એક સમય હતો, જ્યારે ચૂંટણીપ્રચાર શમી ગયા પછી, ગરમાગરમી અને હુંસાતુંસીનો અંત આવતો. હવે તો પરિણામો આવી ગયા પછી પણ પ્રચારનું વાતાવરણ ઓસરતું નથી. ચઢાવેલી બાંયો જાણે કદી ઉતરતી જ નથી. તેના માટે ટી.વી. ચેનલો કરતાં પણ અનેકગણું વધુ જવાબદાર છે સોશ્યલ મીડિયા.
પક્ષોની પેઇડ-અનપેઇડ સાયબર સેનાઓ ચૂંટણી વખતે ઓવરટાઇમ કરતી હશે, પણ સામાન્ય દિવસોમાં તે લાંબી તાણીને સૂઈ નથી જતી. સતત જૂઠાણાં અને અર્ધસત્યો દ્વારા, પોતાના પક્ષ વિશે હકારાત્મક અને સામેના પક્ષ વિશે નકારાત્મક ચીજોનો મારો તે ચાલુ રાખે છે. તેમના વ્યૂહકારો માને છે (અને તેમાં તથ્ય પણ છે કે) પ્રજાની સ્મરણશક્તિ ટૂંકી જ હતી, પણ સોશ્યલ મીડિયા પર વધારે ટૂંકી થઈ છે. સૌથી ટોચના નેતાથી માંડીને પાયદળના સભ્યો સુધીના સૌ જાણે છે કે લોકોને સહેજ રેઢા મૂક્યા, તો તેમનું ધ્યાન બીજું કોઈ વાળી (કે હાંકી) જશે. શરૂઆતમાં જેટલી માત્રાના ડોઝથી કીક આવતી હતી, એટલો જથ્થો પછી પૂરતો થતો નથી. ધીમે ધીમે માત્રા વધારવી પડે છે અને કક્ષા ઉતારવી પડે છે.
ફ્લ્મિો માટે પહેલેથી પૂછાતો રહ્યો છે, એવો સવાલ સોશ્યલ મીડિયા માટે પણ ઊભો છેઃ તે પ્રજાના અભિપ્રાયોનું પ્રતિબિંબ પાડતો અરીસો છે? કે પછી પ્રજાને ઘેનગાફેલ કરવામાં મદદરૂપ થઈને અફીણનું કામ કરે છે? ‘જાની, ઇસ સે ખેલા નહીં કરતે. લગ જાએ તો ખૂન નિકલ આતા હૈ.’ એવી ચેતવણી સોશ્યલ મીડિયા માટે અપાતી નથી હોતી. પણ તેની જરૂર ઘણી લાગે છે. કારણ કે મોટી સંખ્યામાં લોકોએ સોશ્યલ મીડિયા પર ઝંપલાવી દીધું. પરંતુ માધ્યમની સમજ, તેની પર મુકાતી સામગ્રીની અંગતતા, માધ્યમની તાકાત અને તેનાં કાયદાકીય પાસાં વગેરે બાબતો વિશે વિચારવાની તેમને જરૂર લાગતી નથી.
ઘણા લોકો સોશ્યલ મીડિયાને પોતાના ઘરના દીવાનખાનામાં મુકેલો આયનો સમજે છે. ઘરમાં કોઈ ન હોય ત્યારે બાળક આયના સામે જોઈને જાતજાતના ચાળા કરે અને પોતાની આવડત પર પોરસાય. એવું જ સોશ્યલ મીડિયા પર તમામ ઉંમરનાં બાળકોનું થઈ શકે છે. મોટો ફરક એટલો કે સોશ્યલ મીડિયા દીવાનખાનામાં નહીં, જાહેર ચોકમાં મુકાયેલો અરીસો છે, જેમાં દેખાડાબાજી પકડાતાં વાર નથી લાગતી. સવાલ માત્ર દેખાડા પૂરતો હોત, તો વાંધો ન હતો. પણ સોશ્યલ મીડિયા માણસમાં રહેલાં અનિષ્ટ તત્ત્વોને જાણે આસુરી આહ્વાન આપતું હોય એવું લાગે છે. આ શબ્દો કે સરખામણી જરા ભારે લાગે તો વિચારી જોજોઃ સોશ્યલ મીડિયા પર પહેલી તકે અસભ્ય કે અનિષ્ટ વર્તન કરનારા ઘણા લોકો વાસ્તવિક જીવનમાં એટલા અસભ્ય કે અનિષ્ટ હોય તે જરૂરી નથી.
લગભગ બધા માણસોના મનમાં અનેક પ્રવાહો વહેતા હોય છે, અનેક તત્ત્વો ઓછેવત્તે અંશે મોજુદ હોય છે. પણ બધામાં તે પૂરતી માત્રામાં હોતાં નથી. પરમાણુશક્તિમાં ‘ક્રિટીકલ માસ’(આવશ્યક જથ્થા)નું મહત્ત્વ હોય છે. એટલો જથ્થો થાય તો જ આપમેળે ચાલ્યા કરતું ‘ચેઇન રીએક્શન’ શરૂ થઈ શકે. એવું જ માણસના મનનું પણ ખરું. સારાં-નરસાં, દૈવી-આસુરી એમ બધા પ્રકારનાં તત્ત્વો માણસના મનમાં હોય. પણ તેમાંથી કેટલાકનો જથ્થો એટલો પૂરતો હોય કે તે વ્યક્તિની મુખ્ય અને જાહેર પ્રકૃતિ બને. બાકીનાં તત્ત્વો વેરવિખેર સ્વરૂપે રહે અને અપવાદરૂપ સંજોગો સિવાય કદી માથું ઊંચકે નહીં કે બહાર દેખાય પણ નહીં. એમાં કશો દંભ પણ ન હોય. સભ્યતાનું અને મૂળભૂત વિવેકનું ગુરુત્વાકર્ષણ તે તોડી શકે નહીં અને મનમાં જ ધરબાયેલાં રહે. માણસ નશો કરતો હોય ત્યારે, અર્ધભાન અવસ્થામાં, ગુરુત્વાકર્ષણનાં બંધનો તૂટી જાય ત્યારે એ તત્ત્વો એટલા પૂરતા બહાર નીકળવાની સંભાવના રહે. એ વખતે પણ માણસ પાસે એટલો બચાવ તો રહે જ કે ‘નશામાં મારાથી ગમે તેમ બોલાઈ ગયું કે મને ભાન ન રહ્યું.’
સોશ્યલ મીડિયાના આગમન અને રાક્ષસી પ્રસાર પછી આ પરિસ્થિતિ સદંતર બદલાઈ છે અને ખરાબ થઈ છે. શરૂઆતમાં આ માધ્યમ જાહેર છે કે અંગત, એ સમજવામાં સમય નીકળી ગયો. ઘણાને લાગતું કે આ તો મર્યાદિત માધ્યમ છે. ઘરનો બાથરૂમ છે. તેમાં આપણાથી બધું થાય ને આપણને કોઈથી કહેવાય નહીં. પછી સમજાવા લાગ્યું કે આ તો ગામનો ચોક છે અને ત્યાં બધું ન થાય. પરંતુ ત્યાં સુધીમાં લોકશાહીનાં નામે બેફામ-બેજવાબદાર અભિવ્યક્તિ અને તેમાંથી મળતા ઓળખના આનંદનો નશો એટલો ચઢવા લાગ્યો કે સોશ્યલ મીડિયા પર લખવાને કારણે ધરપકડો થવા છતાં, લોકોના બેફામપણામાં ફરક પડયો નહીં.
મનમાં રહેલા વિવેક અને સભ્યતાના ગુરુત્વાકર્ષણની પકડ સાવ ઢીલી પડી ગઈ અને છૂટાછવાયા પ્રચ્છન્ન તત્ત્વો કૂદકા મારીને સપાટી પર આવી જવા લાગ્યાં. એ તેમની મૂળભૂત પ્રકૃતિ ન હતાં. પણ સોશ્યલ મીડિયાએ પૂરો પાડેલો નશો અને બેફમપણાને મળેલો રાજકીય આશ્રય – આ જુગલબંદીએ ઘણા લોકોને સોશ્યલ મીડિયા પર અસભ્યતાથી ખદબદતા અને તેનું ગૌરવ અનુભવતા કરી દીધા.
મનમાં જે આવે તે લખીને ‘એન્ટર’નું બટન દબાવી દેવાનું – એ પદ્ધતિને કારણે અને મોટા ભાગના અજાણ્યા લોકો વચ્ચેનો સંપર્ક સોશ્યલ મીડિયા પૂરતો મર્યાદિત હોવાને કારણે, ચોતરફ મુખ્ય પ્રકૃતિને બદલે મનમાં રહેલાં છૂટાછવાયાં આસુરી તત્ત્વોની બોલબાલા વર્તાવા લાગી. પહેલી તકે લોકો અસભ્યતા પર ઉતરી જવા લાગ્યા. બિનસત્તાવાર ધિક્કારમંડળો રચાઈ ગયાં. તે ફ્ક્ત તેમને ગમતું (એટલે કે ન ગમતું) જ વાંચે, એટલું જ યાદ રાખે અને અસભ્યતા આચરવા બેસી જાય. ન કોઈ પરિચય, ન કોઈ ઊંડાણ, ન બીજું કશું જાણવાની ઇચ્છા કે તૈયારી. અચ્છાખાસા લોકો ટ્રોલની (વિરોધી મત ધરાવનારની રીતસર પાછળ પડીને બેફામ લખવાની) માનસિકતા ધરાવતા થઈ ગયા અને તેમાં ધર્મયોદ્ધા જેવું ગૌરવ અનુભવવા લાગ્યા. કમ સે કમ, ગુજરાતનો-ભારતનો અનુભવ તો મુખ્યત્વે આવો જ રહ્યો છે.
સારા મિત્રો, સારું વાચન, કળા વગેરેનું કામ માણસમાં રહેલાં બધાં તત્ત્વોમાંથી ઉમદા તત્ત્વો ઘટ્ટ બનાવવાનું અને તેમને બહાર આણવાનું હોય છે. સોશ્યલ મીડિયાએ મહદ્ અંશે તેનાથી સાવ અવળું કામ જાણેઅજાણે કર્યું છે. હવે તે બાટલીમાંથી બહાર નીકળી ગયેલો જીન છે. તેને પાછો પૂરી શકાય એમ નથી. તેના ધિક્કારપ્રેરક-અસ્વસ્થતા જગાડનારા નશાથી બચવું કે નહીં, તે સૌએ જાતે નક્કી કરવાનું છે. એટલું ખરું કે પોતાની અસભ્ય વર્તણૂક માટે સોશ્યલ મીડિયાને દોષ દઈને છટકી નહીં શકાય.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 મે 2019