Opinion Magazine
Number of visits: 9446679
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સ્ટૅચ્યૂ ઑફ યુનિટી’ મુલાકાત

કિરણ કાપુરે|Opinion - Opinion|17 September 2019

‘

સ્ટૅચ્યૂ ઑફ યુનિટી'એ લોકોમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું છે. નર્મદા જિલ્લાની કેવડિયા કોલોની ખાતે સાધુબેટ પર ઊભી કરવામાં આવેલી સરદાર પટેલની ૧૮૨ મીટરની આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. ૨૦૧૦માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીએ સ્ટૅચ્યૂ ઑફ યુનિટીના નિર્માણની જાહેરાત કરી અને ઑક્ટોબર ૨૦૧૩માં લાર્સન ઍન્ડ ટુબ્રોને પ્રતિમાના નિર્માણ અને સ્થળના બાંધકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. પૂરા ૨,૯૮૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સ્ટૅચ્યૂ ઑફ યુનિટી તેના નિર્માણના જાહેરાતકાળથી જ સતત વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બનતી રહી છે.

નર્મદા નદીના અપ્રતિમ સૌંદર્યનો ભોગ લેવાથી માંડીને આદિવાસીઓના વિસ્થાપન, અધધ બજેટ જેવા અનેક મુદ્દાઓને લઈને સરદાર પટેલની આ પ્રતિમા સામે સવાલ ઊઠ્યા છે. ખેર, ઊંચી પ્રતિમાઓને જોરે પોતાના શાસનની સમર્થતા, શક્તિ અને ભવ્યતા બતાવવાના મોદી સરકારનો આ પ્રયાસ અત્યારે તો દેશ-વિદેશના પ્રવાસીઓને ખૂબ આકર્ષી રહ્યો છે અને દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સ્ટૅચ્યૂ ઑફ યુનિટી જોવા ઊમટે છે.

આવા જ આકર્ષણથી વશ થઈને મધ્યપ્રદેશમાં વસતાં અમારા સંબંધી બળેવ-રક્ષાબંધનની રજાઓમાં સ્ટૅચ્યૂ ઑફ યુનિટી જોવા અમદાવાદ પધાર્યા હતા. તહેવાર અને વરસાદનો માહોલ હોવાથી અગાઉ જઈ આવેલા પ્રવાસીઓ પાસેથી હવામાન અને પ્રવાસીઓનો ધસારો જેવી વિગત મેળવી પ્રવાસનું આયોજન કર્યું. મોટા ભાગનાએ માહિતી આપી હતી કે પ્રવાસીઓ સારી સંખ્યામાં આવે છે પણ વાંધો નહીં આવે. કલાકેક જેવું કતારમાં ઊભું રહેવું પડશે! આમ, જેટલું થઈ શકે તેટલું આયોજન કરી અમે ત્રણ દંપતી અને ત્રણેયનાં અઢી, ચાર અને આઠ વર્ષનાં સંતાનો સાથે સ્ટૅચ્યૂ ઑફ યુનિટી તરફ એક ખાનગી ગાડીમાં ઊપડ્યાં.

દોઢ વાગ્યાની આસપાસ અમારી ગાડી એક પ્રવેશદ્વારમાં પ્રવેશી, જ્યાં એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સૂત્ર મસમોટા અક્ષરે લખ્યું હતું. અહીંયાં પહોંચતા સુધીમાં બધાંનો જુસ્સો બરકરાર હતો. જ્યાં અમારી ગાડીએ ઉતાર્યાં ત્યાંથી વાદળછાયા હૉલમાં દૂર એક મોટી પ્રતિમાનો આકાર દેખાઈ રહ્યો હતો.

અહીં બધા જ પ્રવાસીઓને પોતાનું વાહન છોડી દેવાનું હતું, અને ત્યાંથી સ્ટૅચ્યૂ ઑફ યુનિટીની બસ ઊપડે તેમાં જ પ્રવાસ કરીને સ્ટેચ્યૂ સુધી પહોંચવાનું હતું. સ્ટેચ્યૂ ઑફ યુનિટીની છ પુખ્ત સહિત બે બાળકોની ટિકિટ આગલા દિવસે જ બુક કરાવી દીધી હતી. આ ટિકિટની કિંમત રૂપિયા ૩૮૦ હતી, જેમાં સ્ટૅચ્યૂ ઑફ યુનિટી, નર્મદાડેમ અને ફ્લાવર ઑફ વેલીની ટિકિટ સામેલ છે. ટિકિટ કઢાવવાની લાઇનમાં ઊભું રહેવાનું નહોતું એટલો હાશકારો ત્યાં ટિકિટવાંચ્છુકની ભીડ જોઈને થયો. જો કે આ હાશકારો થોડે આગળ જતાં જ ઓગળી ગયો, કારણ કે અમે ટિકિટની લાઇનથી બચી ગયાં હતાં, પણ બસની લાઇનથી બચવું નામૂમકીન હતું. અહીંયા જ એક બસસ્ટૅન્ડ બનાવ્યું છે, જ્યાંથી સ્ટૅચ્યૂ ઑફ યુનિટીની વિશેષ બસો પ્રવાસીઓને લઈ જાય અને પ્રવાસ પૂરો થતાં મૂકી જાય. અહીંયાં બે બસની લાઇન સમાંતર થતી, તેમાંથી અમે એકમાં ઊભાં રહ્યાં. બસ આવી. અડધાએક કલાકમાં બસમાં અમારો નંબર આવ્યો. બસ નવી હતી, વ્યવસ્થા સારી લાગતી હતી. બસ હજુ ઊપડી ત્યાં જ એક રાડ સંભળાઈ, જે ડ્રાઇવરને સંબોધીને હતી : “એ ય, એ.સી. ચાલુ કર.” બહાર વરસાદથી ભીંજાયેલું વાતાવરણ હતું અને માંડ પંદર મિનિટનો રસ્તો કાપવાનો હતો. આ રાડમાં વધુ નાણાં ચૂકવ્યાનો રોફ દેખાતો હતો. ડ્રાઇવરના કાને અવાજ પડતા જ તેણે એ.સી.ની ચાંપ દાબી.

માર્ગ સરસ બનાવ્યો હતો. બસ સડસડાટ દોડી રહી હતી. બાળકો પણ મોજમાં હતાં, કારણ કે કુદરતી સૌંદર્ય છલકાવતું આસપાસનું વાતાવરણ ખૂબ આકર્ષક લાગી રહ્યું હતું. માર્ગમાં એક બાજુથી નર્મદાનાં દર્શન થતાં હતાં તો તેની પેલે પાર ઊંચા પહાડો દેખાઈ રહ્યા હતા. વરસાદના કારણે પહાડો લીલાછમ હતા. વરસાદ ઝરમર વરસી રહ્યો હતો. બસ જેમજેમ સ્ટૅચ્યૂની નજીક પહોંચતી ગઈ તેમ સ્ટૅચ્યૂનું કદ વધતું ગયું, અને છેવટે ઉતરવાનો પોઇન્ટ આવ્યો ત્યારે સ્ટૅચ્યૂની વાસ્તવિક ઊંચાઈ આંખમાં સમાઈ. ક્યાંક વાંચ્યું કે જોયું હતું કે ૬૧ માળની બહુ માળી ઇમારત જેટલી તેની ઊંચાઈ છે!

સ્ટેચ્યૂના મુખ્ય પ્રવેશદ્વારે બસે અમને ઉતાર્યાં ત્યારે સ્ટૅચ્યૂથી નર્મદા નદીને થયેલું કાયમી નુકસાન આંખે ખૂંચતું હતું. ઉપરાંત જે સરદાર પટેલના નામે ત્રણ હજાર કરોડના ખર્ચે પ્રતિમા નિર્માણ કરવામાં આવી છે, તેમના વિશે વાંચીને જેટલો પરિચય કેળવાયો છે તે મુજબ તો તેઓ આને માત્ર ને માત્ર લોકોનાં નાણાનો વેડફાટ કહીને તુરંત તોડી પાડવાનો હુકમ જ છોડે, તેવી ય કલ્પના થતી! જો કે સમયાંતરે દરેક મહાનુભાવોના વિચારોનાં શીર્ષાસન શાસકો કરતા રહ્યા છે અને તેના મૉડલ હવે ઠેરઠેર ખડા છે; તેમાંના એક તરફ હવે આગળ વધીએ.

સ્ટૅચ્યૂના પ્રવેશદ્વાર પર સામાન્ય રીતે જાણીતા ટૂરિસ્ટ સ્પૉટ પર જોવા મળે તેમ સિક્યોરિટી ગાર્ડ ઊભા હતા અને તે દરેક પ્રવાસીને ચેક કરી રહ્યા હતા. અહીંયાં વધારે સમય ન ગયો, તેમ છતાં બાળકો સાથે વીસ-પચ્ચીસ મિનિટ કતારમાં ઊભા રહેવાનું થયું. ફાઇનલી સ્ટૅચ્યૂનું પરિસર કહેવાય તેમાં ઍન્ટ્રી મારી અને સીધા જ સામેની બાજુએ જ્યાં નર્મદા વહે છે તે બાજુએ ગયાં. આ નજારો ભયાવહ હતો, કારણ કે ત્યાંથી રીતસર એવું લાગે કે સ્ટૅચ્યૂની ખૂબ મોટી જગ્યા નર્મદા નદીની જગ્યામાંથી ફાળવાઈ છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિર્માણ કરવાની લહાયમાં આપણે સૌથી મોટી નદીની કેવી બદહાલી કરી છે, તે માટે પણ આ જગ્યા રૂબરૂ જોવી રહી. આ બધું જોયા પછી પણ બાળકો સાથે આનંદ તો માણવાનો જ હતો, તેથી આ માનવસર્જિત ક્રૂરતા જોઈને હસતું મોઢું રાખીને સ્ટૅચ્યૂ તરફ આગળ વધ્યાં.

બીજા સ્ટેજ પર આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે રજાનો દિવસ ન હોવા છતાં લોકો સારી સંખ્યામાં આવ્યા છે. અહીંથી સ્ટૅચ્યૂના ગોળાર્ધમાં આવેલા કૅમ્પસમાં પ્રવેશવાનું હતું. આ કતાર લાંબી હતી, પણ ટિકિટ કઢાવી હતી, એટલે સ્ટૅચ્યૂ જોયે જ છૂટકો, તેવું અમે માની રહ્યાં હતાં. અહીંયાં પહોંચ્યાં ત્યાં સુધીમાં અઢી વાગી ચૂક્યા હતા. બીજા સ્ટેજની લાઇનમાં અમારી ખરી પરીક્ષા થઈ. એકની જગ્યાએ બે લાઇન થઈ. મૂળ જેમની લાઇન હતી, તે લોકોએ બૂમો પાડી અને બીજી લાઇનવાળાઓને પાછળ ધકેલ્યા. વધુ બૂમાબૂમ થઈ, પોલીસ આવી. મુખ્ય અધિકારી આવ્યા અને તેમણે બે કૉન્સ્ટેબલને મૂક્યા અને હવે બીજી લાઇન ન બને તેની તકેદારી લેવા જણાવ્યું. અહીંયા લાઇનમાં ઊભા રહેવાં માટે રાષ્ટ્રપ્રેમ કોઈને જાગતો નહોતો. આટલે સુધી આવ્યાં ત્યાં તો અમારા પર થાક સવાર થવા લાગ્યો હતો અને બાળકોનું વર્તન અમને પરેશાન કરી મૂકે તેવું થવા માંડ્યું હતું. જો કે અમે ધૈર્ય જાળવ્યું અને લાઇનમાં આગળ વધતાં રહ્યાં. જાતનું ચેકિંગ થયું, સામાન ચેક કરાવ્યો અને ગમે તેમ કરીને પૂરા પોણા કલાકે અમે આ બીજો કોઠો પણ પાર પાડી સ્ટૅચ્યૂ ઑફ યુનિટીના મસમોટા કૅમ્પસમાં પ્રવેશ્યાં. આ કૅમ્પસમાં પ્રવેશતાં જ થોડો હાશકારો થયો અને વચ્ચે વિશાળ પરિસરમાંથી પસાર થઈને સ્ટૅચ્યૂના નીચેના ભાગમાં પહોંચવાનું હતું. આ અંતર ખાસ્સું છે. આ મસમોટી જગ્યાની બાજુમાં બંને બાજુ જવા-આવવા માટે એસ્કેલેટર મૂકવામાં આવી હતી, જેથી જેમનાથી ન ચાલી શકાય, તેઓ આની મદદથી માત્ર ઊભા રહીને સ્ટૅચ્યૂ સુધી પહોંચી શકે. આ બધી જ વ્યવસ્થા એટલી ઊંચી કક્ષાની હતી કે તેમાં ઘણી વખત નજર મારીએ તો આપણો અદનો પ્રવાસી એસ્કેલેટરમાં ગોથાં ખાતો નજરે ચડે.

અમે સ્ટૅચ્યૂની નીચે આવી ગયાં ત્યાં બાજુમાંથી એક એસ્કેલેટર સીધી પહેલા માળેથી બીજા માળે અને પછી ત્રીજા-ચોથા માળે લઈ જાય છે એ નજરે ચઢી. જે સરદાર પટેલના પગનો નીચેનો ભાગ છે. યોગાનુયોગ અમે જ્યારે છેક નીચે ઊભાં હતા, ત્યારે જ અચાનક વરસાદ વરસ્યો. એટલે પરિસરમાં ઊભેલા લોકો દોડીને એસ્કેલેટરથી પહેલા માળે ચઢવા માંડ્યા, તેની પાછળ અમારો પૂરો સંઘ પણ ચઢ્યો. બાળકોને વરસાદથી બચાવવા હતાં એટલે કશું વિચાર્યા વિના અમે પણ ચઢી ગયાં. આમ પણ પૂછપરછ કરી શકાય કે માર્ગદર્શન આપી શકે તેવી કોઈ વ્યક્તિ ત્યાં હાજર નહોતી. અમે એક પછી બીજો-ત્રીજો અને ચોથો માળ ઉપર આવી ગયાં. આ જગ્યા ખૂબ મોટી છે, જ્યાં પણ બહુ લાંબી કતારમાં લોકો ઊભા હતા. તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે અહીંયાંથી લિફ્ટમાં ઉપર વ્યૂઇંગ ગૅલૅરી સુધી પહોંચાય છે. અમે પણ લાઇનમાં ગોઠવાઈ ગયાં. આ બધું કરતા સુધીમાં તો ચાર વાગી ચૂક્યા હતા. કતાર આગળ વધી રહી હતી. અમે મંઝિલ નજીક હોવાનો અહેસાસ પણ અમને થઈ રહ્યો હતો. ત્યાં જ અચાનક સ્ટાફ-સિક્યુરિટીના માણસો આવ્યા, કહે કે અહીંથી ઍન્ટ્રી ચાર વાગ્યા સુધી જ છે. ચારથી છ વાગ્યા સુધીના સ્લોટની ટિકિટ હોય એ પ્રવાસીઓએ નીચે ગ્રાઉન્ડ ફ્લૉરથી ઍન્ટ્રી લેવાની રહે છે!

આવું સાંભળતાં જ અમને તો ફાળ પડી. માંડમાંડ બાળકો સાથે પલળતાં ઉપર આવ્યાં અને હવે પાછા છેક નીચે જવાનું. અમે રજૂઆત કરી, બાળકો છે, અહીંયાંથી જ જવાતું હોય તો વ્યવસ્થા કરી આપો. તેઓએ કહ્યું કે ચાર વાગ્યાના સ્લોટની ટિકિટ અહીંયાં સ્કેન જ નહીં થાય, અમે કશું ન કરી શકીએ. મશીની વ્યવસ્થાનું આ વરવું ઉદાહરણ છે! અમે દલીલ કરી કે છેક ચાર માળ સુધી આવ્યાં, ત્યારે જ વચ્ચે કેમ અટકાવવામાં ન આવ્યાં કે ચાર વાગ્યા પછીથી ઉપરની ઍન્ટ્રી બંધ છે.

છેવટે જીભાજોડી છોડી બાળકો સાથેના એ મ્યુઝિયમમાં પહોંચ્યાં! અહીં વૈશ્વિક સ્તરની ભાસે તેવી જગ્યા બનાવવામાં આવી છે. આ જગ્યા ગ્રાઉન્ડફ્લોર પર આવેલી છે, જ્યાં સરદારની જીવનકથા આલેખી છે. નર્મદાની જીવસૃષ્ટિની તસવીરો છે અને સરદારની ડૉક્યુમેન્ટરી દર્શાવે તેવું એક નાનકડું થિયેટર પણ છે. આ ઉપરાંત પણ ઘણું છે પણ બધા પર સ્વાભાવિક છે કે નજર ન ગઈ. સૌથી આશ્ચર્યચક્તિ કરનારી વ્યવસ્થા ટૉઇલેટની હતી, જે અત્યાધુનિક છે. આ પ્રકારનાં ટૉઇલેટ સંભવત : ફાઇવસ્ટાર હોટલમાં જ માત્ર જોવા મળતા હશે. અહીંયાં ખાલી એ નોંધવું રહ્યું કે આ બધાં જ નાણાં પ્રજાનાં છે અને તે ઉપરાંત પણ સરકાર આવનારા પ્રવાસીઓ પાસેથી ટિકિટના નામે સારાં એવાં પૈસા ઉઘરાવે છે. અહીં લગાવવામાં આવેલી તસવીરોમાં આ ક્ષેત્રના આદિવાસીઓની તસવીરો ખૂબ મોટી કરીને લગાવવામાં આવેલી છે. અલગ અલગ આદિવાસી – સમાજના લોકોનો તેમાં પરિચય કરાવવામાં આવ્યો છે. આ બધા જ એવા છે, જેમના બંધુઓને આજ સ્ટૅચ્યૂ ઑફ યુનિટી અને નર્મદા ડેમની ઊંચાઈ વધારવા ખૂબ મોટી સંખ્યામાં વિસ્થાપિત કરવામાં આવ્યા હતા. પહેલાં વિસ્થાપન અને પછી સંસ્કૃતિની ઝલકના નામે મ્યુઝિયમમાં સ્થાન!

નીચે મ્યુઝિયમમાં આવ્યાં ત્યાં સુધી તો સ્ટૅચ્યૂ ઑફ યુનિટી જોવાનો અમારા બધાંનો રસ ઓસરી ચૂક્યો હતો. અહીં આવ્યા બાદનો અમારો મહદંશે બધો જ સમય લાઇનમાં અથવા તો ચાલવામાં પસાર થયો. વચ્ચે વચ્ચે વરસાદ પણ આકસ્મિક જ વરસીને અડધોએક કલાકે અમારી ખબર લઈ રહ્યો હતો.

આ બધા વચ્ચે વહેતી નર્મદા અને નર્મદાની એક કોરે લાઇનબદ્ધ ખડા પર્વતો અમને હૈયાધારણા આપી રહ્યા હતા. અમૃતલાલ વેગડે નર્મદાની પરિકમ્મા કરતી વેળા કેવો લુત્ફ ઉઠાવ્યો હશે, એની વાતો પણ વચ્ચે વચ્ચે કરી લીધી. નીચે મ્યુઝિયમમાંથી ઉપર વ્યૂઇંગ ગૅલેરી સુધી જવા માટે લિફ્ટની વ્યવસ્થા છે. લિફ્ટ સુધી પહોંચવા અમે રીતસરના દોડ્યાં. પણ અહીં પહોંચતા જ ચક્કર આવી ગયા. અહીંયા સ્થિતિ ચોથે માળ કરતાં વધુ ગંભીર હતી. લાઈનમાં અંદાજે પાંચસો-સાતસો લોકો હતા. વ્યવસ્થા સંભળાતા ભાઈએ તરત જ પરખાવી દીધું : દોઢ કલાક તો થશે જ. છેવટે સ્ટૅચ્યૂમાં ઉપર સુધી નહીં જવાનો સામૂહિક નિર્ણય લેવાયો.

અહીં મ્યુઝિમની જગ્યામાં બાળકોને રમવાની મજા પડી અને આસપાસ મોટેરાંઓએ સેલ્ફી-ફોટાની તક ઝડપી. સાડા ત્રણસો ચૂકવીને અમે માત્ર દોઢસો રૂપિયામાં મજા લઈ શકાય તેમ જ લઈ રહ્યા હતાં. આનંદ એ વાતનો હતો કે સૌ સાથે હતાં અને બાળકો ફરી મૂડમાં આવવા માંડ્યાં હતાં. પણ અડધો કલાક વીત્યો હશે ત્યાં થયું કે અહીંયાં વધુ રોકાઈશું તો ડેમ અને ફ્‌લાવર ઑફ વૅલી જોવાનું રહી જશે, એટલે માંડ બાળકો રમતમાં ગૂંથાયાં હતાં, ત્યાં તો તેમના રંગમાં ભંગ પાડવાનું કામ અમે કર્યું અને ફરી પાછા ડેમ અને ફ્‌લાવર ઑફ વૅલી જોવાની કસરત આરંભી. બાળકોને ઊંચક્યાં- ચલાવ્યાં – ઘસડ્યાં અને ડેમ-ફ્‌લાવર ઑફ વૅલી જોવા માટે જ્યાંથી બસ પકડવાની હોય ત્યાં પહોંચ્યાં.

સ્ટૅચ્યૂ ઑફ યુનિટી પરિસરના ગેટ ઉપરથી જ પ્રવાસીઓને ફ્‌લાવર ઑફ વેલી અને ડેમ સુધી લઈ જતી બસો ભરાય છે. આ બસો પણ ટિકિટના પૅકેજનો ભાગ છે. પણ અહીંયાં ય છસ્સો-સાતસો લોકો પગ જમાવીને ઊભા હતા. સાંજનો સમય નજીક હતો, ત્યારે તો આ લાઇન વધુ ભયાનક લાગી રહી હતી. અહીંયા પણ પૂછપરછ કરી તો ખ્યાલ આવ્યો કે લાઈનને ભેદતા એકાદ કલાક લાગશે. સાડા પાંચ થઈ ચૂક્યા હતા. છ-સાડા છ સુધીમાં તો ડેમ પણ બંધ થાય તેવું સાંભળ્યું અને ફ્‌લાવર ઑફ વૅલીમાં બાળકોને પણ મજા ન આવે. ફાઇનલી અહીંયાં પણ ડેમ કે ફ્‌લાવર ઑફ વૅલી ન જોવાનો નિર્ણય લીધો. અમે છતે ટિકિટે કશું જ જોયા વિના પરત ફર્યાં. અલબત્ત, અમારી આ ટિકીટના પૈસા પડી ગયા, એનું એક કારણ એ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ત્યાં હાજરી પણ હતી. જાણવા મળ્યું હતું કે ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદને પગલે ડેમના ગેટ ખોલવા પડે તેમ હતા. આ પ્રસંગે તેઓએ પણ અહીંની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત લેતા જે અવ્યવસ્થા સર્જાઈ, તેમાં અમારા જેવા હજારો પ્રવાસીઓ પણ પિસાયા.

પરત લઈ જતી બસોની જગ્યાએ અમે ઝુકાવ્યું. સવારે સ્ટૅચ્યૂ ઑફ યુનિટી સુધી લઈ જતી બસો માટેની લાઈનમાં જે વ્યવસ્થા હતી, તે અત્યારે અદૃશ્ય હતી. લોકો જેમ કોઈ નિયત બસ સ્ટૅન્ડ પર ઊભા હોય અને બસ આવે ત્યારે જે ધક્કામુક્કી થાય તેવી જ ધક્કામુક્કી અહીં હતી. સ્ટૅચ્યૂ ઑફ યુનિટીથી પાછા પાર્કિંગ તરફ જવા માટે પણ અમારે રીતસર જાણે પરીક્ષા આપવાની હોય તેમ લાગ્યું. બસ માટે ઊભા ન રહેવું પડ્યું, પણ બસ આવી ત્યારે ધક્કામુક્કી થઈ અને બસમાં ગોઠવાયાં. અમે ક્ષણમાં જ કશું જ ન જોયાનો અફસોસ ભૂલી ચૂક્યાં હતાં અને બસમાં બેઠક મેળવી તેનો આનંદ માણ્યો. જતી વખતે બસમાં જેટલી બેઠક હોય તેટલાને જ બેસાડવામાં આવ્યા હતા, પણ આવતી વખત ચિત્ર તદ્દન અલગ હતું, અનેક લોકો ગીચોગીચ ઊભા હતા. અંધારું ઘેરાઈ રહ્યું હતું અને વરસાદ પણ ગોરંભાયો હતો. બસમાં સૌ એકીસૂરે અહીંની અવ્યવસ્થા સામે બળાપો કાઢી રહ્યા હતા. કેટલાક પ્રવાસીઓ તો બીજા રાજ્યમાંથી આવ્યા હતા, ચાર સભ્યોનો એક પરિવાર તો અમેરિકાથી આવ્યો હતો. તેઓ સવારના દસ વાગ્યાથી પરિસરમાં આવ્યા હોવા છતાં જ્યાં-ત્યાં લાઇનોના કારણે અનેક લોકો ભારતની ગૌરવ સમી કહેવાતી સરદારની પ્રતિમાના સંપૂર્ણ દર્શન કરવામાંથી વંચિત રહ્યા હતા.

આમ, લાઇન, અવ્યવસ્થા અને વરસાદે અમારો પ્રવાસ આનંદદાયી ન રહે તે માટે પૂરતો ભાગ ભજવ્યો, તેમ છતાં અમે રાજપીપળા-નર્મદાનો નજારો જોયો તે ભુલાય એમ નથી. ખાસ કરીને તો નર્મદા નદી પરનો ગોરો પુલ પાર કર્યો તેનો અનુભવ. આ પુલ પરથી થોડા દિવસ અગાઉ નર્મદાનું પાણી પસાર થયું હતું અને આખો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તેના નિશાન રૂપે પુલની અનેક પાળીઓ તૂટેલી દેખાતી હતી અને જે પાળીઓ હતી, ત્યાં ભરાયેલો કચરો નજરે ચઢતો હતો. આ પુલ પરથી અમે જ્યારે પસાર થયાં ત્યારે પણ નર્મદાનાં નીર પુલને લગોલગ નીચેથી વહી રહ્યાં હતાં. આ દૃશ્ય ખૂબસૂરત હતું, પણ તે ભયંકર ભાસતું હતું. જ્યારે આ વિસ્તાર છોડ્યો ત્યારે અમને ખબર મળ્યા કે ડેમમાંથી પાણી છોડતાં આ પુલ ફરી પાણીમાં સમાઈ ગયો છે.

આ ઉપરાંત પણ આસપાસ વરસાદમાં પર્વતો પર પ્રસરેલું ગ્રીન કવર, પાણીમાં ગરકાવ થયેલાં ખેતરો, વહી રહેલાં ઝરણાં અને અતિ મનોરમ્ય નર્મદાએ પ્રવાસને સાર્થક બનાવ્યો. સ્ટૅચ્યૂ ઑફ યુનિટીના નામે કુદરતનું થયેલું અતિક્રમણ અને હવે અદના પ્રવાસીઓનાં થઈ રહેલા શોષણને બને એટલાં પ્લૅટફૉર્મ પર રજૂ કરવા જોઈએ. જો તેમ નહીં થાય તો આ પણ એક મૉડલ બની જશે અને તે મૉડલના આધારે અતિશોયક્તિ કરીને બોલાતા શબ્દો દૃઢતા, વિશ્વાસ, એકતા, અવિસ્મરણીય. બનતા રહેશે.

E-mail : kirankapure@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 20-22

Loading

17 September 2019 admin
← નિર્મૂલન અધિનિયમ, ૨૦૪૦
કૉન્ગ્રેસની કાયાપલટ શક્ય છે? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved