સિનેમાનાં ગીતો ક્યારેક આપણાં મમ્મી-પપ્પા જેવાં હોય છે, જેના સહારે આપણે મોટાં થઇ જોઈએ છીએ, પ્રેમી જેવાં પણ હોય છે, જેને ગાઈને આપણે એક અલૌકિક અને અવ્યાખ્યાયિત આંનદની અનુભૂતિ કરીએ છીએ, ક્યારેક આધ્યાત્મિક ગુરુ જેવા પણ હોય છે જે માત્ર શબ્દ અને સ્વરના સથવારે આ માનવ જીવનનું મૂલ્ય સમજાવી દે છે. આવા તો અનેક ઉદાહરણ આપણી પાસે છે. આજે વાત કરવી છે એવાં ગીતોની જેણે બહેનપણી, ભાઈબંધ, માવડીથી માંડીને આપણને સૌને ગુજરાતીપણું પણ મબલખ આપ્યું છે. એ એવાં ગીતો છે જેણે હિન્દી ફિલ્મને પોતીકી, આપણી એટલે કે ગુજરાતી બનાવી છે. ગુજરાતી સુગમ સંગીત અને ખાસ કરીને ગુજરાતના ગરબા હિન્દી ફિલ્મમાં એવી રીતે ગૂંથાઈ ગયા છે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌને ગાતાં અને નાચતાં કરી દીધા. સરસ્વતીચંદ્રથી ગંગુબાઈ સુધી હિન્દી સિનેમા અને નવરાત્રીનો સંબંધ સુરીલો રહ્યો છે.
ગુજરાતી સંગીતની વાતની શરૂઆત અને અંત ગરબાથી થાય છે. મોટા ભાગના ધાર્મિક તહેવાર અને સમાજિક તહેવારમાં પણ ગરબા હવે પ્રણાલી છે. ગરબાના દરેક રૂપ અને પ્રણાલી અલગ અલગ ગીતોમાં કંડારવામાં આવી સ્ત્રીત્વ અને સ્ત્રી સન્માનને કલાત્મક રીતે અને અસકારક રીતે રજૂ કરતી ફિલ્મ ‘હેલ્લારો’ અને ગરબા એકબીજાંના પર્યાય બની ગયાં. કચ્છની ધરતી પર રચાયેલ એ કથામાં દરેક ઘટના અને ભાવ સાથે ગરબો રૂપક તરીકે રજૂ થયો અને આજે “સજ્જડબમ પાંજરું પહોળું થયું” નવરાત્રીની ઉજવણીમાં ફરજિયાત વિષ્ય જેવા થઇ ગયા છે. ગુજરાતી અને હિન્દી સિનેમામાં રમઝટ બોલાવતા ગરબાને યાદ કરીએ એ પહેલા એક બીજી મજાની વાત એ છે કે, તમામ ભાષાના લોક સંગીતમાં કદાચ એક માત્ર ગરબા એવો પ્રકાર છે જેના ગાયનમાં ગુજરાતી હોવું જરૂરી નથી. ગીતા દત્તથી માંડીને અનુરાધા પોડવાલજીએ પણ ગુજરાતી થઈને ગરબા ગાયાં છે એટલે કે ગાયકીને પૂરો ન્યાય આપ્યો છે.
1949માં ‘મંગળફેરા’ નામની ફિલ્મ આવેલી. ગુજરાતી ગરબાને પ્રચલિત કરવામાં અને સન્માન અપાવવામાં જેમનો સિંહફાળો છે, તેવા અવિનાશભાઈ વ્યાસનું એમાં સંગીત હતું. અને તે સમયની ગાયિકા ગીતા રોય એટલે કે ગીતા દત્તે એમાં “તાળીઓના તાલે ગોરી ગરબે રમતી જાય રે” ગાઈને કમાલ કરેલી. 1960માં અવિનાશભાઈના જ સ્વરાંકનમાં સ્વર સામ્રાજ્ઞી લત્તા દીદીના અવાજમાં મહેંદી એવી વાવી અને એનો રંગ એવો પાક્કો હતો કે આજ સુધી અકબંધ રહ્યો છે. યસ, “મહેંદી તે વાવી માળવે અને એનો રંગ ગયો ગુજરાત રે” પિનાકીન શાહ અને લત્તા મંગેશ્કરજીના કંઠે મઢાઈ ગયું .આશાજીના અવાજમાં “અમારે આંગણે અવસર”નો પ્રયોગ બિનગુજરાતી સલાઈલ દાએ કર્યો કારણ કે સંગીતને સીમાઓ નથી નડતી. એ જ અરસામાં હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં આવેલ “ગુણસુંદરી” યાદ છે ને ? એમાં ય ગીતા દત્તના અવાજમાં “આજ મારી નણંદી” ગરબો જાણીતો હતો.
ગુજરાતી સાહિત્ય કૃતિ પરથી હિન્દી ફિલ્મ બને અને સાહિત્ય કૃતિને મળેલ પ્રચંડ પ્રસિદ્ધિને જેમ ફિલ્મને પણ લોક ચાહના મળે એનું ઉત્તમ ઉદાહરણ એટલે સરસ્વતીચન્દ્ર. ચાર ભાગમાં છપાયેલ નવલકથા સરસ્વતીચંદ્રએ ગુજરાતી ભાષાને વૈશ્વિક ફલક પર મૂકી. સરસ્વતીચંદ્ર ફિલ્મ તેની કથા સાથે તેના સંગીત માટે પણ એટલી જ સફળ થઇ. નૂતન પર ફિમાંકન થયેલ કન્યાવિદાયનું ગીત “મેં તો ભૂલ ચલી બાબુલ કે દેશ” માત્ર સાંભળીએ તો ગીત લાગે પણ જોઈએ તો ગરબો લાગે. ગુજરાતી યુવતીના વિવાહના પ્રસંગે તેની પ્રત્યેક ભાવના ને કંડારતાં એ ગીતમાં મધ્ય સ્થાને ગરબો છે. સિનેમાના ગરબામાં સંગીતકારને કે કોઈ પણ ક્લાકાર જન્મે ગુજરાતી હોવું જરૂરી ના રહ્યું, માટીની મહેક અને સંસ્કૃતિની બખૂબી તસ્વીર આપતા ગરબા દરેક માટે સાહજિક બન્યા.
સી. રામચંદ્રનનાં સંગીત સાથે ફિલ્મ નાસ્તિકનુ એક ગીત “કાન્હા બજાયે બાંસુરી ઔર ગ્વાલ બજાયે મંજીરે.” લતાદીદીનાં અવાજમાં હતું અને એમાં રાસ દ્વારા અભિવ્યક્તિ હતી. એ જ રીતે સી. રામચન્દ્રએ લત્તાજીના અવાજમાં 1955માં આઝાદ ફિલ્મમાં “ના બોલે ના બોલે રાધા” બનાવ્યું અને ટ્રેજેડી કવિન મીના કુમારીએ આ ગીતમાં ગરબા પણ કર્યાં. આજે મોટા મોટા સંગીત આયોજન સાથેના ગરબામાં માતાજી અને કૃષ્ણના ગરબા પછી એ જ લય અને ટ્યુનમાં આવતાં પિક્ચરનાં ગીતોનો ઉપયોગ થાય છે કારણ કે મૂળે એ ગીતની રચનાની ફ્રેમ જ ગરબાની હતી. નવરંગનું “આધા હે ચન્દ્રમા રાત આધી” ગરબા કરતી વેળા અજુગતું નથી લાગતું કારણ કે એના મેકિનમાં ગરબાનો ધ્વનિ હતો. શમશાદ બેગમ બોલો ત્યાં જ તમને ગઝલ કે ઠુમરી યાદ આવે. પણ નૌશાદે “બાબુલ”માં સ્વરાંકિત કરેલ “છોડ બાબુલ કે ઘર”માં શમશાદ બેગમના અવાજે “છોડ બાબુલ કે ઘર” આપ્યું જેમાં મોટા પરદા ઉપર નરગીસ તેની સહેલીઓ સાથે રાસ જેવું નૃત્ય કરે છે.
સમગ્ર ભારતમાં સફેદ ક્રાંતિ અને સહકારી મંડળીના પાયા ચરોતર પ્રદેશમાં નંખાયા. સમાજ અને વ્યાપાર ક્ષેત્રે થયેલ આ ઐતિહાસિક ઘટનાને કલાત્મક રીતે “મન્થન”માં દર્શાવાઈ. વર્ગીસ કુરિયનના કાર્યને સંગીતકાર વનરાજ ભાટિયાએ “મેરો ગામ ..” ગીતથી લોકજીભે અને લોકહૈયે વસાવ્યું. એ પછી તો અમુલે આ ગીતને ફરી એક વાર સુનિધિ ચૌહાણના અવાજમાં રેકોર્ડ કરાવ્યું અને જાહેરાતમાં વહેતુ કર્યું. પણ તેના મૂળમાં ગરબો હતો. કેતન મહેતાએ સ્ત્રી સશક્તિકરણના વિષય સાથે હિન્દી ફિલ્મ બનાવી અને એ મિર્ચ મસાલામાં સંગીતકાર દિલીપ ધોળકિયાના દીકરા રજત ધોળકિયાના સંગીતથી સજ્જ ગીત “એ ઢોલી રે બજાવ” આવ્યું, જેને ફિલ્મ ગરબા સાથે સમાજનો પણ ઝાંખી કરાવી. 1999માં વિશાલ ભારદ્વાજની “ગોડ મધર”માં સંતોકબે’નની કહાની હતી, પોરબંદરની પશ્ચાદ્દભૂમિ હતી એટલે ગરબો તો હોય જ. “રાજા કી કહાની પુરાણી હો ગઈ ..” ગરબા જેવું ગીત આવ્યું.
સિનેમાના સથવારે ગરબાનું ઓસ્કાર સુધી જવું નિયત જ હશે અને “લગાન” સાથે એ.આર. રહેમાનનું સંગીતબદ્ધ થયેલ ગીત “રાધા કેસે ના જલે” આંતરરાષ્ટ્રીય ફલક પર પહોંચ્યું, જેમાં સ્ક્રીન પર ગરબા હતા. છેલ્લા એક દસકામાં હિન્દી સિનેમામાં ગરબાએ વધુ પ્રભાવી ભૂમિકા ભજવી. બંગાળી નવલકથા “ના હન્યતે” પરથી બનેલી ફિલ્મમાં ગરબો હોય અને એ પણ હજારો હૈયા ગજાવે એ નાની સૂની વાત નથી. હમ દિલ દે ચૂકે “માં ઢોલી તારો ઢોલ બાજે દરેક ગુજરાતનું ગુમાન બન્યું ત્યાં ઐશ્વર્યા રાયને હરીફાઈ આપવા આવી હોય એમ દીપિકા પાદુકોણે એ રામલીલામાં” નગારા સંગ ઢોલ “પર ગરબા કરીને ખલૈયા ને નવું જોમ આપ્યું.”રઈસ” ઊડી ઊડી જાય અને કાઈપો છેનું “હો શુભારંભ” દ્વારા મૂળ કથા વસ્તુમાં ગુજરાતી સમાજ અને જમીન દર્શાવવામાં કામિયાબ રહ્યું.
સમાજ પહેલાં કે સિનેમા પહેલાં? એટલે કે સિનેમાની અસર સમાજ પર થાય કે સમાજની તસ્વીર સિનેમા દર્શાવે એ બહેસ બહુ જૂની છે અને કૈક અંશે હવે પ્રસ્તુત પણ નથી, એટલે એવી કોઈ ચર્ચામાં પડ્યા વગર, સિમ્પલી, આપણા ગરબાને સિનેમામાં એન્જોય કરો અને સિનેમાના ગરબાને આપણા મેદાનમાં લાવીને માંડો ઝૂમવા. અંતે તો હેમનું હેમ છે.
(‘મનોગ્રામ’)
E.mail : meghanimeshjoshi@gmail.com
સૌજન્ય : મેઘાબહેન જોશીની ફેઇસબૂક દીવાલેથી સાદર