આજ,
આંસુઓ,
અવ્યક્ત રહી
ગૂંગળાય છે
પોતડીમાંનો
એ મહામાનવ,
ટી.વી. સ્ક્રીનમાં
વચ્ચે આવતી
જાહેરાત,
જાણે
સ્વ-દેશમાં વસતાં
જનરલ ડાયરનાં પિત્રાઇઓ.
લીબાસી નેતાગીરીનાં
ભડકાઉ ભાષણો.
બીજી તરફ
શ્રમિકોનાં રસોડે ખખડે
ખાલી વાસણો.
તો આ તરફ
ભ્રષ્ટ ગુલામોની
લાલચ – લોભે,
ઝંડા નીચે ખેલે
આજ મુઠ્ઠીભર માણસ
નામે પાષાણો.
મનોમન શહીદોને
હું પણ સલામ કરું છું આજે.
પણ …
આજના દિને મારી આંખો
લહેરાતાં ધ્વજ તરફથી
ફરીને દોડી જાય છે
એ વિચારકોની દિશામાં કે,
જેઓએ જીવ ગુમાવ્યો
પણ ગુમાવ્યું નહિ
અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય,
વળી ખૂણે ખૂણે હિજરાતી, તડપતી,
આક્રોશ વ્યક્ત ન કરી શકતી
જીવવા માટે ફાંફા મારતી
મૂઢ, લાચાર જનતા તરફ.
અને મને લાગે છે
આ સ્વા(હા) તંત્ર દિન …
કાશ ! બનશે ક્યારે ફરી
સ્વાતંત્ર્ય દિન !!!
©pratibhathakker