માનાં ગર્ભકમળમાં પાંગરતી વેળાથી જ
કોકડું વળી જવાની આદતવશ
જીવવાની પહેલ થતી રહી છે.
એ પહેલું બંધકિસ્તાન
અહેસાસ વગરનું પણ મહેસૂસ કરેલું …
પછી તો
ગળથૂથીથી જ
બંધનોની પરંપરા
ખાવુંપીવું, પહેરવું ઓઢવું
બોલવુંચાલવું, હરવુંફરવું
બધું માનો પાલવ પકડીને કે
પાપાની આંગળી ઝાલીને
નામ ઘડતરનું
ને તૈયારી
પણતર, ચણતર, જીવતરની!
પછી
આવી
શાળા
શિસ્તને નામે બંધનો જડબેસલાક !
આ જ ભણાય
આમ જ ભણાય
આમ જ લખાય
આમ જ વંચાય
આમ જ બોલાયચલાય
પછી
સમાજ
સમાજમાં રહેવું હોય તો
પરંપરાગત
નીતિઅનીતિના બુઝર્વા
અટપટા નિયમો
લોકનો ડર, ઘરવાળાનો ડર, સમાજનો ડર
ડર, ડર, ડરનું સામ્રાજ્ય!
પછી લગ્નબંધન
કહેવાય પ્રેમબંધન
પણ
નકારનું તાળું જડબેસલાક
કોની મજાલ કે તોડે?
ને રાજ્ય પણ
શું કામ બાકી રહે?
સલામતી નામે કાયદાની વણજાર
અટપટી માયાજાળ!
પછી તો
જન્મ, જીવન,પોષણ, શિક્ષણ, હરફર, બોલચાલ ……
સ્વતંત્રતાના મૂળભૂત અધિકારો
પરંતુ
હક્કને નામે ફરજનું જાળું!
છેવટે
સઘળા બંધનો તૂટ્યાં
કે મુક્તિ મળી …
ત્યારે
આશાઅરમાન, ઈચ્છા, સપનાં સઘળું
તનમનધન સાથે ભભૂતિમાં તબદીલ થઈ ગયું હતું!
૧૩/૫/૨૦૧૯
મન્ટોનું જીવન ચરિત્ર વાંચતાં શબ્દ મળ્યો, “કન્ટ્રોલિસ્તાન”, જેનો અનુવાદ ,કર્યો “બંધકિસ્તાન”. કોઈ બીજો શબ્દ સૂચવવાનું અપેક્ષિત છે. કાવ્ય મારું મૌલિક છે. — બકુલા
![]()


એક સરસ મજાની સવારે ફોનની ઘંટડી રણકી અને સામે છેડે હતા વાંસદાના મહારાજાસાહેબ દિગ્વિરેન્દ્રસિંહજી. અમારા બન્નેનો રસનો વિષય હતો ધરમપુરનાં રાજકુંવરીબા અને ગોંડલના મહારાણી નંદકુંવરબા લિખિત પુસ્તક ‘ગોમંડલ પરિક્રમ’. આશરે સવાસો વર્ષ પર લખાયેલી એ પ્રવાસકથા મારી દૃષ્ટિએ માહિતીપ્રચુર, મનોહર, રોચક, અનુભવસભર, માનવસંબંધોનું મૂલ્યાંકન કરનારી અને અદ્ભુત નિરીક્ષણનું દર્શન કરાવનાર છે. ધીરુભાઈ મેરાઈએ રસ લઈ ધરમપુર નગરમાં અને યોગેશભાઈ ભટ્ટે કૉલેજમાં એ પુસ્તકના પરિચય અને રસાસ્વાદનો કાર્યક્રમ યોજેલો. હું વક્તા તરીકે હતી, ત્યાં મહારાજાસાહેબ સ્વયં હાજર રહેલા. એમણે ધરમપુર અને વાંસદાની અનેક વાતો તાજી કરેલી. હવે તો કેટલીક ભુલાઈ પણ ગઈ છે.