ચૂંટણીપંચે ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો માટેના મતદારોના આંકડા વયજૂથ પ્રમાણે જાહેર કર્યા અને રાજકીય પક્ષો ગણતરી કરવા માંડ્યા કે પ્રથમ વાર મતદાતા બનનાર યુવકો કોને મત આપશે. આંકડાની ગણતરીમાં માહિર રાજકારણીઓને એ દેખાયું જ નહીં કે ગુજરાતની ઊગતી પેઢીમાં છોકરીઓની સંખ્યા ચિંતાજનક અને શરમજનક રીતે કેમ ઘટી ગઈ. અમદાવાદથી પ્રકાશિત અંગ્રેજી અખબાર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ તેના પ્રથમ પાને તારીખ ૦૫/૦૪/૨૦૧૯ના દિવસે વિશ્લેષણ રજૂ કર્યું, “Gujrat’s social malaise reflects in electoral rolls !” મતદાતાઓના વયજૂથ પ્રમાણેના વર્ગીકરણને દર્શાવી એ સાબિત થયું કે ગુજરાતના ૧૮થી ૧૯ વર્ષના મતદારોમાં પ્રતિ હજાર છોકરાઓએ માત્ર ૫૭૬ છોકરીઓ જ છે. સાચે જ જે છેલ્લા સાત દાયકામાં ના થયું એ આજે થયું. અને એ પણ સ્પષ્ટ થયું કે જેઓ સાત દાયકાપૂર્વે જન્મ્યા હતા, તેવા મતદારોમાં આ પ્રમાણ ૯૯૧ છે.આ તે કેવો સામાજિક વિકાસ! કુલ ૨૬ લોકસભા બેઠકોમાં ૧૮ વર્ષથી વધુ વયના મતદારોમાં ૧૭,૩૧,૫૪૮ મહિલા મતદારોની ઘટ નોંધાઈ અર્થાત્ એટલી મહિલાઓ રાજ્યમાંથી અદૃશ્ય થઈ ગઈ! આ જ છે ગુજરાતનું વિકાસ મૉડેલ ?
જેમાં ‘બચાઓ બેટી પઢાઓ’ સૂત્ર ગાજતું રહ્યું , ઝિલાતું રહ્યું અને તેને સમાંતર બેટીઓ ઘટતી જ ગઈ. છેલ્લાં સિત્તેર વર્ષમાં ના થયું એ લોકસભાની ચૂંટણી ટાણે જોવા મળ્યું. પ્રથમ વાર મતદાતા બનનારને પોખવામાં આવે એ તો સ્વાભાવિક છે. પરંતુ તેમાં મતદાતા છોકરીઓ ઓછી કેમ એ તો કોને જાણવાની પરવા હોય! ૧૮થી ૧૯ વર્ષના યુવકોને મત આપો, મત આપો, એવા પ્રચારમાં અને મતદાતા-જાગૃતિ કાર્યક્રમમાં ‘બેટી બચાઓ’નું સૂત્ર ક્યાંથી યાદ આવે!
આવતાં પાંચ વર્ષ માટે સરકાર ચૂંટવાનો અવસર પ્રજાને મળ્યો છે, ત્યારે ગાળાગાળી કરતા નેતાઓને ઘડીભર ભૂલી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભારતમાં મહિલાઓ આજે કેટલી સલામત છે. આ સલામતી વ્યક્તિગત, સામાજિક અને રાજકીય હોઈ શકે.
બૅંગલુરુ સ્થિત અઝિમ પ્રેમજી યુનિવર્સિટીએ નોટબંધીની અસરો વિશેનું સંશોધન કર્યું. યુનિવર્સિટીના ‘સ્ટેટ ઑફ વર્કિંગ ઇન્ડિયા-૨૦૧૯’ અહેવાલ પ્રમાણે નોટબંધી દેશમાં ૫૦ લાખ લોકોએ નોકરી ગુમાવી. એવો અંદાજ છે કે નોકરી ગુમાવનારાઓમાં મહિલાઓનું પ્રમાણ ઊંચું રહેવા પામ્યું હશે. આ બાબતને સમજવા મહિલાઓમાં પણ જેઓ છેવાડે છે એવી સેક્સવર્કર બહેનોની નોટબંધી સમયની સ્થિતિને ધ્યાનમાં લઈએ. પશ્ચિમ બંગાળના સોનાગાચીમાં વીસ હજારથી વધુ સેક્સવર્કર બહેનો રહે છે અને દેહવ્યાપરમાં રોકાયેલી છે. તેઓના ગ્રાહકો સામાન્ય રીતે તેમની સાથે રોકડમાં જ વ્યવહાર કરે છે. તેને કારણે નોટબંધી દરમિયાન સેક્સવર્કર બહેનોની રોજગારી અને જીવનધોરણ પર નકારાત્મક અસરો પડી. તેઓએ સર્જેલી ઉષા કો-ઑપરેટિવ બૅન્કની નાણાકીય સ્થિતિ ડામાડોળ થઈ ગઈ, એવા અનેક અખબારી અહેવાલો પ્રકાશિત થયા હતા. સેક્સવર્કર જેવી સ્થિતિ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી લાખો બહેનોની થઈ હશે, એ સમજી શકાય એવું છે. એક તરફ સમાજનો તેઓ તરફનો નકારાત્મક દૃષ્ટિકોણ અને બીજી તરફ નોટબંધીએ સર્જેલી બેકારીને કારણે સેક્સવર્કર બહેનોને લાગ્યું કે આ તો કેવી આઝાદી, કોની આઝાદી!
લોકસભાની ચૂંટણી આવે, ત્યારે રાજકીય પક્ષો મહિલાઓના મત માટે તેમના પ્રચારમાં આકર્ષક વાયદાઓ કરે છે, પરંતુ વર્તમાન ભારતમાં મહિલાઓની વાસ્તવિક સ્થિતિ જોતાં એવું લાગે છે કે આ વાયદાઓ પણ કાગળ પર જ રહી જશે. મહિલાઓમાં આત્મહત્યાનું વધતું પ્રમાણ દેશની સામાજિક અને રાજકીય વ્યવસ્થાનું દર્પણ છે. અગ્રણી મેડિકલ જર્નલના એક અભ્યાસ પ્રમાણે વિશ્વમાં આત્મહત્યા કરતી પ્રત્યેક પાંચ મહિલાઓમાં બે મહિલાઓ ભારતીય છે. આ મહિલાઓમાં નોંધપાત્ર પ્રમાણમાં પરિણીત મહિલાઓ સામેલ છે અને તેઓ ૩૫ વર્ષથી નાની અને મહદંશે દેશનાં વિકસિત રાજ્યોમાં વસે છે. સ્ત્રીઓની આત્મહત્યા પાછળનાં કારણો પોલીસચોપડે નોંધાઈને એન.સી.આર.બી.ના વર્ગીકરણમાં પ્રતિબિંબિત થાય છે પણ તેના ઉકેલ માટે ભાગ્યે જ કોઈ ચર્ચા થાય છે, અને એ રાજકીય ચિંતન અને ચિંતાનો તો વિષય જ બનતો નથી.
મહિલાઓ પરના પ્રતિબંધો ઘણું કરીને જે-તે ધર્મના આદેશો અને ધર્મોની રૂઢિવાદી પરંપરાઓને કારણે ભૂતકાળથી આજ દિન સુધી ટકી રહ્યા છે. દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ પણ તેને બદલી શકતા નથી અને કટ્ટરપંથી રાજકીય વિચારધારાઓ કોર્ટના ચુકાદાઓને નજરઅંદાજ કરે છે. તેનું એકવીસમી સદીનું ઉદાહરણ છે સબરીમાલા. રજસ્વલા મહિલાઓને મંદિરપ્રવેશનો ધાર્મિક-સામાજિક ઇન્કાર દેશભરમાં આજે પણ છે અને સબરીમાલા મુદ્દે દેશભરમાં જનજાગૃતિનું વાતાવરણ ઊભું થયું હોવા છતાં અપવાદ સિવાય અનેક પક્ષોએ ખુલ્લેઆમ પરંપરાઓને વફાદાર રહેવાનું પસંદ કર્યું અને દેશના વડાપ્રધાને પણ રજસ્વલા મહિલાઓના અધિકારને રાજકીય રીતે જ જોયું, મહિલાઓના અધિકારની દૃષ્ટિએ નહીં.
શું વિશ્વની મહાસત્તા બનવાના સપનામાં મહિલાઓને નજરઅંદાજ કરવી એ પૂર્વશરત છે? છેલ્લાં પાંચ વર્ષની સરકારી જાહેરખબરો પર નજર નાખીશું તો સમજાશે કે તેમાં ભારતીય નારી એટલે સિંદૂર, મંગળસૂત્ર અને સાડી. પહેરવેશને પણ પરંપરાથી મુક્ત નહીં કરવો એ કઈ ભારતીય સંસ્કૃતિ છે? સ્વચ્છ ભારત – અભિયાનમાં દેશને સદીઓથી સ્વચ્છ રાખવા હર દિન મહેનત કરતાં બે પાત્રો હાંસિયામાં છે. એક તો મહિલાઓ અને બીજા સફાઈ-કામદારો. પ્રત્યેક ઘરમાં આપણે સફાઈનું કામ મહિલાઓને માથે થોપી દીધું અને જ્ઞાતિપ્રભાવી ભારતમાં માત્ર દલિતોને અને તે પણ વાલ્મીકિઓને આ કામમાં જોતર્યા. સફાઈની અનામત ! મહિલાઓના પ્રદાનને સ્વીકારવાનું તો બાજુએ રહ્યું તેઓના રોજિંદા જીવનમાં સલામતી આપવાની સરકારી ફરજ પણ સંપૂર્ણ રીતે અને સંતોષજનક રૂપે નિભાવતી નથી. તેને પરિણામે મહિલાઓ પરના અત્યાચારોને રોકવામાં સફળતા મળતી નથી. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોની માહિતી પ્રમાણે ભારતમાં વર્ષ ૨૦૧૫માં મહિલાઓ પરના વિવિધ અત્યાચારના કુલ ૩,૨૯,૨૪૩ કિસ્સા નોંધાયા, જેમાં વધારો થઈ ૨૦૧૬માં ૩,૩૮,૯૫૪ થયા. બળાત્કારના કિસ્સા આ સમય દરમિયાન ૩૪,૬૫૧થી વધી ૩૮,૯૪૭ થયા.
મહાત્મા ગાંધીની સાર્ધશતાબ્દીની ઉજવણી અને મોદી સરકારનાં પાંચ વર્ષને સમાંતર સરકારનું સ્વચ્છતા-અભિયાન પ્રચાર અને આચારમાં રહ્યું. પરંતુ સફાઈ-કામદારોની સ્થિતિમાં અને જીવનધોરણમાં કોઈ વિશેષ બદલાવ આવ્યો નહીં. વૈશ્વિકીકરણ અને ખાનગીકરણને વરેલી સરકારે સફાઈકામ પણ કૉન્ટ્રાક્ટરોને હવાલે કરી દીધું. વૈશ્વિકીકરણના વાયરાએ સદીઓ પુરાણી હિન્દુઓની જ્ઞાતિવ્યવસ્થા પાર કોઈ અસર ના કરી અને સફાઈકામ દલિતોના ખભેથી ઊતર્યું જ નહીં. ગટરમાં ઊતરી સફાઈકામ કરવામાં અનેક શ્રમિકોએ જીવ ગુમાવ્યા. કાનૂનની હાજરીમાં માથે મેલું ઉપાડવાનું અમાનવીય કામ એક તરફ જ્ઞાતિવ્યવસ્થાનું શોષણ બની રહ્યું અને બીજી તરફ ભારતીય બંધારણે બક્ષેલા માનવ-અધિકારોનું હનન થતું રહ્યું. આઝાદી પછીની સફાઈ કામદારોની બે પેઢીને સરકારી નોકરી મળતી રહી. પણ વિકાસના નવા નમૂનાએ ત્રીજી પેઢીની સલામત નોકરી પણ છીનવી લીધી.
સ્વચ્છતા-અભિયાનમાં થયેલા ખર્ચમાં સફાઈ-કામદારોને શું મળ્યું એ તો તપાસનો વિષય છે પણ ગ્રામીણ ભારતમાં ઘેરઘેર પાણી પહોંચાડવાના બજેટનો કેટલોક હિસ્સો સ્વચ્છતા અભિયાનમાં વપરાતા તેમ જ ધાર્યાં કાર્યો પૂર્ણ ના થતા સ્થિતિ એ આવી કે દેશના માત્ર ૧૮ ટકા ગ્રામીણ પરિવારોના ઘર સુધી જ પાણી પહોંચી શક્યું. પીવાનું પાણી ઘરઆંગણે ના મળે, તો તે માટેના વલખા મહદંશે ઘરની મહિલાઓને માથે જ આવે. વળી, દલિતો સાથેનો ભેદભાવ પણ ઘરઆંગણે પાણી ન મળતા યથાવત્ રહે, કારણ કે ગ્રામીણ ભારતમાં પાણી અને અસ્પૃશ્યતાને પુરાણો સંબંધ છે.
ગ્રામીણ ભારતમાં મોટા ભાગના ભૂમિહીન ખેતમજૂરો દલિત અને આદિવાસી છે. નૅશનલ સેમ્પલસર્વેના અભ્યાસ પ્રમાણે વર્ષ ૨૦૧૧-૧૨થી ૨૦૧૭-૧૮ સુધી છૂટક મજૂરી કરતા ખેતમજૂરોમાં ૪૦ ટકાનો અર્થાત્ ત્રણ કરોડનો ઘટાડો નોંધાયો છે. ભારતમાં દલિત હોવું એટલે ચોતરફના સામાજિક, ધાર્મિક અને આર્થિક સવાલો. ગુજરાતમા ઊના-અત્યાચાર જેવા તેમ જ અન્ય અનેક અત્યાચારો દેશભરમાં થયા. જે નૅશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોમાં નોંધાય. છેલ્લાં ત્રણ વર્ષમાં દલિતો વિરુદ્ધના ૧,૧૯,૮૭૨ ગુના નોંધાયા. ૨૦૧૬માં પ્રતિદિન ૧૧૧ ગુના પોલીસ દફતરે નોંધાયા. અર્થાત્ પ્રતિ કલાકે ચાર ગુના. દલિતો મૂછ ના રાખી શકે, ઘોડેસવારી ના કરી શકે, વરઘોડો કાઢે તો વિરોધ અને મંદિરપ્રવેશના ઇન્કારની ઘટનાઓ તો બનતી રહે છે, પણ તેને સમાંતર દલિતોનો સંગઠિત અવાજ અને વિરોધ દલિત અસ્મિતાને વ્યક્ત કરે છે.
ભારતના વિકાસમાં કોનો કેવો ફાળો કે યોગદાન એની ચર્ચામાં કોઈ છેવાડે હોય, તો એ આદિવાસી છે. જંગલ-જમીનના અધિકારો ઝૂટવાતા ગયા અને આદિવાસીઓ માટે સ્થળાંતર જ વિકલ્પ બચ્યો. એ સંજોગોમાં વિકાસની નવી પરિભાષાએ તેઓને વધુ ને વધુ મુખ્ય ધારાથી દૂર કર્યા. રોકડિયા પાકની ખેતીમાં અને રસ્તા મકાનના બાંધકામમાં લોહીપસીનો એક કરતા આદિવાસીઓને વિકાસનો કયો લાભ મળ્યો! કુદરતી સંપત્તિ જ્યાં કેન્દ્રિત છે, એવાં જંગલોમાં કોલસાની ખાણોના બજારીકરણે તેમ જ મોટા બંધો તેમ જ પ્રોજેક્ટોએ આદિવાસીઓની પરંપરાગત રોજગારી છીનવી અને વિસ્થાપિત થવું પડ્યું. ભારતમાં વીજળીઉત્પાદનમાં પચાસ ટકા હિસ્સો કોલસાનો છે, તેને પરિણામે ભારત સરકારે ૨૦૨૦ સુધીમાં કોલસાનું ઉત્પાદન બે ગણું કરવાનું નક્કી કર્યું. પરિણામે પ્રતિ મહિને નવી એક કોલસાની ખાણની અનિવાર્યતા ઊભી થઈ. અદાણી જેવા કૉર્પોરેટની ભાગીદારી તેમાં રહે છે. વિકાસનો ભોગ તો અંતે અદિવાસીઓને બનવું પડે છે. આમ એકંદરે આ સરકાર સૂત્રોની સરકાર જ બની રહી તેમ કહીએ તો તે અતિશયોક્તિ નથી.
Email : gaurang_jani@hotmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 11-12