ભારતીય ભૂખંડ ભૌગોલિક રચના, આબોહવા, ભાષા, ધર્મ, સંસ્કૃિત, પહેરવેશ, ખોરાક અને સાહિત્ય-કળા ક્ષેત્રે વિવિધતાઓથી ભરપૂર છે અને એ જ એની સમૃદ્ધિનું રહસ્ય છે.
જો કે ભારતમાં જેમ વૈવિધ્ય છે તેમ અનેક બાબતોમાં વિરોધાભાસ પણ એટલા જ છે. દાખલા તરીકે કરોડોપતિઓ વધે છે તો ગરીબીની રેખા નીચે જીવનારા ય કમ નથી, બહુમાળી આવાસોની છાયામાં ઝૂંપડપટ્ટીઓ આપણને સદી ગઈ છે. ચોરે ‘ને ચૌટે મંદિરો બાંધનાર આપણી પ્રજા નીતિમત્તાને તડકે મૂકીને ભ્રષ્ટાચાર આચરતા અચકાતી નથી. દેવસ્થાનોને અરીસા જેવા ઉજળા રાખનાર શ્રદ્ધાળુઓ શેરીઓ અને જાહેર સ્થળોને ગંદકી ભર્યા રાખવામાં કશી શરમ નથી અનુભવતા.
જે સનાતન ધર્મે આપણને ‘एकम सत विप्रा बहुधा वदन्ति’નો મંત્ર આપ્યો તેના અનુયાયીઓ બીજા ધર્મના અનુયાયીઓ પ્રત્યે ભારોભાર અસહિષ્ણુતા દાખવીને વેર ઝેર પોષતા રહ્યા જોવા મળે છે. ‘આપણે સહુ એક ઈશ્વરના સંતાનો છીએ’ એવું આપણા ધર્મ ગ્રંથો અને ધર્મગુરુઓએ હંમેશ પ્રબોધ્યું છે તો એ જ ધર્મના અનુસરનારાઓ જાતિ અને જ્ઞાતિભેદને છોડી શકતા નથી. કમ્પ્યુટર અને મોબાઈલ વાપરતો યુવા વર્ગ હજુ ગ્રહ શાંતિ અને માતાજીની બાધા આખડી વિના નિર્ણય લેતો નથી.
હાલમાં જે બહુ ચર્ચિત છે એવાં સ્ત્રી સન્માનની વાત આજે કરવી છે. નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ભારતીય નારીનું કયું સ્વરૂપ સાચું છે, માન્ય છે, પૂજનીય છે એ વિચારવું રહ્યું. ‘यत्र नार्यस्तु पूजन्ते तत्र रमन्ते देवता:’ એ વિધાન આપણાં શાસ્ત્રોમાં આલેખાયેલું છે, એવું શ્રદ્ધેય ધર્મગુરુઓ પાસે હંમેશ સાંભળતા આવ્યા છીએ, જેની સાથે આપણી સંસ્કૃિતમાં સ્ત્રીઓને અપાતા આવા ઉચ્ચ સ્થાન માટે ગૌરવ અનુભવીએ છીએ. તો એ જ સમાજમાં ભક્તિ પંથના એક સંતના મુખેથી ‘ढोर गंवार अरु नारी ये सब ताडनके अधिकारी’ જેવા ઉદ્દગારો પણ નીકળ્યા છે.
નારી માટે આવા પરસ્પર વિરોધી વલણો હિંદુ સમુદાયના રોજ-બ-રોજના જીવનમાં વ્યવહારમાં જોવા મળે છે. નવરાત્રીમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરતાં નર-નારીઓ એ નવે દેવીઓની આસુરી વૃત્તિ ધરાવનાર આતતાયીઓનો સંહાર કરી પોતાના સંતાનોની રક્ષા કરવાની શક્તિનું સ્મરણ કરીને ભક્તિથી નમન કરે છે. એ જ સ્ત્રી-પુરુષો આધુનિક સ્ત્રીઓમાં છુપાયેલ અનિષ્ટનો સામનો કરવાની શક્તિને અવગણી એનું શોષણ કરતાં વિચાર નથી કરતા. દિવાળીમાં ખાસ લક્ષ્મીની પૂજા કરીને સંતોષ માનનારી પ્રજા ઘરની લક્ષ્મીને જાકારો દઈ અસહાય કરી દેતાં શરમાતી નથી. લગભગ દરેક ધાર્મિક પ્રસંગે દેવોની સાથે દેવીઓનું અહ્વાન કરવામાં આવે છે, નવ ચંડીનો પાઠ કરવામાં આવે છે એમાંના કોઈ બે-ચાર પરિવારોમાંથી પાકેલા કપૂત અન્યની લક્ષ્મી પર એસીડ છાંટી તેને જન્મ ભર સમાજ બહાર ધકેલી દેતી વખતે માનવતા કોરાણે મૂકે છે. સવાલ એ થાય કે શાસ્ત્રો અને ગુરુજનોએ પ્રબોધેલ સ્ત્રી સન્માનની વાત સમાજના કેટલાક લોકો નથી સમજતા ? કબૂલ કરીએ કે ગુનો કરનાર લઘુમતીમાં છે, પણ તેને ઉશ્કેરનારા, આંખ આડા કાન કરનારા અને ઘર આંગણે અત્યાચાર ગુજારનારાની સંખ્યા ખાસી મોટી થવા જાય છે.
વિચાર કરતાં એવા તારણ પર આવી શકાય કે હવે ઘણી સંખ્યામાં માતા-પિતા પોતાના પુત્રોની જેમ જ પુત્રીઓને સમાન દૃષ્ટિથી જુએ છે, એમને પૂરતું શિક્ષણ આપે છે. એના કાકા-મામા અને ભાઈઓ પોતાની બહેનોના મનોરથો પૂરા કરવામાં પાછા નથી પડતા, પરંતુ જેવી એ પત્ની બનીને પર ઘેર સિધાવે છે તેવી સમાનતાના ત્રાજવાને ન્યાયી રીતે તોળી ન શકનાર શ્વસુર પક્ષના નાના મોટા ત્રાસનો ભોગ બની શકે છે. પોતાની દીકરી કે બહેનને પડતાં દુ:ખ સામે ગોકીરો કરનાર કુટુંબ પોતાના ઘરની પુત્રવધૂ કે ભાભીને અન્યાય કરવામાં કશું અજુગતું થતું નથી ભાળતા. આથી જ આ સમસ્યાનો ઉકેલ તો જ આવે જો નાનપણથી દરેક દીકરા-દીકરીને ‘મારા’ની વ્યાખ્યાનો પરિઘ વિશાળ કરીને સમજાવીએ કે જેવી તમારી દીકરી તેવી જ તમારે ઘેર આવેલ પુત્રવધૂ પણ બીજાની દીકરી છે. જેવી તમારી બહેન તેવી જ સમાજની તમામ સ્ત્રીઓ તમારી બહેનને સ્થાને છે. બીજી મહિલાને મારપીટ, બળાત્કાર, કે એસીડ એટેક કરનાર ગુનેગાર પોતાની માતા, બહેન કે પરિવારની અન્ય સ્ત્રી સભ્યો પર એ અત્યાચાર નહીં આચરે. અને તેથી જ તો ‘મારા’પણાની વ્યાખ્યાને વિસ્તારવી અત્યંત આવશ્યક છે. જો કે જેને ‘પોતાની’ ગણાય તેવી કુટુંબની જ સ્ત્રીઓને રમકડું માનીને ઉપયોગ કર્યા પછી ફેંકી દેવામાં આવે, તેના વિચારો અને લાગણીઓને અવગણવામાં આવે અને પુરુષની જાતીય વૃત્તિને સંતોષવાનું સાધન માત્ર ગણવામાં આવે, એ જાણે આપણા સમાજમાં સર્વમાન્ય ધોરણ બની ગયું છે. આથી જ તો પિતા, ભાઈ કે પતિની મરજી મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધાથી દોરવાઇને ‘ઓનર કીલિંગ’, તેનામાં પિશાચી તત્ત્વ છે એવા તહોમત મૂકીને હત્યા કરવી અને જ્ઞાતિના કુરિવાજોને કારણે મારપીટ કરી કાઢી મુકવા જેવા કૃત્યો બને છે. શહેરોમાં સગીર વયની બાળકીઓ અને સ્ત્રીઓની છેડતી કરવી, બળાત્કાર થવા, ઈન્ટરનેટ પર અભદ્ર શરીર પ્રદર્શન કરાવવા મજબૂર કરવી અને ભોળવી જવાના અને એસીડ એટેક જેવા અપકૃત્યોની સંખ્યા વધી છે.
‘વિકસિત’ ગણાતા દેશોની પંગતમાં બેસીને પોતાના દેશની કુલ માથાદીઠ આવકના આંકડા આપીને હરખાતા અને કરોડોપતિઓના વૈભવનું દર્શન કરતા ભારતે તેની ૫૦% વસતી એટલે કે નારી જગતની પ્રતિમાને ઉજળી કરવાની તાતી જરૂર છે. યા તો દેવીઓની પૂજા કરવાનું અને તેનું મહિમાગાન કરવાનું તજી દઈએ અથવા એ પ્રમાણે વ્યવહાર-વર્તન કરીને આપણી માન્યતાને ખરી ઠરાવીએ તો જ આ નારી વિષયક વિરોધાભાસનો અંત આવશે. સ્ત્રીઓએ પોતે દેવી સરસ્વતીના સ્તવન ગાઈને સંતોષ માનવાને બદલે તેની જેમ વિદ્યા અને કલામાં પારંગત થવાનું છે. તેનામાં પણ લક્ષ્મીની માફક આર્થિક ફરજો બજાવવાની અને અધિકારો મેળવવાની શક્તિ છે એ પુરવાર કરવું રહ્યું. મા કાળી, અંબા અને દુર્ગાના ગરબા ગાતાં પોતે શી રીતે પોતાના શીલની રક્ષા કરી શકે અને પોતાના સંતાનો તથા અન્ય પુરુષ વર્ગને આસુરી વૃત્તિથી દૂર રાખી શકે એનું મનન કરી એ શક્તિનું પ્રદર્શન કરે તે જ ઉચિત થશે. તો સાથે સાથે પુરુષોએ પણ વેદની ઋચાઓ અને દેવ-દેવીઓનાં સ્તવનો રચાયાં એ સમયે સમાજમાં સ્ત્રીનું જે સ્થાન હતું તેવું પાછું લાવવામાં તેમની અન્યની બાળકી અને સ્ત્રી પ્રત્યેના વલણમાં ધરમૂળથી પરિવર્તન લાવે અને આચાર શુદ્ધિ કરશે તો જ ભારતની સ્ત્રીઓનો ચહેરો સુધરશે એ સ્વીકારવું રહેશે.
e.mail : 71abuch@gmail.com
![]()



પથિક અને અનન્યાને આ વાર્તા સાંભળતા પોતાનું બાળપણ યાદ આવ્યું અને નિદ્રાથી પોપચા ભારે થયાં. હજુ થોડી વધુ માહિતીઓના પ્રવાહમાં ડૂબકી મારવાનું બાકી હતું. વાત એમ છે કે ૧૪ જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતથી શરૂ થતો આ મેળો શિવરાત્રીના પૂરો થાય એટલે કે પૂરા દોઢ મહિના સુધી શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ચાલે. કોઈ એક દિવસે એ નદીઓમાં ૩૫થી ૮૦ લાખ લોકો સ્નાન કરે અને દીપ-પુષ્પાંજલિ ધરે. અર્ધ કુંભ દર છ વર્ષે હરિદ્વાર અને અલ્હાબાદમાં, પૂર્ણ કુંભ બાર વર્ષે પ્રયાગ-અલ્હાબાદમાં અને મહાકુંભ ૧૪૪ વર્ષે પ્રયાગ-અલ્હાબાદમાં યોજાય છે. વળી શિવપંથી અખાડાના સાધુઓ વચ્ચે ક્યા અખાડાના સાધુઓને પ્રથમ સ્નાનનું પુણ્ય મળે તે માટે વિવાદ થતો હોય છે. એક વાત નોંધવા લાયક ખરી કે ઇ.સ. ૧૮૯૨માં હરિદ્વારમાં કોલેરા ફાટી નીકળ્યો અને ૧૯૫૪માં પ્રયાગ ખાતે લોકોના ધસારાને કારણે ૫૦૦ યાત્રાળુઓ માર્યા ગયા તે સિવાય સેંકડો-હજારો વર્ષથી ચાલી આવતી આ પ્રથાને કારણે કોઈ દુર્ઘટના બનવા નથી પામી. મુખ્ય સ્નાન ઉપરાંત અનેક સંત-મહાત્માઓના પ્રવચનો, ચર્ચા, ભજનો અને સામૂહિક ભોજનનો લાભ પણ સહુને મળે છે.