હજુ થોડા દિવસ પહેલાં તો મારો જન્મ થયો હતો. એક પ્રગાઢ નિદ્રામાં હું પોઢેલી હતી. મારામાં કશું ય સળવળતું ન હતું. કોઈ સંચાર ન હતો. કોઈ વિચાર ન હતો. બસ એક અનંત નિદ્રામાં મારું સમગ્ર હોવાપણું પર્યાપ્ત હતું. એ પ્રગાઢ નિદ્રામાં, સુષુપ્ત હોવાપણાના અંતરતમ ખૂણે, કોઈ પ્રછ્છન્ન અભિપ્સા ટૂંટિયું વાળીને સૂતેલી હતી. તે અભિપ્સાને કોઈ દેહ ન હતો; પણ કશુંક બનીને મ્હાલવાની, વિસ્તરવાની, વિકસવાની એક કલ્પના માત્ર હતી. એ તો એક ખ્યાલ જ હતો. શું થવું છે, અને શું બનવું છે, તેની ક્યાં મને કશી ય જાણ જ હતી? એક લાંબા, સ્નિગ્ધ, ઊંડા બોગદાના તળિયે ધરબાઈને, લપાઈને મારું સૂક્ષ્માતિસૂક્ષ્મ હોવાપણું સોડ વાળીને સૂતેલું હતું. મારી બાજુમાં મારા જેવી ઘણી ય સખીઓ પણ મારી જેમ જ સૂતેલી હતી. અમારી નીચે મિષ્ટ જીવનરસનો ઝરો વિલસી રહ્યો હતો અને અમને પ્રેમથી તરબતર કરીને એકમેક સાથે તે ચીપકાવી રહેલો હતો. એ મિષ્ટ જળની સુંવાળી પથારીમાં અમે બધાં એકમેકની હૂંફમાં આમ પોઢેલાં હતાં.
અને ત્યાં તો એ બધા આવી પહોંચ્યા. અમારાથી ય અતિસૂક્ષ્મ એ બધા હતા. પણ તેમનો સ્વભાવ અમારાથી સાવ વિપરીત હતો. એ સૌ તરવરાટથી ભરપૂર હતા. સાવ નાનકડા હતા પણ અત્યંત ચંચળ હતા. એક ઘડી શાંત બેસી રહે એવા એ ન હતા. સૂવાનું કે આરામનું તો નામ જ નહીં. ચીકણા બોગદામાંથી સડસડાટ લપસીને, નીચે આવીને એ બધા અમને ઘેરીને ઘોંઘાટ કરવા લાગ્યા. એમના તરવરાટનું ગુંજન મારી અગાધ શાંતિના શાંત સરવરજળમાં વમળો પેદા કરવા લાગ્યું. મારી એ પ્રગાઢ નિદ્રામાં કોઈના સ્વાગતનો ઢોલ જાણે પીટાઈ રહ્યો હતો. એક વિપ્લવ સર્જાઈ ગયો. અને એ ઢોલના ધબૂકે મારા સુષુપ્ત હોવાપણામાં કોઈક અજાણી જાગ્રુતિ આવી ગઈ. આળસ મરડીને મારામાં કશુંક સળવળાટ કરવા લાગ્યું. એ બધા ઘોંઘાટિયાઓએ કોઈકને મળવાની, તેની સાથે એકાકાર બની જવાની, કશુંક બનવાની, વિસ્તરવાની, મહાલવાની, મારામાં સૂતેલી અભિપ્સાને જગાડી દીધી.
એમાંનો એક તો ભારે બળૂકો નીકળ્યો. મારી દીવાલને તેણે ભેદી નાંખી. આળસ મરડીને બેઠેલા મારા હોવાપણાના સૂક્ષ્માતિસૂક્ષ્મ કણના બધાયે અંશોમાં તે તો ફરી વળ્યો. એક પ્રભંજન જેમ પાંદડાને ઊડાડી મૂકે તેમ, મારો પ્રત્યેક કણ જાગી ઉઠ્યો. અને એ શુભ પળે એ તોફાની નાચણિયાની સાથે હું એકાકાર બની ગઈ. વિશ્વના અનંત રાસની એક સાવ નાનકડી પ્રતિકૃતિ મારી અંદર જાગી ગઈ. મારી સૂતેલી ઇચ્છા આળસ મરડીને પોતાની અંગભંગીઓને આ રાસના તાલે તાલે નર્તન કરાવી રહી. કશુંક બનવાનો એ ખયાલ હવે મૂર્ત સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો.
કદી નહોતું બન્યું તેવું કાંઈક બનવા લાગ્યું. આ રાસના પ્રભાવે મારામાં નૂતન જીવનનો સંચાર થયો. ધીમે ધીમે મારા હોવાપણાએ વિસ્તરવાની શરૂઆત કરી દીધી. મારી એ પ્રછ્છન્ન અભિપ્સા હવે જાગી ચૂકી હતી. કોઈક નવા ભવિતવ્યની એક રૂપરેખા મારામાં ઘડાવા લાગી. કોઈક નવા જ સ્વરૂપવાળા જીવનો આકાર મારા કણકણમાં ઘડાવા લાગ્યો. બીજો કોઈ આવો તોફાની આ વિસ્તરણમાં ખલેલ ન પહોંચાડે, એ માટે મારી દીવાલ હવે સખત થવા માંડી. મારું કદ પણ સાથે સાથે વધવા લાગ્યું. મારા નિવાસસ્થાન એ બોગદાના તળિયેથી આવી રહેલા જીવનરસના ઝરાના જળને હું તરસ્યા હરણાંની જેમ ઘટક ઘટક પીવા લાગી. મારી એ તૃષાનો જાણે કે કોઈ અંત જ ન હતો. મેં જોયું કે, મારી બાજુની સખીઓના પણ આ જ હાલ હતા. અમે બધીઓ આ રાસમાં રમમાણ હતી. અને એ રાસની પ્રત્યેક હીંચે અમે વધુ ને વધુ પુષ્ટ થતાં જતાં હતાં.
બધાંની સતત વર્ધમાન એવી આ તરસ થકી પેલો ઝરો તો ધીમે ધીમે સૂકાવા લાગ્યો. કાળક્રમે અમે એટલાં બધાં વધી ગયાં અને અમારી તરસ પણ એટલી બધી વધી ગઈ કે, એ ઝરો અમારી તરસને સંતોષી શકે તેમ ન રહ્યું. તે સૂકાઈ ગયો. અમારી ન સંતોષાઈ શકે એવી પ્યાસ માટે એ ઝરાનું જળ હવે પર્યાપ્ત ન હતું. અને અમે બધાં સૂકાં અને ફરી પાછાં સુષુપ્ત બની ગયાં. એક નવી નિદ્રામાં અમે પાછાં સમેટાઈ ગયાં. અમારું નિવાસસ્થાન એ બોગદું પણ સૂકું ભઠ્ઠ બનીને ખરી પડ્યું. અને પવનના એક ઝપાટે અમે સૌ ફંગોળાઈ ગયાં. અથડાતાં, કૂટાતાં અમે ધરતીની ધૂળમાં ઢબોરાઈ ગયાં – વિખરાઈ ગયાં – બધી સખીઓ છૂટી પડી ગઈ. વાયરાએ અમને ક્યાંના ક્યાં ય ફંગોળી દીધાં. એ ગંદી, ગોબરી નવીન વસ્તી હવે મારું નવું નિવાસસ્થાન બની.
પણ મને ક્યાં આની કશી ખબર જ હતી? એક નવી નિદ્રામાં મારું નવું હોવાપણું, નવી પ્રછ્છન્ન અભિપ્સાઓને લઈને ફરી ટૂંટિયું વાળીને પોઢી ગયું હતું. એક નવા હોવાપણાના, એક નવા જીવનના એક નવા અધ્યાય પહેલાંની આ એક નવીન રાત્રિ હતી. હવે મારી અંદર કોઈ અમૂર્ત ખયાલ ન હતો, હવે તો એક અતિ-મહાન હોવાપણાની બ્લ્યુ-પ્રિન્ટ મારી અંદર છપાઈને આકાર લઈ ચૂકી હતી.
ધરતીની ગોદમાં, માટીની ચાદરમાં વિંટળાયેલું મારું અસ્તિત્વ ટૂંટિયું વાળીને સૂતું હતું. સ્વચ્છ આકાશમાં સૂર્યનો કાળઝાળ તાપ સોળે કળાએ વિલસી રહ્યો હતો. બધું યથાવત્ હતું. કોઈ ફેરફાર નહીં. કશું જ નવું નહીં. ત્યાં જ ધીમે ધીમે વાતાવરણમાં કાંઈક નૂતન આગમનના સંચાર થવા લાગ્યા. નૈઋત્યના પવન ઘટાટોપ, ઘનઘોર વાદળોને ખેંચી લાવ્યા. આકરો સૂરજ આ ઘટામાં ઘેરાઈ ગયો. મોરની ગહેંક મેઘરાજાને સત્કારતી ગાજવા લાગી. કાળાં ડિબાંગ નભમાં વાદળો પાણીના જળભંડાર ભરીને આવી પહોંચ્યા. વિજળીના ચમકારા કોઈ નૂતન ઘટનાના આગમનના અણસાર આપવા લાગ્યા.
અને બારે મેઘ ખાંગા બનીને ટૂટી પડ્યા. તપ્ત ધરતીનો પાલવ ભીંજાઈ ગયો. કાળઝાળ ગરમીથી તપેલી ધરતી શિતળતાનો આસ્વાદ કરી રહી. મેઘરાજા ફરી આવવાનું વચન દઈને વિદાય થઈ ગયા. સૂરજના કિરણ ફરી સળવળી ઊઠ્યા. ભીની ધરતીની સોડમ અને આ ઉષ્માએ મારી અનંત નિદ્રામાં ખલેલ પાડી. હું તો સફાળી આળસ મરડીને બેઠી થઈ ગઈ. મારા રોમે રોમમાં જીવન જાગી ઉઠ્યું. મારી અંદર સૂતેલાં બ્લ્યુ પ્રિન્ટના પાનાં ફરફરવાં લાગ્યાં. આ સળવળાટના પ્રથમ ચરણમાં એક નાનકડો અંકૂર મારા નાનાશા અસ્તિત્વના આવરણને ભેદીને ટપ્પાક દઈ બહાર કૂદી આવ્યો. મારી અનંત પ્યાસ ફરી જાગ્રુત બની ગઈ. ધરતીના પડમાંથી આ અંકુર ઘટ્ટાક ઘટ્ટાક પાણી પીવા માંડ્યો. એ જળ મારી અંદરના સૂકા પાર્શ્વભૂમાં ફરી વળ્યું, અને મારી અંદર ધરબાયેલા કણે કણ આ જળમાં ઓગળી ઓગળીને પેલા નવા આગંતુકને પોષણ દેવા માંડ્યા. એ મૂઓ તો આ બેય ધાવણ ધાવતો જાય અને વધતો જાય. દિવસે ન વધે એટલો રાત્રે વધે.
એની અંદરથી વળી બીજો અંકુર ફૂટ્યો અને એણે તો સીધી આકાશ ભણી દોટ મેલી. પેલા તોફાનીનો વારસદાર ખરો ને! એ તો ધરતીની કૂખને ફાડીને ખુશબૂદાર હવાની લહેરખીમાં ઝુલવા માંડ્યો. મારું ધાવણ અને હવાનો પ્રાણ બન્નેના પ્રતાપે એ લીલો છમ્મ બની ગયો. એના કણે કણ એ હવાને શ્વસવા લાગ્યા. સૂરજની ઉષ્મા મારું ધાવણ અને હવાના પ્રાણ આ ત્રિપૂટીના પ્રતાપે હવે એ તો માળો કમાતો થઈ ગયો! નવા કણોના ઢગલે ઢગલા મારા કુટુમ્બના ભંડારમાં ઉમેરાવા લાગ્યા. મારી અને આ બે અંકુરોની વચ્ચે જીવનરસ વહી જતી એક નાનકડી નદી વહેવા લાગી.
હવામાં ફેલાયેલા મારા લીલા અને કથ્થાઈ ફરજંદો અને ધરતીમાં કેલાયેલા મારા સફેદ સંતાનો આ નદીના કાંઠે વસવા લાગ્યા; વિલસવા લાગ્યા; વધવા લાગ્યા. આ પ્રક્રિયા દિનરાત, પ્રચંડ વેગે વર્ધમાન થતી રહી. નવાં લીલાં પર્ણો અને નવા સફેદ મૂળો નવી નદીઓને વહેવડાવતા કાંઠા સર્જતા ગયા. વિકાસની આ વણથંભી વણજાર ધરતીની અંદર અને ઉપર મુક્ત હવામાં વધતી જ રહી – વધતી જ રહી. પોઠોની પોઠો ભરીને નવા ફરજંદો સર્જાવા લાગ્યા. મારું કુટુમ્બ હજારો અને લાખો કણોમાં ફેલાતું ગયું.
પણ હવે હું ક્યાં? મારું શું અસ્તિત્વ? મારો કયો દેહ? અરે! હું કોણ? મારું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ હવે ક્યાં હતું? હું તો ફેલાઈ ગઈ. એ કણેકણમાં પથરાઈ ગઈ.
મારામાં લખાયેલી એ બ્લ્યુપ્રિન્ટ નું શિર્ષક હતું ‘ સૂર્યમુખી’
હવે મારો વડલો પાંગર્યો હતો. ધરતીમાં દબાયેલું અને બીજના કોચલાની બહાર વીસ્તરેલું મારું હોવાપણું આભને અડવા આંબતું હતું. સૂર્યના કિરણોમાંથી જમણ જમતાં જમતાં અને મૂળિયાંએ છેક ઉપર સુધી પહોંચાડેલો જીવનરસ પીતાં પીતાં, લીલાં પાંદડાં લહેરમાં મસ્ત બની વાયરાની હારે હીંચોળતાં હતાં. આ ભોજન અને પીણાંથી પુષ્ટ બનેલી ડાળીઓએ આખા કુટુમ્બને આધાર આપવાનું કામ ઉપાડી લીધું હતું. એ તો જીવનરસનો હાઈવે બની ગયાં હતાં.
જીવનારાં મોજીલા જીવ હતા. મારા હૈયે ઊચાટ ઊભરતો હતો. ક્રૂર જલ્લાદ જેવા શિયાળાના ઓતરાદા વાયરા એક ‘દિ વાશે અને આ હર્યા ભર્યા ઘરને તહસ નહસ કરી નાંખશે. મારો વડલો ધરાશાયી બની જશે. મારું બધું કર્યું કારવ્યું ધૂળમાં મળી જશે. આ બધી સંપદા હતી ન હતી થઈ જશે. હવે પાર્શ્વભૂમાં રહ્યે પાલવશે નહીં. મારે કાંઈક કરવું પડશે – નેપથ્યમાં રહીને પણ.
મારી મનોકામનાને વાચા આપતા વાસંતી વાયરા વાયા. મારી મનોકામના મહોરી ઊઠી. ડાળીઓ પર નવી જ જાતના અંકૂર ફૂટવા લાગ્યા. આ બધા મારી આવતીકાલની પ્રજાના જનકો હતાં. તેમનું કલેવર જ કાંઈ ઓર હતું. ધીરે ધીરે આ અંકૂર વિસ્તરવા લાગ્યા. પાંદડાંની જેમ તે માત્ર એક સપાટી પર જ વિકસતા જીવ ન હતા, કે ડાળીઓની જેમ લાંબા લસ પણ ન હતા. એ તો પુષ્ટ અને ધીંગાં હતાં. તેમનામાં કુટુમ્બના વિસ્તરણની ક્ષમતા હતી. એક નવા ભવિષ્યની સંભાવનાને એ ઊજાગર કરવાના હતા. મારી નવી અભિપ્સાઓના, મારા નવા શમણાંઓના, નવી રંગભૂમિ પરના એ કસબીઓ હતા.
એ તો મોટાં ને મોટાં થવાં લાગ્યાં – ઠોસ સામગ્રીથી ભરપૂર. મારું બધું યે માતૃત્વ હવે એમની સેવા ચાકરીમાં, એમના સંવર્ધનમાં સમર્પિત બની ગયું. મારી નવી અભિપ્સાઓને આ બાળુડાંઓ કાર્યાન્વિત કરવાનાં હતાં ને? મારું હોવાપણું હવે એક નવી જ ક્ષિતિજમાં, નવા પરિમાણ અને નવા પરિવેશમાં એક નવા જ કાફલાને રવાના કરવા લાલાયિત બન્યું હતું. મારી બધી જ ઊર્મિઓ ઘનીભૂત બનીને આ અભિયાનમાં પરોવાઈ ગઈ.
અને એક ‘દિ સૂર્યના પહેલા કિરણની ઉષ્મા કોમળ સ્પર્શે, આ નવાંકુર આળસ મરડીને જાગી ગયું. તેનાં અંગ ઉપાંગ મહોરી ઉઠ્યા. તેની આછા રંગની પાંદડીઓ મરોડ ખાઈને ધીમે ધીમે ઊઘડવા માંડી. સોનેરી રંગની અનેક પાંદડીઓની વચ્ચે મખમલ જેવાં મુલાયમ નવજાત શીશુ જેવાં અને મિષ્ટ મધની પમરાટ વાળાં એ બાળુડાં આ જનમ કેદમાંથી બહાર આવીને નવા વિશ્વનું દર્શન કરી રહ્યાં.
‘સૂરજમુખી’ નામને સાર્થક કરી રહ્યાં.
અને આ શું? હું તો પાછી હતી ત્યાં ને ત્યાં મારી જાતને ભાળી રહી. એ જ જૂનું ને જાણીતું, સ્નિગ્ધ બોગદું. અને તેની નીચે મીઠા જીવનરસમાં ફરીથી સૂતેલી હું. ફરક માત્ર એટલો જ હતો કે હવે હું એક ન હતી. અનેક રૂપ ધારી હું મારી પોતાની દીકરીઓ બની ગઈ હતી. એ મખમલી માહોલની ટોચ ઉપર પેલા તોફાની દીકરાઓમાં પણ હું જ તો હતી!
એક નવું ભવિષ્ય આકાર લઈ ચૂક્યું હતું. જીવનના સાતત્યની સંભાવનાની આ નવી શક્યતાના આનંદના પરિપ્રેક્ષ્યમાં મારું નવું હોવાપણું ઝૂમી રહ્યું હતું. એ જ જૂના રાસમાં હું હિંચ લઈ રહી હતી. ફરી જન્મ, ફરી વિકાસ, ફરી મૃત્યુ. બીજમાંથી સૂરજમુખી અને સૂરજમુખીમાંથી બીજ. વરસો વરસ આ જ ક્રમ. જીવનનું સાતત્ય. મારા હોવાપણાનું સાતત્ય.
આ દરેક વર્તુળની સાથે મારું કર્તૃત્વ વિસ્તરતું જતું હતું. આ દરેક વૃત્તની સાથે જડતા, અંધકાર અને અકર્મણ્યતા સામેના મારા કલ્પોપૂરાણા સંઘર્ષમાં હું વિજેતા બનીને આગળ વધતી હતી.
E.mail : surpad2017@gmail.com