એવું કહેવાય છે કે ગુજરાતીઓ બહુ પુસ્તકો ખરીદતાં નથી. કદાચ એટલા માટે જ, સુરેશભાઈ છગનલાલ શાહ પુસ્તકો વેચવાં માટે છેક તત્કાલીન બેંગલોર જતા રહ્યા હતા, અને ત્યાં જઈને તેમણે એવાં અને એટલાં પુસ્તકો વેચ્યાં કે ગયા અઠવાડિયે ૨૫મી મેના રોજ, ૮૪ વર્ષની વયે તેમનું અવસાન થયું, ત્યારે તેઓ તેમની પાછળ સમગ્ર એશિયાના સૌથી મોટા બૂકસ્ટોર, સપના બૂક હાઉસની વિરાસત મૂકીને ગયા હતા. કોરોનાની મહામારી અનેક લોકોને આપણી વચ્ચેથી અણધાર્યા ઉપાડી ગઈ છે. એક એક સમાચારો આંચકા સમાન છે. એવી અનેક જિંદગીઓ અચાનક ટૂંકાઈ ગઈ છે, જેમાં હજુ ઘણી સંભાવનાઓ બાકી હતી.
સુરેશ શાહની અલવિદાના સમાચાર પણ એવા જ છે. કર્ણાટકના અનેક પુસ્તકપ્રેમીઓ માટે મંગળવારનો દિવસ મનહૂસ હતો. થોડા દિવસથી તેઓ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા હતા, પણ વધતી ઉંમર અને વાઇરસની જુગલબંધી સામે ડોકટરો હારી ગયા. કર્ણાટકના સાહિત્ય જગતમાં એ મોટી ખોટ હતી. રાજ્યના મુખ્ય મંત્રી બી.એસ. યેડીયુરપ્પા, તેમના શિક્ષણ મંત્રી અને અનેક કેબીનેટ સાથીઓએ સુરેશ શાહના જવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.
કર્ણાટક સરકારે સપના બૂક હાઉસને ૨૦૦૮માં કર્ણાટક રાજ્યોત્સવ પુરસ્કાર આપ્યો હતો. લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સળંગ સાત વર્ષ સુધી તેનું નામ દર્જ હતું. ૨૦૧૬ સુધી, સપના બૂક હાઉસે ૫૦૦ લેખકોનાં ૫,૦૦૦થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા હતાં. જેમાં જ્ઞાનપીઠ અને સાહિત્ય એકાદમી પુરસ્કાર વિજેતા લેખકો પણ હતા. સપના બૂક હાઉસે બ્રાઝિલમાં રહેતા કન્નડીગાઓ માટે કન્નડ ભાષામાં ૫,૦૦૦ પુસ્તકો નિકાસ કર્યા હતાં.
વિચાર કરો કે જે છોકરો મુંબઈના ગુજરાતીઓથી ભરેલા ઉપનગર ઘાટકોપરના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના માલ-સામાન ઊંચકવાનું કૂલીનું કામ કરતો હોય, તે એક દિવસ ૧ લાખ પુસ્તકોનો ભાર વહન કરતો પુસ્તક વિક્રેતા બની જાય, એ હકીકત પોતે જ એક પુસ્તકની કહાનીથી કમ નથી.
સુરેશ શાહના પિતા છગનલાલ શાહ ગુજરાતના ધોરાજી શહેરના વતની હતા, પણ કામધંધા અર્થે મુંબઈના ઘાટકોપર ઉપનગરમાં સ્થાયી થયા હતા. છગનલાલ કાલબાદેવીમાં આવેલા કોટન એક્સચેન્જમાં કામ કરતા હતા. ૩ માર્ચ ૧૯૩૮ના રોજ સુરેશભાઈનો જન્મ થયો હતો. બાળપણથી સુરેશભાઈને લખવા-વાંચવાનો શોખ હતો, પરંતુ ઘરમાં બે છેડા માંડ ભેગા થતા હતા, એટલે તેમણે પણ પિતાને હાથ લાંબો કરવો પડ્યો હતો. “હું ૧૦ વર્ષનો હતો ત્યારથી મારા પિતાને એક્સચેન્જમાં મદદ કરતો હતો. પરિવારમાં હું જ મોટો દીકરો હતો,” એવું તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.
વાંચવા-લખવાના શોખના કારણે સુરેશભાઈ દસમા ધોરણમાં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયા હતા, પણ ગરીબીના કારણે કોલેજનું ભણતર પૂરું કરી ન શક્યા. એના બદલે બે પૈસા કમાવા માટે એ પૈસાદાર ઘરોમાં સાબુ અને મોતી જેવી ચીજવસ્તુઓ પહોંચાડવાના ધક્કા-ફેરા કરતા હતા.
ઘાટકોપર રેલવે સ્ટેશનના માસ્તર સુરેશભાઈને ઓળખે અને એ માસ્તરે જ શહેરમાં રખડવા કરતાં સ્ટેશન પર કામ કરવા સૂચન કર્યું. એમાં સુરેશભાઈએ કૂલીનું કામ શરૂ કર્યું. માણસમાં ઘગશ હોય, તો જે પણ કામ કરે તે ખંતપૂર્વક જ કરે. સુરેશભાઈ ભલે ભણી ન શક્યા, પણ કૂલીના કામમાં પણ એવી જવાબદારી બતાવી કે મુંબઈ કૂલી એસોસિયેશનના ઘાટકોપર ડિવિઝનના પ્રમુખ બની ગયા.
ઘાટકોપર સ્ટેશન પર તેમનો પરિચય પોકેટ બૂક્સના વિતરક તુલસી શાહ સાથે થયો. ભાવતું હતું ને વૈધે કહ્યું. સુરેશભાઈએ તેમની ઓફીસમાં કામ શરૂ કર્યું. પુસ્તકોની દુનિયામાં તેમનાં કદમ અહીંથી મુકાયાં. જે ખંતથી કૂલીનું કામ કરતા હતા અને તેના કરતાં ય વધુ ગંભીરતાથી તે પુસ્તકોનું કામ કરતા હતા. ગમે તેમ તો ય કૂલીગીરીમાં સન્માન તો ન જ હતું. તુલસી શાહે કામથી ખુશ થઈને સુરેશભાઈને કંપનીની બેંગલોર ઓફીસમાં પ્રમોશન આપ્યું.
૬૦ના દાયકામાં, સુરેશભાઈ, તેમની પત્ની ભાનુમતી અને દીકરા નીતિનને લઈને બેંગલોર આવ્યા હતા. એ કામમાં ય સુરેશભાઈએ સફળતાના ઝંડા ફરકાવ્યા અને એમાંથી જ પુસ્તકો વેચવાનો આગવો વ્યવસાય શરૂ કરવાનું સાહસ આવ્યું. બેંગલુરુના ગાંધીનગર વિસ્તારમાં દસ બાય દસની પાનની એક દુકાનમાં સુરેશ શાહે પુસ્તકો વેચવાનું શરૂ કર્યું હતું. જે ખંત ઘાટકોપર સ્ટેશને માલ-સામાન ઊંચકવામાં હતો, એ જ ખંત ખુદનો વ્યવસાય જમાવામાં હતો. આજે એ ખંતના પ્રતાપે સપના બૂક હાઉસના નામથી ગાંધીનગરમાં ૪૦,૦૦૦ ચોરસ ફૂટના સ્ટોરમાં અંગ્રેજી, કન્નડ અને અન્ય ભાષાઓનાં મહાનથી લઈને નવોદિત લેખકોનાં પુસ્તકો છે, અને પૂરા રાજ્યમાં ૧૭ રિટેલ સ્ટોર છે.
આજે તેમનો દીકરો નીતિન શાહ કંપનીનો મેનેજીંગ ડિરેકટર છે, અને ત્રીજી પેઢીનો વંશજ, નિજેશ શાહ તેનો સી.ઈ.ઓ. છે. નીતિન શાહ એક ઈન્ટરવ્યુમાં કહે છે, “પોતાનો બૂક સ્ટોર હોય તે સ્વપ્ન મારી માતાનું હતું. તેમણે જ મારા પિતાને સાહસ આપ્યું હતું. તેમને ત્રણ દીકરા હતા, અને દીકરીનું સ્વપ્ન અધૂરું રહ્યું હતું. એટલે તેનું નામ સપના બૂક સ્ટોર છે.”
આજે સપના બૂકની બ્રાંડ તળે સાઈઠ ટકા પુસ્તકો અને બાકી સ્ટેશનરી, મલ્ટીમીડિયા પ્રોડક્ટ્સ, સ્પોર્ટ્સની વસ્તુઓ અને અન્ય ચીજો વેચાય છે. પુસ્તકોમાં ફિક્શનથી લઇને નોન-ફિક્શન, સ્કૂલ-કોલેજનાં પાઠ્યપુસ્તકો, મેનેજમેન્ટ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં મટીરિયલ પણ રાખવામાં આવે છે. ૧૯૯૪થી તે કન્નડ ભાષામાં પણ પુસ્તકો પ્રગટ કરે છે. માત્ર કર્ણાટક જ કેમ? બીજા રાજ્યમાં કેમ નહીં? નીતિન શાહ જવાબમાં કહે છે, “સપના અને બેંગલુરુ સાથે જ મોટાં થયાં છે. બેંગલુરુ મારો પ્રથમ પ્રેમ છે.”
સુરેશ શાહનો પૌત્ર નિજેશ શાહ આ ‘સપના’ને હવે ઈ-કોમર્સમાં લઇ જવાનું કામ સંભાળે છે. ઇન્ટરનેટનો વિકાસ થયો અને એમેઝોન અને ફ્લિપકાર્ટે ઓનલાઈન સ્ટોર શરૂ કર્યો પછી સપના બૂક હાઉસે પણ એ દિશામાં ઝંપલાવ્યું છે. “અમે ઓનલાઈનમાં શિક્ષણનાં પુસ્તકોમાં ઘણું કામ કરી રહ્યા છીએ. અમે ૧૦,૮૦૦ સ્કૂલ અને કોલેજોને મટીરિયલ પૂરું પાડીએ છીએ. અમે આફ્રિકન દેશ ઘાનામાં પુસ્તકો સપ્લાય કરીએ છીએ. ત્યાં અમારી ઓફીસ પણ છે, અને તેના મારફતે ત્યાંની પાંચ યુનિવર્સિટીમાં પુસ્તકો આપીએ છીએ.”
ગુજરાતમાં ભલે એવું કહેવાતું હોય કે લોકો પુસ્તકો ખરીદતાં-વાંચતાં નથી, સુરેશ શાહે એકવાર તેનો ઇન્કાર કરતાં કહ્યું હતું કે લોકોમાં વાંચન વધી રહ્યું છે તેની સાબિતી સપના બૂક હાઉસની પ્રગતિમાં છે. “ભારતમાં બીજો એવો કયો સ્ટોર છે જે જ્યાં અલગ-અલગ વિષયોનાં એક સાથે ૧ લાખ પુસ્તકો હોય?” એવું સુરેશભાઈએ પૂછ્યું હતું. એકવારના કૂલી માટે આનાથી મોટું ગૌરવ શું હોય?
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’, નામે લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ’, 06 જૂન 2021
સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાભાર