હમણાં ‘નિરીક્ષક’માં સાહિત્ય-જગતની સ્વાયત્તતા વિષે મંથન ચાલી રહ્યું છે, ત્યારે મને પણ બે વાત લખવાનું મન થઈ આવ્યું છે.
‘શબ્દ’નું ઉગમસ્થાન અંતરતર છે. આ અંતરતરના આકાશપટ પર કદાચ બાહ્ય સ્તરે રહેતાં મન-બુદ્ધિનો પડછાયો પણ નહીં પડતો હોય. ‘શબ્દ’ સ્વાયત્ત છે, પોતાની-અંતરતરની કમાણી છે, એના પર કોઈ પણ બાહ્ય સત્તાનું શાસન ન ચાલી શકે.
એટલે સ્વાયત્તતા આપણને શાસનમુક્તિની દિશામાં લઈ જનારું પરિબળ છે અને જ્યારે માણસ ઇચ્છે કે કોઈની પણ સત્તા એના પર ન ચાલે, ત્યારે એમાંથી સહેજે નિષ્પન્ન થતી સંહિતા આ છે કે પોતાની સત્તા પણ કોઈના પર ન ચાલે, એવી વૃત્તિ. આમ સ્વાયત્તતા આપણને સત્તામુક્તિ ભણી દોરી જતું પરિબળ છે.
પરંતુ જ્યારે આપણે ‘સંસ્થા’ દ્વારા સંગઠિત થવા ઇચ્છીએ છીએ, ત્યારે એમાં વ્યવસ્થા-વહીવટ આવે છે. સંગઠનમાં ગાંઠ છોડવાની નથી હોતી, ગાંઠ બાંધવાની હોય છે. ‘શબ્દ’ને ગ્રંથના બે પૂઠાં વચ્ચે સીમિત થવું હોય તો સુગ્રથિત થવું પડે છે. બોલાયેલા શબ્દને હવામાં વહેતો મૂકી શકાય, પરંતુ લખાયેલા શબ્દને ગ્રંથસ્થ થવું પડે. એટલે આપણે વ્યવસ્થા માટે ‘ઓછામાં ઓછી સત્તા’ ભણી વળીએ છીએ. પરંતુ સત્તાનો સ્વભાવ જ પગ પહોળા કરવાનો. આમાંથી છૂટવું કેમ, એ આપણો કોયડો છે.
ગાંધીએ ઉપાય બતાવ્યો છે – સત્તાના વિકેન્દ્રીકરણનો સત્તાને વહેંચી લેવાથી સત્તાનું જોર નરમ પડે છે. કદાચ સત્તાનો ડંખ તૂટી જતો હશે. સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે સામંતશાહી નહીં, પણ સૌનું પ્રતિનિધિત્વ પ્રતિબિંબિત કરતી શાસન-વ્યવસ્થા.
કામ અઘરું છે. સારું પ્રતિબિંબ પડે તે માટે સામેનું દર્પણ તો સ્વચ્છ જોઈએ જ, પણ તેથી વધુ ‘બિંબ’ પોતે જ દેખાવડું હોવું જોઈએ અને કમબખ્તી આ છે કે સારો દેખાવ કરવા માટે સારા થવું પડે છે. સ્વાયત્તતામાં સારા થવું એટલે સત્તાની શૂન્યતા સાધી, કોઈક નવા વિકલ્પની ખોજ કરવી. સત્તાને જ્યારે કોઈક સમૂહમાં વિકેન્દ્રિત કરવા જોઈએ છીએ ત્યારે સમૂહની પારસ્પરિકતાને કોઈ નવા તખ્તા પર લઈ જવી પડે છે.
વર્તમાન સાહિત્ય સંગઠનોમાં ધીરે ધીરે સાહિત્ય ગૌણ બનીને પુરસ્કારો-પારિતોષિકો-પ્રમુખ મંત્રીપદ પ્રધાન બનતાં રહ્યાં છે. વર્ષાન્તે, પરિષદના સભ્યોને કોઈ નવા શબ્દ-ધ્વનિની પ્રાપ્તિને બદલે પારિતોષિકોની જાહેરાત અને પ્રમુખની ચૂંટણીમાં વધારે રસ પડે છે. સાહિત્ય પરિષદ પાસે વર્ષો જૂના પ્રમુખ-મંત્રીની યાદી તૈયાર મળી શકે, પરંતુ દર વર્ષ ધરતીમાંથી ફૂટેલા કોઈ કુંવારા શબ્દની ભાળ મેળવવી અઘરી થઈ પડે છે. સાહિત્યની સ્વાયત્તતા માટે સાહિત્યકારોની ગણશક્તિ પ્રગટ થાય તે જરૂરી છે. આ ‘શક્તિ’ સત્તાની નહીં, ‘શાસન’ની નહીં, સમૂહના આંતરિક ચેતનાપટ પરથી ઉઠેલી શક્તિ હશે.
આ ‘આંતરિક ચેતનાપટ’ એટલે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં ગતિ. એ માટે કીર્તિ, પદ, પારિતોષિક, ચંદ્રકોને વિદાય આપવી પડશે. મકરંદભાઈએ ગાયું તેમ ચંદ્રક તો ચાર દી’ના આપે ઘણાં ય, કોઈ ‘સૂર્યક’ આપે તો વાત જામે.
આ સ્વાયત્તતા એટલે સૂર્યકની ઉપાસના છે. એમાં પરપ્રકાશે ઝળહળવાનું નથી, સ્વયં પ્રકાશ પ્રગટ કરવાનો છે. એટલે જ સૂર્ય ‘સ્વરાટ્’ બન્યો. સ્વયંની સત્તા સિદ્ધ કરી શક્યો. સાહિત્ય જગતને સ્વરાટ્બનવું પડશે. એની પાસે પદ-પારિતોષિક ‘ગૌણ’ નહીં, શૂન્ય બનાવવા પડશે. તેમાંય આ તો સાહિત્યિક ગણની સ્વાયત્તતા, એટલે ‘આકાશમાં પૂનમની રાતે આકાશને પ્રકાશથી ભરી દેતા પૂર્ણિમાના ચંદ્રનું સામ્રાજ્ય નહીં, આ તો અભ્યાસની રાતે સમગ્ર આકાશને ઝબૂક-ઝબૂક અજવાળે ભરી દેતા અસંખ્ય તારલાઓનું રાજ! હવે કોઈ ‘એક’ને ભૂલી જવાનો. ‘સર્વ’ની ઉપાસના આદરવાની.
આપણા આર્ષ દૃષ્ટાઓએ આ શૂન્ય થવાની સર્વોપાસના સિદ્ધ કરી બતાવી છે. વેદ-ઉપનિષદ કોઈ એક ઋષિના નામે નથી ચઢ્યાં. એ અનેક ઋષિઓનાં મંત્રગાન છે. ‘નામના’નો મોહ ન છૂટે ત્યાં સુધી પૂર્ણ શાસનમુક્તિ શક્ય ન બની શકે. પણ આ જ ‘સાહિત્ય’નો, ‘શબ્દ’નો લય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2015; પૃ. 12