Opinion Magazine
Number of visits: 9456464
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વયં આપણી ખોજ દર્શાવતા ફિલ્મ દિગ્દર્શક : શ્યામ બેનેગલ

અભિજિત વ્યાસ|Opinion - Opinion|13 March 2025

શ્યામ બેનેગલ

ફિલ્મ ‘અંકુર’ જોઈને વિચારે ચડી જવાયું હતું. મોટા ભાગના કલાકારો નવા જ હતા. ખાસ પરિચિત પણ નહીં. અને તો પણ એ બધા દિલોદિમાગ પર છવાઈ ગયા હતા. એ ફિલ્મ જોયા પછી હું તો વિચારતો થઈ ગયો હતો, દેશના અનેક દર્શકો પણ વિચારતા થઈ ગયા હતા. એક અત્યંત નવા દિગ્દર્શકની પહેલી જ ફિલ્મ અને સત્યજિત રાય અને મૃણાલ સેનથી લઈને અનેક લોકો તેના વિશે લખવા મજબૂર થઈ ગયા હતા. અલબત્ત, સૌને પોતપોતાના અભિપ્રાય હતા.

શ્યામ બેનેગલની ફિલ્મોએ પછી તો ઘેલું લગાડ્યું તેમ કહીએ તો પણ ચાલે. દર્શકોનો એક વિચારશીલ વર્ગ તેમની ફિલ્મોની રાહ જોવા લાગ્યો. અને શ્યામ બેનેગલની ફિલ્મોને સફળતા મળવા લાગી. એક વખત આ સંદર્ભમાં મે શ્યામબાબુને પ્રશ્ન કરેલો કે આપની ફિલ્મો વ્યાવસાયિક ધોરણે ખાસ સફળ નથી હોતી, ત્યારે જવાબમાં એમણે કહેલું કે ફિલ્મ-સર્જન કલા સાથે વ્યવસાય પણ છે. મારી ફિલ્મો વ્યાવસાયિક રીતે સફળ ન થતી હોત તો હું આટલી ફિલ્મો કદી સર્જી ન શકત. આ વાત અલબત્ત, 1985ની સાલની છે.

 1974માં ફિલ્મ ‘અંકુર’ની રજૂઆત થઈ, ત્યારથી એમની બધી ફિલ્મો જોવાનો આગ્રહ રહ્યો છે. એમની કેટલીક ફિલ્મો એકથી વધુ વાર જોવાનું બન્યું છે. શ્યામ બેનેગલને આ બધો સમય ક્યાંક ક્યાંક જોવાનું-સાંભળવાનું બનેલું, પણ મળવાનો અવસર મને 1985માં મળ્યો. તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનના દીક્ષાંત સમારોહ માટે અમદાવાદ આવેલા, એમને મળીને એમની સાથે નિરાંતે વાત કરવાની ઇચ્છા હતી. એ માટે એમનો સમય માંગ્યો. બીજા દિવસે રવિવારે સવારના જ એન.આઈ.ડી.ના પરિસરમાં મળવાનો સમય આપ્યો. ઘણી બધી વાતો કરી. એ દિવસે એમની સાથેની વાતચીત રેકૉર્ડ પણ કરેલી. એ જ દિવસે એમની સાથે જ બેસીને એમણે સત્યજિત રાય પર સર્જેલી દસ્તાવેજી ફિલ્મ પણ જોવાનો અવસર મળ્યો. આ પછી લગભગ એક વર્ષના સમય બાદ તેઓ ‘ત્રિકાલ’નો શો કરવા પુણેસ્થિત ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં આવેલા, ત્યારે ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાં મળવાનો યોગ થયો. પછી એમની સાથે સાહજિકતાથી મિત્રતા થઈ.

શ્યામ બેનેગલનો જન્મ હૈદરાબાદમાં 14 ડિસેમ્બર 1934ના રોજ થયેલો. એમના પિતા એક વ્યવસાયિક ફોટોગ્રાફર હતા. દસ સંતાનોમાં એક શ્યામને ફોટોગ્રાફીનો શોખ વારસામાં મળેલો. શ્યામે પોતાની પહેલી ફિલ્મ બાર વર્ષની ઉંમરે બનાવી હતી. શ્યામને સાહિત્યનો શોખ હતો અને તેઓ ટૂંકી વાર્તા તથા કવિતાઓ પણ લખતા હતા. કૉલેજના દિવસોમાં રંગભૂમિ ઉપર પણ સક્રિય હતા. અર્થશાસ્ત્રના વિષય સાથે ગ્રૅજ્યુએટ થયા બાદ ફિલ્મના માધ્યમમાં કામ કરવા માટે મુંબઈ આવ્યા. ફિલ્મ દિગ્દર્શક ગુરુ દત્ત એમના પિતરાઈ ભાઈ થતા હતા. પ્રારંભમાં એડવર્ટાઈઝિંગ એજન્સીમાં કોપી-રાઈટર તરીકે કાર્ય કર્યા બાદ જાહેરાતની ટૂંકી ફિલ્મો તથા દસ્તાવેજી ફિલ્મો બનાવવાનું શરૂ કરેલું. ‘અંકુર’નું સર્જન 1973માં કર્યુ એ પહેલા એમણે 250 જેટલી જાહેરાત માટેની અને ત્રીસેક જેટલી દસ્તાવેજી ફિલ્મોનું સર્જન કરી ચૂક્યા હતા. એમની બે-એક દસ્તાવેજી ફિલ્મો પર ભારત સરકારે પ્રતિબંધ પણ જાહેર કર્યો છે.

‘અંકુર’ ની જ્યારે રજૂઆત થઈ ત્યારે આપણે ત્યાં નવ્ય સિનેમાનો પ્રભાવ હતો. અને એની શરૂઆતમાં જ આ ફિલ્મની સફળ રજૂઆત અનેક રીતે મહત્ત્વપૂર્ણ રહી. આ મહત્ત્વ ફક્ત દર્શકો પૂરતું જ નહોતું, પણ ફિલ્મ સર્જકો માટે પણ એટલું જ મહત્ત્વપૂર્ણ હતું. ‘અંકુર’ને બંને પ્રકારનો – સમીક્ષકો દ્વારા વિવેચનાત્મક અને આવકની દૃષ્ટિએ પણ સારો આવકાર મળેલો. એ પણ શ્યામ બેનેગલને માટે અને આ દિશામાં જવા માગતા બીજા અને દિગ્દર્શકોને માટે મહત્ત્વનો રહ્યો. પહેલી જ ફિલ્મથી શ્યામ બેનેગલે પોતાની એક ટીમ ઊભી કરી, જેમાં સિનેમેટોગ્રાફર ગોવિંદ નિહલાની અને સંગીતકાર વનરાજ ભાટિયાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત અદાકારોમાં શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, ઓમ્‌ પુરી અને અમરીશ પુરી વગેરે પણ જોડાયાં હતાં. બીજી જ ફિલ્મથી શ્યામે એક નવી અભિનેત્રી સ્મિતા પાટીલને રજૂ કરી. શબાના આઝમીની પસંદગી શ્યામે ગોવિંદ નિહલાનીની અણગમા છતાં કરી હતી. આજે આ બંને અભિનેત્રીઓ ભારતીય સિનેમાના પ્રત્યેક મહત્ત્વના પડાવ પર ઊભેલી જોવા મળે છે.

‘નિશાન્ત’ ફિલ્મનાં સાથીદારો

શ્યામ બેનેગલની એક ખાસિયત રહી છે કે નિર્દય સત્તાની સાથે સાથે જાતીયતા(sex)ની વાત સાંકળે છે. ‘અંકુર’, ‘નિશાન્ત’, ‘મંથન’, ‘કોન્ડૂરા’, ‘મંડી’ કે ‘સરદારી બેગમ’માં આંતરિક સંબંધોમાં સત્તા (power-પાવર), કર્મકાંડ (ritual), જાતીયતા (sex) અને હિંસા(vilonce)નું પુનરાવર્તન કર્યું છે. પરિણામે એમની શરૂઆતની ફિલ્મમાં સ્ત્રીઓનાં પાત્રમાં કેટલાંક તત્ત્વો સમાન આવ્યાં છે. જાતીયતા અને સત્તાના સંબંધો અને જાતીયતા જ એક સત્તાના પરિબળ તરીકેનું નિરૂપણ શ્યામ બેનેગલની ફિલ્મોમાં મહત્ત્વનું રહ્યું છે. ‘નિશાન્ત’ માં આ પરિબળોની રજૂઆત થઈ છે, જે ‘મંડી’ અને ‘સૂરજ કા સાતવા ઘોડા’ સુધી ફરી-ફરીને અલગ-અલગ રીતે પુનરાવર્તન પામી છે.

‘ભૂમિકા’માં શ્યામ બેનેગલ પ્રથમ વખત શહેરમાં પ્રવેશે છે. ‘ભૂમિકા’ પહેલાની ફિલ્મોમાં ગ્રામ્ય પરિવેશ અને જીવનની રજૂઆત થઈ છે. આ સંદર્ભમાં એમને પૂછેલું ત્યારે શ્યામે જવાબ આપેલો કે જે દેશનો મોટાભાગ ગ્રામ્ય પ્રદેશ છે તેને કેમ ટાળી શકાય? પણ ‘ભૂમિકા’માં શહેરી વાતાવરણ છે. તેમાં પણ એક અભિનેત્રીના જીવનને સ્પર્શતી વાત બેનેગલે કરી છે. તેથી લોકાલનું મહત્ત્વ વધી જાય છે. આમ પણ શ્યામ બેનેગલની ફિલ્મોમાં લોકાલનું મહત્ત્વ અનેરું જોવા મળે છે. અને ક્યારેક ક્યારેક તો આ લોકાલ એક મહત્ત્વનું પાત્ર બની જાય છે. ‘ભૂમિકા’માં બેનગલે અનેક પ્રકારના પ્રયોગો કર્યા છે. જે એમની દૃશ્યરચનાને મહત્ત્વનું પરિણામ આપે છે.

‘ભૂમિકા’માં સ્મિતા પાટીલ

‘ભૂમિકા’ ફિલ્મ હિન્દી-મરાઠી સિનેમાની એક જમાનાની જાણીતી અભિનેત્રી હંસા વાડકરના જીવન ઉપરથી સર્જાઈ છે. એક અભિનેત્રીના જીવન ઉપરથી ફિલ્મ સર્જાતી હોવાને કારણે ફિલ્મમાં કથાની અંદર જ ત્યારના સમાજજીવનની વાતને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં નિરૂપવામાં આવી છે. એટલે સાથેસાથે ભારતીય સિનેમાનો ઇતિહાસ પણ જાણવા મળે છે. શ્યામ બેનેગલે આ બધું દૃશ્ય દ્વારા રજૂ કર્યું છે. એટલે એક યુક્તિ-ટેકનિક કરી છે. ફિલ્મની રજૂઆત અલગ-અલગ વૃત્તાંશ(episode)માં કરી છે. અને પ્રત્યેક વૃત્તાંશ એક-એક ભૂતકાલીન ઘટના(ફ્લૅશ બૅક)ને રજૂ કરે છે. પ્રત્યેક ફ્લૅશબૅક અલગ અલગ ટોન અને રંગ આપવામાં આવેલા છે. ફિલ્મ રંગીન (colour) છે, પણ પછી જ્યારે પહેલી ફ્લૅશબૅકની રજૂઆત થાય છે ત્યારે શ્વેત-શ્યામ(black & White)માં રજૂઆત પામે છે. આ પછીની ફ્લૅશબેક શેપિયા અને બ્લ્યુ ટોનમાં રજૂ થઈ છે. તે પછીની ફ્લૅશબૅક રંગીન આવે છે. રંગોમાં પણ બેનેગલે ત્રણ અલગ-અલગ પ્રકારના રંગોની બ્રાન્ડનો ઉપયોગ કર્યો છે. ભારતીય સિનેમામાં સૌ પ્રથમ ઓરવો રંગનો ઉપયોગ થયો હતો. તેથી એ સમયની રજૂઆત ઓરવો (orwo) કલરમાં થાય છે. અને પછીની રજૂઆત ફ્યુજી અને ઈસ્ટમૅન કલરમાં થઈ છે. આમ ભારતીય સિનેમાનો ઇતિહાસ અભિનેત્રીની જીવનની સાથે સાથે જ રજૂઆત પામે છે. પણ કથામાં જે અભિનેત્રી ઉષા છે તેના જીવનમાં આવેલા પ્રણય પ્રસંગો, એનું શોષણ (exploitation), તથા વિવિધ પુરુષો સાથેના સંબંધોની વાત થઈ છે. જે આપણા ઉચ્ચ વર્ગના સામાજિક જીવનની વાત કરે છે. આ અભિનેત્રી સ્વચ્છંદી જીવન જીવી રહી છે, તે જ અભિનેત્રી જ્યારે પોતાની પુત્રીનાં લગ્ન થયાં છે કે નહીં એવું જાણ્યા વગર એવું જુએ છે કે તેણી ગર્ભવતી છે ત્યારે અચાનક જૂનવાણી (orthodox) થઈ જાય છે. વ્યક્તિનાં, પોતાના માનેલાં માટેના અને બીજા માટેનાં મૂલ્ય કેટલાં અલગ-અલગ હોય છે તે આ ફિલ્મમાં સારી રીતે જોવા મળે છે.

‘કલયુગ’માં રેખા

‘અંકુર’થી ‘મંથન’ સુધીની શ્યામ બેનેગલની ફિલ્મોમાં સામ્યવાદ, સામાજિક પ્રતિબદ્ધતા વગેરેનો ખાસ્સો પ્રભાવ જોવા મળે છે. પણ ‘ભૂમિકા’થી બેનેગલ નવયથાર્થવાદથી દૂર થઈને વધુ માનવીય સ્તર પર ફિલ્મો સર્જવાનું શરૂ કરે છે. શ્યામ બેનેગલનું એક બીજું પ્રદાન છે, કથાનકની મહત્તાનું સાર્થક સિનેમામાં પુનઃસ્થાપન કર્યું. ચીલાચાલુ ફોર્મ્યુલાને બદલે સારી વાર્તાઓ પરથી પટકથા તૈયાર કરીને ફિલ્મો સર્જવાની શરૂઆત કરે છે. જેના પરિણામે રૂપે ‘ઝનૂન’, ‘કલયુગ’, ‘કોન્ડૂરા’ અને ‘સૂરજ કા સાતવા ઘોડા’ જેવી ફિલ્મો અને ‘ભારત એક ખોજ’ જેવી ટેલિવિઝન સિરિયલ સર્જાય છે.

એવું કહેવાય છે કે શ્યામ બેનેગલ સ્ત્રીના બાળાત્કાર કે માનભંગથી દર્શકોને રીઝવે છે. આ વાત સાચી છે, કારણ કે શ્યામ બેનેગલના સમગ્ર સર્જનનું કેન્દ્રબિંદુ સ્ત્રી જ છે. સ્ત્રી જ બધી વાર્તાઓનું કેન્દ્રબિંદુ છે અને પુરુષ પાત્રો તેની આસપાસ ગોઠવાય છે. ‘અંકુર’ના ગૂંગા પતિથી લઈને ‘ભૂમિકા’ના પરપીડક પતિ અને ‘નિશાંત’ના સ્કૂલ માસ્તરથી લઈને ‘મંડી’ના દીવાના કિશોર કે ‘કલયુગ’ના ધર્મરાજ, કે ‘સૂરજ કા સાતવા ઘોડા’ના માણીક મુલ્લા સુધી, બધા પુરુષ પાત્રો લગભગ નપુંસક ભૂમિકા ભજવે છે. જ્યારે શક્તિ અને સત્તાની કેન્દ્રિય ભૂમિકાઓ સ્ત્રીઓના હાથમાં છે. શ્યામ બેનેગલની સ્ત્રીમાં લાઇફ સ્પિરિટ-વાસ્તવિક પૌરુષ છે જે એના પુરુષ પાત્રોમાં આપણને નથી જોવા મળતું. શ્યામ બેનેગલની મોટાભાગની ફિલ્મોમાં વામપંથી, સમાજવાદી અને માર્કસવાદી જટિલતાના નિરૂપણનો પ્રયાસ કરવાને બદલે એમણે ‘સ્ત્રી સેક્સ’નાં શોષણો સામાન્ય માણસની ભૌતિક સુવિધાઓનું પ્રતીક બનાવી દેવાનું વધુ પ્રતીતિકર સમજ્યું છે. કારણ કે આ પ્રતીક સામાન્ય દર્શકોની સમજમાં બહુ આસાનીથી આવે છે. શ્યામ બેનેગલની નાયિકાઓ દૈહિકતા અને અદૈહિકતાનો અદ્દભુત સમન્વય છે. નૈતિકતા કે સામાજિક મર્યાદાને શ્યામ બેનેગલ કે એમની નાયિકા મહત્ત્વ નથી આપતી. ‘અંકુર’માં ગામની ભરી પંચાયતમાં એક સ્ત્રી એમ કહેવાનું સાહસ કરે છે કે “આ બદન પણ ભગવાનનું બનાવેલું છે અને ભૂખ ફક્ત પેટની જ નથી હોતી”. શ્યામ બેનેગલની નાયિકાઓ પરિસ્થિતિઓનો શિકાર બનવા છતાં પણ ઝૂકતી નથી કે તૂટતી નથી.

જાતીયતાની આટલી વિગતે રજૂઆત કરતા શ્યામ બેનેગલ પડદા ઉપર ગજબનો સંયમ પાળે છે. અને તેઓ કદી પણ તેનું પ્રદર્શન કરતા નથી. બળાત્કારનો ભોગ બનતી સ્ત્રી જોઈને શકાય છે, પણ બળાત્કાર કે શારીરિક સંબંધોની વાતને પ્રતીકાત્મક જ તેઓ દર્શાવે છે. આ પ્રકારનો સંયમ પાળવો એ ખરે જ કઠિન કાર્ય છે. પણ શ્યામ બેનેગલ તેમાં પૂર્ણ સફળ થયા છે. આજે જાતીયતાના પ્રદર્શનથી જ ફિલ્મને વેચવાના વલણની સામે જાતીયતાની ચર્ચા કરતા વિષયો લેવા છતાં શ્યામ બેનેગલ તેનું પ્રદર્શન ટાળે છે. એ આવકાર્ય છે.

શ્યામ બેનેગલે ટેલિવિઝન માટે જે ધારાવાહિકોનું સર્જન કર્યું, તેમાં પણ ‘ભારત એક ખોજ’ અત્યંત મહત્ત્વની રહી છે. આપણે આપણી જ ખોજ કરવા પણ આ સિરિયલને ફરી ફરી જોવી રહી. તેમ બેનેગલે આપણા બંધારણ પર પણ એક સિરિયલ ‘સંવિધાન’નું સર્જન કરેલું છે.

શ્યામ બેનેગલને અનેક વિષયોની જાણકારી હતી. એમના ઘેર જઈએ ત્યારે એમને સતત કંઈક સંગીત સાંભળતા જોવા મળતા. એમને જમવાનો અને જમાડવાનો પણ અનેરો શોખ હતો. અને બેનેગલના ફિલ્મના શૂટિંગ સમયે સેટ પરના લોકોને પિકનિક જેવું લાગતું. રોજનું જમવાનું પણ અનેરું જમાડતા. એઓ પાકશાસ્ત્ર (રસોઈકળા) અને વાનગીઓ પર પણ મહિલા સંસ્થાઓમાં પ્રવચન આપતા. એજ રીતે કાર ડ્રાઇવિંગ વિષે પણ સારી જાણકારી ધરાવતા. તેમ છતાં તેઓ કદી રસોઈ કરતા નહીં કે મોટર ચલાવતા નહીં. એ બંને કામ એમનાં પત્ની નીરા પર છોડતા. શ્યામ બેનેગલની પુત્રી પિયા એક કૉશ્ચ્યૂમ ડિઝાઈનર છે. બેનેગલની બધી જ ફિલ્મની કૉશ્ચ્યૂમ ડિઝાઈન પિયાએ જ કરી હતી.

કલાત્મક ફિલ્મોનું સર્જન કરતા હોવા છતાં પ્રેક્ષકો સુધી પહોંચેલા દિગ્દર્શક તરીકે શ્યામ બેનેગલનું નામ આગવું હતું. પોતાની પહેલી જ ફિલ્મથી સજાગ દર્શકોનું ધ્યાન ખેંચનાર આ દિગ્દર્શક સતત કાર્યરત રહ્યા હતા; એ જ એમની મોટી સિદ્ધિ છે. શ્યામ બેનેગલ બહુ થોડા ફિલ્મકારોમાંના એક હતા કે જેમણે એમની ફિલ્મો દ્વારા હિન્દી સિનેમાના વિષે સજદાર દર્શકોની જિજ્ઞાસા વધારી હતી. એક તરફ સમાંતર સિનેમાના મોટા ભાગના દિગ્દર્શકો વિદેશી દિગ્દર્શકોના પ્રભાવ હેઠળ કાર્ય કરતા હતા તો બીજી તરફ વ્યાવસાયિક સિનેમાનો દૃષ્ટિકોણ રાખ્યા વગર ફિલ્મોનું સ્તર જાળવીને શ્યામ બેનેગલે સતત ફિલ્મોનું સર્જન કર્યું હતું. શ્યામ બેનેગલની ફિલ્મો આપણી અને વિદેશની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને માટે અભ્યાસક્રમમાં સામેલ કરી છે. આપણે ત્યાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (પુણે)ના વિદ્યાર્થીઓ દ્વારા ફિલ્મ મંથનની કેટલીક દૃશ્ય-શૃંખલાનું પુનઃનિર્માણ કરીને અભ્યાસ કરાવામાં આવેલો છે.

શ્યામ બેનેગલની મોટા ભાગની ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂઆત પામી છે અને તેનો ગણનાપાત્ર ઉલ્લેખ થયો છે. એને પારિતોષિકો પણ પ્રાપ્ત થયાં છે. એમની શ્રેષ્ઠ ફિલ્મોમાં ‘ભૂમિકા’, ‘ત્રિકાલ’, ‘આરોહણ’, ‘સુસ્મન’ તથા ‘સૂરજ કા સાતવા ઘોડા’નો ઉલ્લેખ કરવો જરૂરી છે. આપણી જ સ્વયંની ખોજને જેમણે ફિલ્મોમાં વ્યક્ત કરી છે એવા એક મહાન દિગ્દર્શકનું 23 ડિસેમ્બર 2024ના રોજ કિડનીની બીમારીના કારણ મુંબઇની વૉકહાર્ટ હૉસ્પિટલમાં સાંજે સાડા છ વાગ્યે અવસાન થયું. એમના જીવનને જાણે ‘પેક અપ’ કરી લીધું. ભારતીય સિનેમાના જ નહીં, વિશ્વ સિનેમાના ઇતિહાસમાં શ્યામ બેનેગલનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું રહેશે.

ભારત સરકારે શ્યામ બેનેગલને 1976માં પદ્મશ્રી, 1991માં પદ્મભૂષણથી સન્માનિત કરેલા છે. 2005માં એમને ભારતીય સિનેમાનું સર્વોચ્ચ સન્માન ‘દાદાસાહેબ ફાળકે’ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. એમને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્ય સભાના સભ્ય તરીકે 2006થી 2012ના સમય માટે નિયુક્ત કરવામાં આવેલા હતા.

શ્યામ બેનેગલ એક ભારતીય ફિલ્મ દિગ્દર્શક હતા, પણ એમની નામના વૈશ્વિક હતી.

E.mail : abhijitsvyas@gmail.com
પ્રગટ : “નવનીત સમર્પણ”; ફેબ્રુઆરી 2025; પૃ. 38-44

Loading

13 March 2025 Vipool Kalyani
← વનજાવન પર મનન
હોળીનો  રંગ →

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved