Opinion Magazine
Number of visits: 9564532
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તાર અને તાળો મેળવવાનો ઉપક્રમ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|30 January 2016

આ સર્વ-ભાષા-સંવાદ કોઈક પ્રોજેક્ટ ફન્ડેડ પ્રાયોજિત મિલન નહીં પણ સ્વૈચ્છિક સંમિલનરૂપે ઊભર્યો છે.

રોહિત આજે આપણી આપણી વચ્ચે હોત તો એ અઠ્ઠાવીસનો થયો હોત. આ દેશમાં કોઈ અકાલ, અમાનવીય મૃત્યુને ન વરે એટલા માટે સર્વોચ્ચ બલિદાન આપીને પથ પ્રશસ્ત કરનાર મહાત્માનો નિર્વાણદિવસ અને હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના મેધાવી શોધ છાત્ર રોહિતનો જન્મદિવસ, બેઉ એક જ તારીખે હોય તે બેલાશક એક બનતાં બની આવેલો જોગાનુજોગ છે, અને આંબેડકર પરત્વે પણ આલોચનાત્મક અભિગમ લઈ શકવાની જેની ગુંજાશ હતી તે ગાંધીનો ટીકાકાર ન હોય એમ માનવું જરૂરી નથી.

તેમ છતાં, વાત તો સાચી કે સહિષ્ણુતાની-અને સહિષ્ણુતાએ નહીં અટકતાં સૌહાર્દ અને સંવાદની ભૂમિકા સારુ મથતા ગાંધીને સારુ જ્યાં હત્યા નિરમાયેલ હોય અને રોહિત જેવાને સારુ જ્યાં (આત્મ)હત્યા દુર્નિવાર બનાવતા સ્થિતિસંજોગ હોય ત્યાં કશુંક ખૂટે છે. ગાંધીનો કોઈ વાંકગુનો હોય કે રોહિતની કાંક કસૂર હોય તો તે કદાચ એક અને એક જ કે અમન અને એખલાસની એમની પરિભાષામાં ઈન્સાફનું અનુસ્યૂત હોવું અનિવાર્ય હતું અને છે. આંબેડકરી રોહિત ન તો બૌદ્ધ ભિખ્ખુ હતો, ન તો ગાંધી કોઈ નકરા ક્વેકર કે પેસિફિસ્ટ હતા.

આ પ્રકારનાં વ્યક્તિત્વ, એટલે કે પરિવર્તનવાંછુ ને બગાવતી વ્યક્તિત્વને સ્વીકારી શકે એવો સમુદાર સમાજ ક્યાંથી લાવવો. સહિષ્ણુતા (ટોલન્સ) એ દેખીતા શાંતિમય સહઅસ્તિત્વ કરતાં તત્ત્વત: ખાસી આગળ જતી વાત છે. અન્યાય પ્રતિકારપૂર્વક નવા જમાના માટેની ગુંજાશ ને મોકળાશ એ સ્તો એની આંતરસરવાણી છે. શાંતિ, સદ્દભાવ-અરે સહિષ્ણુતાને નામે યથાસ્થિતિ પ્રતિષ્ઠા કેવળ બેમાની અને બેમતલબ છે.

એવોર્ડ વાપસીના કેમ જાણે નવ્ય ચરણ રૂપે હૈદરાબાદ યુનિવર્સિટીની ડિ.લિટ.ની માનદ ઉપાધિ પાછી વાળનાર અને 30મી જાન્યુઆરીએ રાજઘાટ પર ‘સત્યાગ્રહ’ પ્રકારનું આયોજન ઈચ્છનાર અશોક વાજપેયીએ એક માર્કાની વાત કહી છે આ દિવસોમાં કે કદાચ પહેલી જ વાર આપણે ત્યાં લેખકો એક અસરકારક પરિબળ તરીકે ઊભરી રહ્યા છે, કેમ કે એમણે પોતાની માંહેલા ‘નાગરિક’ને અભિવ્યક્ત થવા દેવાની વાતને અગ્રતા આપી છે.

આજે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અન કેરળના લેખકો, બૌદ્ધિકો, કળાકારો, મીડિયાકર્મીઓ દાંડીમાં સર્વ-ભાષા-સંવાદની ભૂમિકાએ મળી રહ્યા છે એને પણ સહૃદય ને સંવેદનશીલ એવા આ કે તે વિધાના સૌ પટુ લોકોની નાગરિક અભિવ્યક્તિ તરીકે કેમ ન જોઈ શકીએ વારુ? જોવાનું એ છે કે એવોર્ડવાપસીનો એક સિલસિલો જેમ સ્વયંભૂ  ચાલ્યો એમ દાંડીનો સર્વ-ભાષા-સંવાદ પણ કોઈક પ્રોજેક્ટ ફન્ડેડ પ્રાયોજિત મિલન નહીં પણ સ્વૈચ્છિક સંમિલનરૂપે ઉભર્યો છે. રેશનલિસ્ટ દાભોલકર, ડાબેરી પાનસરે અને સુધારલક્ષી ક્રાંતિકારી સંશોધક-વિવેચક કલબુર્ગી – છેલ્લાં બેે’ક વરસ દરમ્યાનની આ ઉપરાછાપરી શહાદતો અને દેશનાં સાહિત્યિક ને બીજાં પ્રતિષ્ઠાનોની એને અંગે આંખ આડા કાન જેવી ભૂમિકા અને પરિવર્તનલક્ષી નાગરિક મિજાજના એક આવિષ્કાર રૂપે તમે દાંડી મિલનને જોઈ શકો.

આ જ દિવસોમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનાં રાજકીય સંસ્મરણોનો બીજો ખંડ બહાર આવ્યો છે. એમણે જો શાહબાનુ પ્રકરણમાં અને અયોધ્યામાં તાળા ખોલવામાં રાજીવ ગાંધીના પક્ષે ગોથું ખાવાયાની નોંધ લીધી છે તે બાબરીધ્વંસને વળતાં બળોની બેમોંઢાળી પ્રવૃત્તિ – ‘અ પરફેક્ટ ઍક્ટ ઑફ પરફિડ’ – કહેતાં સંકોચ નથી કર્યો. કોમી ધ્રુવીકરણના હિંસ્ર રાજકારણની જિકર કરવા સાથે એમણે વિશ્વનાથ પ્રતાપસિંહના મંડલશાસ્ત્રને પણ સંભાર્યું છે. અને કહ્યું છે કે એણે એક બાજુ જ્યાં સામાજિક અન્યાય કમી કર્યો ત્યાં બીજી બાજુ સમાજમાં નાતજાતગત વિભાજન અને ધ્રુવીકરણ પણ પ્રેર્યાં. વિવિધ પરિબળોની પ્રણવ મુખર્જીની આ નિરૂપણા તાજેતરના ઇતિહાસના પ્રકાશમાં જે એક મુદ્દો કૉંગ્રેસભાજપ અને બીજાથી નિરપેક્ષપણે અંકિત અને અધોરેખિત કરી આપે છે તે એ કે યથાસ્થિતિ(સ્ટેટસ કો)નાં પરિબળોને ઠમઠોરીને ન્યાય ને પરિવર્તનની દિશા પકડવાનું કેટલું કાઠું છે.

લાંબા ઇતિહાસમાં જરી પાછળ જઈને જોઈએ તો અસાધારણ પ્રતિભા અને અનન્ય સમર્પણના સ્વામી તિલક સ્વરાજમાં રહેલો જન્મસિદ્ધ અધિકાર તો બુલંદપણે લોક સમક્ષ મૂકી શકે છે, પણ માનવ તરીકેના અધિકારો જાતિગત ભેદભાવમાં દબાઈ ન જાય તે માટેની શાહુ મહારાજની પ્રગતિશીલ સુધારલક્ષી કોશિશને એવી જ એક બળુકી સ્વરાજચેષ્ટા તરીકે જોઈ શકતા નથી. ગાંધી આવે છે અને રાજકીય સ્વરાજ ને સામાજિક સુધારા બેઉને માટે સાથે લગી ચળવળ ચલાવે છે ત્યારે તિલકની પનાહ હતી એ દિવસોમાં પોતાને આશ્વસ્ત અનુભવતા રૂઢિવાદી પરિબળો કેવાં અસ્વસ્થ, આઘાંપાછાં અને આક્રમક થઈ જાય છે!

બને કે આ અગર તે રાજકીય અંતિવાદી છેડાઓથી ઉફરો પણ ન્યાય અને પરિવર્તનનાં મૂલ્યોને વરેલો, રાજકીય ધીટતાની દૃષ્ટિએ કેળવાયેલો નહીં પણ સંવેદનસિક્ત સમજમાં રમેલો, નક્કરનરવો નાગરિક અવાજ એવોર્ડવાપસીની પ્રક્રિયામાંથી – અને સવિશેષ તો જે કારણે આ પ્રક્રિયા શક્ય બની તે કલબુર્ગી, પાનસરે આદિની શહાદતમાંથી – બહાર આવે. દાંડી મિલન એ દિશામાં જરી દિલોદિલ તાળો અને તાર મેળવવાનો ‘કમ્પેિરંગ નોટ્સ’ની પ્રક્રિયામાં ગતિ અને દિશા આપવાનો એક ઉપક્રમ અવશ્ય છે.

દેશની સેન્ટ્રલ યુનિવર્સિટીઓ રોહિત ઘટનાને પગલે, ખાસ કરીને છાત્ર છેડે અસ્વસ્થ, અન્-આશ્વસ્ત અને આંદોલિત માલૂમ પડે છે. અન્ય સ્થાપિત યુનિવર્સિટીઓમાં જન્મગત ભેદભાવનો મુદ્દો ઢાંકાઢૂબામાંથી ઢેકો કાઢીને બહાર આવ્યો છે. સવાલ, આ અસ્વસ્થતાને એક સર્જનાત્મક વળાંક આપવાનો છે, અને એ દૃષ્ટિએ સ્વતંત્રતા, સમાનતા, બંધુતાને અનુલક્ષીને બંધારણીય મૂલ્યો બાબતે પડને ગાજતું રાખવાનો છે. કદાચ, આ ચાલુ રાજકીય પક્ષોના બરની વાત એટલી નથી જેટલી સ્વતંત્ર સાહિત્યસેવીઓના બરની હોઈ શકે છે.

કવિ-પત્રકાર અને વળી દાંડીયાત્રાની શ્રીધરાણીએ નવી દિલ્હી પરની એમની સુપ્રતિષ્ઠ રચનામાં એક પંક્તિ બિલકુલ ભરીબંદૂક લખી છે: અહીં મર્યા ગાંધી કે જેથી જીવે ભારતવર્ષ. સરસ વાત કરી છે કવિએ, પણ ગાંધીને આપણે ભારતવર્ષમાં સીમિત ક્યાં સુધી રાખીશું? એશિયા, યુરોપ અને આફ્રિકા ત્રણ ત્રણ ખંડમાં જીવનકાળમાં એની સક્રિય હાજરી હતી. એકાધિક પ્રજાઓ સાથે એની સંડોવણી હતી. કોઈ એક દેશની આઝાદી કરતાં ઉત્તરોત્તર વિશ્વમાનવતાના બુલંદ સ્વરરૂપે અને હર અન્યાય સામે પ્રતિકારના એક પ્રતીક તેમ જ પ્રતિમાનરૂપે એમની પ્રતિભા ઊભરી હતી. અહિંસા અને અભયનો એક એવો રસ્તો ખોલી નાખ્યો એણે જેને કોઈ માર્ટિન લ્યુથર કિંગ, કોઈ મન્ડેલા, કોઈ સૂ ચી હોંશેહોશે સંભારે – અને નવી દુનિયાની ખોજમાં ‘અરબ સ્પ્રિંગ’માં હો કે પછી ‘ઑક્યુપાય વૉલ સ્ટ્રીટ’માં, આ રીઢો આસામી ક્યાં નથી?

ચલ મન દાંડી.

e.mail : prakash.nirikshak@gmail.com

સૌજન્ય : ‘દાંડી મિલન’, “દિવ્ય ભાસ્કર”, 30 જાન્યુઆરી 2016

Loading

30 January 2016 admin
← ક્યાં છે ગાંધી-ગાંધી?  / ગાંધી ગાંધી ગાંધી
રાજકારણમાં બૉડી લેંગ્વેજ અને નરેન્દ્ર મોદીની ‘જાદુ કી જપ્પી’ →

Search by

Opinion

  • હવે અખબારોને અખબાર ન માનો !
  • RSS દ્વારા સરદાર પટેલ અને ભારત સાથે વચનભંગ
  • નારી વિમર્શ અને એવું બધું … પર્સનલ ઈઝ પોલિટિકલ!
  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved