આજે ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન એવાં ડૉ.પ્રકાશ અને ડૉ. મંદા આમટેએ મહારાષ્ટ્રના દુર્ગમ હેમલકસા મુકામે આદિવાસીઓના સર્વાંગી વિકાસનું સેવાતીર્થ ઊભું કર્યું છે
ડૉ. પ્રકાશ આમટે અને તેમનાં પત્ની ડૉ. મંદા આમટે, ગયાં ચૂંવાળીસ વર્ષથી, પૂર્વ મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લામાં આવેલા, દુર્ગમ એવાં હેમલકસા નામનાં પંથકના, હજારો અભાવગ્રસ્ત આદિવાસીઓને વિના મૂલ્યે તબીબી સેવા પૂરી પાડવાનું કામ ‘લોક બિરાદરી’ નામની સંસ્થાના નેજા હેઠળ કરી રહ્યાં છે. સમયાંતરે સંસ્થાએ શિક્ષણ, જળસંચય, ગ્રામવિકાસ કાર્યક્રમ, આવક-નિર્માણ ઉપક્રમો અને પ્રાણીઓનાં અનાથાલય જેવાં ક્ષેત્રોને પણ આવરી લીધાં છે. ‘લોક બિરાદરી’માં નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, આમટે દંપતીનાં બે સમર્પિત પુત્રો અને પુત્રવધૂઓનો મોટો ફાળો છે.
ડૉ. પ્રકાશને ભારત સરકારે 2002માં પદ્મશ્રીથી નવાજ્યા. તદુપરાંત આ દંપતીને ફિલિપાઇન્સનો વિખ્યાત રૅમન મૅગસેસે અવૉ ર્ડ(2008) પણ મળ્યો છે. ડૉ. પ્રકાશને સાઠ કરતાં વધુ સન્માન મળ્યાં છે. તેમની મરાઠી આત્મકથા’ પ્રકાશવાટા’(2009)ની પાંત્રીસ આવૃત્તિઓ થઈ છે. આમટે દંપતી પર મરાઠીમાં 2014માં ફીચર ફિલ્મ બની છે. તાજેતરમાં આમટે દંપતીને આખા દેશે ‘કૌન બનેગા કરોડપતિ’માં પણ જોયાં છે.
આમટે દંપતીને મળેલો મૅગસેસે એવૉર્ડ ડૉ. પ્રકાશના પિતા અને વિશ્વવિખ્યાત કુષ્ઠરોગસેવક બાબા આમટેને 1985માં મળ્યો હતો. બાબાએ કુષ્ઠરોગીઓ માટે નાગપુર પાસેનાં વરોડા ગામની એક ઉજ્જડ જગ્યાએ ‘મહારોગી સેવા સમિતિ’ સંસ્થા સ્થાપીને કામ શરૂ કર્યું. ત્યાં 26 ડિસેમ્બર 1948ના દિવસે પ્રકાશનો જન્મ થયો. પ્રકાશ અને તેમનાથી સવા વર્ષ મોટા ભાઈ વિકાસ એક કાચા ઝૂંપડામાં ઊછર્યા. તેમાં બાબા અને માતા સાધનાતાઈની સેવારત છત્રછાયા હતી, કુષ્ઠરોગીઓનો સહવાસ હતો અને આ પીડિતોને મદદ કરનારનો સાથ હતો. જોખમો અને જંગલનાં પ્રાણીઓ હતાં. ખોરાક, પૈસા, સગવડો અને માનવવસ્તી પાંખાં હતાં. બંને ભાઈઓને કરકરસર, મહેનત, પડકાર, સાહસ અને વંચિતો માટે ઘસાઈ છૂટવાની ગળથૂથી મળી. બંનેએ નાગપુરની સરકારી મેડિકલ કૉલેજનાં અભ્યાસનાં વર્ષોમાં નિશ્ચય કર્યો કે ડૉક્ટર બનીને પિતાને કુષ્ઠરોગીઓનાં કામમાં મદદ કરવી. એમાં ય એક વખત બાબા તેમને વરોડા-આનંદવનથી અઢીસો કિલોમીટર પર આવેલાં ગાઢ જંગલોવાળા ભામરાગઢ વિસ્તારમાં લઈ ગયા અને અહીં ખૂબ ખરાબ હાલતમાં જીવતાં માડિયા ગોંડ આદિવાસીઓ વચ્ચે કામ કરવાનો અને પ્રકાશે તેમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો. આ બાજુ પ્રકાશ-વિકાસે એમ.બી.બી.એસ. પૂરું કર્યું. તેમના બે વર્ષ સિનિયર સહાધ્યાયિની ડૉ. મંદાકિની દેશપાંડેનો પ્રકાશ સાથેનો પરિચય પ્રેમમાં ફેરવાયો. પ્રકાશનું ભામરાગઢનું કામ બહુ મુશ્કેલ હોવાની પૂરેપૂરી જાણ હોવા છતાં ડૉ. મંદાકિનીએ તેમની સાથે લગ્ન કર્યાં.
દંપતી અને સાથીઓનાં કામનાં સ્થળે પીવાનું પાણી, છાપરું, વીજળી, એવું કંઈ જ ન હતું. પાણી તો બે કિલોમીટર દૂરનાં નાળામાંથી ભરી લાવવું પડતું. કાર્યકર્તાઓને દોઢસો રૂપિયા પગાર અને જમવાનું, પણ ભાણાંમાં શું હશે તેનાં ઠેકાણાં નહીં. પરિવાર સાથે સંપર્ક લગભગ અશક્ય. હાડમારી અને જોખમો કરતાં વધુ પીડાકારક બાબત એ હતી કે આદિવાસીઓ તેમની તરફ ફરકતા પણ નહીં. સેરેબ્રલ મેલેરિઆ, એનિમિયા અને કસુવાવડ વ્યાપક હતાં. આદિવાસીઓ ઝાડ પરથી પડી જવાથી ફ્રૅક્ચર, સાપ-વીંછીના ડંખના, રીંછ અને મધમાખીઓના હુમલાનો ભોગ બનતા. અંધશ્રદ્ધા અને ભાષાના અવરોધ હતા. પણ એક વખત ચાળીસ ટકા દાઝેલા દરદીના જખમોમાં ભૂવાની સારવાર છતાં કીડા પડ્યા. ડૉ. પ્રકાશે તેને એકાદ મહિનામાં બિલકુલ સાજો કર્યો. એક વખત ભૂવાની જ છોકરી દાક્તરી ઇલાજથી બચી. પછી લોકો ધીમે ધીમે આવતા થયા. ગોળીઓ, ઇન્જેક્શન, બાટલા, પાટા – બધું કરકસરથી વાપરવું પડતું. લૅબ કે એક્સ-રે જેવી સગવડો તો છોડો, વીજળી ય ન હતી. નર્સોનો સવાલ જ ન હતો. બે ડૉકટરો અને કાર્યકર્તાઓ જ બધું કરે. બધાંએ માડિયા ભાષા ચીવટથી કામ પૂરતી શીખી લીધી. કડકડતી ઠંડીમાં પણ ઉઘાડા ફરનારા કંગાળ આદિવાસીઓને જોયા પછી ડૉ. પ્રકાશને ‘આપણે પૂરેપૂરાં કપડાં પહેરીએ છીએ એની ય શરમ આવવા લાગી’. એટલે ‘લોક બિરાદરી’માં એમણે ‘સફેદ રંગની અડધી ચડ્ડી અને સદરા જેવું અડધી બાંયનું બનિયન’ એવાં કપડાં હંમેશ માટે પહેરવાનું શરૂ કર્યું. મંદાતાઈએ સ્વેટર છોડી દીધું. કાર્યકર્તાઓએ પણ જરૂરિયાતો ખૂબ ઘટાડી દીધી. દરદીઓ આવતા થયા. સ્વીસ એઇડ સંસ્થાએ સામે ચાલીને કરેલી મદદથી દવાખાનાં અને રહેઠાણ માટે પાકાં મકાન, બોરવેલ જેવી સગવડો ઊભી થવા માંડી.
કામના ફેલાવાની સાથે કસોટીના પ્રસંગો પણ વધવા લાગ્યા. જેમ કે, રીંછે જેનો ચહેરો ફાડી ખાધો હોય એવા દરદીને ફાનસના અજવાળે દોઢસો ટાંકા લઈને સાજો કર્યો. કુપોષિત માનો સુવાવડ દરમિયાન જીવ બચે તે માટે આડું આવેલું બાળક કાપીને બહાર કાઢવું પડ્યું. કૉલેરાના વાવડમાં થોડાક કલાકોમાં ત્રણસો જેટલા દરદીઓ દવાખાને આવ્યા. દિવસ-રાત મહેનત છતાં કેટલાક દરદીઓ બચી ન શક્યા. હતાશાના આવા પ્રસંગો આવતા રહેતા. ડૉ. પ્રકાશ અને ડૉ. મંદા ધીરજ, સૂઝ, આત્મવિશ્વાસ અને કુશાગ્ર બુદ્ધિથી કામ કરતાં રહ્યાં. અભાવોની વચ્ચે પણ ઑપરેશન સુધીની સારવાર અસાધારણ સફળતાથી કરી. કાર્યકર્તાઓને તાલીમ આપીને મેડિકલ સબ-સેન્ટર્સ ઊભાં કર્યાં. આર્થિક મદદ વધતી ગઈ. નાગપુરના તબીબો હેમલકસામાં ઑપરેશન માટેનાં કૅમ્પ કરવા લાગ્યા. આજે ‘લોક બિરાદરી’ પચાસ પથારીવાળી અદ્યતન સુવિધાઓવાળી હૉસ્પિટલ ધરાવે છે. દર વર્ષે હજારેક ગામડાંનાં પિસ્તાળીસ હજાર જેટલા દરદીઓ સારવાર લે છે. ‘લોક બિરાદરી’ની તબીબી પાંખનું તમામ કામ અત્યારે આમટે દંપતીનાં પુત્ર ડૉ. દિગંત અને તેમની સાથે સભાનતાપૂર્વક લગ્ન કરીને આવેલાં ડૉ. અનઘા સંભાળે છે. તેમનાં ‘કમ્યુિનટી હેલ્થ પ્રોગ્રામ’માં 26 ગામોમાં છ સ્વાસ્થ્ય કેન્દ્રો બારસો પરિવારોને આવરી લે છે. તાલીમ પામેલા આરોગ્યકર્મીઓ દરદીઓને સાદી બીમારીઓમાં પ્રાથમિક સારવાર પૂરી પાડે છે.
આદિવાસીઓનું શોષણ અટકાવવા માટે ‘લોક બિરાદરી’એ શિક્ષણક્ષેત્રે પ્રવેશ કર્યો. નિષ્ઠાવાન કાર્યકરોએ માડિયા બોલી અને મરાઠી પાઠ્યપુસ્તકો બંનેનો મેળ પડે તેવી શિક્ષણ પદ્ધતિ વિકસાવી. શાળા અને છાત્રાલય માટે પણ સહાય મળી. ‘લોક બિરાદરી’ની શાળામાં 1976ની પહેલી બૅચમાં ભણેલા વિદ્યાર્થીઓમાંથી પાંચ ડૉક્ટર બન્યા. પછીનાં વર્ષોમાં સફળતાનો સિલસિલો ચાલુ રહ્યો. વિદ્યાર્થીઓ શિક્ષક, ફૉરેસ્ટ ગાર્ડ, વકીલ બનતા રહ્યા છે. રમતગમતમાં પણ શાળા અનેક સિદ્ધિઓ મેળવતી રહી છે. તબીબી સેવા ઉપરાંતની મોટા ભાગની પ્રવૃત્તિઓ આમટે દંપતીના નાના પુત્ર અનિકેત અને તેનાં પત્ની સમીક્ષા સંભાળે છે. ‘લોક બિરાદરી’ની પડખે ‘આનંદવન’ સતત ઊભું છે. ત્યાં પણ ડૉ. વિકાસ આમટે અને તેમનો પરિવાર બાબા આમટેના કુષ્ઠરોગ ઇલાજ, નિવારણ અને પુનર્વસનના કામને અસાધારણ ઊંચાઈએ લઈ ગયા છે.
ડૉ. પ્રકાશ આમટેના વ્યક્તિત્વનું અનોખું પાસું છે તે તેમનો પ્રાણીપ્રેમ. ત્યાં તેમણે આદિવાસીઓના હુમલામાં ઘવાયેલાં કે આદિવાસીઓએ તેમને ભેટ આપેલાં સંખ્યાબંધ જંગલી પ્રાણીઓને ઉછેર્યા અને સાચવ્યા છે. હેમલકસામાં એક નાનકડો પ્રાણીબાગ પણ છે. પ્રકાશભાઈએ દીપડાની બે પેઢીને, માદા રીંછ અને વાનરને પોતાનાં સંતાનની જેમ મોટાં કર્યાં છે. તેમણે બચાવેલાં-ઉછેરેલાં ઝેરી સાપ, મગર, શાહુડી, હરણ અને અન્ય પ્રાણીઓની યાદી લાંબી થાય. ડૉ. પ્રકાશે પ્રાણીઓ માટેની લાગણીથી છલકાતું ‘રાનમિત્ર’(2013) નામનું પુસ્તક પણ લખ્યું છે.
ડૉ. પ્રકાશે આત્મકથામાં ‘લોક બિરાદરી’ના કાર્યને ‘જગન્નાથનો રથ’ ગણાવીને લગભગ તેમાં સહયોગ આપનાર સહુને કૃતજ્ઞતાપૂર્વક યાદ કર્યા છે. ડૉ. મંદા આમટેએ મૅગસેસે સન્માનના સ્વીકાર-વ્યાખ્યાનમાં નોંધ્યું છે કે ‘અસંસ્કારી લાગતા માડિયા-ગોંડ આદિવાસીઓએ સંસ્કારી દુનિયાએ શીખવા જેવા ગુણ વિકસાવ્યા છે.’ તેઓ ચોરી, લૂંટફાટ, બળાત્કાર અને કન્યાભ્રૂણહત્યા કરતા નથી. તેમણે એમ પણ કહ્યું છે કે ‘દૂરના આદિવાસી વિસ્તારોમાં બદલાવની બહુ ધીમી ગતિ જોઈને પીડા થાય છે.’
*******
17 ઑક્ટોબર 2018
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 18 અૉક્ટોબર 2018