Opinion Magazine
Number of visits: 9484849
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોશ્યલ મીડિયા માટે નક્કર ચૂંટણી આચારસંહિતા કેમ નથી ?

મનીષી જાની|Opinion - Opinion|10 April 2019

ચૂંટણીના આ માહોલમાં કેવું કેવું બની રહ્યું છે, તેનું એક ઉદાહરણ જોઈએ. ગયા અઠવાડિયે આપણાં એક છાપામાં મોટા અક્ષરે મોટા સમાચાર છપાયા કે 'સોશ્યલ મીડિયામાં રેલવે અધિકારીએ મોદીને 'ફેંકુ' કહ્યા તેને લઈ ખાતાકીય પગલાં લેવાયાં !'

આ સમાચાર વાંચતા હસવું તો આવ્યું પણ સાથે સાથે વિચાર પણ આવ્યો કે આ સમાચારનું કેટલું મહત્ત્વ ? શું એને પણ એક પ્રકારની જાહેરખબર કે પેઈડ ન્યૂઝ ગણવાના ? લોકોનાં મનમાં સત્તા સામે નહીં બોલવા માટે, ચૂપ રાખવા માટે અને ખાસ કરીને સરકારી નોકરિયાતોને આડકતરો સંદેશો અપાઈ રહ્યો છે કે જે કોઈ સત્તા પર બેઠા છે તેની ટીકાટિપ્પણ ના કરો !

આ સમાચારમાં વીગતે લખાયું છે કે 'અમદાવાદ સહિત દેશભરમાં નાગરિકો દ્વારા સોશ્યલ મીડિયામાં સરકાર વિરુદ્ધ તેમ જ વડાપ્રધાન વિરુદ્ધ કોઈ પણ જાતની ટીકાટિપ્પણી કરવામાં આવે તો તેની પર પી.એમ.ઓ. દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી દેખાય તો જે તે એકાઉન્ટ બ્લોક કરવાની સાથે જ જે તે વ્યક્તિ સામે કાર્યવાહી પણ કરવાની સ્થાનિક તંત્રને સૂચના આપવામાં આવી છે.'

ઉપરોક્ત લખાણ વાંચતા ઘણા સવાલો મનમાં ઊભા થાય કે સત્તા પર બેસનારાની ટીકા સામાન્ય નાગરિક કેમ ના કરી શકે ? લોકશાહીમાં ટીકા ટિપ્પણી કરવી એ જ તો લોકોની સત્તામાં આડકતરી ભાગીદારી છે. ટીકા, દલીલ, ચર્ચા, વ્યંગ, વાદવિવાદ કરવાથી જ સત્તા સુપેરે ચાલે તે દિશામાં લઈ જવા માટેની મથામણ હોય છે.

અને એકવાર ચૂંટણી જાહેર થઈ જાય પછી કઈ ટીકા ટિપ્પણી યોગ્ય ગણાય કે ન ગણાય તે નક્કી કરવાનું કામ વડાપ્રધાન કે અન્ય સરકારી તંત્રોના માથે નહીં પરંતુ ચૂંટણી કમિશનના જવાબદાર અધિકારીઓના માથે હોય છે.

વળી, ગયા અઠવાડિયે જ આપણે જોયું કે એક રાજ્યના રાજ્યપાલ ખુદ આ વડાપ્રધાન ફરી સત્તામાં આવવા જોઈએ એવું વિધાન કરે અને છતાં ય તેના પર તાત્કાલિક પગલાં ન લેવાય કે ગુજરાતના મુખ્ય પ્રધાન ઉશ્કેરણીની ભાષામાં એમ કહે કે આ ચૂંટણી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની છે કે યુ.પી.ના મુખ્યમંત્રી દેશના સૈન્યને મોદી કી સેના તરીકે ઓળખાવે, ત્યારે પણ ઇલેક્શન કમિશન ચૂપ રહે એ તે કેવો ન્યાય ? ખરેખર નફરત ફેલાવનારી આ ટીકા ટિપ્પણીઓ અયોગ્ય ગણાય કે પછી ચૂંટણી ટાણે મોટાં મોટાં વચનો સતત આપીને એ દિશામાં કંઈ ના કરનાર નેતા વિશે છેતરાયાના ભાવ સાથે કોઈ નાગરિક દેશના વડાપ્રધાનને ફેંકુ કહે તે અયોગ્ય ટિપ્પણી ?

આપણા દેશમાં ચૂંટણીને લઈને દસકાઓથી એક 'નૈતિક ફરજ' ગણી શકાય એવી આચાર સંહિતા-મૉડલ કૉડ ઓફ કન્ડક્ટ અમલમાં છે. વિશેષમાં ઉમેદવારો માટે તો ચૂંટણી ખર્ચની મર્યાદાના નિયમો પણ કડક છે જ, પાર્ટીના ચૂંટણી ખર્ચના હિસાબો અંગે પણ નિયમો છે. છાપાં- ટીવીમાં છપાતી, દેખાતી જાહેરખબરોની મંજૂરી અગાઉથી ચૂંટણી કમિશન પાસેથી લેવાની હોય છે. અને તેના ખર્ચા પણ પાર્ટી ચૂંટણી ખર્ચ માં ગણાય છે.

ઉમેદવારો માટે જે રીતે ખર્ચના નિયમો, આચાર સંહિતા વિગતવાર ઘડાયા છે તેવા નિયમો હજી ખાનગી મીડિયા માટે જોવા મળતા નથી.

અને ખાસ કરીને છેલ્લાં દસ-બાર વર્ષ માં જે રીતે ડીજિટલ ક્રાંતિએ દુનિયામાં સમાચારો, સંદેશાઓ, વીડિયોગ્રાફીની દિશા જ બદલી નાંખી, સરળ, સહજ વિકેન્દ્રિત અને લોકોપયોગી ટેકનોલોજી બની ગઈ, તે સંદર્ભે મીડિયા અંગેના નિયમો ઘડવામાં છેલ્લા પાંચ વર્ષમાં જોઈએ તેટલું સક્રિય બન્યું નથી તે ચિંતાજનક બાબત છે.

ગઈ 2014ની લોકસભાની ચૂંટણીનું એક દૃશ્ય જે સૌ કોઈ માટે તે સમયે યાદગાર બની ગયું હતું. તેમાં અમદાવાદ ખાતે તે સમયના સંભવિત વડાપ્રધાન નરેન્દ્રભાઇએ મતદાન કર્યું અને પોતાની પાર્ટીના પ્રતિક કમળને જે રીતે દર્શાવી ને તેની સાથે સેલ્ફી લઈ તરત ટ્વીટ કરી સોશ્યલ મીડિયામાં, દુનિયાભરમાં એ તસવીર વહેતી કરી દીધી …

હવે તે વખતે આચાર સંહિતા ભંગનો વિવાદ થયો અને કાનૂની કાર્યવાહી પણ ચાલી કે મતદાન મથકના નિશ્ચિત અંતરના વિસ્તારમાં આ પ્રકારની ફોટોગ્રાફી કરવી એ આચાર સંહિતાનો ભંગ કહેવાય કે નહીં ?

પરંતુ તે સમયે સોશ્યલ મીડિયા આપણે ત્યાં નવું નવું હતું, અને તેને લઈ કોઈ નિયમ, કાયદા ન હતા એટલે ચૂંટણી પૂર્વેના અડતાલીસ કલાકથી માંડી મતદાન પૂરું થાય તે સમય સુધી પ્રચાર માટેનો 'શાંત સમય' ગણી તેમાં સોશ્યલ મીડિયામાં પણ આચાર સંહિતા લાગુ પડે એવો કોઈ નિયમ ચૂંટણીપંચે ઘડેલા ન હતા.

એ વિવાદને પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં પણ એ ઘટનાને લઈને ઊભા થયેલા સવાલો અને તે અંગેના નિયમો ઘડવાની તસ્દી સવેળા, એ જે આપણા ચૂંટણીપંચે લેવી જોઈતી હતી, તે લીધી હોય એવું હજી સુધી લાગતું નથી. ઉમેદવારો માટે ફોર્મમાં જ સોશ્યલ મીડિયાના તેમના એકાઉન્ટની વિગતો મૂકવી ફરજિયાત બનાવ્યું છે, તેના પર મૂકાતી જાહેરખબરના હિસાબ રાખવાનો પણ સમાવેશ થયો છે, પણ જે રીતે અત્યારે સોશ્યલ મીડિયાનો વ્યાપ છે તેનાં પ્રમાણમાં નિયમો વિચારાયા હોય એવું લાગતું નથી.

2014 કરતાં આજે સોશ્યલ મીડિયાનો ઉપયોગ બે ગણો વધી ગયો છે.

આપણા દેશમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓ છે, તેની સંખ્યા દસ કરોડ જેટલી ગણી શકાય પણ દેશમાં સ્માર્ટફોનની સંખ્યા અત્યારે 37 કરોડ જેટલી અંદાજવામાં આવે છે. અને સોશ્યલ મીડિયામાં મહત્ત્વના જે બે લોકપ્રિય પ્લેટફોર્મ છે, ફેસબુક અને વોટ્સએપ; તે બન્નેમાં લગભગ 30-30 કરોડ જેટલા ઉપયોગકર્તાઓ છે.

અને દુનિયાભરમાં દર મિનિટે આશરે ત્રણ કરોડ જેટલા મેસેજ – સંદેશાઓ, વીડિયો ક્લિપ, કાર્ટૂન, ફોટાની આપલે વોટ્સએપ પર થાય છે …!

અને આપણા દેશની વાત કરીએ તો એક અંદાજ પ્રમાણે વોટ્સએપ પર આશરે 87,000 ગૃપ છે જેમાં ખાસ કરીને રાજકીય સંદેશાઓની આપ-લે થાય છે.

સોશ્યલ મીડિયાનો આ વ્યાપ એવડો મોટો ઝડપભેર થઈ ગયો છે, કે તેની સામે છાપાં-ટીવીની પહોંચ જાણે કે આજે અને તે પણ જ્યારે રાજકીય માહોલ ગરમ હોય ત્યારે ઓછી લાગે છે !

અને ખાસ તો આજકાલ સોશ્યલ મીડિયામાં જ ઓનલાઇન ન્યૂઝ, ટોક શો, ઈન્ટરવ્યુ, વીડિયો ક્લીપીન્ગ અને બ્રેકીન્ગ ન્યૂઝ જોવાની સુવિધાઓ વધી ગઈ છે, તેને લઈ સોશ્યલ મીડિયા જ એક મહત્ત્વનું સાધન સમાચારો મેળવવા અને તેના પ્રસાર માટે બની ચૂક્યું છે.

અને સાથે સાથે નોંધપાત્ર વાત એ છે કે આ સોશ્યલ મીડિયા, ડિજીટલ ટેકનોલોજીના અભૂતપૂર્વ વિકાસને લઈ સૌથી વધુ ફેક ન્યૂઝનો પ્રચાર -પ્રસાર સોશ્યલ મીડિયામાં આપણા દેશમાં જ અત્યારે થઈ રહ્યો છે એવું નિષ્ણાતોનું માનવું છે.

ફેક ન્યૂઝમાં જુઠ્ઠો ઇતિહાસ, ખોટી ગેરરસ્તે દોરતી માહિતી, ફોટાઓમાં કટીંગ – પેસ્ટીન્ગથી નાના મોટા ફેરફાર કરી ઉશ્કેરણી – ધિક્કાર ફેલાવવાની રીતરસમો અજમાવાય છે અને તેનો સ્માર્ટફોન દ્વારા સોશ્યલ મીડિયામાં પ્રચાર-પ્રસાર થાય છે.

ફોટામાં ફેરફારનું હમણાંનું તાજુ ઉદાહરણ લઈએ તો પ્રિયંકા ગાંધીએ ભારતીય પરંપરાગત કંઠી કે માળા ગળામાં પહેરી હોય, ત્યાં એ કંઠી કે માળામાં ક્રોસ ચીટકાડી દઈ તે ઈસાઈ ધર્મમાં માને છે એવો ભ્રમ ઊભો કરવાનું ચાલી રહ્યું છે. એ જ રીતે રાહુલ ગાંધી કે મમતા મુખર્જી ની સભામાં જેટલા લોકો ખરેખર હાજર હોય તેનાં કરતાં પચાસગણા વધારે દેખાય એવી ઈમેજ ચીપકાવી એ સભાને વિશાળકાય બતાવી પ્રચાર કરવો !

સોશ્યલ મીડિયા પરનાં આવાં જુઠ્ઠાણાં માત્ર આપણા દેશમાં જ છે પણ એવું નથી. દુનિયાભરમાં આવા ફેક ન્યૂઝના વંટોળ ચાલ્યા કરતા હોય છે. અને જ્યારે જે તે દેશમાં ચૂંટણી કે એવી કોઈ મહત્ત્વની રાજકીય ઘટના હોય ત્યારે એવા વંટોળ વિકરાળ સૂનામીનું સ્વરૂપ ધારણ કરતાં હોય છે.

2016 માં અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી થઈ ત્યારે ફેસબુકના ડેટાનો અને ફેક ન્યૂઝનો મોટાપાયે ઉપયોગ થયો અને તેના પ્રચારમાં રશિયાના સત્તાધીશો પણ સંકળાયેલા હતા, એવું ઊંચા અવાજે કહેવાતું રહ્યું હતું. ફેસબુકના સંચાલકોએ પણ તેના વપરાશકર્તાઓના ડેટા વેચાતા-વહેચાતા હતા તેનો સ્વીકાર પણ કર્યો.

પ્રેસિડેન્ટ ટ્રમ્પના ઇલેક્શનમાં સોશ્યલ મીડિયા વિવાદમાં રહ્યું તે તો એક મોટી ઘટના ગણવી જ રહી પણ તેનાથી ય વધારે તાજેતરમાં પાંચ મહિના પહેલાં બ્રાઝિલમાં પ્રમુખની ચૂંટણી થઈ તેમાં ખૂબ મોટાપાયે આ સોશ્યલ મીડિયાએ ભૂમિકા ભજવી એવું હવે દુનિયાભરના પ્રતિષ્ઠિત છાપાં-મેગેઝિનોના અહેવાલો કહે છે.

ગત ઓકટોબરમાં બ્રાઝિલમાં યોજાયેલી પ્રેસિડેન્ટની ચૂંટણીમાં મહત્ત્વના બે નેતાઓ આમને સામને હતા.

ડાબેરી શ્રમજીવીઓની વર્કર્સ પાર્ટીના નેતા ફર્નાન્ડો હડ્ડાડ અને તેમની સામે સરમુખત્યારશાહીની તરફેણ કરનારા ઉગ્ર જમણેરી વિચારધારામાં માનનારા જૅર બોલ્સોનારો ઊભા હતા. ભારે રસાકસીભરી આ ચૂંટણીમાં ઉગ્ર જમણેરી વિચારધારા સમર્થક બોલ્સોનારોનો વિજય થયો અને વર્કર્સ પાર્ટીના નેતાની હાર.

ચૂંટણી બાદ જે અહેવાલો બ્રાઝિલનાં પ્રતિષ્ઠિત છાપાંઓમાં છપાયા તે ચોંકાવનારા રહ્યા. બ્રાઝિલ જેવા નાનકડા દેશમાં લગભગ 60% લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારા છે એટલે કે 12 કરોડ લોકો.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી પૂર્વે અને ચૂંટણી દરમિયાન બ્રાઝિલના 156 જેટલા વેપારીઓ ને ઉદ્યોગપતિઓએ ભેગા થઈ ઉગ્ર જમણેરી પ્રેસિડેન્ટના ઉમેદવારની તરફેણમાં સોશ્યલ મીડિયા માટે જુઠ્ઠાણાં પેદા કરવાનાં કારખાનાઓ જ જાણે કે ધૂમ નાણાં ખર્ચીને ઊભાં કરી દીધાં..!

અને ડાબેરી પાર્ટીના નેતાઓ અને ખાસ કરીને પ્રમુખ પદના ઉમેદવાર ફર્નાન્ડોને લઈ એવા ખોટા સમાચારો, માહિતી, જુઠ્ઠી તસવીરો ને વીડિયો ઊભા કરી દીધા અને તેનો મારો ચલાવ્યો કે લોકોમાં ભ્રમ અને ભય બન્ને ઊભા કરી દીધા ! લોકોને ભ્રમિત ને ભયપૂર્ણ કરી દેવા એટલે હતાશ કરી નાખવાં, યોગ્ય નિર્ણય કરવામાંથી ગુમરાહ કરી નાખવાં અને તેમનામાં અસલામતી ને દહેશત ઊભી કરી નાંખવી ..!

સોશ્યલ મીડિયાના આ જુઠ્ઠા પ્રચારના સંગઠિત, અઢળક નાણાં આધારિત કૌભાંડે બ્રાઝિલના આ ઇલેક્શનમાં મોટી ભૂમિકા ભજવી એવી ચર્ચા હજી ય કમ્યુનિકેશન નિષ્ણાતોમાં અગ્રસ્થાને છે.

આપણે ત્યાં ધીરે ધીરે યુદ્ધનો માહોલ, પાકિસ્તાન વિરુદ્ધનો નફરતનો માહોલ ઊભો કરીને જે દિશામાં સોશ્યલ મીડિયામાં જુઠ્ઠાણાં ચાલી રહ્યા છે અને એક જ વીર પુરુષ, હીરોની ભાવનાને ઉશ્કેરવામાં આવી રહી છે, તે આપણને ક્યાં લઇ જશે એ તો હવેના દિવસો જ બતાવશે.

બાકી તેના જુઠ્ઠાણાં ના પ્રચાર-પ્રસાર માં રોક લગાવવા માટે, તેની તપાસ માટે અને તેને અવરોધવા માટે કોઈ નક્કર કાયદાકાનૂન ઘડવામાં અને તે માટેનું જરૂરી તંત્ર ઊભું કરવામાં હજી આપણું ચૂંટણીપંચ ખાસ કંઈ કરી શક્યું નથી એવું લાગી રહ્યું છે ‌.

ચૂંટણી પંચે 'વાંધાજનક રાજકીય સંદેશાઓ' પર બંધી અને તેને ત્રણ કલાકમાં બ્લોક કરી દેવાની વાત કરી છે, પરંતુ આવડા મોટા દેશમાં કોને ઓબ્જેક્શ્નેબલ પોલિટિકલ કન્ટેન્ટ કહેવું તેની વિગતે છણાવટ ચૂંટણીપંચ કરી શક્યું નથી એ ચિંતાનો વિષય છે.

આ ચૂંટણી આખો મહિનો ચાલવાની છે એ દરમિયાન કેવાં કેવાં ભયજનક જુઠ્ઠાણાં – અફવાઓનો સામનો આ દેશનાં નાગરિકોને કરવો પડશે, એ સૌએ સમજવું રહ્યું અને દેશના નાગરિકોએ જ પોતાના શાણપણથી અને સ્વસ્થતાથી પ્રતિકાર કરવો એ એક મોટો પડકાર પણ સૌનો સહિયારો છે.

(સૌજન્ય : “ગુજરાત ગાર્ડિયન”, 10 એપ્રિલ, 2019)

https://www.facebook.com/manishi.jani/posts/2382107315141760

Loading

10 April 2019 admin
← સ્વરાજ્ય ? ક્યાં છે સ્વરાજ ??
બી.જે.પી. મૅનિફેસ્ટો: ૨૦૧૪ અને ૨૦૧૯ – એક વાંચન →

Search by

Opinion

  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved