
રાજ ગોસ્વામી
મે મહિનાની 28મી તારીખે, ઉત્તર-પશ્ચિમ દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં એક નૃશંસ ઘટના બની. એક 16 વર્ષની છોકરીને તેના પ્રેમીએ ધોળે દિવસે ચાકૂના ઉપરાછાપરી 20 વાર કરીને, લાતોથી ફટકારીને અને વજનદાર પથ્થર મારીને મારી નાખી. આખી ઘટના નજીકના સી.સી.ટી.વી.માં કેદ થઇ અને તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયાં. ઘટનાની ક્રૂરતા તો સ્તબ્ધ કરનારી હતી જ, પણ ફૂટેજમાં બીજી આશ્ચર્યજનક વાત એ હતી કે એ છોકરો જે ગલીમાં છોકરીને દીવાલ સરસી જડી દઈને તેની હત્યા કરી રહ્યો હતો ત્યારે, તેની આજુબાજુમાંથી લોકો એવી રીતે પસાર થઇ રહ્યા હતા જાણે કશું જ બન્યું નથી. દૂર રખડતો એક કૂતરો વળી-વળીને છોકરાની હિંસા અને છોકરીની બેબસીને જોતો હતો!
રાહદારીઓની આવી અસંવેદનશીલતા જોઇને દેશના લોકોને ગુસ્સો આવી ગયો. એ છોકરાને જો રોકવામાં આવ્યો હોત તો છોકરીની જિંદગી બચી ગઈ હોત. એક તો એ એકલો હતો, બીજું તેની પાસે ઘરમાં વપરાતું ચાકૂ હતું, તમંચો નહીં, અને ત્રીજું આસપાસમાં સારી એવી અવરજવર હતી. લોકોએ ભેગાં થઈને છોકરાને બહુ સરળતાથી ભોંયભેગો કરી દીધો હોત, પણ એવું ન થયું. લોકોની હાજરીમાં સરેઆમ એક આશાસ્પદ જિંદગી બુઝાઈ ગઈ.
લોકોએ આવી બેપરવાઈ કેમ બતાવી? આપણે સામાન્ય રીતે તેનો અર્થ એવો કાઢીએ છીએ લોકોમાં માનવતા મરી પરવારી છે અથવા તો લોકો પોલીસ કે બીજા-ત્રીજાના લફડામાં પડવા માંગતા નથી અથવા લોકો પાસે સમય નથી વગેરે, પણ આવા ઉદાસીન વ્યવહાર પાછળ તેના કરતાં પણ પાછળ ગહન સામાજિક મનોવિજ્ઞાન છે : કોઈ માણસ સમૂહમાં હોય ત્યારે સંકટગ્રસ્ત વ્યક્તિને મદદ કરવાનું ટાળે છે, પણ એ એકલો હોય, તો તે મદદ કરવા તત્પર હોય. બીજી રીતે કહેવું હોય તો, આજુબાજુમાં લોકોની સંખ્યા જેમ વધુ હોય, તે મદદ કરે તેની સંભાવના ઓછી હોય. આને મનોવિજ્ઞાનમાં ‘બાયસ્ટેન્ડર ઈફેક્ટ’ કહે છે. ગુજરાતીમાં તેને મૂકદર્શક બનવું કહેવાય.
1964માં, ન્યૂયોર્કમાં કિટ્ટી જેનોવેસ નામની એક 28 વર્ષની બારટેન્ડરનો, તેના એપાર્ટમેન્ટ પાસે વિન્સ્ટન મોસ્લે નામના એક માણસે બળાત્કાર કર્યો, અને પછી ચાકૂ મારીને તેને મારી નાખી. બે અઠવાડિયા પછી, ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ સમાચારપત્રએ એક સનસનીખેજ અહેવાલ પ્રગટ કર્યો કે આ અપરાધના 38 સાક્ષીઓ હતા, પણ કોઈએ ન તો પોલીસને જાણ કરી કે ન તો પીડિતાની મદદ કરી.
એ પછી, અમેરિકામાં આ પ્રકારની અપરાધની ઘટનાઓ પર મનોવિજ્ઞાનીઓએ વિચારવાનું શરૂ કર્યું અને પ્રયોગો પણ કર્યા. તેના પરથી તેમણે ક્રાઉડ સાઈકોલોજીના બે મહત્ત્વનાં તારણ કાઢ્યાં. પહેલા તારણમાં તેમણે કહ્યું કે અપરાધની ઘટનાને જોવા વાળા એક કરતાં વધુ લોકો હોય, તો તેમનામાં જવાબદારીની ભાવનામાંથી ખસી જવાની ભાવના પેદા થાય છે. તેની સાથે બીજા લોકો પણ છે એટલા માટે એક વ્યક્તિમાં અપરાધને રોકવા માટે કશું કરવાનો માનસિક દબાવ નથી બનતો. તેને (અચેતન સ્તરે) એવું લાગે છે કે તેની જવાદારી વહેંચાઇ ગઈ છે. અર્થાત, કંઈ કરવા માટે હું એકલો જવાબદાર નથી.
બીજું કારણ દેખાદેખી છે. આપણે સમૂહમાં હોઈએ ત્યારે કાયમ બીજાના વ્યવહારને અનુસરીએ છીએ. આપણે સામાજિક પ્રાણી છીએ. સમૂહમાં એકલા પડવા કરતાં આપણે સમૂહ સાથે રહેવાનું પસંદ કરીએ છીએ. એટલે જો સમૂહમાંથી જો કોઈ કશું ન કરે તો હું પણ નિષ્ક્રિય રહીશ, પણ જો કોઈક પહેલ કરશે તો મને પણ તેને અનુસરવાનું મન થશે. એક સભ્ય, સજ્જન માણસ પણ ટોળાંમાં ભળીને હિંસા કરવા સક્ષમ બને છે તેનું કારણ પણ આ જ છે. એ જ રીતે, પૂર કે ધરતીકંપ જેવી આપદામાં બીજાનું જોઈને જ એક વ્યક્તિ મદદ માટે દોડી જાય છે.
મનોવિજ્ઞાનીઓએ એવો પણ નિષ્કર્ષ કાઢ્યો કે ઘટના જો સંદેહાત્મક હોય તો પણ લોકો એમાં દરમિયાનગીરી ન કરે. કિટ્ટી જેનોવેસના કિસ્સામાં 38 સાક્ષીઓમાંથી ઘણાએ કહ્યું હતું કે તેમને એવું લાગ્યું હતું કે આ બે પ્રેમીઓ વચ્ચેની તકરાર છે અને તેમને એ અંદાજ જ ન આવ્યો કે છોકરીની હત્યા થઇ રહી છે. દિલ્હીના કિસ્સામાં પણ જ્યારે કોર્ટમાં સાક્ષીઓને બોલવામાં આવશે ત્યારે, તેમની પણ આવી જ દલીલ હશે.
પરિસ્થિતિ દીવા જેવી સ્પષ્ટ ન હોય ત્યારે લોકો એકબીજાનાં મોઢાં જુવે છે અને રાહ જુવે છે કે કોઈક કશુંક કરે, જેથી એમને પણ ખબર પડે કે શું કરવું જોઈએ. એમાં બે જ સંભાવના હોય છે; કોઈક આગળ આવે તો તેની પાછળ બીજા પણ આગળ આવે, અને બધા જો મૂકદર્શક બનીને ઊભા રહે તો કશું કરવા માંગતો માણસ પણ તમાશો જોયા કરે.
આ મનોવિજ્ઞાન કોઈ રોકેટ સાયન્સ નથી. માણસો આવું સદીઓથી કરતા આવ્યા છે. ડાકૂઓ અને ગુંડાઓની અનેક હિન્દી ફિલ્મોમાં તમે એવાં દૃશ્યો જોયાં હશે, જેમાં કોઈ અપરાધ થતો હોય ત્યારે લોકો નિષ્ક્રિય બનીને તમાશો જોતા હોય.
આનો અર્થ એ થયો કે નૈતિક હિંમત જન્મજાત નથી, એ એક સામાજિક સ્કિલ છે, અને લોકો એકબીજાનું જોઇને તે શીખે છે. દાખલા તરીકે, મહાત્મા ગાંધીને આફ્રિકામાં ગોરાઓ માટેના ડબ્બામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા, ત્યારે રંગભેદનો અનુભવ કરવાવાળા એ પહેલા ભારતીય નહોતા. મોટા ભાગના ભારતીયો માટે એ ભેદભાવ ‘નોર્મલ’ હતો. તેમણે એ માની લીધું હતું કે ગોરા શ્રેષ્ઠ છે અને કાળા કનિષ્ઠ.
ગાંધીજીએ, તેમના અનુભવ, ઉછેર અને વાંચનના કારણે, હિંમત કરીને તે ભેદભાવને ચલાવી લેવાનો ઇન્કાર કર્યો. તેમનું જોઈને બીજા લોકોને પણ હિંમત આવી અને પછી તો રીએક્શનની એવી ચેઈન શરૂ થઇ કે આખા ભારતમાં અંગ્રેજો સામે વિદ્રોહ ફાટી નીકળ્યો.
આને બટરફ્લાય ઈફેક્ટ પણ કહેવાય. 1990માં આવેલી હોલિવૂડ ફિલ્મ ‘હવાના’માં, એકટર રોબર્ટ રેડફોર્ડ, એક્ટ્રેસ લેના ઓલિનને કહે છે, “ચીનમાં એક ફૂલ પર પતંગિયું પાંખો ફફડાવે, તો કેરેબિયામાં ચક્રવાત સર્જાઇ શકે છે.” આ સંવાદ પાછળ વૈજ્ઞાનિક તર્ક હતો. 1970માં, એડવર્ડ લોરેન્ઝ નામના હવામાનશાસ્ત્રીએ કોમ્પ્યુટર પર હવામાનનું મોડેલ તૈયાર કરતી વખતે નંબર નાખવામાં એક નાનકડી ભૂલ કરી, તો તાપમાન અને હવાની ગતિનો ગ્રાફ ધાર્યા કરતાં જુદો જ બન્યો, જેમાં ચક્રવાતની આગાહી હતી. તેના પરથી તેણે કહ્યું હતું કે, “બ્રાઝિલમાં ઉડતું પતંગિયું ટેકસાસમાં વંટોળ ઊભો કરી શકે.”
તર્ક એવો હતો કે, કોઈ એક ચોક્કસ સમય અને જગ્યાએ પતંગિયાના ફફડાટથી હવામાં તરંગ પેદા થાય, પછી એમાંથી ડમરી બને અને ધીમે ધીમે એ ક્યાંક દૂર જઈને આંધીમાં તબદીલ થઈ જાય.
સૃષ્ટિમાં દરેક ચીજ પરસ્પર જોડાયેલી છે. એમાં એક નાના ફેરફારની અસર સમગ્ર સૃષ્ટિ પર પડે છે. પ્રત્યેક અણુ પાડોશી અણુને પ્રભાવિત કરે છે. ચીનના વુહાન શહેરની એક લેબોરેટરીમાં એક નાનકડો અકસ્માત થયો, અને સમગ્ર માનવજાત તેનાથી પ્રભાવિત થઈ.
આપણે પણ એ જ રીતે આસપાસના લોકોને, પ્રભાવિત કરીએ છીએ, અને આપણા જીવનમાં પણ, સકારાત્મક રીતે કે નકારાત્મક, કોઈ એક નાની ઘટના, આપણી કોઈ એક નાની ચોઇસ, એક સૂક્ષ્મ આદત, કોઈ એક એક્શન આપણા બાકીના જીવનમાં બટરફલાય ઇફેક્ટ પેદા કરે છે.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 11 જૂન 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર