
ભારતીય સિનેમાના દિગ્ગજ ફિલ્મમેકર રાજ કપૂરની સફળ ફિલ્મો જેવી કે આવારા, જાગતે રહો, શ્રી 420, મેરા નામ જોકર, બોબી અને હીનાના લેખક ખ્વાજા અહમદ અબ્બાસ (કે.એ. અબ્બાસના નામથી પ્રખ્યાત) હતા. 4 નેશનલ એવોર્ડ વિજેતા લેખક ખ્વાજા અહમદ અબ્બાસ (7 June 1914 – 1 June 1987) બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેઓ પ્રસિદ્ધ પત્રકાર, વાર્તાકાર, ફિલ્મ લેખક – ડિરેક્ટર હતા, તેમણે ન્યૂઝપેપર 'બોમ્બે ક્રોનિકલ'માં લાંબા સમય સુધી ફિલ્મ વિવેચક તરીકે કાર્ય કર્યું હતું અને આ સિવાય તેમણે 'અલીગઢ ઓપિનિયન'ની શરૂઆત કરી હતી. તેઓ ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન(ઈપ્ટા)ના સ્થાપક સભ્ય પૈકીના એક હતા. ખ્વાજા અહમદ અબ્બાસ પહેલા એક પત્રકાર હતા, બાદમાં લેખક બન્યા, પછી સંપાદક અને ફિલ્મ વિવેચક બન્યા. ત્યારબાદ તેમણે ફિલ્મ લેખનકાર્યમાં ઝંપલાવ્યું. અંતમાં તેઓ ફિલ્મ ડિરેક્શન તરફ પણ વળ્યા હતા.
ખ્વાજા અહમદ અબ્બાસનો જન્મ જે પરિવારમાં થયો હતો, ત્યાં નામચીન હસ્તીઓની બોલબાલા હતી. તેઓ શાનદાર શાયર 'ખ્વાજા અલ્તાફ હુસૈન હાલી'ના પરિવારમાંથી આવતા હતા કે જેઓ મિર્ઝા ગાલિબના શિષ્ય હતા અને તેમણે ગાલિબની જીવની 'યાદગાર એ ગાલિબ' લખી હતી. ખ્વાજા અહમદ અબ્બાસના દાદા ખ્વાજા ગુલામ અબ્બાસ વર્ષ 1857માં થયેલા વિપ્લવના પ્રમુખ ક્રાંતિકારીઓ પૈકીના એક હતા. અંગ્રેજોએ તેમને તોપની સાથે બાંધીને ઉડાવી દીધા હતા. ખ્વાજા અહમદ અબ્બાસે વર્ષ 1933માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ, દિલ્હીમાંથી પ્રકાશિત થતા નેશનલ કૉલ નામના એક ન્યૂઝપેપર માટે પત્રકારત્વ શરૂ કર્યું. આગામી વર્ષે તેમણે 'અલીગઢ ઓપિનિયન' નામનું એક વીકલી મેગેઝિન શરૂ કર્યું, જે ભારતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલું પ્રથમ મેગેઝિન હતું. બાદમાં ખ્વાજા અહમદ અબ્બાસે પ્રસિદ્ધ ન્યૂઝપેપર 'બોમ્બે ક્રોનિકલ' જોઈન કર્યું. આ ન્યૂઝપેપર માટે તેમણે 'લાસ્ટ પેજ'ના નામથી એક વીકલી કૉલમ લખવાનું શરૂ કર્યું, આ કૉલમ વર્ષ 1987માં તેમના મૃત્યુ સુધી ચાલુ રહી હતી. જ્યારે તેઓ 'બ્લિટ્ઝ મેગેઝિન'માં જોડાયા, ત્યારે પણ આ કૉલમ ચાલુ રાખી હતી. સતત 52 વર્ષ સુધી તેમણે આ કૉલમ લખી હતી કે જે ઉર્દૂમાં 'આઝાદ કલમ' અને હિન્દીમાં 'આખિરી પન્ને'ના નામથી પ્રકાશિત થતી હતી.
'બોમ્બે ક્રોનિકલ'માં ખ્વાજા અહમદ અબ્બાસ ફિલ્મનું વિવેચન કરતા હતા અને લોકોને ધીરે-ધીરે તેમનું આ વિવેચન પસંદ આવવા લાગ્યું. એક એવો પણ સમય આવ્યો કે જ્યારે તેમણે લખેલી ફિલ્મ સમીક્ષાથી ફિલ્મો હિટ અને ફ્લોપ જવા લાગી. એક વખત એવું બન્યું કે એક પાર્ટીમાં તે સમયના પ્રખ્યાત પ્રોડ્યુસર અને બોમ્બે ટોકિઝના માલિક હિમાંશુ રાયે કહ્યું કે ખ્વાજા અહમદ અબ્બાસ આ રીતે ફિલ્મ જોઈને તેનું વિવેચન કરવું સરળ છે, જાતે ફિલ્મ બનાવો તો માનીએ. ત્યાર બાદ ખ્વાજા અહમદ અબ્બાસે ફિલ્મની દુનિયામાં પ્રવેશ કર્યો અને ફિલ્મ લેખનના કાર્યમાં ઝંપલાવ્યું. તેમણે 'નયા સંસાર' નામની ફિલ્મ લખી અને બોમ્બે ટોકીઝને વેચી. આ ફિલ્મમાં અશોક કુમાર અને દેવિકા રાણી મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મની વાર્તા પત્રકારના જીવન પર આધારિત હતી. આ ફિલ્મ સફળ રહી અને ખ્વાજા અહમદ અબ્બાસને ફિલ્મો લખવાની ઓફર મળવા લાગી. વર્ષ 1946માં આવેલી ફિલ્મ 'ધરતી કે લાલ'નું લેખન અને ડિરેક્શન ખ્વાજા અહમદ અબ્બાસે કર્યું. આ ફિલ્મમાં બલરાજ સહાની મુખ્ય ભૂમિકામાં હતા અને આ ફિલ્મ કૃષ્ણ ચંદરની વાર્તા પર આધારિત હતી. તેમના જીવનમાં વળાંક ત્યારે આવ્યો કે જ્યારે તેમણે 'નીચા નગર' નામની ક્લાસિક ફિલ્મ લખી. આ ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળ્યો હતો. હયાતુલ્લાહ અંસારીની વાર્તા પર આધારિત આ ફિલ્મ 'નીચા નગર'નું દિગ્દર્શન ચેતન આનંદે કર્યું હતું. તેમણે વર્ષ 1946માં આવેલી વી. શાંતારામની ફિલ્મ 'ડૉક્ટર કોટનીસ કી અમર કહાની' નામની ફિલ્મનું લેખનકાર્ય કર્યું. આ ફિલ્મ દ્વારકાનાથ કોટનીસ નામના ડૉક્ટરના જીવન પર આધારિત હતી કે જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચીનમાં કામ કર્યું હતું.

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને પણ ખ્વાજા અહમદ અબ્બાસે તક આપી હતી. તેમણે વર્ષ 1969માં 'સાત હિન્દુસ્તાની' નામની ફિલ્મ બનાવી અને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને કાસ્ટ કરવામાં આવ્યા હતા. સામાજિક મુદ્દાને રજૂ કરતી ફિલ્મોનું લેખન કાર્ય કરનાર ખ્વાજા અહમદ અબ્બાસને હિન્દી સિનેમા તરફથી જોઈએ તેટલું સન્માન મળ્યું નથી. ખ્વાજા અહમદ અબ્બાસને સમાજ પ્રત્યેની જવાબદારીનો ખ્યાલ હતો અને તેમણે લખેલી લગભગ તમામ ફિલ્મોમાં ગરીબી, સાંપ્રદાયિકતા, સામાજિક અસામનતા તેમ જ વંચિતોના મુદ્દા જોવા મળે છે. ફિલ્મ 'રાહી'માં ખ્વાજા અહમદ અબ્બાસે ચાના બગીચામાં કામ કરતા મજૂરોની આપવીતી રજૂ કરી, જ્યારે ફિલ્મ 'બમ્બઈ રાત કી બાહોં' મેં ફિલ્મમાં મોટા શહેરોની રાત્રિની કાળી બાજુ દર્શાવવામાં આવી હતી. આ એક સસ્પેન્સ ક્રાઈમ-થ્રિલર ફિલ્મ હતી અને તેનું ડિરેક્શન પણ ખ્વાજા અહમદ અબ્બાસે કર્યું હતું.
વર્ષ 1980માં તેમણે નક્સલ સમસ્યા પર આધારિત 'ધ નક્સલાઈટ્સ' જેવી ફિલ્મ બનાવી. ઘણાં ફિલ્મ વિવેચકોએ ખ્વાજા અહમદ અબ્બાસની ફિલ્મોને ડોક્યુમેન્ટરી પ્રકારની ગણાવી પણ તેઓ પોતાનું કાર્ય કરતા રહ્યા. ખ્વાજા અહમદ અબ્બાસે પોતે ઘણી ફિલ્મોનું લેખનકાર્ય અને દિગ્દર્શન કર્યું, પણ આ સિવાય તેમણે રાજ કપૂરની પણ અનેક ફિલ્મોનું લેખનકાર્ય કર્યું. રાજ કપૂર માટે ખ્વાજા અહમદ અબ્બાસે આવારા, શ્રી 420, જાગતે રહો, મેરા નામ જોકર, બૉબી જેવી સફળ ફિલ્મો લખી. રાજ કપૂર અને ખ્વાજા અહમદ અબ્બાસ ખાસ મિત્રો હતા. જ્યારે ફિલ્મ 'મેરા નામ જોકર' ફ્લોપ સાબિત થઈ તો રાજ કપૂર નિરાશ થઈ ગયા હતા. તેમણે ખ્વાજા અહમદ અબ્બાસને વિનંતી કરી કે તેઓ હવે એક મસાલા ફિલ્મ લખી આપે. પોતાના દોસ્ત રાજ કપૂરની મદદ કરવા માટે ખ્વાજા અહમદ અબ્બાસે 'બૉબી' નામની એક રોમાન્ટિક ફિલ્મ લખી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. તેમ છતાં આ ફિલ્મમાં સામાજિક વર્ગભેદ સહિતના સામાજિક મુદ્દા જોવા મળ્યા.

એક ફિલ્મમેકર સિવાય ખ્વાજા અહમદ અબ્બાસ ઉત્તમ સાહિત્યકાર અને ઈતિહાસવિદ્ પણ હતા. તેમણે કુલ 73 પુસ્તકો લખ્યા. તેમણે અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ ભાષામાં પુસ્તકો લખ્યા. તેમણે જે આત્મકથા લખી તેનું નામ 'I Am not an Island: An Experiment in Autobiography' છે. બાદમાં તેમની પ્રખ્યાત કૉલમને પણ પુસ્તકે સ્વરૂપે કુલ 2 વોલ્યુમમાં પ્રકાશિત કરવામાં આવી. તેમણે 'ઈન્કિલાબ' નામની નવલકથા લખી હતી કે જે ખૂબ લોકપ્રિય થઈ હતી. વર્ષ 1969માં ભારત સરકાર તરફથી ખ્વાજા અહમદ અબ્બાસને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
e.mail : nbhavsarsafri@gmail.com
![]()


પાકિસ્તાની ગાયક નુસરત ફતેહ અલી ખાનનું નામ ખૂબ જ સરળતાથી કવ્વાલી સંગીતની સાથે જોડી દેવામાં આવે છે. નુસરત ફતેહ અલી ખાનના ગાયનની શક્તિ અને અગાઉ કોઈ તૈયારી વિના તાત્કાલિક રજૂઆત કરવાની ક્ષમતાઓ કવ્વાલી સંગીતને આંતરરાષ્ટ્રીયસ્તરે લઈ જાય છે. તેમની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ભારત સુધી પણ પહોંચી ચૂકી છે, સાથે જ મુખ્યપ્રવાહનાં સંગીતમાં તેમણે જે ધાડ પાડી છે તે તેમના વ્યક્તિત્વને વધુ રસિક બનાવે છે. તેમણે ઘણી ફિલ્મ્સ માટે સાઉન્ડટ્રેક્સ તૈયાર કર્યાં છે. નુસરત ફતેહ અલી ખાન હોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શકો જેવા કે માર્ટિન સ્કોરસીસ, ટીમ રોબિન્સ અને ઓલિવર સ્ટોનની ફિલ્મ્સ માટે પોતાનો અવાજ આપી ચૂક્યા છે, સાથે જ તેમણે કેટલીક હિન્દી ફિલ્મ્સ માટે પણ સંગીત તૈયાર કર્યું છે. નુસરત ફતેહ અલી ખાને આંતરરાષ્ટ્રીય સ્તરે હોલિવૂડ ફિલ્મ્સમાં અને સાથે બોલિવૂડ ફિલ્મ્સમાં જે સંગીત પીરસ્યું છે, તેનાથી તેમની વ્યાપક સ્તરે ફેલાયેલી કાર્યક્ષમતાનો ખ્યાલ આવે છે, અને સાથે-સાથે તે પોપ સંગીતની મર્યાદાનો પણ ખ્યાલ આવે છે, કે જેનું સ્થાન નુસરત ફતેહ અલી ખાનના સંગીતે લીધું છે.

ત્યારબાદ વર્ષ 1988માં આવેલી હોલિવૂડ દિગ્દર્શક માર્ટિન સ્કોરસીસની ફિલ્મ 'ધ લાસ્ટ ટેમ્પટેશન ઓફ ક્રાઈસ્ટ'માં પેશનના નામના એક સાઉન્ડટ્રેકમાં ખાને તેમનો આલાપ રેકોર્ડ કર્યો. ત્યારબાદ વર્ષ 1994માં આવેલી દિગ્દર્શક ઓલિવર સ્ટોનની ફિલ્મ 'નેચરલ બોર્ન કિલર્સ'માં ખાનના ભક્તિમય ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ, આ ફિલ્મમાં ખાનના અવાજનો ઉપયોગ તે દ્રશ્યમાં કરવામાં આવ્યો કે જેમાં એક વ્યક્તિ હિંસક રીતે રમખાણ મચાવી રહ્યો છે અને આ જોતાં જ નુસરત ફતેહ અલી ખાન હવે ગેબ્રિઅલથી નારાજ થઈ ગયા. આ પશ્ચિમની ટીકા કરતા ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે પશ્ચિમના લોકો સંગીતને એક સ્તરની માફક જુએ છે અને તેઓ સંગીતના લયને સમજે છે પણ સંગીતમાં જે કવિતા છે તેને તેઓ સમજી શકતા નથી.
પર્લ જેમ નામના એક રોક બેન્ડનો ગાયક અને ગીતકાર એડી વેડેર એકમાત્ર એવી વ્યક્તિ હતી કે જેણે સમજણપૂર્વક નુસરત ફતેહ અલી ખાનનાં સંગીત અને તે સંગીતની કવિતાના અર્થનો સુંદર રીતે ઉપયોગ કરી જાણ્યો. ડિરેક્ટર ટીમ રોબિન્સની વર્ષ 1995માં આવેલી ફિલ્મ 'ડેડ મેન વોકિંગ'માં એડી વેડેર અને નુસરત ફતેહ અલી ખાને સાથે મળીને, ફેસ ઓફ લવ નામનો એક સાઉન્ડટ્રેક તૈયાર કર્યો. સાથે જ ફિલ્મની શરૂઆતમાં જ આ સાઉન્ડટ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો કે જેમાં આ સંગીત થકી ફિલ્મના પાત્રોની ઓડિયન્સ સમક્ષ ઓળખાણ કરાવવામાં આવે છે. આખરે વર્ષ 1997માં નુસરત ફતેહ અલી ખાન બોલિવૂડ ફિલ્મ્સમાં એક સંગીતકાર તરીકે પરત ફર્યા અને ઓર પ્યાર હો ગયા નામની એક હિન્દી ફિલ્મમાં સંગીત તાલબદ્ધ કર્યું. પરંતુ, આ ફિલ્મ રિલીઝ થઈ તેના બીજા દિવસે જ તેમનું મૃત્યુ થઈ ગયું.
આ ફિલ્મમાં કુલ 10 ગીતો હતાં અને તે જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે લખ્યા હતા. આ સિવાય અન્ય બોલિવૂડ ફિલ્મ્સની વાત કરીએ તો વર્ષ 1999માં આવેલી મહેશ ભટ્ટની 'કારતૂસ' ફિલ્મ અને મિલન લુથરિયાની 'કચ્ચે ધાગે' ફિલ્મમાં નુસરત ફતેહ અલી ખાનનાં જૂના સંગીતનો ફરી વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય વર્ષ 2000 અને ત્યાર બાદનાં વર્ષોમાં નુસરત ફતેહ અલી ખાનના અવાજનો ઘણી હોલિવૂડ ફિલ્મ્સના બેકગ્રાઉન્ડ મ્યુિઝક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો કે જેમાં 'બ્લડ ડાયમંડ' (2006), '2012' (2009) અને 'ઝીરો ડાર્ક થર્ટી' (2012) જેવી દિગ્ગજ હોલિવૂડ ફિલ્મ્સનો સમાવેશ થાય છે.
ભારતીય સિનેમામાં નુસરત ફતેહ અલી ખાનનું પ્રશંસનીય યોગદાન રહેલું છે અને હિન્દી ફિલ્મ 'તન્હાઈ' માટે તેમણે જે છેલ્લું ગીત રેકોર્ડ કર્યું હતું, તેનો સની દેઓલની વર્ષ 1999માં આવેલી ફિલ્મ 'દિલ્લગી'માં ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2000માં આવેલી બોલિવૂડ ફિલ્મ ધડકનમાં દુલ્હે કા સહેરા નામના ગીતમાં પણ નુસરત સાહબના અવાજ સાંભળવા મળે છે. આ સિવાય વર્ષ 1997માં આવેલો સંગીતકાર એ.આર.રહેમાનના આલ્બમ વંદે માતરમમાં ગુરુસ ઓફ પીસ નામના એક ગીતમાં ખાન અને રહેમાન સાથે અવાજ આપી ચૂક્યા છે. 





