Opinion Magazine
Number of visits: 9448741
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોક્રેટિસ ઉવાચ-૯ : સોક્રેટિસ અને ભારતીય રાજકારણી વચ્ચે એક કાલ્પનિક સંવાદ

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|30 May 2025

પ્રવીણભાઈ જે. પટેલ

ભારતીય રાજકારણી અને સોક્રેટિસ વચ્ચે થયેલ પહેલી મુલાકાતમાં સંશોધન અને ટેકનોલોજીમાં ચીનની પ્રગતિ સાથે તાલમેલ જાળવવામાં ભારતની નિષ્ફળતા અંગે ચર્ચા થઈ હતી. જેમાં સોક્રેટિસે તેને સમજાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતની પ્રગતિને અવરોધતાં પરિબળો વાસ્તવમાં ભારતની જૂની-પુરાણી શિક્ષણપ્રણાલી, અપૂરતું સંશોધન ભંડોળ અને ભારતીય રાજકારણીઓની ટૂંકા ગાળાની રાજકીય માનસિકતા છે. વધુમાં, સોક્રેટિસે જણાવ્યું હતું કે વિવેચનાત્મક વિચારસરણી અને નવીનતા ત્યારે જ ખીલી શકે છે જ્યારે યોગ્ય રીતે તેનું પોષણ કરવામાં આવે. તેથી તેમણે સૂચવ્યું હતું કે વિજ્ઞાન અને સંશોધનના ક્ષેત્રે જો ભારતે સતત પ્રગતિ કરવી હોય તો ભારતીય નેતાઓએ જ્ઞાન, શિક્ષણ અને સંશોધન માટે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ તથા તે માટે ઉદાર અને વ્યૂહાત્મક રોકાણને પ્રાથમિકતા આપવી જરૂરી છે.

પરંતુ, વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં ચીન ભારત કરતાં આગળ નીકળી ગયું હોવાથી તે ભારતીય રાજકારણી હજુ પણ વ્યથિત છે. સોક્રેટિસ સાથેની તેની અગાઉની ચર્ચાથી તેને સમજાયું હતું કે ભારત તેની પ્રાથમિકતાઓ નક્કી કરવામાં ક્યાંક ગોથું ખાઈ ગયું છે. અને તે માટે તેને લાગે છે કે ભારતની રાજકીય સંસ્કૃતિ જવાબદાર છે. તેથી આ બીજી મુલાકાતમાં તે ભારતની રાજકીય સંસ્કૃતિની ખામીઓ અંગે વિગતે ચર્ચા કરે છે. 

°°°

પાર્શ્વ ભૂમિ : સ્વર્ગના અલૌકિક બગીચામાં સોક્રેટિસ, હંમેશની જેમ, ચિંતનમાં મગ્ન છે. ત્યાં અત્યંત વ્યગ્ર અને બેચેન દેખાતો તેમનો એક પૂર્વ પરિચિત ભારતીય રાજકારણી તેની કેટલીક શંકાઓના સમાધાન માટે સોક્રેટિસને ફરીથી મળવા આવે છે. મંદ મંદ સ્મિત કરતાં સોક્રેટિસ તેને શાંત ચિત્તે આવકારે છે.

ભારતીય રાજકારણી : સોક્રેટિસ, ગયા વખતે આપણે મળ્યા ત્યારે તમે મને એ સમજવામાં મદદ કરી હતી કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ચીનની નોંધપાત્ર પ્રગતિ કોઈ વિસ્મયકારક ઘટના નથી. કારણ કે તે લાંબા ગાળાનાં રોકાણ, કાળજીપૂર્વકનું આયોજન અને સંશોધન પ્રત્યેની ચીનની અટલ પ્રતિબદ્ધતાનું પરિણામ છે. મને લાગે છે કે તમારી વાત સાચી છે. ભારતે  આમ તો વિજ્ઞાનના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેમ છતાં અમે છેલ્લા કેટલાક સમયથી વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિમાં ચીન કરતાં પાછળ રહી ગયા છીએ તેમાં કોઈ શંકા નથી. અમે અમારી પ્રાથમિકતાઓ બરાબર નક્કી નથી કરી શક્યા. પણ …

સોક્રેટિસ : મિત્ર, હજુ પણ તમે ચિંતામાં લાગો છો. બોલો, હવે તમને શું પરેશાન કરે છે?

ભારતીય રાજકારણી : જેમ જેમ હું વધુ વિચાર કરું છું, તેમ તેમ મને થાય છે કે મારો પ્રિય ભારત દેશ પૃથ્વી પરનો સૌથી મોટો લોકશાહી દેશ હોવા છતાં અમે વિજ્ઞાન અને સંશોધનની બાબતમાં અમારી પ્રાથમિકતાઓ નક્કી કરવામાં અને લાંબા ગાળાની યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકવામાં નિષ્ફળ ગયા છીએ. મને પ્રશ્ન થાય છે કે વિજ્ઞાન, નવીન ટેકનોલોજી, અને પ્રગતિમાં ભારત ચીનથી પાછળ પડી ગયું તેનાં મૂળ અમારી રાજકીય સંસ્કૃતિમાં તો નથી?

સોક્રેટિસ : ખરેખર આ એક ઉમદા પ્રશ્ન છે. એક સાચા રાજ-નેતાએ પોતાના શાસનની નિષ્ફળતાઓને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પણ હું કોઈ જ્ઞાની હોવાનો દાવો કરતો નથી. મને તો પ્રશ્નો પૂછતાં આવડે છે. મને કહો, કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનું આયોજન કરવા માટે કોણ જવાબદાર હોય છે?

ભારતીય રાજકારણી : સરકાર, નેતાઓ, નીતિનિર્ધારકો.

સોક્રેટિસ : મને કહો, ચીનમાં, જ્યારે ત્યાંના નેતાઓ કોઈ નવી તકનીકી શોધ કરવાનું નક્કી કરે છે ત્યારે તેઓ શું કરે છે?

ભારતીય રાજકારણી : તેઓ યોજના બનાવે છે, તેનો ચોકસાઈથી અમલ કરે છે, અને તેમના ધ્યેયને પ્રાપ્ત કરે છે.

સોક્રેટિસ : અને ભારતમાં, જ્યારે કોઈ ધ્યેય નક્કી કરવામાં આવે છે ત્યારે શું થાય છે?

ભારતીય રાજકારણી : ચર્ચાઓ, વિલંબ, અને વિવાદો થાય છે.

સોક્રેટિસ : તો શું એ સ્પષ્ટ નથી કે દૂરંદેશી આયોજનના અભાવને કારણે ભારત ચીનથી વિજ્ઞાન અને ટેકનોલોજીના  ક્ષેત્રે પાછળ પડી ગયું છે?

ભારતીય રાજકારણી : એવું લાગે છે.

સોક્રેટિસ : તો તમે કદી વિચાર્યું છે કે આવું કેમ થાય છે?

ભારતીય રાજકારણી : અમારા દેશમાં લોકશાહી છે. લોકશાહી સ્વતંત્રતાને મહત્ત્વ આપે છે, જ્યારે ચીન સરમુખત્યાર દેશ હોવાથી  શિસ્ત લાદે છે!

સોક્રેટિસ : તો શું શિસ્ત સ્વતંત્રતાની વિરુદ્ધ છે?

ભારતીય રાજકારણી : ના, પણ લોકશાહીમાં, લોકોને સમજાવીને કામ લેવું જોઈએ, દબાણ કરીને નહીં.

સોક્રેટિસ : અને શું તમે અને તમારા સાથી નેતાઓ તમારા લોકોને ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે શું કરવું જોઈએ તે સમજાવવાના પ્રયત્નો કરો છો ?

ભારતીય રાજકારણી : હા, કેમ નહીં? અમે પ્રયાસ તો કરીએ છીએ. લોકશાહી અમારી તાકાત છે. અમારે ત્યાં વારંવાર ચૂંટણીઓ થાય છે. તેથી અમારા નેતાઓ લોકોને એકઠા કરીને રેલીઓ કાઢવામાં, ભાષણો આપવામાં, અને ચૂંટણી પ્રચારમાં સતત વ્યસ્ત રહે છે.

સોક્રેટિસ : તો શું માત્ર રેલીઓ કાઢવાથી, ભાષણો કરવાથી, અને ચૂંટણી પ્રચાર કરવા માત્રથી ભારતનો ઉદ્ધાર થશે? સત્તા સાધન છે કે સાધ્ય? શું તમે લોકોને ભારતના લાંબા ગાળાના હિત વિષે સમજાવો છો કે માત્ર ચૂંટણીઓ જીતીને સત્તા પ્રાપ્ત કરવા માંગો છો?

ભારતીય રાજકારણી : સોક્રેટિસ, સાચું કહું તો અમારા દેશમાં કેટલાક અપ્રમાણિક રાજકારણીઓ છે. મારે કબૂલ કરવું જોઈએ કે ચૂંટણીઓ વખતે અમારા ઘણા નેતાઓ જેનું પાલન કરવું અસંભવ હોય તેવાં વચનોની લ્હાણી કરે છે. વાસ્તવદર્શી નીતિઓ રજૂ કરવાને બદલે મત જીતવા માટે વાક્ચાતુર્યનો ઉપયોગ વધુ કરે છે. તેઓ સસ્તી પ્રસિદ્ધિ અને સત્તા માટે લોકરંજક નીતિઓ અપનાવે છે. વિચારધારા ઉપર ભાર મૂકવાને બદલે ક્યારેક ધનબળ અને બાહુબળનો ઉપયોગ કરીને ચૂંટણીઓ જીતવામાં માને છે. ચૂંટણીઓમાં ઘાલમેલ થતી હોવાની ફરિયાદો હંમેશાં થતી હોય છે. મતદારોને આકર્ષવા તેઓ તર્ક કરતાં જાતિ, ધર્મ અને પ્રાદેશિક લાગણીઓને ઉશ્કેરે છે.

સોક્રેટિસ : આહ, તો તમે માનો છો કે સાચી લોકશાહી આવા પ્રભાવોથી મુક્ત હોવી જોઈએ? નેતાઓની પસંદગી તેમની સંપત્તિ કે વાણી કરતાં તેમના શાણપણ અને સદ્ગુણના આધારે થવી જોઈએ?

ભારતીય રાજકારણી : અલબત્ત! લોકશાહી લોકોની સેવા કરવા માટે છે, તેમને છેતરવા માટે નહીં. પણ, અમારી લોકશાહીની કેટલીક મર્યાદાઓ છે. લોકો ઘણી વાર લોભામણાં વચનો, પૈસા, ધર્મ, જ્ઞાતિ, પ્રદેશ, ભાષા અને ઓળખના રાજકારણથી પ્રભાવિત થાય છે.

સોક્રેટિસ : અચ્છા, તમે સ્વીકારો છો કે તમારી લોકશાહી ખામી-યુક્ત છે. પણ લોકશાહીની આવી ખામીઓને સુધારવાની જવાબદારી કોની છે?

ભારતીય રાજકારણી : નેતાઓની, પક્ષોની, બંધારણીય સંસ્થાઓની!

સોક્રેટિસ : પરંતુ જો નેતાઓ આ નબળાઈઓને સુધારવાને બદલે તેનો ઉપયોગ સત્તા મેળવવા માટે કરે, તો શું કરવું જોઈએ?

ભારતીય રાજકારણી : તેમને જવાબદાર ઠેરવવા જોઈએ!

સોક્રેટિસ : અને તેમને જવાબદાર કોણ ઠેરવશે?

ભારતીય રાજકારણી : લોકો!

સોક્રેટિસ : પણ શું તમે નથી કહેતા કે લોકો અવાસ્તવિક વચનો અને જ્ઞાતિ, ધર્મ, પ્રદેશ, ભાષા જેવી સંકુચિત બાબતોથી જલદી પ્રભાવિત થઈ જાય છે?

ભારતીય રાજકારણી : હા, દરેક કિસ્સામાં નહીં પણ મોટેભાગે એમ જ થતું હોય છે.

સોક્રેટિસ : તો પછી જો નેતાઓ અને લોકો બંને પોતાની ફરજોમાં નિષ્ફળ જાય, તો તે બધામાં જવાબદારીનો અભાવ છે તેમ ન કહેવાય?

ભારતીય રાજકારણી : (નિસાસો નાખે છે) એવું લાગે છે કે સમસ્યા અમારી અંદર છે. અને જો તેને કારણે ચીન અમારાથી આગળ નીકળી જાય તો કોને દોષ દેવો?

સોક્રેટિસ : ખરેખર, મારા મિત્ર. કોઈ સિસ્ટમની પ્રમાણિકતા અને સફળતાનો આધાર તેને ચલાવનાર લોકો ઉપર હોય છે. મને કહો, જો કોઈ અપ્રમાણિક માણસ રાજકારણમાં દાખલ થાય તો શું તે અચાનક પ્રમાણિક બની જાય ?

ભારતીય રાજકારણી : ભાગ્યે જ એવું બને. મોટેભાગે તો તે જેવો હોય તેવો જ રહેવાનો. પણ ક્યારેક વધુ ખરાબ થઈ જવાની શક્યતા અધિક હોય છે.

સોક્રેટિસ : તો પછી જો કોઈ સિસ્ટમ ભ્રષ્ટાચારીઓને ચલાવી લે તો શું આપણે ફક્ત સિસ્ટમને દોષ આપવો જોઈએ, કે સિસ્ટમને ભ્રષ્ટ કરનારને?

ભારતીય રાજકારણી : મને લાગે છે કે બંને જવાબદાર છે, પણ સિસ્ટમને ચલાવનારા વધુ જવાબદાર છે.

સોક્રેટિસ : અને છતાં, તમે ભારતીય લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે તેવી બડાઈઓ હાંકો છે. જો નેતાઓ ન્યાયી અને સમજદાર શાસન કર્યા વિના ફક્ત તમારા દેશની મહાનતાનાં બણગાં ફૂંકતા હોય તો શું તેને માત્ર મિથ્યાભિમાન ન કહેવાય? શું સાચા દેશભક્તોએ તમારી લોકશાહીની મહાનતાનો ઢંઢેરો પીટવાને બદલે તેની ખામીઓને સુધારવાનો પ્રયાસ ન કરવો જોઈએ?

ભારતીય રાજકારણી : તમારી વાત વિચારવા જેવી છે, સોક્રેટિસ.

સોક્રેટિસ : પરંતુ ચાલો, આપણે આની વધુ તપાસ કરીએ. લોકશાહીને શું મજબૂત બનાવે છે? શું તે ફક્ત ચૂંટણીઓ છે, કે તેને કંઈક વધુની જરૂર છે?

ભારતીય રાજકારણી : ચૂંટણીઓ લોકશાહીની કરોડરજ્જુ છે! અમારે ત્યાં દર થોડાં વર્ષે ચૂંટણીઓ થાય છે, અને કરોડો લોકો તેમાં ભાગ લઈને નક્કી કરે છે કે તેમનું શાસન કોણ કરે.

સોક્રેટિસ : પણ મને કહો, જો કોઈ વેપારી તેના મેનેજરને પોતાનો વ્યવસાય સંભાળવાની જવાબદારી સોંપે છે, તો શું તે મેનેજર તેની ઇચ્છા મુજબ વ્યવસાય ચલાવવા માટે સ્વતંત્ર હોવો જોઈએ, કે પછી તે તેના માલિકને જવાબદાર હોવો જોઈએ?

ભારતીય રાજકારણી : તે માલિકને જવાબદાર હોવો જોઈએ, અલબત્ત! વ્યવસાય તેનો નથી, તેના માલિકનો છે.

સોક્રેટિસ : તો પછી ચૂંટાયેલા શાસકો, જેમને લોકો દ્વારા શાસનની સત્તા સોંપવામાં આવી છે, તેમણે પણ લોકો પ્રત્યે જવાબદાર ન હોવું જોઈએ?

ભારતીય રાજકારણી : હા, તેઓ પ્રજાને જવાબદાર હોવા જોઈએ. નહીં તો આગામી ચૂંટણીમાં લોકો તેમને દૂર કરી શકે છે.

સોક્રેટિસ : પણ શું જવાબદારી નક્કી કરવાનું ફક્ત ચૂંટણીઓ પૂરતું જ મર્યાદિત છે? લાખો કરોડો લોકોનાં જીવન પર અપાર સત્તા ધરાવતા રાજકારણીઓને જવાબદાર ઠેરવવા માત્ર ચૂંટણીના  સમય સુધી રાહ જોવી જોઈએ?

ભારતીય રાજકારણી : ના, અન્ય પદ્ધતિઓ છે – કાયદા, અદાલતો, પ્રેસ …

સોક્રેટિસ : આહ! તો તમે માનો છો કે ફક્ત ચૂંટણીઓ સુધી જ જવાબદારી સુનિશ્ચિત કરવા માટે રાહ જોવાની જરૂર નથી. પણ મને કહો, શું આ બીજી પદ્ધતિઓ – કાયદા, અદાલતો, પ્રેસ- યોગ્ય રીતે કાર્ય કરે છે? શું તેવી સંસ્થાઓ સત્તામાં રહેલા લોકોને ખરેખર તેમનાં કાર્યો માટે જવાબદાર ઠેરવે છે?

ભારતીય રાજકારણી : (બચાવાત્મક રીતે) શાસકો પર ચોકીદારી કરવા અને તેમને  જવાબદાર બનાવવા વાસ્તે અમારે ત્યાં બંધારણીય સંસ્થાઓ અને ન્યાયતંત્ર છે. પરંતુ તે સંસ્થાઓ ઘણી વાર નબળી, પક્ષપાતી, અથવા સમાધાનકારી હોય છે. ક્યારેક સત્તાધીશો તપાસથી અને દંડ કે સજાથી બચી જાય છે. પરંતુ તે જાહેર ઉદાસીનતા, ભ્રષ્ટાચાર, અને રાજકીય ચાલાકીને કારણે છે. લોકો ઘણી વાર ગેરમાર્ગે દોરાય છે.

સોક્રેટિસ : લોકો ગેરમાર્ગે દોરાય છે? જો લોકો ગેરમાર્ગે દોરાતા હોય તો શું તેનો અર્થ એ છે કે શાસકો ખરેખર શાસન કરી રહ્યા છે કે લોકશાહીના નામે તેઓ સત્તા ભોગવે છે અને લોકોને છેતરે છે?

ભારતીય રાજકારણી : આ એક મુશ્કેલ પ્રશ્ન છે …

સોક્રેટિસ : ચાલો આગળ વધીએ. જો કોઈ શાસક જવાબદાર ન હોય, તો તેને લોકોના હિત કરતાં પોતાના હિતમાં કાર્ય કરવાથી કોણ રોકી શકે ?

ભારતીય રાજકારણી : હું કબૂલ કરું છું કે અમારા રાજકારણમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે અને અમારા કેટલાક નેતાઓમાં જવાબદારીનો અભાવ છે. અમારા ઘણા રાજકારણીઓ લોકોના કલ્યાણ કરતાં સત્તા અને વ્યક્તિગત લાભને પ્રાથમિકતા આપે છે. તેમની નિષ્ફળતાઓ માટે તેઓ મોટેભાગે વિરોધ પક્ષો, અમલદારો, અથવા તો લોકોને દોષી ઠેરવે છે.

સોક્રેટિસ : તો, જો નેતાઓને તેમનાં કાર્યો માટે જવાબદાર ઠેરવવામાં ન આવે, તો તેઓ જાહેર હિતને બદલે પોતાના સ્વાર્થ માટે કામ કરવા માટે સ્વતંત્ર ન બની જાય ?  તેઓ શું બેફામ, બે-લગામ, અને બેજવાબદાર ન બની જાય?  જો કોઈ શાસક જાણે છે કે તેનાં ખોટાં કામો માટે તેને સજા નહીં મળે, તો તેને ભ્રષ્ટાચાર કરતાં કોણ રોકી શકે?

ભારતીય રાજકારણી : આવું જ થાય છે. સત્તા પર નિયંત્રણ રાખવા માટે બનાવાયેલી સંસ્થાઓ ઘણી વાર રાજકીય દબાણને કારણે આંખ આડા કાન કરે છે.

સોક્રેટિસ : તમે જુઓ, મારા મિત્ર, સાચી લોકશાહીનો અર્થ ફક્ત ચૂંટણીઓ દ્વારા નેતાઓની પસંદગી કરવાનો નથી. શાસકોને જવાબદાર બનાવવા માટે સતર્કતા, સતત ચોકીદારી, અને મજબૂત સંસ્થાઓની જરૂર પડે છે. આ વિના, લોકશાહી ફક્ત એક ભ્રમ બની જાય છે.

ભારતીય રાજકારણી : (બડબડાટ કરતાં) તો તમે એવું સૂચન કરો છો કે અમારી લોકશાહી અધૂરી છે?

સોક્રેટિસ : હું સૂચન કરું છું કે સાચી જવાબદારી વિના, તમારી લોકશાહી કંઈક બીજું બનવાનું જોખમ ધરાવે છે – થોડા લોકોનું શાસન, ઘણા લોકોના શાસનના વેશમાં. અને જ્યારે આ સત્તાનો ઉપયોગ લોકોના કલ્યાણ કે ન્યાય માટે નહીં, પરંતુ સ્વાર્થ માટે થાય છે ત્યારે શું થાય છે? જો કોઈ નેતાને સિદ્ધાંતોને બદલે તેની વ્યક્તિગત ખાસિયતોને આધારે પસંદ કરવામાં આવે છે, તો શું લોકશાહી ન્યાયના અને લોક કલ્યાણના શાસનને બદલે થોડા શક્તિશાળી લોકોનું શાસન બની જતું નથી?

ભારતીય રાજકારણી : પરંતુ મજબૂત નેતાઓ જરૂરી છે! તેમના વિના, અરાજકતા, અસ્થિરતા આવી જાય.

સોક્રેટિસ : અને મને કહો, લોકશાહીમાં નેતા મજબૂત હોવા જોઈએ કે કાયદાનું શાસન? અને શું તમારા રાજકીય પક્ષો તેમના નેતાઓને વિચારધારાને આધારે પસંદ કરે છે, કે તેમના આકર્ષક વ્યક્તિત્વને આધારે?

ભારતીય રાજકારણી : પક્ષો તો ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારને પસંદ કરે છે. જે સૌથી વધુ મત મેળવી શકે તે નેતા બને છે.

સોક્રેટિસ : તો, નેતૃત્વ નક્કી કરવા માટે વિચારધારા, લોક કલ્યાણ, પ્રમાણિકતા, કે ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા નહીં, પણ લોકપ્રિયતા જ એક માત્ર માપદંડ છે?

ભારતીય રાજકારણી : રાજકારણ હાર-જીતનો ખેલ છે, સોક્રેટિસ! સત્તા વિના, વિચારધારાનો કોઈ અર્થ નથી.

સોક્રેટિસ : તો પછી શું એવું કહી શકાય કે તમારી લોકશાહીમાં સિદ્ધાંતો કરતાં સત્તા વધુ મહત્ત્વની છે?

ભારતીય રાજકારણી : રાજકારણનો ખેલ આ જ રીતે રમાય છે, સોક્રેટિસ! તમારે યેન કેન પ્રકારેણ ચૂંટણીઓ જીતવી જોઈએ, વિરોધીઓને કોઈ પણ રીતે પરાસ્ત કરવા વ્યૂહરચના ઘડવી જોઈએ, ચતુરાઈપૂર્વક રાજકીય ગઠબંધનો બનાવવાં જોઈએ.

સોક્રેટિસ : અને જ્યારે આવાં જોડાણો સહિયારા સિદ્ધાંતો પર નહીં, પરંતુ સગવડ ખાતર બનાવવામાં આવે ત્યારે શું થાય છે? શું તે તલવારની ધાર પર ચાલવા જેવું નથી હોતું? શું તેમાં કાયમ માટે વિશ્વાસઘાતની ચિંતા નથી હોતી?

ભારતીય રાજકારણી : રાજકારણ ગતિશીલ છે. અનુકૂલન કરવું જોઈએ.

સોક્રેટિસ : પરંતુ જો જોડાણો ક્ષણે ક્ષણે બદલાય તો નાગરિકો તેમના નેતાઓ પર કેવી રીતે વિશ્વાસ કરી શકે? જો પક્ષો લોકોના ભલા માટે નહીં, પણ સત્તા માટે તેમની વફાદારી બદલે તો શું આવી લોકશાહી ખરેખર ન્યાયી હોઈ શકે? શું તે દેશના ભવિષ્યને ઉજ્જવળ કરી શકે? અને મને કહો, મારા મિત્ર, શું વિભાજનકારી રાજકારણ – એક જૂથને બીજા જૂથ સામે ઊભું કરવું  – લોકશાહી માટે સારું છે? શું આથી નાગરિકોમાં ભાગલા નથી પડતા? તેથી સંઘર્ષ પેદા નથી થતો ? જો સત્તા માટે સામાજિક એકતાનો ભોગ આપવામાં આવે તો શું લોકશાહી નબળી નથી પડતી?

ભારતીય રાજકારણી : (ખચકાય છે) કદાચ, પરંતુ લોકશાહી ટકી રહે છે.

સોક્રેટિસ : શું ફક્ત અસ્તિત્વ ટકાવી રાખવા માત્રથી શાસન વ્યવસ્થા ન્યાયી અને સાર્થક બને છે? જો કોઈ માણસ જૂઠું બોલીને અને છેતરપિંડી કરીને જીવતો રહે છે, તો શું તે તેને સારો માણસ બનાવે છે?

ભારતીય રાજકારણી : (મૌન)

સોક્રેટિસ : મને કહો, જો લોકશાહી સત્તાના ખેલ પૂરતી જ મર્યાદિત થઈ જાય, જ્યાં સિદ્ધાંતોનું બલિદાન આપવામાં આવે, જ્યાં વફાદારી પવનની જેમ બદલાય, અને જ્યાં વિભાજનને પ્રોત્સાહન આપવામાં આવે – શું તેને સાચી લોકશાહી કહી શકાય ? સત્તા સાધન છે કે સાધ્ય? મિત્ર આજનો યુગ જ્ઞાનનો યુગ છે. જે દેશ જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ હશે તેનો વિકાસ થશે. જો નેતાઓ કાવતરાબાજ થઈ જાય તો જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ ઉપર કેવી રીતે ધ્યાન આપી શકે?

ભારતીય રાજકારણી : (ઊંડો નિસાસો) તમે મુશ્કેલ પ્રશ્નો પૂછો છો, સોક્રેટિસ. અમારે આ અંગે વિચારવું જ જોઈએ.

સોક્રેટિસ : તમે મને કહો, જો ભારતીય નેતાઓ પ્રમાણિક બને, જ્ઞાતિ-ધર્મને આધારે લોકોનાં દિલ જીતવાનું બંધ કરે, અતિશયોક્તિપૂર્ણ વચનો આપવાનું બંધ કરે, મફતની રેવડીઓ વહેંચવાનું કે બિનજરૂરી સબસિડી આપવાનું બંધ કરે, ચૂંટણીઓમાં ધન-દોલત અને બળનો ઉપયોગ કરવાનું બંધ કરે,  અને ફક્ત લોકોના કલ્યાણ માટે જ કામ કરે તો શું થશે?

ભારતીય રાજકારણી : તો, ઘણા નેતાઓ ચૂંટણી હારી શકે છે. પણ અમારા મહાન દેશનો ઉદ્ધાર થશે.

સોક્રેટિસ : ચાલો આપણે બીજા મુદ્દાની ચર્ચા કરીએ. તમે મને કહો, શું લોકશાહીને ન્યાયી રીતે કાર્ય કરવા માટે ચોક્કસ માળખાઓની જરૂર છે?

ભારતીય રાજકારણી : અલબત્ત! અમારી પાસે બંધારણીય સંસ્થાઓ છે – ચૂંટણીપંચ, ન્યાયતંત્ર, સંસદ, પ્રેસ, વગેરે – નિયંત્રણ અને સંતુલન જાળવવા માટે.

સોક્રેટિસ : તો, આ સંસ્થાઓ સત્તાનો દુરુપયોગ થતો અટકાવે છે?

ભારતીય રાજકારણી : હા, તેઓ જવાબદારી સુનિશ્ચિત કરે છે, કાયદાનું શાસન સુનિશ્ચિત કરે છે,  અને ન્યાય પણ કરે છે.

સોક્રેટિસ : અદ્ભુત. પણ મને કહો, જો આ સંસ્થાઓ નબળી, પક્ષપાતી, અથવા ભ્રષ્ટ બની જાય તો તમારી લોકશાહીની શી દશા થાય?

ભારતીય રાજકારણી : તેવું બને તો નિશ્ચિત રૂપે તે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. પરંતુ અમારી સંસ્થાઓ મજબૂત છે! અમારી પાસે ઉમદા બંધારણ છે, કાયદાકીય પ્રક્રિયાઓ અને પરંપરાઓ છે જે ભ્રષ્ટાચારને ઘણે અંશે નિયંત્રણમાં રાખે છે.

સોક્રેટિસ : શું તમારે ત્યાં કાયદાઓનું હંમેશાં પાલન થાય છે, મારા મિત્ર? અને શું કાયદાકીય પ્રક્રિયાઓ જો કોઈ ખોટું કામ થતું હોય તો તે હંમેશાં નિષ્પક્ષ બનીને અટકાવે છે?

ભારતીય રાજકારણી : સોક્રેટિસ, કશું પરફેક્ટ નથી હોતું. અમારી સંસ્થાઓમાં પણ કેટલીક ખામીઓ છે, કેટલીક સમસ્યાઓ ઈધર-ઉધર જોવા મળે છે. પરંતુ આ અપવાદો છે, નિયમ નથી.

સોક્રેટિસ : ચાલો આની તપાસ કરીએ. તમે કહ્યું હતું કે બંધારણીય સંસ્થાઓ ન્યાય સુનિશ્ચિત કરે છે. પણ જો, ચૂંટણીપંચ એક પક્ષને બીજા પક્ષ કરતાં વધુ મહત્ત્વ આપે, તો શું તે તટસ્થ અને સક્ષમ કહેવાશે?

ભારતીય રાજકારણી : તે એક સમસ્યા હશે, પરંતુ અમારું ચૂંટણી પંચ સ્વતંત્ર છે!

સોક્રેટિસ : શું ક્યારે ય એવું કોઈ ઉદાહરણ જોવા નથી મળ્યું જ્યાં ચૂંટણીપંચના નિર્ણયો પર સવાલ ઉઠાવવામાં આવ્યા હોય?

ભારતીય રાજકારણી : કદાચ … ઘણી વાર એવું બને છે.  પરંતુ આવા કિસ્સાઓ વિપક્ષ અને મીડિયા દ્વારા અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવે છે.

સોક્રેટિસ : અને તમારું મીડિયા સ્વતંત્ર છે?

ભારતીય રાજકારણી : હા, કેટલાંક મીડિયા પક્ષપાતી છે, કેટલીક ટી.વી. ચેનલો અમુક ચોક્કસ રાજકીય હિતોની, ખાસ કરીને શાસકોની, સેવા કરે છે. પરંતુ આવું તો દરેક જગ્યાએ થાય છે!

સોક્રેટિસ : જો બીજી જગ્યાએ ગંદકી હોય તો શું તમે તમારા ઘરમાં ગંદકી ચલાવી લેશો? અને જો મીડિયા, જેણે લોકોને સાચી માહિતીથી વાકેફ કરવા જોઈએ, તે સચ્ચાઈ કરતાં રાજકીય હિતોની સેવા કરે તો લોકો કેવી રીતે માહિતગાર અને સચોટ પસંદગીઓ કરી શકે?

ભારતીય રાજકારણી : લોકો સમજદાર છે. તેઓ જાણે છે કે કોના પર વિશ્ર્વાસ કરવો.

સોક્રેટિસ : પણ તેઓ કેવી રીતે નક્કી કરે કે કોના પર વિશ્વાસ કરવો? જો તેમને ફક્ત એક જ પક્ષની વાત કહેવામાં આવે તો શું તેમની પાસે બીજો કોઈ  વિકલ્પ રહે?

ભારતીય રાજકારણી : તેમની પાસે સોશિયલ મીડિયા છે, તેઓ માહિતીના સ્રોતોની તુલના કરી શકે છે!

સોક્રેટિસ : અને જો સોશિયલ મીડિયા જૂઠાણાં ચલાવે, ખોટી માહિતી આપે, કે અર્ધસત્ય રજૂ કરે, તથ્યોને તોડી-મરોડીને રજૂ કરે તો? તો શું તે લોકોને જાણકાર નિર્ણય લેવા સક્ષમ બનાવી શકશે?

ભારતીય રાજકારણી : સોક્રેટિસ, તમે વાતનું વતેસર કરો છો. જુઓ, એ વાત સાચી છે કે અમારી લોકશાહી સંપૂર્ણ નથી, પણ બીજા ઘણા દેશો કરતાં સારી છે.

સોક્રેટિસ : ઓહો, તો શું આપણે શાસન વ્યવસ્થા ન્યાયી છે અને દેશ કે લોકોના હિતમાં કામ કરે છે તેની ચર્ચા કરવી જોઈએ કે કોણ બીજા ખરાબ લોકો કરતાં થોડા સારા છે એ નક્કી કરવું જોઈએ? જો કોઈ બીમાર માણસ કહે, ‘હું સૌથી વધુ બીમાર નથી,’ તો શું તે તેને સ્વસ્થ બનાવે છે?

ભારતીય રાજકારણી : ના, પણ … તમે શું કહેવા માગો છો?

સોક્રેટિસ : હું પૂછું છું કે, જો તમારી લોકશાહીમાં સત્તામાં રહેલા લોકોને ભ્રષ્ટાચાર કરવાની, તમારા સમાજને જ્ઞાતિ અને ધર્મને આધારે વિભાજિત કરવાની, ખોટાં વચનો આપવાની, યેન કેન પ્રકારેણ ચૂંટણીઓ જીતવાની કે સત્તામાં રહેવાની, બંધારણીય સંસ્થાઓને નબળી પાડવાની, મીડિયાને પ્રભાવિત કરવાની અને જાહેર અભિપ્રાય સાથે ચેડાં કરવાની મંજૂરી મળતી હોય તો શું તેને ખરેખર લોકશાહી કહી શકાય ? કે પછી તે ફક્ત લોકશાહીના નામે ફારસ છે? લોકશાહી એટલે શું ?

ભારતીય રાજકારણી : અલબત્ત, લોકશાહી એટલે લોકોની શાસનમાં ભાગીદારી! અમારી ચૂંટણીઓમાં ભારે મતદાન જોવા મળે છે. કરોડો લોકો ખૂબ જ ઉત્સાહથી મતદાન કરે છે!

સોક્રેટિસ : ખરેખર, તે પ્રશંસનીય છે. પણ મને કહો, શું ફક્ત મતદાન કરવાથી શ્રેષ્ઠ શાસકોની પસંદગી થાય છે?

ભારતીય રાજકારણી : પણ લોકોની ઇચ્છા જ શાસકો નક્કી કરે છે. તે જ લોકશાહી છે!

સોક્રેટિસ : અને શું લોકો હંમેશાં સમજદારીપૂર્વક પસંદગી કરે છે?

ભારતીય રાજકારણી : ક્યારેક તેઓ ભૂલો કરે છે, પણ તે લોકશાહીની કિંમત છે.

સોક્રેટિસ : હું સમજું છું. પણ મને કહો, જ્યારે લોકો મતદાન કરે છે, ત્યારે શું બધા લોકોના ભલા માટે તેઓ શાણપણથી અને તાર્કિક રીતે વિચારીને મતદાન કરે છે? કે પછી તેઓ ઘણી વાર વ્યક્તિગત લાભ, અંગત લાગણીઓ, અને તાત્કાલિક ફાયદાને ખ્યાલમાં રાખીને મતદાન કરે છે?

ભારતીય રાજકારણી : (અસ્વસ્થતા પૂર્વક) કેટલાક લોકો ચોક્કસ ટૂંકા ગાળાના લાભોથી પ્રભાવિત થાય છે. પરંતુ તે સ્વાભાવિક છે! તેઓ ગરીબ છે અને તેમને મદદની જરૂર છે.

સોક્રેટિસ : આહ, તો તમે સ્વીકારો છો કે મત નીતિઓના તર્કસંગત મૂલ્યાંકન કરતાં મફત લ્હાણી અને સબસિડીનાં વચનોથી પ્રભાવિત થઈ શકે છે. બરાબર?

ભારતીય રાજકારણી : (ખચકાય છે) એવું … ક્યારેક બને છે, પણ લોકોની સેવા કરવી એ નેતાનું કર્તવ્ય છે!

સોક્રેટિસ : અને શું તેમની સેવા કરવાનો અર્થ એ છે કે તેમને જે જોઈએ છે તે આપવું, અથવા તેમના હિતમાં ખરેખર શું સારું છે તે આપવું? શું તમારું બાળક પોષણયુક્ત ખોરાકને બદલે જમવામાં કાયમ માટે ચોકલેટ માંગે તો તમે આપશો?

ભારતીય રાજકારણી : નેતાએ લોકોની જરૂરિયાતો સાંભળવી જોઈએ. જો તેઓ મદદ માંગે છે, તો અમારે તે પૂરી પાડવી જોઈએ!

સોક્રેટિસ : જો કોઈ ચિકિત્સક કોઈ બીમાર માણસની સારવાર કરે છે, તો શું તેણે તેને એવી દવા આપવી જોઈએ જે તેને સાજો કરે, અથવા એવી મીઠાઈઓ આપવી જોઈએ જે તેને એક ક્ષણ માટે ખુશ કરે પણ તેનો રોગ વધુ વકરાવે?

ભારતીય રાજકારણી : દવા, અલબત્ત! એક જવાબદાર ચિકિત્સકે ક્ષણિક આનંદ કરતાં લાંબા ગાળાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ.

સોક્રેટિસ : તો શું એક જવાબદાર નેતાએ મતદારોની ટૂંકા ગાળાની ઇચ્છાઓ કરતાં રાષ્ટ્રના લાંબા ગાળાની પ્રગતિ અને સુખાકારીને પ્રાથમિકતા ન આપવી જોઈએ? દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે શિક્ષણ, સ્વાસ્થ્ય, વિજ્ઞાન, ટેકનોલોજી જેવી બાબતો પર વધુ ધ્યાન ન આપવું જોઈએ?

ભારતીય રાજકારણી : સોક્રેટિસ! હું તમારો મુદ્દો સમજી શકું છું. પણ ભારતીય લોકશાહીમાં લોકો આર્થિક લાભ અને તેમની જાતિ, ધર્મ અથવા ભાષાને આધારે મતદાન કરે છે તેનું શું?

સોક્રેટિસ : મને કહો, મિત્ર, શું લોકશાહી ન્યાય અને સુશાસન સુનિશ્ચિત કરવા માટે છે, કે લોકોને પંપાળવા ને વિભાજનને મજબૂત બનાવવા માટે છે?

ભારતીય રાજકારણી : (આશ્ચર્યચકિત થઈને) ન્યાય અને સુશાસનને મહત્ત્વ આપવું જોઈએ. પરંતુ લોકો સ્વાભાવિક રીતે પોતાના આર્થિક લાભ અને પોતાની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખને મહત્ત્વ આપે છે.

સોક્રેટિસ : પરંતુ જો કોઈ માણસ કોઈ નેતાને એટલા માટે પસંદ કરે છે કારણ કે તે તેના ટૂંકા ગાળાના સ્વાર્થને ઉત્તેજન આપે છે કે તેની જાતિ અથવા ધર્મનો છે, નહીં કે તે શાણો અને ન્યાયી છે, તો શું તેને એક જવાબદાર નાગરિક કહેવાય?

ભારતીય રાજકારણી : (નિસાસો નાખે છે) કદાચ નહીં.

સોક્રેટિસ : અને મને કહો, શું ભારતના નાગરિકો મતદાન ઉપરાંત શાસનમાં સક્રિયપણે ભાગ લે છે? શું તેઓ તર્કસંગત જાહેર ચર્ચાઓમાં ભાગ લે છે? નેતાઓને જવાબદાર બનાવે છે? સમાજની સુધારણામાં ફાળો આપે છે?

ભારતીય રાજકારણી : (માથું હલાવતાં) મોટાભાગના લોકો તેમના રોજિંદા જીવનમાં ખૂબ વ્યસ્ત રહે છે. તેઓ ફરિયાદ કરે છે, પરંતુ થોડા લોકો જ સક્રિય હોય છે.

સોક્રેટિસ : તો પછી, જો લોકશાહી લોકોનું શાસન હોય, પરંતુ લોકો ન તો સમજદારીપૂર્વક વિચારણા કરે કે ન તો સક્રિય રીતે ભાગ લે, તો શું તે ખરેખર લોકશાહી છે કે માત્ર મતદાનનો તમાશો છે? અને આવા તમાશા કરીને તમે ચીનથી આગળ નીકળી જવા માગો છો? શું ભારતના નેતાઓ અને નાગરિકો સહિત તમામ લોકોએ આત્મમંથન કરીને આગળનો રસ્તો વિચારવો ન જોઈએ?

ભારતીય રાજકારણી : (ચૂપ રહીને, નીચે જોઈને નિસાસો નાખે છે) તમે મને હરાવ્યો છે, સોક્રેટિસ. અમારે હવે અમારી શાસન વ્યવસ્થાને સુધારવા માટે ખરેખર કશુંક નક્કર કરવું જોઈએ. માત્ર વાતોનાં વડાં કરવાથી અમારો કોઈ ઉદ્ધાર થવાનો નથી.

સોક્રેટિસ : મારા પ્રિય મિત્ર, તમે હાર્યા નથી. તમે માત્ર જાગૃત થયા છો. મિત્ર, હંમેશાં યાદ રાખો કે શાણપણનો માર્ગ માની લીધેલી માન્યતાઓ પર શંકા કરવાથી અને પ્રશ્નો પૂછવાથી શરૂ થાય છે. લોકશાહીમાં તેના જાગૃત નાગરિકો જ લોકશાહીના સાચા પહેરેદારો છે. જો તેઓ ફક્ત ટૂંકા ગાળાના ફાયદાઓને બદલે લાંબા ગાળાના હિત વિષે વિચારવાનું શરૂ કરે અને શાણા તથા પ્રમાણિક નેતાઓને શોધવાનું શીખે, તો તમારી લોકશાહી વધુ ખીલશે. અને જો નેતાઓને લાગે કે લોકો પૂરતા સભાન નથી તો તેમને જાગૃત કરવાની જવાબદારી તમારા જેવા નેતાઓની નથી બનતી?

ભારતીય રાજકારણી : તમારી વાત વિચારવા જેવી છે, સોક્રેટિસ.

001, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા – 390 002
ઈ મેલ :pravin1943@gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ઍપ્રિલ  2025; પૃ. 04-07 તેમ જ 03

Loading

30 May 2025 Vipool Kalyani
← બાપુનાં સંભારણાં
ગાઢ મૌનમાં પોઢેલા અગ્નિનો પ્રકાશ : ‘થિંકિંગ ઑફ હીમ’ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved