ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી : મણકો – 1
ગાંધી સાર્ધ શતાબ્દીના મંડાણ થયા છે. તેમણે સ્થાપેલી સંસ્થાઓનાં કાર્ય વિષે ઘણા લોકોને માહિતી હશે. પોતાને ‘ગાંધીવાદી’ તરીકે ઓળખાવનારાઓએ ગાંધીના નામે કેટલાંક ઉમદાં કાર્યો પણ કર્યાં છે. પરંતુ આજે ગાંધી વિષે બે ધારણાઓ પ્રચલિત બની છે, એક તો તેઓ આજે પ્રસ્તુત નથી, એવું માનનારા લોકો છે કેમ કે એવા લોકો ગાંધી ચિંધ્યા માર્ગે એક પણ ડગલું ચાલી શકે તેમ નથી. બીજો વર્ગ, કે જેમને એ મૂલ્યોમાં શ્રદ્ધા છે, તેઓ ‘ગાંધીને હવે લોકો ભૂલી ગયા છે, તેમને ભારતમાંથી તડીપાર કરવામાં આવ્યા છે’ તેવું આક્રંદ કરતા સાંભળવા મળે છે.
જ્યારે ભારતમાં કે વિદેશોમાં કેટલીક વ્યક્તિઓ કે સંસ્થાઓને માનવતાનાં કાર્યો કરતાં જોઈએ કે સાંભળીએ ત્યારે વિચાર આવે કે કોઈ મહાપુરુષને પગલે ચાલવા શું તેમના નામની કંઠી બાંધવી જરૂરી છે? ‘હું તેમનો ચેલો છું’ એવી જાહેરાત કરવી આવશ્યક છે? કેટલાક લોકો એવા છે જે ગાંધીનું નામ લીધા વિના એ સંતના પ્રબોધેલા માર્ગે જ ચાલી રહયા છે.
આજે એવા જ એક શખ્સની અને તેમના પ્રયાસો થકી ‘આદર્શ ગ્રામ’નું પદ મેળવનાર એક ગામની વાત આદરવી છે.
રાજસ્થાનમાં એક ગામ. પીપલાંત્રી નામ. ત્યાં દરેક દીકરીના જન્મ ટાણે 111 વૃક્ષો વાવવાનું અભિયાન શરૂ થયું છે. આજ સુધી લગભગ ત્રણ લાખ વૃક્ષો વવાઈ ચુક્યાં છે. ગામના લોકો જ એ વૃક્ષોને ફળ બેસે ત્યાં સુધી સાચવે છે. એ ‘દીકરી બચાવો’ અભિયાન અંતર્ગત થયેલું કામ. ‘દીકરી પઢાઓ’નું કામ બાકી. પુત્રીના જન્મ સમયે ગામલોક ભેળા મળીને 21,000 રૂપિયા ફાળવે અને તેના મા-બાપ પાસેથી 10,000 રૂપિયા લેવામાં આવે. એ 31,000 રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝીટ લે, જે તે દીકરી 20 વર્ષની થાય ત્યારે તેને સુપરત કરે. તેનો શિક્ષણનો અધિકાર અબાધિત રહે તેથી દીકરીના જન્મ સમયે તેના મા-બાપ પાસે કાનૂની કરાર પર સહી કરાવે, જેથી તેના લગ્ન સગીર વયમાં ન કરાવી નાખે. અહીં આપેલ વીડિયો લિંક જોવી રસપ્રદ થઇ પડશે :

https://www.youtube.com/watch?v=9ZL0BtjLcU8
પીપલાંત્રીના સરપંચ શ્યામ સુંદર પાલીવાલે પોતાની મૃત પુત્રીની સ્મૃિતમાં આ યોજના શરૂ કરી. આજે એ ગામ લીમડો, આંબો, આમળાં અને શીશમનાં વૃક્ષોથી ઘેરાયેલું છે જેને પરિણામે પાણીનાં તળ ઊંચા આવ્યાં અને વન્ય સૃષ્ટિમાં વધારો નોંધાયો છે. આ પ્રકલ્પને કારણે ગામનું અર્થ તંત્ર પણ સુધર્યું. ફળાઉ ઝાડને ઊધઈથી બચાવવા અઢી લાખ જેટલા કુંવાર પાઠા – એલોય વીરા -(જેના ગુણધર્મોનો પરિચય ગાંધીજીને તેમની યુવાવસ્થા દરમ્યાન થયેલો)ના છોડ વાવ્યા. આજે હવે પીપલાંત્રીના લોકો એલોય વીરાની અનેક બનાવટોનું વેંચાણ કરે છે.
આ ગામના નિવાસીઓને પીવાનું ચોખ્ખું પાણી માત્ર માસિક રૂ.60 જેટલા ઓછા ખર્ચે પૂરું પાડવામાં આવે છે. દરેક વોર્ડમાં સામૂહિક શૌચાલય, ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલય અને આંગણવાડી કેન્દ્ર અને પેય જલ (પીવાના પાણીની)ની સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ પંચાયતની સિદ્ધિઓ ગણના પાત્ર છે. પંચાયત દ્વારા થતાં પ્રજાકીય કાર્યો જેવાં કે સ્વચ્છતા, આરોગ્ય, પર્યાવરણ વગેરેને પ્રાથમિકતા આપવા બદલ દીનદયાળ ઉપાધ્યાય આદર્શ ગ્રામ યોજનામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો. સ્વ. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા ‘નિર્મલ ‘ગ્રામ’ પુરસ્કારથી સમ્માનિત થયું. સહુથી વધુ – 70,000 વૃક્ષારોપણ કરવા બદલ ‘વૃક્ષ વર્ધક પુરસ્કાર’ અને ભારત સરકાર દ્વારા સંચાલિત સજલ ગ્રામ પુરસ્કાર પ્રાપ્ત કરવામાં પણ પીપલાંત્રી અગ્રસર રહ્યું.
પીપલાંત્રીની વેબ સાઈટ પર એક કવિતાની પંક્તિઓ લખેલી વાંચવામાં આવી:
‘हो गइ है पीर परबतसी, पिघलनी चहिये
अब तो इस हिमालयसे कोइ गङ्गा निकलनी चाहिए
हर गलि, हर महोल्लेसे हाथ लहराते हुए बारात निकलनी चाहिए
सिर्फ़ हङ्गमा करना ही मेरा मकसद नहीં
मेरी कोशिश है कि यह सूरत बदलनी चाहिए’
કદાચ સરપંચ શ્યામ સુંદરજી અને તમામ ગામ લોકને બસ, હવે આ પર્વત જેટલી પીડાઓ રૂપી હિમાલય પીગળાવી નાખીને તેમાંથી નીકળેલી ગંગાથી પોતાના ગામની સૂરત બદલી નાખવાની લગન લાગી હશે. આથી જ તો પીપલાંત્રીના નાગરિકો એક પ્રતિજ્ઞા લે છેઃ
* હંમેશ જીવનમાં સ્વચ્છ વિચાર રાખીશ
* હંમેશ શૌચાલયનો ઉપયોગ કરીશ
* પીવાના પાણી માટે દાંડા વાળા લોટાનો ઉપયોગ કરીશ, અને
* ગામને સાફ રાખીશ.
પહેલી નજરે વાંચતા કદાચ સવાલ થાય કે આ ગામ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલે છે એમ શી રીતે કહી શકાય? જુઓ, સહુથી પહેલાં લોકોને અને તેના સ્થાનિક નેતાને પ્રતીત થયું કે આપણા ગામમાં ઘણા પ્રશ્નો છે, તેને હઠાવવા જરૂરી છે. બીજું, એ માટે તેમણે માત્ર રાજ્ય કે કેન્દ્ર સરકારની સહાય પર મદાર રાખવાને બદલે જાત મહેનતથી બંજર ભૂમિને નંદનવન બનાવી. લૈંગિક સમાનતાના ખ્યાલે તેમને બાળકીઓને પૂરું શિક્ષણ આપવા અને તેના બાળલગ્ન કોઈ પણ સંયોગોમાં ન કરવા માતા-પિતાને સમજાવવા ફરજ પાડી. પર્યાવરણની રક્ષા ખાતર દીકરીના જન્મના અવસરે વૃક્ષો રોપવાનું અને તેનું સંવર્ધન કરવાનું બીડું ઝડપ્યું. ગાંધીજીએ ચીંધેલા કેટલાંક રચનાત્મક કાર્યો આ ગામમાં અમલમાં મુકાય છે, એ સ્પષ્ટ કરવાની જરૂર ખરી? આજે હવે દેશ આખામાંથી અને વિદેશથી પણ જિજ્ઞાસુઓ આ ગામની સિદ્ધિઓને નજરે જોવા આવે છે.
ગાંધીનું નામ લીધા વિના તેમણે ચિંધેલ માર્ગે જવું તે આનું નામ.
e.mail : 71abuch@gmail.com
![]()


આજે જાણે આખું વિશ્વ મુખ્યતઃ લોકશાહી અને સરમુખત્યારશાહી એમ બે શાસન પ્રણાલીમાં વિભાજીત થઇ ગયું છે. લોકશાહીને સહુથી વધુ પ્રજા કલ્યાણકારી, ન્યાયી અને સમાનતામૂલક રાજ્ય પદ્ધતિ માનવામાં આવે છે. તેના પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર – અથવા કહો કે તેનાથી મળતા ફાયદાઓ ભોગવનાર સત્તાધીશો તો તેના પ્રચારના નામે એ શાસન પ્રણાલીને અન્ય દેશો પર ઠોકી બેસાડવાની તહે દિલથી કોશિશ કરે છે, એટલું જ નહીં, એ બહાને બીજા દેશો સાથે લડાઈ કરવા તત્પર પણ થાય છે. પણ જરા જાતને પૂછી જોઈએ, લોકશાહી એ ખરેખર કઈ બલા છે?

ઈંગ્લેન્ડમાં પેદા થયેલ સી.એફ. એન્ડ્રુઝ (જેને ગાંધીજીએ ‘દીનબંધુ’ તરીકે ઓળખાવ્યા હતા) પાદરી તરીકે ભારત મિશનરી બનીને ગયા, જ્યાં તેમને ભારતીય પ્રજા તરફ દાખવવામાં આવતું ઘમંડી વલણ અને જાતીય ભેદભાવનો પ્રત્યક્ષ અનુભવ થયો. પરિણામે તેઓ સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય થવા લાગ્યા, એટલું જ નહીં, ગોપાલકૃષ્ણ ગોખલેએ તેમને ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની ચળવળમાં સહાયભૂત થવા મોકલ્યા. ત્યાંથી પરત થયા બાદ તેઓ નાતાલ અને ફિજીમાં બંધુઆ મઝદૂરની પ્રથાનો જોરદાર વિરોધ કરનારા રાષ્ટ્રીય નેતાઓ સાથે જોડાયા.
ગાયાના ગયેલી ભારતીય પ્રજા પોતાના સામાજિક દૂષણો પણ સાથે લઈને ગયેલી. આથી ત્યાં પણ બાળ લગ્ન અને નિરક્ષરતા મોજુદ હતી. ધાર્મિક વિધિથી થયેલ લગ્નોને અમાન્ય ગણાયા જેથી તેમના સંતાનો પણ ગેરકાયદે ઠેરવાયાં. લેભાગુ પૂજારીઓ પ્રજાના નૈતિક ધોરણને ઊંચું ન લાવી શક્યા, જેથી અંધશ્રદ્ધા અને નૈતિક અધઃપતનનો ફેલાવો થયો. ધર્માંતરણની સંખ્યા વધી. સરકાર ખુદ ધાર્મિક તાટસ્થ્ય જાળવવાને બદલે મિશનરી કામને વેગ આપતી રહી. સરકારી વહવટી ખાતાંઓ અને પોલીસ ખાતામાં કોઈ ભારતીય હોદ્દેદાર નહોતા જે તેમની ભાષા કે તેમની રીત રસમ સમજી શકે. આવા મજૂરોના આવાસો માણસોને રહેવા માટે યોગ્ય નહોતાં, નિશાળમાં વર્ગની સંખ્યા એટલી મોટી કે શિક્ષણ તો નામનું જ મળે અને તેમાં ય કન્યાઓની સંખ્યા નહિવત. હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં ક્રિશ્ચિયન પ્રાર્થના બોલવાની ફરજ પાડવામાં આવતી. પોતાનો ધર્મ બદલવાનો ઇન્કાર કરનારને ક્રિશ્ચિયનો દ્વારા ચાલતી શાળામાં નોકરી ન મળતી. ભારતથી આવેલા મઝદૂરોનું નામ અને ખાસ કરીને અનપઢ એવી મહિલાઓનું નામ મતદાર યાદીમાં દાખલ નહોતાં થયાં. આ પરિસ્થિતિનો તાગ મેળવીને દીનબંધુ એન્ડ્રુઝની હાલત શી થઇ હશે તે કલ્પી શકીએ. જો કે કેટલાક લોકોએ બીજાને સારો દાખલો બેસાડેલો, તેમાંના એક તે ડો. જંગ બહાદુર સિંઘ. તેઓ બ્રિટિશ ગાયાના ઇસ્ટ ઇન્ડિયા એસોસિયેશનના પ્રમુખ હતા. તેઓ પહેલા હિંદુ હતા જેમની વરણી નેશનલ એસેમ્બલીમાં થઇ. તેમણે 24 વખત સ્ટીમર માર્ગે ભારત અને ગાયાના વચ્ચે અવરજવર કરીને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવી. જ્યારે અગ્નિદાહ દેવો હજુ કાયદેસર નહોતું ગણાતો તેવે સમયે તેઓ પહેલા ભારતીય હતા જેમને અગ્નિદાહ અપાયો.