ગોધરામાં 12 જાન્યુઆરી 2025ના રોજ, ‘ગુજરાત-મુંબઈ રેશનાલિસ્ટ એસોસીએશન’ અને ‘હ્યુમેનિસ્ટ રેશનાલિસ્ટ એસોસીએશન’ દ્વારા યોજાયેલા પરિસંવાદમાં વ્યાખ્યાન આપેલું તેના મુખ્ય મુદ્દાઓ :
[1] રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભકિતને નામે નેતાઓ લોકોને દેશ માટે બલિદાન આપવાનું કહે છે પણ પોતે ભાગ્યે જ કશું બલિદાન આપે છે. દેશ પ્રત્યે નાગરિકની ફરજ છે, એમ કહીને સતત નાગરિકોને પોતાના અધિકારોને ભૂલી જવાનું કહેવામાં આવે છે એ તદ્દન અતાર્કિક બાબત છે. ભારતના જે સૈનિકો આતંકવાદમાં મરે છે તેઓ મોટે ભાગે ગરીબ પરિવારોના જ હોય છે. ગરીબો દેશ માટે જાન આપે છે, ધનવાનો નહિ, રાજકીય નેતાઓ નહિ. રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ નાગરિકોના અધિકારો કોરાણે મૂકવાનું કાવતરું હોય છે.
[2] સંસ્કૃતિને રાષ્ટ્રત્વની વ્યાખ્યામાં બાંધવામાં આવે છે. પણ રાષ્ટ્ર જેવું કશું ખરેખર હોતું જ નથી. રાષ્ટ્ર તો એક કલ્પના છે કે જે લોકો પર ઠોકી બેસાડવામાં આવે છે. વિચાર, વર્તન, સંકેતો, સંચાર અને સંબંધો સમાન હોય ત્યારે રાષ્ટ્ર બને છે એવી વિભાવનામાં નાગરિક જ ભૂલાઈ જાય છે, કે જેને માટે રાષ્ટ્ર કલ્પવામાં આવ્યું છે.
[3] ભાષા, સંસ્કૃતિ, ધર્મ, જાતિ, ભૌગોલિક એકતા અને રાજકીય એષણા થકી રાષ્ટ્ર બને છે. એને રાજ્ય હોય પણ ખરું અને ન પણ હોય. સવાલ સૌ સાથે મળીને શાંતિથી જીવે તે છે, કારણ કે માણસજાતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને રાજ્ય બનાવ્યું હોય છે.
[4] રાષ્ટ્રવાદ લોકોને એવું શીખવે છે કે તેમનો દેશ જ મહાન છે, તેમનો ધર્મ અને તેમની સંસ્કૃતિ જ મહાન છે, શ્રેષ્ઠ છે અને બીજા બધાને તે ઊતરતી કક્ષાના ગણે છે. જગતમાં વ્યાપેલી અશાંતિનું એક અગત્યનું કારણ આ છે કારણ કે આ તદ્દન બુદ્ધિ વગરની વાત છે. હિટલર એમ જ કહેતો હતો કે જર્મનો આર્ય છે અને તેઓ જ જગત પર શાસન કરવાને લાયક છે. વિશ્વગુરુ થવાના અભરખા પણ કંઈક આ જ રીતના લાગે છે. એનું પરિણામ સહેજે સ્પષ્ટ છે.
[5] રાષ્ટ્રભક્તિ હોય પણ એ જ્યારે નેતાભક્તિ કે સરકારની ભક્તિમાં પરિણમે છે ત્યારે તે વધારે મૂર્ખાઈભરી બને છે.
[6] દેશની અખંડતા એટલા માટે જાળવવાની હોય છે કે જેથી લોકોનું કલ્યાણ એમાં રહેલું છે. પણ સૌને માટે સમાન રાજકીય, આર્થિક અને સામાજિક ન્યાય મહત્ત્વનો છે.

સેમ્યુઅલ જ્હોનસન
[7] જગતભરના દેશોના નકશાઓ બદલાતા રહ્યા છે. એટલે નકશાઓને નહિ, એની સરહદોમાં રહેતા અને સરહદોની પેલે પાર રહેતા મનુષ્યોને વધુ પ્રેમ કરવાની જરૂર છે. એ જ વધુ બુદ્ધિપૂર્વકનું કૃત્ય હોઈ શકે.
[8] વિખ્યાત બ્રિટિશ સાહિત્યકાર સેમ્યુઅલ જ્હોનસન એમ કહે છે કે, ‘રાષ્ટ્રભક્તિ એ હરામખોર લોકોનું છેલ્લું આશ્રયસ્થાન હોય છે.’ નેતાઓ અને રાજકીય પક્ષોને લોકોની લાગણીને ભડકાવવા રાષ્ટ્રભક્તિના ઓઠાની જરૂર પડે છે. એમની પાસે બીજું કોઈ સાધન રહેતું નથી ત્યારે તેઓ દેશભક્તિનું સૂત્ર લઈ આવે છે. 2016ની નોટબંધી વખતે એમ જ થયું હતું. લોકોને 50 દિવસ દેશ માટે બલિદાન આપવાનું કહેવામાં આવ્યું હતું. જેણે આ કહ્યું એણે કયું બલિદાન આપ્યું હતું?
[સૌજન્ય : પ્રો. હેમંતકુમાર શાહ]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()





“વાર્તાનું પહેલેથી ખેંચાણ હતું. હું કથા સાહિત્ય જ વાંચતી. ઉત્તમ વાંચું. 1987માં મારો પહેલો વાર્તાસંગ્રહ પ્કશિત થયો. એના ત્રણેક વર્ષ પહેલાં મેં વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હશે. જેમ જેમ જીવનની નજીક આવતી ગઈ તેમ તેમ વાર્તાઓ લખાતી ગઈ. મને રસ માણસોમાં છે. પહેલાં મને પાત્ર મળે. પછી વાર્તા આવે. ઝૂંપડપટ્ટીઓમાં જવા લાગી, રેડ લાઈટ એરિયામાં જવા લાગી, રેલવે પ્લેટફોર્મ પર જવાનું શરૂ કર્યું, એટલે એટલાં બધાં માણસો મળ્યા, એટલાં બધાં પ્રશ્નો, એટલી બધી પીડા; આ બધું પ્રત્યક્ષ થયું. ત્યારે મારી કલમ વેગમાં ચાલવા લાગી … મારી સ્પષ્ટ સમજ હતી કે વાર્તા ખોવાઈ જવી ન જોઈએ. સીધી ભાવકના હ્રદયમાં પહોંચવી જ જોઈએ. મેં જ્યારે લખવાનું શરૂ કર્યુ ત્યારે એવો ઝોક હતો કે વાર્તા જેટલી ન સમજાય એટલી વાર્તા ઉત્તમ ! લખ્યું અને સમજાઈ ગયું તેને વાર્તા થોડી કહેવાય? ન સમજાય તેવી વાર્તા સમજાવવા વિવેચકો કલમ ઉપાડે તે તો અઘરું જ ! વાર્તા તો આવી ન જ હોવી જોઈએ. વાર્તામાં શું ન હોવું જોઈએ એની ખબર પડી. શું હોવું જોઈએ એની પછી ખબર પડી. ભાષાની ચબરાકી ઓછામાં ઓછી હોવી જોઇએ. સીધી વાત વધારેને વધારે હોવી જોઈએ. તમારે માણસના હ્રદય સુધી જ પહોંચવાનું છે. સંવેદનો પોતીકા બનતા ગયાં. જે લોકો બીજાનું જીવન જીવી શકે છે તે નસીબદાર છે. માત્ર પોતાનું જીવન જીવતાં નથી. આપણે કેટલાં બધાંનું જીવન જીવી શકીએ છીએ. મર્યાદિત જીવનમાં, એક સાથે કેટલાં બધાં જીવન જીવી શકો છો, કોઈના જીવનમાં ઊંડા ઊતરી શકો છો, એ કેટલાં ભાગ્યની વાત છે. મેં લોકોની આંખો વાંચવાની સાધના કરી. એ બોલતો નથી પણ આંખોમાં પીડા છે. એ માણસની હોય કે પ્રાણીની હોય કે બાળકની હોય. એ પીડા પામવાનું કામ અને પછી એને વ્યક્ત કરવાનું કામ, કરવા જેવું છે એવું લાગ્યું અને લખાયું.”
“મને ઘણાં બધાં વાર્તાકારોમાં રસ પડ્યો. મારાં સમકાલીન મોહન પરમાર, કિરીટ દૂધાત, બીપીન પટેલની વાર્તાઓમાં રસ પડ્યો જ. ધીરુબહેન પટેલ, સરોજ પાઠક, જયંત ખત્રી આ બધાંની વાર્તાઓમાં રસ પડ્યો. સૌથી વધારે પ્રભાવ રહ્યો તે કેથરિન મેન્સફિલ્ડનો, જે માત્ર 34 વર્ષ જીવ્યાં અને 75 જેટલી સરસ વાર્તાઓ આપી. મરાઠીમાં જયવંત દળવીથી હું ખૂબ પ્રભાવિત થઈ હતી. મહાશ્વેતા દેવીથી પણ પ્રભાવિત હતી. હિન્દીમાં ફણિશ્વરનાથ રેણુ … આપણા જે ઉત્તમ વાર્તાકારો છે તેમનું કશુંકને કશુંક મને સ્પર્શતું રહ્યું. કોઈ વાતાવરણ કેવું સરસ ઊભું કરે છે, કોઈકની ભાષા કેવી સરસ છે, કોઈક આરંભ કેવો સરસ કરે છે, કોઈકનો અંત કેવો સરસ આવે છે, કોઈએ વિષય કેવો સરસ પસંદ કર્યો છે. જુદા જુદા વાર્તાકારો જ્યાં તેઓ ઉત્તમ વ્યક્ત કરી શક્યા હોય તે મને સ્પર્શે છે.”
હિમાંશી શેલત કહે છે : “મારી કૃતિઓ ‘ગર્ભગાથા’ / ‘મુક્તિવૃત્તાંત’ / ‘ભૂમિસૂક્ત’ મને વધુ ગમે છે. ગર્ભગાથામાં જુદાજુદા દૃષ્ટિકોણથી બહુ જ પાયાની વાત મૂકી છે. આપણા જન્મ સાથે, આપણી હયાતી સાથે, આપણા કુળ સાથે સંકળાયેલી વાત છે. ભૂમિસૂક્તમાં આપણે જે માટી પર ઊભા છીએ તેની બિલકુલ દરકાર નથી કરતા તેની વાત છે. સામાજિક રીતે, રાજકીય રીતે, ધાર્મિક રીતે, બધી જ રીતે, ભૂમિની સદંતર અવગણના કરી છે. ભાષા, ભૂમિ અને નદીની આપણે અવગણના કરીએ છીએ, એ એટલી બધી ભયાનક છે કે આપણો વિનાશ નક્કી છે. વિશ્વામિત્રીને જૂઓ, વડોદરામાં પૂર આવ્યું, બધી નદીઓ સાથે આવું થયું. ગંગાને જૂઓ. તેની શું હાલત છે? આપણે ગમે તેટલા વચનો આપ્યા, ગંગાને ચોખ્ખી કરીશું, આપણે એક પણ વચનનું પાલન કરી શકતા નથી. આપણે આપણી સમૃદ્ધિ સિવાય બીજા કશાયનું પાલન કરી શકતા નથી ! કોઈ પણ વચનનું પાલન કરી શકતા નથી. ભૂમિસૂક્ત એ રીતે જન્મી છે. એ મારી અંગત પીડા છે. જંગલો ઓછાં થાય છે. દક્ષિણ ગુજરાતમાં તમે એક આંટો મારો. વલસાડથી ધરમપુર સુધી, કેટલી બધી વાડીઓ કપાઈ ગઈ છે. આંબાના ઝાડ, ચીકુની વાડીઓની જગ્યાએ વિલાસિતા માટેના ફાર્મ-હાઉસ બની ગયા છે. માણસ ગાંડો થઈ ગયો છે, બેફામ બધું કરે છે. આ જે બેફામપણે જે થઈ રહ્યું છે તેની સામેની એક ચીસ એ ભૂમિસૂક્ત. મારી જ નહીં કેટલાં બધાં પ્રાણીઓની ચીસ ! દીપડાઓ તો અબ્રામા સુધી આવી ગયાં ! આપણે જંગલો ખતમ કરી નાખ્યાં છે. આપણે પોતાની ઘોર ખોદવા બેઠાં છીએ !”


