Opinion Magazine
Number of visits: 9449868
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્રેબ્રેનિત્સાની સ્મૃિતમાં …..

આશા બૂચ|Opinion - Opinion|23 February 2016

લડાઈ અને હત્યાકાંડની 21મી સવંત્સરી નિમિત્તે

21 મહિલાઓનું સૌ પ્રથમ માત્ર મહિલા પ્રતિનિધિ મંડળ

હત્યાકાંડથી બચેલાંઓને સાથ આપવા બદ્ધ

140,000 માનવીઓએ યુગોસ્લાવિયાનાં ભંગાણ બાદ જાન ગુમાવ્યાં

100,000થી વધુ લોકો 1992-95 દરમ્યાન બોસ્નિયા-હ્ર્ઝ્ગોવિનાની લડાઈ દરમ્યાન મરાયાં

30,000 જેટલાં લોકો બોસ્નિયા-હ્ર્ઝ્ગોવિનાની લડાઈ 1995માં પૂરી થઈ ત્યારે લાપતા  હતાં

8372નો આંક સ્રેબ્રેનિત્સાના હત્યાકાંડમાં 12 વર્ષથી ઉપરનાં બાળકો અને પુરુષોનાં મૃત્યુનો છે  

જૂન 2015 સુધીમાં 6,241 મૃતદેહો કે તેના અવશેષો પોટોચારીમાં દફનાવાયા

અને આ બધું માત્ર 21 વર્ષ પહેલાં જ યુરોપમાં બન્યું

યુનાઇટેડ કિંગ્ડમ અને સ્રેબ્રેનિત્સા સ્થિત Remembering Srebrenica નામની સ્વૈચ્છિક સંસ્થા બ્રિટનના વિવિધ ક્ષેત્રમાં કામ કરતાં લોકોને સામૂહિક માનવ હત્યાકાંડ અને અન્ય પ્રકારના અત્યાચારો પરથી પાઠ ભણવા / શીખવા લઈ જાય છે. આ વર્ષે દસ બહેનો ‘Women of Faith’ સાથે જોડાયેલી અને દસ બહેનો ‘Luna charity’ માટે કામ કરનારને આ તક આપવામાં આવી.  આ મંડળી સ્વૈચ્છિક સંગઠનોમાં કામ કરનાર, રેઈપ કાઉન્સિલર, વીમેન્સ એઇડ અને એન.એચ.એસ. માટે કામ કરનારા્ં, નિવૃત્ત શિક્ષિકા, લેખિકા, પી.એચ.ડી.નો અભ્યાસ કરનાર, ફિલ્મ અને ફોટોગ્રાફીનાં જાણકાર અને મહિલા ઉદ્ધાર માટે સક્રિય કામ કરનારની બહેનોની બનેલી હતી. આ મહિલાઓ સહિષ્ણુતા અને અને શાંતિનો સંદેશ ફેલાવવા કટિબદ્ધ છે. આ રહી તેમની તસ્વીર :

પૂર્વ ભૂમિકા:

ઈ.સ. 1918માં, ફ્રાંઝ જોસેફ પ્રથમનું સામ્રાજ્ય ખતમ થયા બાદ, યુગોસ્લાવિયા રાજ્યનો જન્મ થયો. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ, છ ગણતંત્ર રાજ્યોનાં સંગઠનથી 1943માં સોશ્યલિસ્ટ રિપબ્લિક યુગોસ્લાવિયાની રચના થઈ. ત્યાર બાદ લગભગ 45 વર્ષ સુધી એટલે કે 1980 સુધી જોસીપ  ટીટોના એકચક્રી શાસન દરમ્યાન, યુગોસ્લાવિયા એકંદર કોમી મેલજોલ અને આર્થિક સ્થિરતા ભોગવતું રહ્યું. તેમના મૃત્યુ બાદ યુગોસ્લાવિયા આંતરિક યુદ્ધમાં ફસાયું અને 1991માં છ ગણતંત્ર રાજ્યોમાં વિભાજીત થઈ ગયું. સર્બિયાના નેશનાલીસ્ટ પાર્ટીના સભ્યોએ પહેલાના યુગોસ્લાવિયાના શસ્ત્રો અને ટેંક જપ્ત કરી લીધાં અને માત્ર ઓર્થોડોક્સ ક્રિશ્ચિયન માટે મુસ્લિમ પ્રજા વિહોણું એવું બૃહદ્દ સર્બિયા રચવાની મહત્ત્વાકાંક્ષા સાથે ક્રોએશિયન અને બોસ્નિયાક (બોસ્નિયાના મુસ્લિમ)ને તેમના ઘર-બાર છોડાવીને નાનાં નાનાં ગામડાંઓમાં એકત્ર કરવા લાગ્યાં.1993માં યુ.એન. દ્વારા સ્રેબ્રેનિત્સા અને આસપાસનાં બીજાં પાંચ ગામોને ‘સલામત વિસ્તાર’ જાહેર કરવામાં આવ્યાં, જ્યાં બોસ્નિયાક લોકો રહી શકે તેવી ગોઠવણ કરવામાં આવી. આ માટે માત્ર 7600 કેનેડિયન અને ડચ સૈનિકો ફરજ પર મુકાયા. બોસ્નિયાક પ્રજાને તમામ શસ્ત્રો હેઠાં મુકવાનું કહેવામાં આવ્યું કેમ કે યુ.એન.નું સશસ્ત્ર દળ તેમની રક્ષા કરવાનું હતું. પરંતુ સર્બિયન લશ્કરે તમામ રસ્તાઓ બંધ કરી દીધા, જેથી ખોરાક અને પાણી એ લોકો સુધી ન પહોંચી શકે અને એ વિસ્તાર પર વારંવાર આક્રમણ કરવા લાગ્યા. સારાયેવોને ઘેરો ઘાલ્યો એ આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાઓ માટે કેન્દ્રની ઘટના બની ગયેલી. 1995માં 400 ડચ સૈનિકો હજારો સર્બ સૈનિકોનો સામનો કરવાની સ્થિતિમાં આવી ગયા, ત્યારે તેમણે નેટો [NATO] પાસે હવાઈ હુમલા કરી એ લશ્કરને આગળ વધતું રોકવા તાત્કાલિક પગલાં ભરવાં માંગણી કરી જે વારંવાર નકારવામાં આવી અને છેવટ હવાઈ કુમક આવી, પણ બહુ મોડું થઈ ગયેલું. 11મી જુલાઈ 1995ને દિવસે સ્રેબ્રેનિત્સા સર્બ લશ્કરનાં તાબામાં ગયું. સર્બિયન લશ્કરના જનરલ રાટકો મ્લાડીચે ગર્વથી જાહેર કર્યું કે ઓટોમન રાજ્યે ઈ.સ. 1804માં સર્બિયન લોકોની માંગણીને દબાવીને બળવો કરેલો તેનો આજે અમે બદલો લીધો.

સારાયેવોનો સંક્ષિપ્ત ઇતિહાસ :

મહિલા સંગઠનો  અને મેમોરિયલ સેન્ટરની મુલાકાતે જવા પહેલાં અમને એક અત્યંત કુશળ અને જાણકાર માર્ગદર્શક સારાયેવોનો રાજકીય અને ધાર્મિક ઇતિહાસ કહેવા, નગર દર્શન કરવા લઈ ગયો. ધીમી ધારે થતી બરફ વર્ષા વચ્ચે તેની અવિરત વહેતી વાણીએ આ આખરી બાલ્કન લડાઈ કેવી રીતે થઈ તે વિષે અમને ઘણું બધું જણાવ્યું.

ઈ.સ. 1530માં હાજી હુઝ્રેગ બેગની બનાવેલ બે સુંદર મસ્જિદ શહેરને આશિષ આપતી ઊભી છે. તેની બાજુમાં એક પુસ્તકાલય અને મદરેસા હજુ પણ ત્યાંના મુસ્લિમ લોકોને સેવા આપે છે. આ મસ્જિદ બોસ્નિયાના મુસ્લિમો માટે ખૂબ મહત્ત્વની ગણાય, કેમ કે તે મુખ્ય મુફતીની પીઠ છે. સારાયેવો પરના ઘેરા વખતે તેને નુકસાન થયેલું જે હવે સમારકામ કરીને ફરી પૂર્વવત કરી દેવામાં આવ્યું છે. એ મસ્જિદની બાજુમાં, 16મી સદીમાં ચન્દ્રની કળા પર આધારિત એવું ઘડિયાળ એક ટાવર પર હજુ પણ સમય બતાવે છે. એટલું જ નહીં, એ ટાવરના ભોંય તળિયે તે જ સમયે બાંધેલ જનતા માટેના શૌચાલયો જોવા મળે છે. એ સાબિત કરે છે કે બોસ્નિયા જનતા માટે જાહેર સગવડો ઊભી કરવાની બાબતમાં બ્રિટન કરતાં ઘણું આગળ હતું. ઈ.સ. 1532માં બાંધેલ શૌચાલયો હજુ આજે પણ ઉપયોગમાં લેવાય છે!

માલિયાકા નદી કાંઠે આવેલ વિશાળ સિનેગોગ ઈ.સ. 1902માં બંધાયેલ. સારાયેવોમાં સફાર્ડીક જુઈશ લોકો ઈ.સ. 1541માં અને આશ્ક્નાઝી જુઇશ 17મી સદીમાં આવીને વસ્યા. એ પ્રજાએ મેડિસીન, ઝવેરાત અને મકાન દલાલીના વ્યવસાયોમાં કરેલ પ્રદાનનું સારાયેવોને ગૌરવ છે ને તેથી જ તે ‘નાનું જેરુસલેમ’ તરીકે પંકાયેલું. પ્રખ્યાત સારાયેવો હાગદા (જેમાં પાસોવર વિષે અધિકૃત વિગતો લખાયેલી છે) એ તેમની અમૂલ્ય મિલકત ગણાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન એ અમોલ વિરાસતને નાઝીના કબજામાં જતી રોકવા, ત્યાંથી ખસેડીને કોઈ મસ્જિદ અથવા કોઈ મુસ્લિમ સજ્જનના ઘરના ભોંય તળિયે સંતાડી દેવામાં આવી હતી. હાગદા 1992ની લડાઈમાંથી પણ બચી જવા પામી અને મ્યુિઝયમમાં જમીન પર પડેલી મળી આવેલ. અહીં નોંધ એ વાતની લેવાની રહે કે જુઇશ પ્રજાની અતિ મૂલ્યવાન અમાનત મુસ્લિમ પ્રજાએ પોતાના જીવને જોખમે સાચવી હતી.

બોસ્નિયા-હર્ઝ્ગોવિનાનું ઈ.સ. 1887માં બંધાયેલ સહુથી મોટું કેથેડ્રલ જોવાલાયક ઈમારત છે. સારાયેવો પર સર્બ લશ્કરના કબજા દરમ્યાન તેના પર બોમ્બમારો થયેલો. તે સ્થળે માનવ હત્યાકાંડના સ્મારક રૂપે પથ્થરનું એક ગુલાબ જડવામાં આવ્યું છે. ઈ.સ. 1992માં ઓર્થ્ડોક્સ અને કેથલિક ક્રિશ્ચિયન અને મુસ્લિમ ધર્મના વડાઓ લડાઈનો અંત લાવવા પ્રાર્થના કરવા ભેળા મળેલા. પોપ જોહ્ન પોલની મુલાકાતની યાદમાં ત્યાં તેમનું બાવલું મુકાયું છે. કહેવાનો મતલબ એ છે કે ત્રણ ધર્મના અનુયાયીઓ લડાઈ પહેલાં સંપીને રહેતા હતા. શહેરની મધ્યમાં આવેલ એ ચોકની ફરતે સાત પૂજાગૃહો આવેલાં છે તેમ અમારા માર્ગદર્શકે કહ્યું ત્યારે મનમાં થયું, કરુણતા તો જુઓ, તેમાંના એક પણ ભગવાને લોકોને પરસ્પરથી નફરત કરતાં કે આવો માનવસંહાર થતો રોકી ન શક્યા !

શહેરમાં જરા આગળ ચાલતાં ઓસ્ટ્રો – હંગેરિયન વસાહત શરૂ થયેલી દેખાય. જ્યાં શેરીની જમીન પર લખેલું છે “સારાયેવોમાં બે સંસ્કૃિતઓનું મિલન”. અહીં વિયેના અને ઈસ્તંબુલ એકબીજાને ભેટે છે, એમ કહી શકાય. જ્યાં સર્બિયાના નેશનાલિસ્ટ ગ્રેવીલો પ્રિન્સિપે ઓસ્ટ્રિયાના આર્ચડ્યુક ફ્રાન્ઝ ફર્ડીનાંડ અને તેની પત્ની સોફીની હત્યા કરેલી, તે સ્થળે ગયાં. આ હત્યાને કારણે ઓસ્ટ્રિયા-હંગેરી અને સર્બિયા વચ્ચે લડાઈ ફાટી નીકળી, જેમાં પછીથી રશિયા, જર્મની, બેલ્જિયમ, ફ્રાંસ અને બ્રિટન જોડાયા, અને એમ પ્રથમ વિશ્વયુદ્ધનાં બીજ અહીં રોપાયાં.

1892-94 દરમ્યાન, બંધાયેલ સિટી હોલ સારાયેવોનો ઓસ્ટ્રો-હંગેરિયન કાળના સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. ઈ.સ. 1949માં એ બોસ્નિયા-હર્ઝ્ગોવિનાની યુનિવર્સિટી ગ્રંથાલયને સુપુર્દ કરવામાં આવેલ, જ્યાં આશરે 1.5 મીલિયન પુસ્તકો સંચવાયેલ હતાં. ઈ.સ. 1992ની લડાઈ દરમ્યાન, આ પુસ્તકાલય પર મશિનગનના મારા થયા, જેમાં લગભગ 700 જેટલી 19મી સદીના મધ્યમાં લખાયેલી હસ્તપ્રતો સહિત 90% લેખિત સામગ્રી ભસ્મીભૂત થઈ ગઈ. કેટલાંક નાગરિકો અને લાયબ્રેરિયને ભારે ગોળીબાર વચ્ચે એ સાંસ્કૃિતક ધરોહરને બચાવવા પ્રયાસ કરેલાં, જેમાં એકનું મૃત્યુ નીપજ્યું. કહ્યું છે ને કે કોઈ પણ પ્રજાનો સમૂળો નાશ કરવો હોય તો તેની ભાષા અને સાહિત્યનો નાશ કરવો.

આંતરરાષ્ટ્રીય સંગઠનોની સહાયથી એ ઈમારતને ફરી ઊભી કરવામાં આવી છે, પરંતુ ગુમાવેલ સાહિત્ય પાછું મેળવી શકાય તેમ નથી, જે અત્યંત ખેદજનક છે. સારાયેવોનાં પરિભ્રમણ દરમ્યાન ખ્યાલ આવ્યો કે આ રાજધાની અને બોસ્નિયા-હ્ર્ઝ્ગોવિનાના પ્રજાજનો પોતાની સદીઓ જૂની ધાર્મિક, સાંસ્કૃિતક, ભાષાકીય અને આર્થિક ધરોહરને સાચવીને એકબીજા સાથે સંપથી રહેતા હતાં.   

સંગઠનોની મુલાકાત :

આ પ્રવાસનો હેતુ હત્યાકાંડ અને અન્ય અત્યાચારોમાંથી બચવા પામેલા લોકોની રૂબરૂ મુલાકાત લેવાનો હતો, અને સાથે સાથે, તેઓને માટે કામ કરતાં સંગઠનોનાં કાર્ય જોવાનો હતો. તેમાં સહુથી પ્રથમ સારાયેવોથી દોઢેક કલાકની મુસાફરી કરીને ઝેનિત્સા – Zenica – નામના ગામમાં પહોંચ્યાં. બરફ છાયા ચઢાણવાળો રસ્તો અમને ‘મેડિકા ઝેનિત્સા’ – Medica Zenicaની ઓફિસ લઈ ગયો. મહિલાઓ દ્વારા સંચાલિત આ બિન સરકારી સંગઠન ઈ.સ. 1993માં શરૂ થયું. તેમનું ધ્યેય બળાત્કાર અને અન્ય પ્રકારના અત્યાચારનો ભોગ બનેલ સ્ત્રીઓ અને બાળકોને સહાય કરવાનો છે. તેઓ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના, લૈંગિક સમાનતાનાં ધોરણે સ્ત્રી, પુરુષ અને બાળકોને કૌટુંબિક અને સામાજિક જીવનમાં પુન:સ્થાપિત કરવા કટિબદ્ધ થયાં છે.

લડાઈ દરમ્યાન અને ત્યાર બાદ સ્ત્રીઓ અને બાળકો જાતીય હિંસા અને માનવ વ્યાપારના ભોગ બન્યાં, પરંતુ સામાજિક ધોરણો, પોતાને ભોગવવા પડેલ ત્રાસ વિષે બયાન આપવાનો ક્ષોભ અને બદલાના ભયને કારણે ભોગ બનેલાં જુબાની દેવા આગળ ન આવતાં અને હજુ પણ મહા મુશ્કેલીથી મદદ મેળવવાં તૈયાર થાય છે. આ સંસ્થામાં કામ કરનારી બહેનોને આ સ્ત્રીઓ અને બાળકોને કેવી રીતે સહાય કરવી તે ખબર નહોતી, કેમ કે પહેલાં આવું કદી  બન્યું નહોતું. એ લોકો પાસે આ સમસ્યાના મેડિકલ, સામાજિક કે માનસશાસ્ત્રીય ઉકેલ નહોતા. કાર્યકર્તાઓ નિરાશ્રિતોની છાવણીઓમાં અને ગામડાંઓમાં ફરીને, ભોગ બનેલાંઓને, તેઓએ ભોગવેલાં અત્યાચારોનું વર્ણન કરવા સમજાવે. ધીમે ધીમે કામ કરનારી બહેનો ભોગ બનેલાઓની સંસ્કૃિતનો આદર કરતાં અને એ સ્ત્રીઓની દ્રષ્ટિએ જોતાં શીખી.

શરૂઆતમાં ભોગ બનેલી સ્ત્રીઓને થતું કે આ બહેનો તેમને મદદ કરવા શા માટે આવે છે? તેમની પાસેથી માહિતી લઈને જુલમ કરનારાઓને પહોંચાડી દેશે એવી દહેશત તેમને હતી. સૌ પ્રથમ તેમને મેડિકલ સારવાર આપી, જેથી તેમનાં જીવનની સલામતી જળવાય. આથી એ સ્ત્રીઓનો વિશ્વાસ મેળવવાનું શક્ય બન્યું.

Medica Zenicaની ડાયરેક્ટર Sabiha Husić અને ત્રણ બહેનો જે ભોગ બનેલી સ્ત્રીઓને સિલાઈ કામ શીખવે છે તેમની તસ્વીર આ રહી.

ઈ.સ. 1999માં લડાઈ પૂરી થયેલી જાહેર કરવામાં આવી. લડાઈ અને બળાત્કારમાંથી બચેલી સ્ત્રીઓએ પોતાના પિતા, ભાઈ, પતિ અને પુત્રની ગેરહાજરીમાં જીવતાં અને કમાતાં શીખવાનું હતું. Medica Zenica તેમને એકબીજાને મદદ કેમ કરવી એ શીખવવા લાગ્યાં, જેથી તેઓ પોતાનું અને જે કંઈ બાકી રહ્યું તે કુટુંબનું ભરણપોષણ કરી શકે અને જીવન રાબેતા મુજબનું કરી શકે. પણ સમાજને આ સંસ્થાના અને બહેનોના પ્રયાસ માન્ય નહોતા. એ વલણ ધીરે ધીરે હવે બદલતું જાય છે. કામ કરતાં કાર્યકર મહિલાઓને ખ્યાલ આવ્યો કે માનવ વ્યાપારનો ભોગ બનેલી બાળકીઓ અને સ્ત્રીઓના અનુભવો પણ બળાત્કાર થયેલી સ્ત્રીઓ જેવા જ હોય છે, એટલે તેમણે પોતાનાં કામનો વ્યાપ માનવ વ્યાપારનો ભોગ બનેલ સુધી વિસ્તાર્યો. તેઓ એમ ધારતા હતા કે લડાઈ પૂરી થયે તેમનું કામ પૂરું થઈ જશે, પણ 20 વર્ષ બાદ પણ તેમનું કામ હજુ જરૂરી જણાય છે, અને એ ક્યારે પૂરું થશે તે કહી શકાય તેમ નથી. પ્રાથમિક શિક્ષણનો અભાવ, નબળી સ્વાસ્થ્ય સેવાઓ અને સમાજમાં સ્ત્રીઓનું નીચું સ્થાન જેવા પ્રશ્નો તો લડાઈ પહેલાં પણ અસ્તિત્વમાં હતા. આથી જ તો ભોગ બનેલ સ્ત્રીઓને ફરી કુટુંબમાં સ્વીકારી લેવા લોકોને સમજાવવા અને બીજા સંગઠનોને પોતાની સાથે સહકારથી કામ કરવા કબૂલ કરવા બહુ મુશ્કેલ છે. પરંતુ આ બહેનોએ પ્રતિજ્ઞા લીધી છે કે તેઓ હાર નહીં માને અને કામ સતત ચાલુ રાખશે.

બોસ્નિયા-હ્ર્ઝ્ગોવિનામાં 40% બેકારી છે અને એ બેકારોમાંના 60% 21થી 25 વર્ષની ઉંમરના છે. Medica Zenicaએ સ્થાનિક મ્યુિનસિપાલિટી સાથે મળી એક એવી યોજના કરી છે કે તેમની સંસ્થામાં છ મહિના સીલાઈની તાલીમ લીધા બાદ, તેમને એ ક્ષેત્રમાં કામ મેળવવા મદદ મળી રહે. ભોગ બનેલ સ્ત્રીઓને માસિક 250 યૂરો મળે તેવો કાયદો તાજેતરમાં પસાર થયો. પરંતુ 20થી 50 હજાર જેટલી જાતીય હિંસાનો ભોગ બનેલ સ્ત્રીઓમાંથી ભાગ્યે જ 800 જેટલી સ્ત્રીઓએ આ માટે અરજી કરી છે, કેમ કે તે પ્રક્રિયા અત્યંત અટપટી છે, અને એવા લાભ મેળવવા વિષે સમાજમાં ઘણો પૂર્વગ્રહ તેમ જ સ્ત્રીઓ કલંકિત હોવાના ખ્યાલો હજુ જોડાયેલા છે. વળી જે સ્ત્રીઓ બયાન આપવા તૈયાર હતી, તેમને જરૂરી કાયદાકીય સલાહ અને માનસિક ટેકો આપે એવું કોઈ નહોતું. બયાન દરમ્યાન અને ત્યાર બાદની પરિસ્થિતિને પહોંચી વળવા બચવા પામેલ અને ભોગ બનેલ સ્ત્રીઓ કે તેમના કુટુંબ માટે કોઈ માર્ગદર્શન ઉપલબ્ધ નહોતું. Medica Zenicaએ આવા કિસ્સાઓમાં સામાજિક, કાયદાકીય અને વહીવટી સહાય આપવાનું શરૂ કર્યું. પુરુષો પોતાની પત્ની પર થયેલ બળાત્કાર વિષે વાત કરવામાં મુશ્કેલી અનુભવતા, તેઓ Medica Zenicaનાં સ્ટાફ પાસે માર્ગદર્શન માટે આવવા લાગ્યા. આ પ્રકારના આઘાતજનક બનાવો પછી પતિ-પત્ની વચ્ચે ફરી વિશ્વાસ ઊભો કરવાનું અને જીવનને પૂર્વવત કરવાનું ઘણું મુશ્કેલ હોય છે. 

Medica Zenicaમાં કામ કરનારને ખ્યાલ આવ્યો કે બચવા પામેલ પ્રજાને પોતપોતાની ધાર્મિક આસ્થા તેમના શારીરિક અને માનસિક ઘાવ રૂઝવવા અને સ્વસ્થ થવા માટે ઉપયોગી થતી હતી. કેટલીક સ્ત્રીઓને તેમનો ગર્ભ છેવટ સુધી રાખીને સંતાનને જન્મ આપવાની ફરજ પાડવામાં આવી હતી. એવા કિસ્સાઓમાં બાળક અમુક ઉંમરનું થતાં જુલમ કરનારના શારીરિક-માનસિક લક્ષણો સ્પષ્ટ થવા લાગતાં, જેને પરિણામે જન્મ આપનાર સ્ત્રી એ બાળક પ્રત્યે આક્રમક વલણ દાખવવા લાગે, એવું બનવા પામ્યું. સમાજ હજુ પણ આવી ઘટનાઓ માટે સ્ત્રીને દોષિત ગણે છે.  વળી, બચવા પામેલ સ્ત્રીઓ અને તેમના પર અત્યાચાર કરનાર એક જ  ગામમાં જ રહેતા હોવાથી એ બહેનો પોતાની મુશ્કેલીઓ વિષે વાત કરતાં ડરે છે. એ સ્ત્રીઓ પોતાનાં માનસિક ઘાવો, સમાજનાં ધોરણો અને દેશનાં આર્થિક-સામાજિક વ્યવસ્થાનાં માળખાંના અભાવની સામે ઝઝૂમે છે. સરકાર એમ માને છે કે લડાઈ ખત્મ થતાં બધા પ્રશ્નો દૂર થઈ ગયા, તો વીસ વર્ષ બાદ હજુ પણ લોકો શા માટે આ મુદ્દા ઉઠાવે છે? બચવા પામેલ સ્ત્રીઓ કહે છે કે કેટલાક અત્યંત હીન ગુનાઓ થયા છે, છતાં તેઓ તેને કારણે આખી કોમની હત્યા કરવાનું નથી કહેતાં, માત્ર ગુનેગારને પકડીને સજા કરવાની માગણી કરે છે.  

Medica Zenicaએ  બાળકો માટે એક Safe House ખોલ્યું. કોઈ પણ લડાઈ કે સંઘર્ષમાં બાળકો જ સહુથી વધુ સહન કરતાં હોય છે. આ લડાઈમાં કેટલાંક બાળકો પોતાની મા અથવા બહેન પર બળાત્કાર થયાના સાક્ષી બન્યાં તો કેટલાંક બાળકોએ પોતાના પિતા કે ભાઈને મોતને ઘાટ ઉતરતા જોયાં હોય. અસંખ્ય બાળકો અનાથ બન્યાં અથવા જન્મ દેનાર માતાએ તરછોડી દીધાં. ત્રણ પેઢીઓ આ લડાઈની બૂરી અસરનો ભોગ બનીને શારીરિક-માનસિક ત્રાસ સહન કરી રહી છે. સાત બાળકોએ અમારી સમક્ષ ક્રિસમસ સમયે ગવાતું એક ગીત સુંદર રીતે ગાઈ સંભળાવ્યું. મનમાં થયું, આ બાળકોનો શો દોષ કે તેમને આવી ભયાનક માનસિક અને શારીરિક તાણમાંથી પસાર થવું પડે છે?

The International Commission on Missing Persons(ICMP)નું કાર્ય જોવાની તક અમને મળી.

1991-95 દરમ્યાનની યુગોસ્લાવિયા, ક્રોએશિયા અને બોસ્નિયા-હ્ર્ઝ્ગોવિનામાં ફાટી નીકળેલ લડાઈ સમયે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બીલ ક્લીન્ટનની આગેવાની નીચે આ આંતરરાષ્ટ્રીય સંગઠન રચાયું. તેનું ધ્યેય સશસ્ત્ર લડાઈઓ, કુદરતી આફતો, સામૂહિક સ્થળાંતરો, વ્યવસ્થિત ગુનાઓ અને માનવ અધિકારના ભંગને પરિણામે થતા હત્યાકાંડને કારણે લાપતા થયેલ લોકોની ભાળ મેળવવાનું છે. તેનું મુખ્ય મથક સારાયેવો બોસ્નિયા-હ્ર્ઝ્ગોવિનામાં છે. તેઓ સામૂહિક કબરો શોધી તેમાંથી મૃતદેહો ખોદીને DNA પદ્ધતિથી સગાં-કુટુંબીની ભાળ મેળવી દેવામાં,  લાપતા થયેલ લોકોના કુટુંબ માટેના એસોસીએશનને માર્ગદર્શન આપવામાં, સરકારને આ વિષે નીતિ ઘડવામાં અને લાપતા થયેલ લોકો માટે કામ કરતી અન્ય સંશોધન સંસ્થાઓને સાથ આપવાનું ભગીરથ કાર્ય કરે છે.

આંકડાઓ દર્શાવે છે કે દુનિયાની સાત અબજ વસતીમાં એક અબજ જેટલાં લોકો ઉપર કહ્યા તેમાંના એક યા બીજા કારણસર સતત સ્થળાંતર કરતાં હોય છે. પોતાનું સ્વજન લાપતા છે તેમ નોંધાવવા માટે તેમની ખોટ સાલવી જોઈએ. પુરુષ વર્ગ જાનહાનિનો ભોગ વધુ બને છે જ્યારે સ્ત્રીઓ અને બાળકો લાપતા થતાં વધુ જોવા મળે છે.

International Criminal Tribunal for the former Yugoslavia (ICTY), International Criminal Tribunal for Rwanda (ICTR), International Criminal Court (ICC) અને ICMP એટલાં સંગઠનો માનવ અધિકારનો ભંગ થવાથી આચરાયેલા ગુનાઓની તપાસ માટે રચવામાં આવ્યાં છે અને છતાં હજુ આજે પણ એ ગુનાઓ એક યા બીજી સત્તાઓ કે સમૂહો દ્વારા થતા આવે છે એ કેવી દુ:ખદ બીના છે?  ICMP માત્ર માનવ અધિકારની રક્ષા માટે જ નહીં પણ લાપતા માનવીઓ અને બચી જવા પામેલ તેમના કુટુંબી જનોને ન્યાય મળે તે માટે પ્રયત્ન કરે છે. શરૂઆતમાં મૃત વ્યક્તિની મળી આવેલ વસ્તુઓના ફોટા બતાવીને તેમની ઓળખ કરવાની રીત અપનાવેલી જે ઘણી ધીમી અને ચોક્કસ પરિણામ ન લાવનારી હતી. 2002 પછી ફોરેન્સિક વિજ્ઞાનની મદદથી DNA મેળવીને ઓળખવાની પદ્ધતિ અપનાવવાથી વધુ ઝડપી અને ચોક્કસ પરિણામો સાંપડ્યાં, અને આજ સુધીમાં 70% લાપતા લોકોના મૃતદેહો કે શરીરના ભાગ દફનાવી શકાયા છે. બોસ્નિયા-હ્ર્ઝ્ગોવિનામાં થયેલ માનવ હત્યાકાંડના સંદર્ભમાં સહુથી મોટો અંતરાય સરકારની ઈચ્છાશક્તિના અભાવનો છે.

અતિ મહત્ત્વનું આ ઓળખનું કામ કેવી રીતે કરવામાં આવે છે તે અમને સમજાવવામાં આવ્યું. બચવા પામેલ વ્યક્તિને લોહીનો નમૂનો પૂરો પડવાનું કહેવામાં આવે, જે મૃત વ્યક્તિના મળેલ હાડકાંમાંથી લીધેલ DNA સાથે મેળવવામાં આવે. અત્યાર સુધીમાં લોહીના 14,500 નમૂનાઓ લેવાયા છે. માત્ર સ્રેબ્રેનિત્સામાં 8,372 વ્યક્તિઓએ જાન ગુમાવ્યાં. 1999માં માત્ર સાત મૃતદેહો ઓળખાયેલા, જે આંકડો 2001માં માત્ર એક વર્ષમાં 775 સુધી પહોંચ્યો, તે DNA મેચિંગ પદ્ધતિને આભારી છે. સર્બિયન લશ્કરે પહેલાં મારેલાઓને સામૂહિક કબ્રસ્તાનમાં દફનાવી દીધા, પછી પુરાવાનો નાશ કરવા મોટાં બુલડોઝરથી ખોદીને બીજી કે ત્રીજી સામૂહિક કબરોમાં દાટી દીધા. આમ થવાથી મૃતદેહોનાં હાડકાં ભાંગી ગયાં અને એક વ્યક્તિના અવશેષો એક કરતાં વધુ કબરમાંથી જુદા જુદા સમયે મળે તેવું બન્યું. આજ સુધીમાં પાંચ પ્રાથમિક અને ઘણી દ્વિતીય સામૂહિક કબરો મળી આવી છે. બીજા નંબરની સામૂહિક કબરો સ્રેબ્રેનિત્સાથી ટુઝલા પોતાનો જાન બચાવ કરવા ભાગતાં બાળકો અને પુરુષોના માર્ગમાં બનાવવામાં આવી, જેથી હેગમાં બેઠેલી માનવ અધિકારની કોર્ટ તેને લડાઈમાં બનેલ ઘટના તરીકે સ્વીકારે ! હજુ પણ લગભગ 1500 લાપતાં વ્યક્તિઓના મૃતદેહો કે શરીરના ભાગ મળવાના બાકી છે.

કોઈ પણ લડાઈ કે સંઘર્ષ બાદ, ન્યાય મળે પછી જ શાંતિ સ્થાપવાનું શક્ય બને. તમારો કેઈસ લડવા પુરાવાઓની જરૂર પડે. વ્યક્તિને અને તેના કુટુંબને એ કિસ્સાનો બંધ વાળવા અને દેશને આગળ વધવા શાંતિ અનિવાર્ય છે. માત્ર મૃતદેહો મળવાથી ન્યાય નથી મળતો. જુલમગારો હજુ બેગુનાહની માફક છુટ્ટા ફરે છે, પોતે કરેલ ગુનાઓ કબૂલ નથી કરતા અને કાયદા તથા ન્યાય તંત્રની જટિલતાને કારણે ક્યારે ન્યાય મળશે કે મળશે જ કે નહીં, તે કહી ન શકાય. પણ આ પગલું સાચી દિશામાં ભર્યું છે. એવું પણ બની શકે કે બચી જવા પામેલા લોકો કે જુલમ કરનારાના જીવનનો અંત આવી જાય, છતાં ન્યાય ન તોળાયો હોય. કેટલાક લોકો માને છે કે એ માનવ હત્યાકાંડ કોઈ ગુનો નહોતો. લોકો જાણતા હોય કે અમુક વ્યક્તિ કોઈની જાન લેવા માટે કે બળાત્કાર કરવા માટે જવાબદાર હતી, છતાં સત્તાવાળા તે વિષે કંઈ પગલાં ન લે. બીજી બાજુ એ મહાવિનાશમાંથી બચી જવા પામેલ લોકો કહે છે કે શાંતિથી જીવવા માટે જુલમ કરનારની આખી કોમને દોષિત ન ઠરાવવી જોઈએ. જે લોકોએ જુલમ કરનારાઓને માફ કર્યા છે અને કેટલાક સાથે સંબંધો સુધાર્યા છે તેમની વાત સહુને જણાવવી જોઈએ, તેમ ICMPના અધિકારીનું મંતવ્ય છે.

આ પ્રવાસની સહુથી મોટી કસોટી હતી બોસ્નિયા-હર્ઝ્ગોવિનામાં વીતેલ અત્યાચારોનો ક્રમબદ્ધ ઘટનાક્રમ ફિલ્મમાં જોવો અને કબ્રસ્તાનની મુલાકાત લેવી. લડાઈમાં બચી જવા પામેલા લોકોએ પોટોચારી ગામમાં એક મેમોરિયલ કરવા, એ સ્થળ પસંદ કર્યું કેમ કે એ સ્થળે જ તેમણે તેમનાં સ્વજનોને છેલ્લી સલામ કરેલી. આંતરરાષ્ટ્રીય સમૂહે આ મેમોરિયલ રચવામાં સહાય કરી.

2001માં સ્રેબ્રેનિત્સાના હત્યાકાંડની સ્મૃિત જાળવવા બિન વ્યાપારી ધોરણે પોટોચારી મેમોરિયલ કોમ્પ્લેક્સ બંધાયું. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બીલ ક્લીન્ટને જ્યારે 2003માં તેનું ઉદ્ઘાટન કર્યું ,ત્યારે માત્ર 600 જેટલા અવશેષો દફનાવી શકાયેલા, જે આંકડો આજે 6,241 સુધી પહોંચ્યો છે. વીસ વર્ષ બાદ પણ સામૂહિક કબરો અને અવશેષો મળતા રહે છે. કુટુંબીઓ પોતાના સ્વજનોના તાજેતરમાં મળેલ અવશેષો દફનાવવા અને મૃત્યુ પામેલા 8,372 માનવીઓના આત્માને અંજલી આપવા દર વર્ષે 11મી જુલાઈને દિવસે એકઠાં મળે છે. તેઓનાં નામની નામાવલિ એક મોટી દીવાલ પર જોઈને દિલ અકથ્ય પીડાથી ભરાઈ જાય. સ્રેબ્રેનિત્સા હત્યાકાંડમાંથી બચી જવા પામેલ એમીર સુલ્યાજિક કહે છે, “ત્રણ વર્ષ દરમ્યાન આખા બોસ્નિયામાં જે કંઈ બન્યું, તે બધું એક સ્થળે, એક સમયે, અહીં એકઠું થયું.” અહીં ત્રણ તસ્વીર પ્રસ્તુત છે જેમાં ડાબેથી પહેલી 700 કોફીન દફન ક્રિયા માટે લઈ જવાઈ તેની, બીજી હાલની 6,241 કબરોની અને ત્રીજી તમામ 8,372 મૃતાત્માઓની નામાવલિની છે.

યુ.એન.ના તત્કાલીન પ્રતિનિધિ પેડી અૅશડાઉન [Paddy Ashdown] અને લંડનના વોર મ્યુિઝયમની મદદથી આ મેમોરિયલ 2007માં ખુલ્લું મુકાયું. સ્રેબ્રેનિત્સા ડેથ માર્ચમાંથી બચી જવા પામેલ હસન હસાનોવિચ ત્યાં ક્યુરેટર તરીકે કામગીરી બજાવે છે અને મુલાકાતીઓને લડાઈ અને હત્યાકાંડ કેવી રીતે બન્યો તે વિગતે સમજાવે છે. ડચ બટાલિયનની બેરેકસ એ ઘટનાની યાદ અપાવતી ઊભી છે, જ્યાં માત્ર થોડાં લોકોને આશ્રય મળેલો, બાકીનાં હજારો સ્ત્રી, પુરુષ બાળકો તેની બહાર ટળવળતાં રહ્યાં, કેટલાંક બળાત્કારનો ભોગ બન્યાં, કેટલાંક ભાગી ગયાં, કેટલાંક માર્યાં ગયાં. આ સેન્ટરમાં અત્યાચારનો ભોગ બનેલાં અને બચી જવાં પામેલાંઓના બયાન રજૂ કરતી ફિલ્મ બતાવાઈ, જે ખૂબ જ હૃદયદ્રાવક હતી. હસને કરેલી વાત આ વીડિયો ક્લીપમાં જોઈ શકાશે.

https://youtu.be/G4kt_sZBqMw

સવાલ એ છે કે આ બધું બન્યું શી રીતે? સ્રેબ્રેનિત્સામાં એકઠા થયેલ 10થી 15 હજાર સ્ત્રી, પુરુષો અને બાળકોની રક્ષા માત્ર 400 ડચ સૈનિકો કરી શકે તેમ નહોતા. બોન્સિયાક લોકોને ખ્યાલ આવી ગયો કે યુ.એન. એમનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયું છે, આથી હજારો છોકરાઓ, યુવાનો અને વૃદ્ધ  પુરુષોએ બોસ્નિયાના તાબામાં હતું તે ટુઝલા ગામ પહોંચવા 100 કિલોમીટરની યાત્રા પગપાળા શરૂ કરી. આ સ્થળાંતર ‘ડેથ માર્ચ’ તરીકે ઓળખાય છે. સર્બ સૈનિકો રસ્તા રોકે, ડુંગર ઉપરથી ગોળીબાર કરે, જંગલમાં ઘેરો ઘાલીને ખત્મ કરે અને આ હજુ પુરતું ન હોય તેમ યુ.એન.ના લશ્કરી વાહનો અને સૈનિકોના યુનિફોર્મ ચોરી લઈ, લોકોને ભ્રમણામાં નાખીને પોતાને શરણે આવવા લલચાવીને મારી નાખ્યાં. 8,372 છોકરાંઓ અને પુરુષોના જાન લેવા તેઓએ વેર હાઉસ, નિશાળો, ડેમ અને નદી કિનારાનો આશરો લીધો, અને છેવટ સામૂહિક કબરોમાં ફેંકી દીધા. એટલાથી સંતોષ ન વળ્યો, એટલે પુરાવાઓ ન મળે એ ખાતર બુલડોઝરથી મૃતદેહો ખસેડીને બીજી કે ત્રીજી કબરોમાં દાટી દીધા, જેથી અવશેષો મળવામાં અને ઓળખવામાં અત્યંત મુશ્કેલી પડે.

Tuzlaમાં Podrinje identification project નામનું સંશોધન કેન્દ્ર 1995ના સ્રેબ્રેનિત્સાના હત્યાકાંડનો ભોગ બનેલ મૃતદેહોની ઓળખ માટે શરૂ કરવામાં આવ્યું હતું. અહીં પ્રાથમિક કે દ્વિતીય સામૂહિક કબરોમાંથી મળેલ મૃતદેહો કે છુટ્ટા છવાયા શરીરના અવશેષોને અલગ પાડી, બને તો એક વ્યક્તિના અલગ અલગ ભાગોને જોડીને સાંચવવામાં આવે છે. ત્યાર બાદ તેનું DNA પરીક્ષણ કરવામાં આવે છે. મૃતદેહોને બે કે ત્રણ વખત ખસેડીને એક સામટા દફનાવેલા હોવાને કારણે મોટા ભાગના અવશેષો ભાંગેલી અવસ્થામાં મળે છે. નીચેના બે ફોટા એ મોર્ચ્યુરીમાં સચવાયેલ અને સંશોધન થઈ રહેલા અવશેષોના છે.

વરિષ્ઠ ફોરેન્સિક નૃવંશશાસ્ત્રી Ms. Dragana Vuceticએ સામૂહિક કબરોની ભાળ કેવી રીતે મળે છે, શરીરના ભાગો કેવી રીતે લાવવામાં આવે છે, તેની સાચવણી શી રીતે કરવામાં આવે છે અને તેની ઓળખ માટેનું પરીક્ષણ કઈ પદ્ધતિથી કરવામાં આવે છે, એ સરળ ભાષામાં સમજાવ્યું. DNA પરીક્ષણનાં પરિણામો Lukavac Reassociation Centreમાં મોકલવામાં આવે છે જે મૃત વ્યક્તિનાં પરિવારજનો સાથે જો તેમનાં લોહીના નમૂનાનો મેળ થાય, તો તેમની સાથે વાત કરે છે. આ અત્યંત મહત્ત્વનું પરંતુ ખૂબ કાળજીપૂર્વક કરવાનું કાર્ય છે. ઓળખ માટેની લેબોરેટરી અને મેમોરિયલ સેન્ટર વિષે વધુ લખવાનું શક્ય નથી, કેમ કે એ સ્થળોએ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓની સમજ અપાઈ અને છેવટ મૃતાત્માઓનો એ આખરી મુકામ હતો. એ વિગતોથી ઉદ્ભવેલી લાગણીઓ  તો પ્રત્યક્ષ મુલાકાતથી જ અનુભવી શકાય તેમ છે. એક માનવ સમૂહ પોતાના જ દેશબાંધવો પર આવો અનાચાર કેવી રીતે કરી શકે એ સમજમાં ન આવે એવી આ ઘટના હતી.

Galerija 11.07.95  

સારાયેવો શહેરની મધ્યમાં, ચિત્રનું પ્રદર્શન કરતી આ આર્ટ ગેલેરી જોયા વિના આ પ્રવાસ અધૂરો રહેત. ઝાગ્રેબ-ક્રોએશિયામાં ઉછરેલ અને સારાયેવોમાં સ્થાઈ થયેલ બોસ્નિયન-સુદાનીઝ ફોટોગ્રાફર Tarik Samarah દ્વારા લડાઈ દરમ્યાન લીધેલા ફોટાઓ આ ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. 2002ના તેના પ્રકલ્પ ‘Srebrenica, genocide at the heart of Europe’માં સ્રેબ્રેનિત્સા ગામ પર હત્યાકાંડની શી અસરો રહી જવા પામી તેનું ચિત્રણ છે. આ ફોટાઓમાં લડાઈ પહેલાં અને પછી, કુટુંબોની હાલત કેવી હતી, પરિવારો કેવી રીતે વેર વિખેર થઈ ગયા અને સામૂહિક હત્યાનાં કેવાં ભયાનક પરિણામો આવ્યાં, તે આબેહુબ રીતે કચકડામાં મઢી લેવામાં આવ્યું છે. એ છબીઓમાં હત્યાકાંડ બાદ અનુભવાયેલ આઘાત, કુટુંબીઓની સાલતી ખોટ અને મૂળસોતા ઉખડી જવાથી ઊભી થયેલ કરુણ પરિસ્થિતિનો ચિતાર ખડો  થાય છે. એટલું જ નહીં પણ ખૂન થઇ ગયું હોય તેમના કુટુંબીઓ હજુ બચી જવા પામેલા લોકો માટેના ખાસ કેમ્પમાં રહે છે, તેમની તસ્વીરો પણ ખેંચી છે. અમારી મુલાકાત સમયે ભાઈ તારીક ત્યાં હાજર હતા, તેમણે કહ્યું, “મેં અનેક વિષમ પરિસ્થિતિઓ અને ઘટનાઓના ફોટા લોધા છે, પણ આવાં દ્રશ્યો માટે મન કદી તૈયાર ન હોય. મારે મૃતદેહો પર ચાલવું પડેલું અને મેં ઘોર વિનાશ નજરે ભાળ્યો.” અમે હત્યાકાંડ વિશેની એક ટૂંકી દસ્તાવેજી ફિલ્મ જોઈ, જે અત્યંત કરુણા ઉપજાવે તેવી હતી. એ જોઈને વિચાર આવ્યા વિના ન રહે કે તે વખતે લોકોના દિલ પર શું વીતી હશે, અને બચી જવા પામેલા લોકો શી રીતે આ કારમા ઘા સહન કરી રહ્યા હશે. એ ગેલેરીમાં 12 વર્ષ અનેતેની ઉપરના કિશોરથી માંડીને 77 વર્ષ સુધીના પુરુષોના ફોટા અને નામ દીવાલ પર લખેલ જોયા. કોઈનો મૃતદેહ મળે કે માત્ર શરીરના બે ચાર હાડકાં મળે એ ફોટા દિલ કંપાવી જાય. નીચે ત્રણ તસ્વીરો છે, જેમાં પ્રથમ એક સામૂહિક કબર મળી આવી ત્યાં બે મહિલાઓ માતમ મનાવતી નજરે ચડે છે, બીજી એક વ્યક્તિના અલગ અલગ અવશેષો એકઠા કરી રહ્યાની સાક્ષી પૂરે છે અને છેલ્લી તસ્વીર લગભગ 700 જેટલાં કોફીન દફન વિધિ માટે તૈયાર કરાયાની ક્ષણને ઝડપી લીધી તેની છે.

 

વંદનીય વ્યક્તિઓની મુલાકાત :

અમારા આ પ્રવાસ દરમ્યાન કેટલીક અદ્ભુત વ્યક્તિઓને મળવાનું સદ્ભાગ્ય મળ્યું. તેમાંના એક હતા બ્રિટનના બોસ્નિયા ખાતેના એલચી મિ. ફર્ગ્યુસન. તેમણે અમને તેમના નિવાસસ્થાને નિમંત્ર્યા અને લગભગ સવા કલાક સુધી યુગોસ્લાવિયા અને બોસ્નિયાનો રાજકીય અને સાંસ્કૃિતક ઇતિહાસ અને સમયે સમયે જુદા જુદા સામ્રાજ્યો દ્વારા આ પ્રદેશનો કેવી રીતે લડાઈ કરવામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની વાત કરી. તેમણે કહ્યું કે સામાન્ય પ્રજા ઘણી ભોળી અને પ્રેમાળ છે, પણ જ્યાં  હત્યાકાંડ કરનારા છુટ્ટા ફરે છે અને એ વાતનો ઇનકાર કરનારા સત્તા ભોગવે છે ત્યાં શી રીતે પ્રગતિ થાય? અહીં નવી પેઢી અને તેમાં ય ખાસ કરીને મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવી અનિવાર્ય છે કેમ કે એ લોકો હત્યાકાંડમાંથી બચવા પામ્યાં છે અને સાથે સાથે જાતીય હિંસા અને અન્ય અત્યાચારોના ભોગ પણ બન્યાં છે.

600 વર્ષ પહેલાં ઓટોમન સામ્રાજ્યે રાજ્ય સ્થાપ્યું તેના બદલાની આગ હજુ ભડકે બળે છે. મિ. ફર્ગ્યુસને સારાયેવોમાં ‘એક છત્ર નીચે બે શાળાઓ’ કેવી રીતે ચાલે છે, તેની વાત કરતા કહ્યું, એક શાળામાં સવારે અને બપોરે બોસ્નિયાક અને સર્બિયન બાળકોને ભણાવવામાં આવે છે અને એ રીતે બે કોમ વચ્ચેનું અંતર વધારવામાં આવે છે. એમને માટેના શિક્ષકો પણ તેમની જ કોમમાંના હોય છે. હવે એ શિક્ષકો પોતે બહુ સાંસ્કૃિતક સમાજમાં જન્મી ઉછરીને મોટા થયેલા છે, પણ કહે છે, તેનાથી શું વળ્યું? છતાં બધાંએ એકબીજાની નફરત કરી અને મારી નાખ્યા, તો હવે શા માટે એક બીજાથી અલગ ન રહેવું અને પોતપોતાનો ધર્મ અને સંસ્કૃિત ન સાચવવી? એ શાળાના ચોગાનમાં મોટી તારની વાડ છે! મિ. ફર્ગ્યુસનનું માનવું છે કે બ્રિટન અને બીજા દેશોએ સમયસર હસ્તક્ષેપ કર્યો હોત તો આ હત્યાકાંડ નિવારી શકાયો હોત. એમ તો એક Truth & Reconciliation Commissionની સ્થાપના કરવામાં આવી છે, પરંતુ હાલની સરકાર કે જે અન્ય પ્રજાજનોની માફક હત્યાકાંડ થયાનો જ ઇનકાર કરનારી છે, તેનું સ્થાપિત હિત આડખીલી રૂપ છે જેને પરિણામે ગુનેગારોને પકડીને સજા કરવાની અને બચવા પામેલાં લોકોને ન્યાય અપાવી દેવાની પ્રક્રિયામાં બાધા થાય છે.

Mothers of Srebrenicaનાં પ્રેસિડન્ટ મુનીરા અમને મળવા સ્રેબ્રેનિત્સાથી સારાયેવો ખાસ આવેલાં. આ અદ્વિતીય મહિલાની કહાની એમના જ શબ્દોમાં : “અમે જે જોયું છે, સંભાળ્યું છે અને અનુભવ્યું છે તે કોઈએ નથી કર્યું. મેં મારા કુટુંબની 22 વ્યક્તિઓ ગુમાવી છે. એક સમયે અમે 2,000 બહેનો પતિ ગુમાવેલી હાલતમાં એક ગામમાં હતી. બોસ્નિયાનો સમાજ હજુ પછાત અને રૂઢીચુસ્ત છે. માત્ર પુરુષ જ કમાવા જાય. અમારે રાતોરાત બાપ, ભાઈ, પતિ અને પુત્ર બનવું પડ્યું. આ હત્યાકાંડમાંથી બચી જવા પામેલી સ્ત્રીઓ એકબીજાને પોતાની કથની કહેવા લાગી. અમે વિચાર્યું, આમ એકમેકને કહેવાનો શો અર્થ? આપણે બધાં તો અત્યાચારમાંથી બચી જવા પામેલાં અને કેટલાંક અન્ય જુલ્મોનો ભોગ બનેલાં છીએ. બહારના લોકોને જાણ કરવી જોઈએ. એમાંથી ‘મધર્સ ઓફ સ્રેબ્રેનિત્સા’નો જન્મ થયો. ગુનેગારોને પકડીને સજા થાય તેવી અમારી માગણી છે. ગુનેગારોએ આચરેલા અત્યાચારો બદલ અમે આખી કોમનો તિરસ્કાર નથી કરતા. તેનાથી તો આ પ્રદેશમાં શાંતિ સ્થપાવાને બદલે બીજો સંઘર્ષ ઊભો  થશે. જુલમ કરનારાઓ અમારા જ ગામમાં રહે છે, પણ અમારાં સંતાનોને અને તેમનાં સંતાનોને ખૂબ ઉચ્ચ અભ્યાસ કરાવીને અમે આ સંહારનો બદલો લઇ લીધો. જ્યારે બીલ ક્લીન્ટન પોટોચારી મેમોરિયલનું ઉદ્ઘાટન કરવા આવ્યા, ત્યારે મેં કહ્યું, ‘તમે આ હત્યાકાંડ થયો ત્યારે સત્તા પર હતા. તમે સહુથી વધુ શક્તિશાળી દેશના નેતા છો, જો ધાર્યું હોત તો આ સંહાર અટકાવી શક્યા હોત. બધા દેશો-ફ્રાંસ, જર્મની અને બ્રિટન જરૂરી પગલાં ન ભરીને એકસરખા બેજવાબદાર ઠર્યા છે.’ તેમની આંખમાં પાણી આવી ગયાં એટલે મેં કહ્યું, ‘તમે પણ એક પિતા છો, અમારે તમારાં આંસુનો ખપ નથી, આજે જાહેરમાં કબૂલ કરો કે તમે સમયસર મદદ ન મોકલીને મોટી ભૂલ કરી છે અને હવે આ સમસ્યાના હલ માટે સહાય કરો.’ બીલ ક્લીન્ટન કોઈ જવાબ ન આપી શક્યા. જો કે મારે કહેવું જોઈએ કે ત્યાર બાદ એમણે ઘણી રીતે મદદ કરી છે. 2014માં આ ઘટનાને 20 વર્ષ થયાં તે નિમિત્તે જ્યારે તેઓ ફરી આવ્યા ત્યારે મને કહે, “તે દિવસે કહેલા તમારા શબ્દો હજુ મારા કાનમાં હથોડાની જેમ વાગે છે.” અને ફરી એમની આંખો ભરાઈ આવી.

સ્ત્રીઓ અમને આવીને કહે છે કે અમારા પર બળાત્કાર કરનારા અમારા ગામમાં જ ફરતા જોવા મળે છે એટલે જીવવું બહુ મુશ્કેલ થઈ પડ્યું છે. કેટલીક સ્ત્રીઓ આજે વીસ વર્ષ બાદ પણ હોસ્પિટલમાં છે, તેઓ રાબેતા મુજબનું જીવન શરૂ નથી કરી શકતાં.  હું મારી પૌત્રીઓને કહું છું, જગતમાં બે જ પ્રકારના માણસો હોય છે, સારા અને દુષ્ટ. તમારો ઉછેર, શિક્ષણ અને સમજણનો ઉપયોગ કરીને સારા લોકોની નિકટ રહો, તેમને દોસ્ત બનાવો. તમારો ભાવિ પતિ સર્બિયન હોય તો પણ મને વાંધો નથી, જ્યાં સુધી એ ‘સારો માણસ’ હોય. (હવે આવું માનવા અને કહેવા માટે કેવું ક્ષમાશીલ અને વિશાળ દિલ હશે એમનું?) જો દુનિયામાં શાંતિ લાવવી હોય તો હોલોકોસ્ટ અને સ્રેબ્રેનિત્સાના હત્યાકાંડ વિષે જાણો અને તમારી આસપાસના લોકોને તેમાંથી શો બોધપાઠ  મળ્યો તે સમજાવો. જ્યારે પણ દુનિયામાં ક્યાં ય આતંકવાદી હુમલા થાય અને હિંસા ફાટી નીકળે, ત્યારે અમને અમારા અનુભવો તાજા થાય. મુસ્લિમ પ્રજામાં જમણેરી વિચારધારા ફૂલીફાલી છે. ધર્મને નામે લડાઈ કેવી રીતે કરાય? કોઈ ધર્મ પોતાના કે અન્ય ધર્મના અનુયાયીઓને મારવાનો ઉપદેશ નથી આપતો અને એ બાબતમાં બધા ધર્મો સરખા છે, તો એ લોકો શું કરે છે? મને ગયે વર્ષે  ‘Woman of Peace’ની ઈલ્કાબ મળ્યો. હું તમને એટલું કહીશ કે 15મી માર્ચે હેગમાં અમારા કેઈસની સુનાવણી છે. એના પરિણામ વિષે જાણવા આતુર રહેજો. યાદ રાખજો કે રાજકારણીઓ કોઈ એક સમૂહને ઉશ્કેરે, લઘુમતીની રક્ષા કરે તેવા કાયદાઓ થતા અટકાવે, જેમનું દમન થતું હોય એ પ્રજાની રક્ષણ માટેની વિનંતીઓને અવગણે અને જ્યારે પોતાના જ દેશના લોકો અંદર અંદર લડી મરે્, ત્યારે તેઓ તો પોતાને મળેલ ધન દોલત અને સત્તાના નશામાં આનંદે આળોટે. હું તમારામાંની યુવાન બહેનોને કહું છું કે આ બધી ઘટનાઓ, તેની પાછળનાં કારણો અને તેનાં પરિણામો બરાબર સમજો અને તમારા કે તમારા સંતાનોના જીવનમાં આવું કદી ન બને એવી પ્રતિજ્ઞા લો.” અહીં એ વિરાંગનાની તસ્વીર મૂકી છે.

 

Vive Zeneનામના સંગઠન માટે કામ કરતી સાત મહિલાઓ અને પ્રો. જસ્મીના હસાનોવિચ સાથેની મુલાકાત દરમ્યાન તેઓએ પોતાના દેશની રાજકીય-સામાજિક સમસ્યાઓ, સરકારી સહાયનો અભાવ અને કાર્યકરો અને બચી જવા પામેલાં લોકોના ભવિષ્યની વાતો કરી, જે ઘણી માહિતીપ્રદ હતી. હત્યાકાંડમાંથી બચી જવા પામેલાં અને બળાત્કારનો ભોગ બનેલાંઓ શારીરિક અને માનસિક રીતે ખૂબ ભાંગી પડતાં હોય છે. Vive Zene દ્વારા ચાલતાં સેન્ટરમાં આવા લોકો છ મહિના રહે અને સામાજિક-માનસિક સારવાર મેળવીને રાબેતા મુજબનું જીવન શરૂ કરી શકાય તે માટે માર્ગદર્શન મેળવે છે. એ લોકો બીજા આ ક્ષેત્રમાં કામ કરનારાને તાલીમ આપે છે અને ગુનાઓના શિકાર બનેલાને કાયદાકીય મદદ પણ પૂરી પાડે છે. ત્રણ ત્રણ પેઢીઓ આ વિનાશના પરિણામો ભોગવે છે જેનાથી તેમની જિંદગી બરબાદ થઈ ગઈ છે. પણ આવી સંસ્થાઓની સહાયથી ઘણા લોકો પોતાને વતન પાછા ફરવા લાગ્યા છે. કેટલીક સ્ત્રીઓ પોતાને ઘેર ગઈ અને થોડા સૈનિકો લશ્કરી વાહનોમાં આવ્યા અને પૂછ્યું, “તમે ખોરાક, પાણી અને પોતાના ઘર વિના કેમ જીવો છો?” એ બહેનોએ જવાબ આપ્યો, “અમને હવે કશાનો ભય નથી લાગતો, અમે સર્વસ્વ ગુમાવ્યું છે, અમારાં માત્ર શરીર જીવે છે. પણ અમે જ્યાં સુધી જીવતાં હશું ત્યાં સુધી અહીં રહેશું.”

Vive Zeneએ પોતાની હર્બલ દવાઓ બનાવી છે. તેઓ કોઈ પણ પ્રકારના ભેદભાવ  વિના દરેકને યોગ્ય માહિતી અને જ્ઞાનથી સજ્જ કરે છે, જેથી ભવિષ્યમાં અન્યાયનો ભોગ બનવું પડે તો પોતાનો બચાવ કરી શકે. દાક્તરો, સામાજિક કાર્યકરો અને સાઈકોથેરપીસ્ટ બધા સાથે મળીને મહિલાઓનાં સશક્તિકરણનું કામ કરે છે, છતાં વીસ વર્ષે પણ જાણે સફળતા હાથતાળી દેતી લાગે છે. ઘણા લોકોનું વ્યક્તિત્વ બદલાતું, અને બળાત્કારને પરિણામે જન્મેલાં બાળકો પ્રત્યે થતી હિંસા એ લોકોએ જોઈ છે.

Vive Zene માટે કામ કરતાં એક ડોક્ટરની કહાની તેમના શબ્દોમાં : “મેં લડાઈ દરમ્યાન પાંચ વર્ષ યોગ્ય અને પૂરતાં સાધનો વિના કામ કર્યું છે. હું લડાઈમાં પકડાઈ. મારી પાસે બે વિકલ્પ હતા એક, પોટોચારીમાં બીજી સ્ત્રીઓની જેમ રહેવું અને તેમના જેવું નસીબમાં જે હોય તે ભોગવવું અને બીજો વિકલ્પ, પુરુષો સાથે ડેથ માર્ચમાં જોડાવું. મેં બીજો વિકલ્પ પસંદ કર્યો. એ કૂચમાં દસથી પંદર હજાર પુરુષો અને માત્ર 25-30 સ્ત્રીઓ હતી, અને ત્યાં જાતીય હુમલાનો ભોગ બનવાની શક્યતા હતી. સદ્દભાગ્યે હું બચી ગઈ. હું ખુશ હતી કેમ કે મારી દશા પોટોચારીમાં ફસાયેલી સ્ત્રીઓ જેવી ન થઈ. અમે હજુ પણ સમજી નથી શકતાં કે એક માણસ બીજા માણસ સાથે આવું ક્રૂર વર્તન કેવી રીતે કરી શકે, અને તમે પણ નહીં સમજી શકો, છતાં આ કરુણ ઘટના વિષે માહિતી મેળવીને બીજાને તે વિષે જાગૃત કરો એવી મારી વિનંતી છે.”

એ દેશમાં સ્વાસ્થ્યની વ્યવસ્થા અપૂરતી છે. લડાઈનો ભોગ બનેલાંઓને મફત સારવાર મેળવવાનો અધિકાર આપોઆપ મળતો નથી. એવું જ ઘરેલુ હિંસાનો ભોગ બનેલાંઓને કાયદાકીય સહાય પણ તેમની આર્થિક પરિસ્થિતિની મુલવણી પરથી મળે છે. આ વિકટ પરિસ્થિતિનો ભોગ બનેલ ગાયનેકોલોજિસ્ટ કે જેમની વાત ઉપર કહી, તેઓ ટુઝલામાં કામ કરે છે. તેઓ જ્યારે સ્રેબ્રેનિત્સા જાય, ત્યારે 30 સ્ત્રી દર્દીઓને જોવાની યાદી હોય, જેમાંથી સમયના અભાવે માત્ર દસેક જેટલાંને તપાસી શકે. એ ગામમાં કોઈ ગાયનેકોલોજિસ્ટ નથી, અને જરૂર પડે તો બીજે દૂર ગામે જઈને ભારે ફી ભરીને બતાવવું પડે. 1996માં ‘મેડીકા એડ્યુકા’ની સ્થાપના કરી, જેનું કામ આઘાત પામેલા શરણાર્થીઓને વિવિધ થેરપી, કાઉન્સેિલંગ અને માર્ગદર્શન આપનારા વ્યાવસાયિકોને તાલીમ આપવાનું છે, જેથી તેઓ સ્ત્રીઓને શિક્ષણ આપીને આર્થિક રીતે પગભર બનાવવામાં સફળ થાય. ટુઝલામાં 55% લોકો બેકાર છે અને 35થી નીચેની ઉંમરમાં એ પ્રમાણ 70થી 80%નું છે. નબળી આર્થિક પરિસ્થિતિને કારણે ફાસીઝમનો પ્રસાર અને હિંસા વધતા જાય છે. 2015 સુધીમાં 1980ના વર્ષ બાદ જન્મેલા લોકોમાંથી, લગભગ 150થી 2,00,000 જેટલાં નાગરિકો એ દેશ છોડી ગયાની સંભાવના છે. રોજગારી મળવાની કે આવક સલામત રહે તેવી કોઈ શક્યતા નથી. કેટલાંક કુટુંબોમાં તો ત્રણ પેઢીથી બેકારી વ્યાપેલી છે.

રેશાદ:

ભાઈ રેશાદનો જન્મ 1972માં. એમનો જન્મ, ઉછેર અને અભ્યાસ સારાયેવોની નજીકના ગામમાં. એ માન્ચેસ્ટર યુનાઈટેડ ફૂટબોલ કલબના ચાહક છે અને ઈંગ્લિશ પોપ સંગીત સાંભળીને મોટા થયા છે. રેશાદ હાલમાં સારાયેવો સ્થિત Remembering Srebrenica સંગઠન માટે કામ કરે છે. તે અમારા સમગ્ર સફરના આયોજક, માર્ગદર્શક, દુભાષિયા અને માહિતીની ખાણ સમાન હતા. તેઓ બાલ્કન લડાઈમાંથી બચેલ વ્યક્તિ છે. તેમનો અહેવાલ એમના જ શબ્દોમાં : “હું બોસ્નિયાનો ઇતિહાસ તમને ટૂંકમાં કહીને શરૂઆત કરીશ. ઈ.સ 1200ની આસપાસ ઓટોમન સામ્રાજ્ય સ્થપાયું અને સારાયેવો રાજધાની બન્યું. ઓટોમન શાસન પહેલાં એ વિસ્તારમાં ઓર્થોડોક્સ અને કેથલિક ધર્મની બોલબાલા હતી. બંને પાંખનાં ચર્ચમાં સત્તા ચુસ્તપણે વહેંચાયેલી હતી. મોટા ભાગના સામાન્ય લોકોને એ ધર્મના બેમાંથી કયા ફાંટાને અનુસરવું તેની મૂંઝવણ થવા લાગી અને સહેજે ઇસ્લામને સ્વીકાર્યો. આમ ઓર્થોડોક્સ ક્રીશ્ચિયાનિટી (કે જે પછીથી સર્બિયાનો મુખ્ય ધર્મ બન્યો), રોમન કેથોલિસિઝ્મ (કે જે પછીથી ક્રોએશિયાનો મુખ્ય ધર્મ બન્યો) અને ઈસ્લામને અનુસરનારા (કે જે હાલમાં બોસ્નિયા-હ્ર્ઝ્ગોવિનામાં રહે છે) તે તમામ લોકો એક જ જાતિના,  એક જ ભૂમિના, એક જ ભાષા બોલનારા અને એક જ સંસ્કૃિતને ચાહનારા લોકો છે. એ લોકો બધા સર્બ હતા, ઇસ્લામ તેમના પર બહારથી ઠોકી બેસાડવામાં નહોતો આવ્યો. પહેલાંના યુગોસ્લાવિયામાં સોશ્યલ ડેમોક્રેટિક રાજ્ય પદ્ધતિ હતી પછી સામ્યવાદ આવ્યો. માર્શલ ટીટોએ પ્રમાણમાં સામાજિક અને આર્થિક સલામતી આપી, પણ તેમની મોટી મુશ્કેલી એ હતી કે તેમણે વ્યક્તિને બુદ્ધિપૂર્વક સ્વતંત્ર રીતે વિચારવાની તક ન આપી. તેમણે ચર્ચ અને રાજ્યને અળગાં કરી નાખ્યાં. જો તમે ચર્ચમાં જતા હો, તો રાજકીય પક્ષના સભ્ય ન બની શકો કેમ કે સામ્યવાદે ધર્મનું અસ્તિત્વ નકાર્યું હતું. મારી મા હજુ સામ્યવાદી છે. અમારા દેશમાં ધર્મને વળગી રહેનારા વધુ છે, તેને અનુસરનારા ઓછા.

મારો ઉછેર સારો હતો. હું કે મારા મિત્રો કયો ધર્મ પાળતા તે વિષે અમે અભાન હતા. એ પરિસ્થિતિ 1984-86 પછી બદલાઈ. સત્તા પર બેઠેલાઓને થયું કે સમાજને વિઘટિત કરવા એમને તેઓ એકબીજાથી ભિન્ન છે, એવું મનમાં ઠસાવવું. અને એ લોકોએ બરાબર એ જ કામ કર્યું. આ પ્રજા સહેલાઈથી ભોળવાઈ જાય તેવી છે. બોસ્નિયા જાણે નાનું યુગોસ્લાવિયા છે. અહીં આશરે 40% મુસ્લિમ, 35% સર્બિયન અને 25% ક્રોઆટ્સ લોકો સાથે મળીને જીવતા હતા. પણ ક્રોએશિયા અને સર્બિયામાં નેશનાલિસ્ટ ચળવળ શરૂ થઈ, એ લોકો મહા ક્રોએશિયા અને મહા સર્બિયા રચવા  માગતા હતા.

યુગોસ્લાવિયાના ભંગાણ બાદ, પહેલાં સ્લોવેનિયા સ્વતંત્ર થયું, પછી ક્રોએશિયા અલગ થયું અને બીજાં છ ગણતંત્ર રાજ્યો  તેમને અનુસર્યા. અમેન સ્વપ્ને ય ખ્યાલ નહોતો કે આ સમૂહો એક બીજા પ્રત્યે અણગમો કેળવશે કે લડાઈ કરશે. અમારા દેશમાં કોમી અણબનાવ થાય એ અમે સ્વીકારતા જ નહોતા. બે કોમ વચ્ચે વિવાહ થવો એ એટલાં બધાં વર્ષોથી બનતી  સામાન્ય ઘટના હતી કે એક કુટુંબના સભ્યો કે પડોશીઓ એક્બીજાથી અલગ રહે કે હત્યા કરે એવું બની શકે એવું માનવા અમે તૈયાર જ નહોતા. હું પ્રથમ બોસ્નિયન હતો અને પછી મુસ્લિમ. હું દુનિયામાં ગમે ત્યાં ગોઠવાઈ શકું તેમ હતો. એ બધું 1991માં અચાનક જ્યારે એક કુમળી વયનો કુમાર મશીનગન લઈને આવ્યો અને ‘હું મારા દેશ માટે લડું છું’ તેમ જાહેર કર્યું ત્યારથી બધું બદલાયું. એ ‘તેઓ અને આપણે’ની ભાવનાના પ્રચારની શરૂઆત હતી. હું સર્બિયન લશ્કરની સામે બોસ્નિયન લશ્કર માટે લડ્યો છું. સારાયેવો 47 મહિના સુધી લશ્કરના કબજા હેઠળ હતું. ત્યારે વીજળી, ગેસ, પાણી કે ખોરાક નહોતાં મળતાં. એક દિવસમાં અમે 200 વર્ષ પાછા હઠી ગયા અને ગુફામાં રહેતા માનવી જેમ રહેવા લાગ્યા. માનવતાનાં ધોરણે બહારથી મદદ આવી. અમને બીન્સ, મેકેરોની અને ચોખા મળતા. એમાંથી એક સારું પરિણામ એ આવ્યું કે અમે બધા સમાન થઈ  ગયા. જાણે એક કુટુંબના સભ્યો. લડાઈ પૂરી થઈ, પણ હજુ ઘણા લોકો પહેલાંની વિભાજીત સમાજ વ્યવસ્થામાં કશો ફેરફાર કરવા માગતા નથી. અમારે ત્યાં કહેવત છે, ‘જ્યાં સામાન્ય સમજની હદ પૂરી થાય ત્યાં બોસ્નિયાની હદ શરૂ થાય.’

બોસ્નિયન નેશનાલિસ્ટને 600 વર્ષ પહેલાં ઓટોમન સામ્રાજ્યે જે કંઈ કરેલું તેનો બદલો લેવો હતો, એ કંઈ સમજાય તેવી વાત નથી. તેઓએ સારાયેવોને ઘેરો ઘાલ્યો. ઘણા બોસ્નિયન સર્બ યુવાનો સર્બિયન નેશનાલિસ્ટ લશ્કરની વિરુદ્ધ લડવા મેદાને પડ્યા હતા. પડોશીઓ, શિક્ષકો અને જેની સાથે ધૂળમાં રમ્યા હો તેવા મિત્રો એકબીજાની સામે બંદૂક તાકીને ઊભા હતા. અહીં કંઈ પવિત્ર ન રહ્યું. બ્રેડ લેવાની લાઈનમાં ઊભા હોય તેમના પર ગ્રેનેડ ફેંકવામાં આવતી. તમે પાણી લેવાં ગયા હો તો બંદૂકની ગોળીથી જાન ગુમાવો. આવી પાયાની માનવીય જરૂરિયાતો માટે લગભગ 11,500 લોકોએ જાન ગુમાવ્યા. તમે સૈનિક હો તો 51% જાન ગુમાવવાની શક્યતા હતી અને સામાન્ય પ્રજાજન હો તો 49% જાન ગુમાવવાનો સંભવ હતો. અમારી પાસે પોતાનો શસ્ત્ર સરંજામ હતો નહિ, હાથે બનાવેલ શસ્ત્રોથી લડતા. મારી પાસે ત્રણ બંદૂકની ગોળી હતી દુશ્મનોને મારવા માટે. સૈનિક તરીકેની ફરજ બજાવીને ઘેર જાઓ તો ખોરાક, પાણી કે બળતણ માટે લાકડાં લેવા બે-ચાર કિલોમીટર ચાલીને જવું પડતું. હું રક્તદાન કરતો કેમ કે બદલામાં બીફનું ટીન મળતું, એટલે ક્યારેક અઠવાડિયામાં બે-ત્રણ વખત રક્તદાન કરતો.

જેમ લડાઈ શરૂ થઈ, તેમ જ પૂરી થઈ. શું આંતરરાષ્ટ્રીય સમૂહને તેના પરિણામોની જાણ હતી? અમને ખબર નથી. હકીકત એ છે કે લોકો હજુ સામૂહિક કતલ થઈ છે એ સ્વીકારવા તૈયાર નથી. એ લોકોને ચોપાનિયું આપવામાં આવ્યું હતું, ‘આ માનવ હત્યાકાંડ નથી, એ લડાઈમાં બનતી ઘટના છે’. આથી 16થી 77 વર્ષના બધા લોકો તમને એ જ જવાબ આપશે. સર્બિયામાં કદાચ પણ પાંચેક માણસો આ હકીકત સ્વીકારવા તૈયાર હશે, પણ બોસ્નિયામાં એક પણ બચ્ચો આ માનવતા વિરુદ્ધ આચરેલ ગુનો છે, તે સ્વીકારવા તૈયાર નથી. બીજા વિશ્વયુદ્ધમાં સંહાર માટે કોણ વધુ જવાબદાર છે, એ નક્કી કરવું મુશ્કેલ હતું કેમ કે તેમાં ઘણા દેશોએ ભાગ લીધેલો અને એક કરતા વધુ પક્ષે લડાઈ થયેલી. જ્યારે આ બાલ્કન લડાઈમાં માત્ર બે જ પક્ષ હતા; એક મારનારો અને બીજો મરનારો. તો પછી આંતરરાષ્ટ્રીય સમૂહે કોને મદદ કરવી જોઈએ એ નિર્ણય કરતાં આટલો બધો સમય કેમ લીધો? શું માત્ર તેઓ મુસ્લિમ છે માટે? (પછી એક મોટા નિ:શ્વાસ સાથે તેણે કહ્યું) હું હવે બીજી લડાઈ જોવા નથી માગતો. યુદ્ધ વિરામના સમયમાં બહાર નીકળેલાં બાળકો પર સર્બ લશ્કર ગોળીબાર કરતા. મને 1994નો એ દિવસ યાદ છે. ઋતુની પ્રથમ બરફ વર્ષા થયેલી, વાતાવરણ અત્યંત સુંદર હતું. યુદ્ધ વિરામ જાહેર થતાં ચાર બાળકો સ્લેજ લઈને રમવા નીકળ્યાં. સફેદ બરફની ચાદર એમના રક્તથી ભીંજાયેલ એ દ્રશ્ય હું કદી નહીં ભૂલું. અમારી માતાઓ, બહેનો અને પત્નીઓ અમને ખવડાવે, ચોખ્ખાં રાખે અને સલામત રાખે છે. ખબર નથી પડતી કે તેમણે ઝીલેલા ઘા કેવી રીતે સહન કરીને અમને સલામત રાખી શકે છે? તેઓ અમારા ખરા રક્ષક છે, સૈનિકો નહીં.

હું તમને કહેવા માગું છું કે યાદ રાખજો કે આ પ્રકારની દુ:ખદ ઘટના ગમે ત્યાં બની શકે. માત્ર આપણાં નામ અલગ છે. હું બ્રિટન આવી ગયો છું. મને ખબર છે કે આવો ભયંકર બનાવ બનતાં થોડી જ ક્ષણો લાગે. જે પ્રજા પોતાના જ લોકોને ‘તેઓ અને આપણે’ની દ્રષ્ટિએ જોવા લાગે તે સમાજના વિભાજનની શરૂઆત હોય છે. માટે સાવધ રહેજો. અમે પચાસ વર્ષથી એક બીજાની સાથે રહ્યાં, લગ્ન કર્યાં, પણ એ પૂરતું નહોતું. એક બીજાની બાજુમાં રહેવા કરતાં એક બીજાની સાથે રહેતાં શીખવું બહેતર છે. સમાચાર માધ્યમોએ તેમાં ઘણો ભાગ ભજવેલો અને હજુ પણ જેઓ સત્તા પર છે તેમનો પક્ષ લઈને તેમની સેવા કરે છે, અને જેઓ સત્તા પર નથી તેમને અન્યાય કરવામાં બાકી નથી રાખતા. કોઈ સમાચાર માધ્યમો તટસ્થ નથી.

આ દેશમાં રાજકારણી અને ગુનેગાર વચ્ચેની રેખા ઘણી પાતળી છે, તો અમારું ભવિષ્ય કેવું હોય? ત્રણ વર્ષ પહેલાં પૂર આવેલું. અમને મદદ પણ બે જુદી જુદી કોમને બે અલગ અલગ માર્ગોથી પહોંચાડવી પડે એવી સ્થિતિ છે. હવે થયું એવું કે એક જગ્યાએ મદદ વહેલી પહોંચી, તો ત્યાંના લોકોએ પોતાને મળેલ ખોરાક વગેરેમાંથી ભાગ કાઢીને બીજી કોમને મદદ વહેંચી. બીજે દિવસે તેમના મેયરે બીજી કોમની ઉદારતા અને માનવતા ભર્યા વર્તનને બિરદાવ્યું તો સરકારે તેમને તરત બરતરફ કર્યા! પ્રજા એક થવા માગે છે, સરકાર તેમને વિભાજીત રાખવા માગે છે જેથી કરીને તેઓ પોતાની સત્તા ટકાવી રાખી શકે અને આંતરરાષ્ટ્રીય સમૂહો પાસે કહેવાતી શાંતિ લાવવા નાણું મેળવી શકે. હું અને મારો મિત્ર બે વિરોધી લશ્કરમાં જોડાઈને 47 મહિના લડ્યા, પણ લડાઈ પૂરી થતાં પાછા મિત્રો થઇ ગયા. અમે એક બીજાને નથી માર્યા, પણ રાજકારણ અમને મરાવશે.

અમારા દેશમાં વાણી સ્વાતંત્ર્ય છે, જ્યાં સુધી એ સરકારના તાબામાં હોય. મને ચિંતા એ વાતની છે કે લડાઈ શરૂ થઈ ત્યારે જે પક્ષ સત્તા પર હતો તે જ આજે પણ શાસન કરે છે અને 20 વર્ષમાં અમે કોમી એખલાસની દિશામાં એક ડગ પણ નથી ભર્યું. ભવિષ્ય ધૂંધળું ભાસે છે. બોસ્નિયા એક નિષ્ફળ ગયેલું રાજ્ય છે.” પાંચ દિવસ સાથે ગાળ્યા હોવાથી રેશાદ સાથે એક બંધુત્વનો નાતો થઈ ગયેલો એટલે તેની પીડા, નિરાશા, દુ:ખ અને હતાશાએ અમને સહુને ઘેરી લીધાં.

અહીં હસન હસાનોવિચની કહાણી થોડા વાક્યોમાં કહું. જ્યારે માનવ હત્યાકાંડ થયો ત્યારે એ માત્ર 19 વર્ષનો હતો. સ્રેબ્રેનિત્સાના કહેવાતા સલામત વિસ્તારમાં એ પોતાના જોડિયા ભાઈ, પિતા અને કાકા સાથે ફસાઈ ગયેલો. ત્યાંથી એમની સાથે સ્રેબ્રેનિત્સાથી ટુઝલા સુધીની ડેથ માર્ચમાં જોડાયો. એ પોતે ડુંગર પરથી ચલાવાયેલ ગોળીબાર અને જંગલમાંના ઘેરાઓથી બચી જવા પામ્યો, પરંતુ તેણે પોતાનો જોડિયો ભાઈ હુસૈન, પિતા અને કાકાને ગુમાવ્યા. પછીથી એ પોતાની મા અને નાના ભાઈની ભાળ મેળવી શક્યો. તેણે ક્રિમીનલ સાયન્સમાં ઉપાધી મેળવી અને હાલમાં પોટોચારી મેમોરિયલ સેન્ટરમાં ક્યુરેટર તરીકે લોકોને લડાઈ અને હત્યાકાંડ કેવી રીતે બન્યા તે વિગતે સમજાવવાની કામગીરી બજાવે છે. ‘તમે આવા સંહારમાં પોતાના પરિવારજનોને ગુમાવ્યા અને અનેક અત્યાચારોના સાક્ષી બન્યા, છતાં એ વાત રોજ યાદ કરવાની ફરજ શા માટે સ્વીકારી?’ એવા અમારા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “હું આ વાત બને તેટલા વધુ લોકોને તટસ્થ રીતે જણાવવા માગું છું, જેથી ફરી આવી દુર્ઘટના ક્યાં ય કદી ન બને.” તેઓ બાળકો માટે આ ઘટનાનું ચિત્રણ કરતું પુસ્તક લખી રહ્યા છે. તેમની સાથેની મુલાકાત હૃદયને વિદારી નાખનારી હતી.

આ અનોખા પ્રવાસ પરથી અમે શું બોધપાઠ લીધો? સ્રેબ્રેનિત્સાની માતાઓએ જે ગુમાવ્યું છે તેનો સ્વીકાર થયો છે પણ સામૂહિક માનવ હત્યાકાંડ એ માનવ અધિકાર સામેનું ગુનાહિત કૃત્ય હતું તે હજુ નથી સ્વીકારાયું. એ માટે સમય લાગશે. અદ્દભુત બીના તો એ છે કે આ દુર્ઘટનામાંથી બચવા પામેલાં અને જાતીય હિંસાનો ભોગ બનેલાં એકબીજાને સહાય કરી રહ્યાં છે; અને એ લોકો જ ધર્મ અને કોમ વચ્ચેની તિરાડને જોડવા પ્રયત્નશીલ છે. તેઓ મક્કમ પણે માને છે કે ગુનેગારો છુટ્ટા ન ફરવા જોઈએ, તેમના પર કામ ચાલવું જોઈએ અને તેમને સજા જરૂર થવી જોઈએ. પણ એ ગુનેગારોને કારણે આખી કોમને કે કોઈ એક ધર્મને નફરત ન કરવી જોઈએ કે દોષ ન દેવો જોઈએ. શું પશ્ચિમની પ્રજા કે રાજકારણીઓ આવી સમજ ધરાવવાનો પુરાવો આપી શકશે? એક કોમના લોકોને અમાનવીય ગણવા અને તેને પરિણામે હત્યાકાંડ થાય એ નવી ઘટના નથી. નાઝી જર્મનીમાં જુઈશ લોકોને કીડા સાથે સરખાવવામાં આવેલ, જેનું પરિણામ હોલોકોસ્ટમાં આવ્યું. રૂવાંડાના હુટુ જાતિના લોકોને વાંદા સાથે સરખાવવામાં આવેલા. આથી ‘તેઓ અને આપણે’ની લાગણી કોઈ પ્રજામાં ન ફેલાય તેની તકેદારી રાખવી જરૂરી છે. હિંસક માર્ગે બદલો લેવાથી તમારી જાતનું જ પતન થાય છે. અન્યાયને ચુપચાપ સહન ન કરો. પોતાની શક્તિમાં વિશ્વાસ રાખો (ખાસ કરીને મહિલાઓ). ન્યાય માટે લડો, એ તમને જરૂર મળશે.

સ્રેબ્રેનિત્સામાં આરેબિક અને ઇંગ્લિશમાં લખાયેલી આ પ્રાર્થના સાથે વિરમું :

We pray to almighty God,

May grievance become hope,

May revenge become justice


May mothers' tears become prayers


That Srebrenica 
Never happens again


To no one and nowhere

 

હે સર્વ શક્તિમાન પ્રભુ, અમે તને પ્રાર્થી એ કે

વૈર ભાવના આશામાં બદલો,

બદલો ન્યાયમાં પરિવર્તિત થાય,

માતાઓનાં આંસુ પ્રાર્થના રૂપે વહો

અને  સ્રેબ્રેનિત્સા કદી પણ ક્યાં ય કોઈને ય ન બનો.

e.mail : 71abuch@gmail.com

Loading

23 February 2016 admin
← અંગ્રેજોએ સ્થાપેલી બનારસની સંસ્કૃત કૉલેજનું હજારગણું મોટું યોગદાન છે
૧૯૭૧-૧૯૭૫ અને ૨૦૧૪-૨૦૧૬ : એક તુલના →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved