચુકાદામાં ફર્ક નથી પડતો, પરંતુ ભવિષ્યમાં અન્ય કેસની સુનાવણીઓ કે નિર્ણયો દરમિયાન ભિન્ન મત અગત્યનો સંદર્ભ બની જાય છે. દાખલા તરીકે, 1976માં, ઇન્દિરા ગાંધીની કટોકટી વખતે બહુમતી ચાર જજોએ કહ્યું હતું કે દેશમાં કટોકટી હોય ત્યારે કોઈ વ્યક્તિને તેની ગેરકાયદે અટકાયત સામે કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર નથી.
દેશના ઇતિહાસમાં જેને કલંક તરીકે ઓળખવામાં આવે છે તે કટોકટીમાં બહુમતી જજોની આવી ભૂમિકા ટીકાનું પાત્ર બની હતી અને તેમની પર સરકાર સામે ઘૂંટણીએ પડી જવાનો આરોપ મુકાયો હતો, પરંતુ એ બેંચમાં પાંચમાં જજ જસ્ટિસ એચ.આર. ખન્ના લોકશાહી અને નાગરિક સ્વાતંત્ર્યના હીરો તરીકે બહાર આવ્યા હતા. તેમણે તેમાં ભિન્ન મત આપ્યો હતો અને કહ્યું હતું કે બંધારણની કલમ 21ની ગેરહાજરીમાં પણ કાનૂનના પ્રમાણ વગર રાજ્ય તેના નાગરિકને જીવન જીવવાના અને સ્વતંત્રતાના અધિકારથી વંચિત રાખી ન શકે. કોઈ પણ સભ્ય સમાજમાં આ તો બુનિયાદી નિયમ છે, એમ જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું.
આજે સુપ્રીમ કોર્ટના એ બહુમતી ફેંસલાને કોઈ યાદ કરતું નથી, પરંતુ એચ.આર. ખન્નાના ડિસેન્ટીંગ જજમેન્ટને કોર્ટોમાં ટાંકવામાં આવે છે અને કાનૂનની સ્કૂલોમાં ભણાવામાં આવે છે. તેમને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના પ્રમોશનથી વંચિત રાખવામાં આવશે એવી સંભવનાની ખબર હતી, છતાં જસ્ટિસ ખન્ના બહુમતી ફેંસલાથી અલગ પડ્યા હતા. જાણીતા ન્યાયવિદ નાની પાલખીવાલાએ કહ્યું હતું, “જે માણસની આવી ઊંચાઈ હોય તેમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનું પદ કશું ઉમેરી ન શકે.”
1986થી 2016 સુધી અમેરિકન સુપ્રીમ કોર્ટના એસોસિએટ જજ તરીકે કામ કરનાર જસ્ટિસ એનોટોનિન સ્કાલિયાએ કહ્યું હતું કે “ઇતિહાસ ગવાહ છે કે કોર્ટના નિર્ણયો ભયાનક રીતે ભૂલ ભરેલા હતા, ત્યારે એ વાત આશ્વાસનરૂપ છે કે અમુક જજો એવા પણ હતા જેમણે જોખમને ભાળ્યું હતું અને સ્પષ્ટ રીતે તેમની ચિંતાને વ્યક્ત પણ કરી હતી.”
ડિસેન્ટીંગ જજમેન્ટની આ અગત્યતાના સંદર્ભમાં, નોટબંધી પર ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે આપેલા ફેંસલાને જોવો જોઈએ. મોદી સરકાર માટે 2023ની શરૂઆત શુભ સમાચારથી થઇ છે. 2016માં, મોદી સરકારે 500 અને 1000ની ચલણી નોટોને બજારમાંથી રાતોરાત પાછી ખેંચી લીધી હતી, તેની સામે 58 જેટલી અરજીઓ થઇ હતી. તેના પર ફેંસલો આપતાં, સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે બહુમતીથી ઠરાવ્યું હતું કે નોટબંધી કરવાનો સરકારનો નિર્ણય કાનૂની પ્રક્રિયાને અધીન હતો. અર્થાત, સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાનૂનના દાયરામાં રહીને જ નોટબંધી જાહેર કરી હતી.
સુપ્રીમ કોર્ટનો આ ફેંસલો ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે તેણે નોટબંધીનો નિર્ણય કાનૂની હતો કે નહીં તેના પર જ વિચાર કર્યો છે. તેનાથી લોકોને જે હાડમારી ભોગવવી પડી અથવા નોટબંધી કરવા પાછળનો સરકારનો હેતુ સર થયો કે નહીં તે જોવાનો કોર્ટે ઇન્કાર કરી દીધો છે. ઇન ફેક્ટ, ફેંસલો વાંચી સંભાળવનારા જસ્ટિસ બી.આર. ગવઈએ તો એમ પણ કહ્યું કે નોટબંધીથી તેના ઉદેશ્ય (બ્લેક માર્કેટિંગ અને ટેરર ફંડિંગની સમાપ્તિ) હાંસલ થયા છે કે નહીં તે પ્રાસંગિક નથી.
કુલ પાંચમાંથી 4 જજ, જસ્ટિસ એસ. અબ્દુલ નજીર, જસ્ટિસ એ.એસ. બોન્ન્પ્પા અને જસ્ટિસ વી. રામાસુબ્રમણ્યમે સરકારના આ નિર્ણયને ઉચિત ઠેરવ્યો હતો પરંતુ પાંચમા મહિલા જજ, જસ્ટિસ બી.વી. નાગરત્ન તેમની સાથે સંમત ન થયાં અને તેમણે ભિન્ન મત આપ્યો. નોટબંધીના કારણ દેશમાં લોકોને જે હાલાકી ભોગવવી પડી અને અર્થતંત્રને કમરટોડ ફટકો પડ્યો તેની વેદનાનો પડઘો જસ્ટિસ નાગરત્નના ભિન્ન મતમાં પડ્યો છે. તેમણે નોટબંધીના નિર્ણયની યોગ્યતા પર સવાલ ઉઠાવતાં પાંચ મહત્ત્વની વાતો કરી હતી;
1. સરકારે 500 અને 1000ની નોટો પાછી ખેંચવાની ભલામણ કરી તેમાં રિઝર્વ બેંકે તેના દિમાગનો સ્વતંત્ર ઉપયોગ કર્યો નહોતો. આખી પ્રક્રિયા 24 કલાકમાં પાર પાડવામાં આવી હતી એટલે બેંકને વિચારવાનો સમય પણ આપવામાં આવ્યો નહોતો.
2. આ ભલામણ સરકારની હતી, બેંકની નહીં. સરકારે પત્ર લખ્યો હોય અને બેંક તેના પર મત્તું મારે તેને ‘બેંકની ભલામણ’ ન કહેવાય. બીજું, આર.બી.આઈ.ના એક્ટના સેક્શન 26(2) મુજબ આ ભલામણ કોઈ એક સિરીઝની નોટો માટે છે, આખી સિરીઝ માટે નહીં. બહુમતી જજોએ સેક્શનમાં ‘કોઈપણ’ (‘એની’) શબ્દનો અર્થ ‘તમામ’ (‘ઓલ’) કર્યો છે તે ખોટો છે.
3. બેંક કોઈ ચોક્કસ સિરીઝની નોટ પાછી ખેંચી લે તેની સરખામણીમાં, કેન્દ્ર સરકાર તમામ સિરીઝને પાછી ખેંચી લેવાની ભલામણ કરે એ વધુ ગંભીર બાબત છે. એ કામ વૈધાનિક નોટિફિકેશન કરવું જોઈતું હતું, વહીવટી નોટિફિકેશનથી નહીં. આવી નિર્ણાયક બાબતમાં સંસદની ઉપેક્ષા કરવામાં આવે તે લોકશાહી માટે બરાબર નથી.
4. નોટબંધીના પગલાંથી ઊભી થયેલી સમસ્યાઓની બેંકના કેન્દ્રીય બોર્ડને ખબર હતી કે નહીં તે એક પ્રશ્ન છે. આટલા મોટા પ્રમાણમાં બેંક નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાથી તેની પ્રતિકૂળ અસરો કેવી પડશે તે બોર્ડે વિચાયું હતું ખરું? કેન્દ્રીય બોર્ડનો ઉદેશ્ય ભલે ઉમદા અને ઉચિત હોય, પણ જે રીતે તેનો અમલ કરવામાં આવ્યો હતો તે કાનૂની નહોતો.
5. નોટબંધી પાછળનો ઉદેશ્ય ઉત્તમ હતો પરંતુ તે કરવા માટેનાં પગલાં કાનૂની વિશ્લેષણમાં ગેરકાનૂની હતાં.
સુપ્રીમ કોર્ટની ન્યાયિક દરમિયાનગીરીને માત્ર નોટબંધી કરવાના નિર્ણયની પ્રક્રિયા સુધી જ સીમિત રાખી હતી અને બહુમતીથી ચાર જજોએ પ્રક્રિયાને દોષમુક્ત જાહેર કરીને બીજી કોઈ ટીપ્પણી કરવાનું યોગ્ય ન માન્યું. કોર્ટના આ વલણથી નાગરિકોને જે તકલીફ ભોગવવી પડી તેની ગંભીરતા હલકી પડી ગઈ. નોંધવા જેવી વાત એ છે કે દેશમાં આમ લોકોમાં નોટબંધીને લઈને કોઈ સકારાત્મક ભાવના નથી કારણ કે તેમને જે તકલીફ ભોગવવી પડી તેનો ફાયદો કે પરિણામ શું આવ્યું તેનો તેની પાસે કોઈ જવાબ નથી. એમાં તો સરકાર પાસે પણ કોઈ જવાબ નથી અને એટલે જ દરેક ચૂંટણી સભામાં પોતાની સિદ્ધિઓ ગણાવતી સરકારે એકવાર પણ નોટબંધીને તેની સફળતામાં સામેલ નથી કરી. સરકારને ખબર છે કે લોકોમાં તેને લઇને રોષ છે અને એટલે જ સરકાર એવી રીતે વર્તી રહી છે જાણે નોટબંધી જેવું કશું હતું જ નહીં.
એટલે છ વર્ષ પછી સુપ્રીમ કોર્ટ તે નિર્ણયને ઉચિત ઠેરવતો ફેંસલો આપે તેમાં ન તો સરકારને કોઈ ખુશી છે કે ન તો લોકોને તેની ખાસ પડેલી. વિરોધ પક્ષો આક્રમક રીતે તર્ક આપી રહ્યા છે કે જાત-ભાતના સ્પેશ્યલ દિવસો મનાવતી સરકાર ‘નોટબંધી દિવસ’ કેમ નથી મનાવતી? વિવેકપૂર્ણ દૃષ્ટિએ જોવા જાવ તો સુપ્રીમ કોર્ટ દ્વારા બીજો કોઈ ફેંસલો આવવાની સંભાવના પણ નહોતી. જાણે કે તે એક દુ:સ્વપ્ન હતું અને તેને ‘ન થયું’ ગણવાનું શક્ય નહોતું.
મજાની વાત એ છે કે આ ફેંસલાને તમે ચાહે તે રીતે લઇ શકો છો. શાસક ભા.જ.પ.ના પ્રવકતાઓ બહુમતી જજોના નિર્ણયને સરકારની જીત તરીકે ગણાવે છે. 58 અરજીકર્તાઓ, વિપક્ષો અને સરકારના ટીકાકારો જસ્ટિસ નાગરત્નના ભિન્ન મતને સરકારને પડેલી ફટકાર તરીકે આગળ ધરે છે. સરવાળે એટલું જ કહેવાય કે જેમ નોટબંધી એક વ્યર્થ કવાયત હતી, તેમ સુપ્રીમ કોર્ટે પણ આ કેસ પાછળ સમય જ બરબાદ કર્યો છે. દેશના એક એક નાગરિકને સ્પર્શતા આ મુદ્દા પર નિર્ણય ન લેવો એ પણ એક પ્રકારનો નિર્ણય જ છે.
લાસ્ટ લાઈન :
“આ નિર્ણયથી ટૂંકા ગાળ માટે તકલીફ પડશે. પુન:મુદ્રીકરણના સમય દરમિયાન કરન્સીની અછતથી આર્થિક ગતિવિધિને થોડો સમય અસર થશે.”
— તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલી
“જે લોકો એમ કહે છે કે નોટબંધી લાંબા ગાળા માટે ફાયદાકારક છે તેમણે યાદ રાખવું જોઈએ કે લાંબા ગાળે તો આપણે બધા મરી જવાના છીએ.”
— ડો. મનમોહન સિંહ
પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 જાન્યુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર