વસંત–રજબને
વીરા તેં તો રંગ રાખ્યો :
પ્રથમ વખત તેં મુક્તિનો સ્વાદ ચાખ્યો;
‘બી ના! બી ના!’ પુકારી
નિજ બંધુજનને ભવ્ય પેગામ ભાખ્યો.
‘તેં સાધ્યું કાંઈયે ના!’
કહી કદી અધીરો આપશે ક્રૂર મેણું;
કે‘જે પ્રત્યુત્તરે કે
‘અભય બની પ્રજા:’ લૈશ હું સર્વ લેણું.
— ઝવેરચંદ મેઘાણી
બસ હવે આડા બે દિવસ માંડ છે: પહેલી જુલાઈએ ગુજરાતના જાહેર જીવનની અનન્ય ને અનેરી કર્મબાંધવી, વસંત-રજબની બલિદાની સ્મૃતિ દિલને દરવાજે દસ્તક દેતી હશે. 1946ની કોમી હુતાશનમાં એમણે પવિત્ર શ્રીફળની પેઠે હોમાવું પસંદ કર્યું હતું. એમના પંચોતેરમા સ્મૃતિપર્વે જમાલપુર ખાંડની શેરીના સ્મારક પર યાત્રાભાવે હાજરી ભરનારાઓમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી પણ હતા; કેમ કે 1946ની પહેલી જુલાઈએ રથયાત્રાનું પર્વ પણ હતું.
ઓળખવા જેવાં છે આ બે પાત્રો. વસંતરાવ હેગિષ્ટે. મૂળ મહારાષ્ટ્રનો પરિવાર, પેઢીઓથી અમદાવાદ-ગુજરાતમાં સ્થાયી થયેલો. એમની જાગુષ્ટેની પુસ્તકદુકાન જૂની ને જાણીતી. વસંતરાવ સેવાદળના કાર્યકર. એ તો 1946માં ગયા પણ હેગિષ્ટે પરિવારની હાજરી આપણા જાહેર જીવનમાં અન્યથા પણ ચાલુ રહી, એમનાં બહેન હેમલતા જ્યોતિસંઘમાં આગળ પડતાં હતાં. રજબઅલી વયમાં નાના. લીંબડીમાં રહેતો પરિવાર ને કરાચીમાં ભણતર. વળી સૌરાષ્ટ્રમાં આવવાનું થયું અને અવનવા સંપર્કો થયા. ‘સમય’ખ્યાત ભાનુભાઈ શુક્લે સંભાર્યું છે કે ભાવનગર કોલેજની એમની હોસ્ટેલ રૂમમાં એક વાર ટકોરા મારીને કોઈ છાત્રે પ્રવેશ કર્યો. એ રજબભાઈ હતા, બારણા પર રૂસી ક્રાંન્તિની (સામ્યવાદની) યાદી રૂપ હથોડી ને દાતરડું ચિતરાયેલાં જોઈને! નવા વિચારોનો પરિચય કેળવવો એ રજબઅલીનું સહજ વલણ હતું. જો કે એ ઠર્યા હતા ગાંધીવિચારમાં. ભાવનગરમાં નાનાભાઈ ભટ્ટના ઘરે જે જુવાનિયા પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા લેવા એકત્ર થયા તેમાંના એ એક હતા. વસંતરાવ રાષ્ટ્રીય ચળવળ ને કંઈક સાવરકરી ખેંચાણ છતાં ગાંધીવિચારમાં ઠર્યા હતા. સેવાદળની કામગીરી, વ્યાયામ પ્રવૃત્તિ, જયન્તિ દલાલ જેવા બૌદ્ધિક સ્વાતંત્ર્યસૈનિકો સાથે ગતિ-રેખા પ્રકારની પ્રવૃત્તિમાં પણ સક્રિય સહભાગિતા. પછાત વિસ્તારમાં નીરુ દેસાઈ સાથે મળીને રાત્રિવર્ગો ચલાવતા.
બંને મિત્રો, દેશમાં બગડતા માહોલ વચ્ચે ફૈઝપુર કાઁગ્રેસે મુસ્લિમ વ્યાપક સંપર્કનો જે કાર્યક્રમ લીધો એના ઉત્કટ સમર્થક હતા. વસંતરાવના જેલસાથી મગનભાઈ પ્ર. દેસાઈએ નોંધ્યું છે કે જેલના પઠાણ સાથી સાથે વસંતરાવનો ખાસો ઘરોબો હતો. હેમલતાબહેને લખ્યું છે કે અમે ભાઈને મળવા જેલ પર ગયા તો હતાં કુટુંબના સભ્ય તરીકે, પણ એક મુસ્લિમ ભાઈ પણ જોડાઈ ગયા ને જેલરે રોક્યા તો કહ્યું કે હું એમનો મુલાજિમ (નોકર) છું, ને દાખલ થઈ ગયા!
વસંતરાવ બૌદ્ધિક ક્ષમતાપૂર્વક પણ કર્મઠ કાર્યરુઝાનનો જીવ. રજબઅલી કામમાં પડે, ઉપાડે; પણ બૌદ્ધિક પ્રતિભા અનન્ય. સૌરાષ્ટ્રના એમના મિત્રોને હતું કે જવાહરલાલ નેહરુએ જેમ લોહિયા, જયપ્રકાશ જેવાને કાઁગ્રેસની વડી કચેરીમાં નોતર્યા ને તેઓ ઝળકી ઊઠ્યા તેમ રજબભાઈએ પણ રાષ્ટ્રીય સ્તરે જવું જોઈએ. ગમે તેમ પણ, બબલભાઈ અને બીજાઓએ સૂચવ્યું ને રજબઅલી અમદાવાદ આવીને રહ્યા – ને એમના ને વસંતરાવનાં દિનરાત એક બની રહ્યાં.
પણ મને લાગે છે કે રજબભાઈએ જે પુસ્તકો જેલવાસમાં અનુવાદ સારુ પસંદ કર્યાં હતાં એની થોડીક વાત એમના પ્રતિભાદર્શન સારુ જરૂર કરવી જોઈએ. આ ત્રણ પુસ્તકો તે ‘એલોન’, ‘કોમ્યુનલ ટ્રાયેન્ગલ’ અને ‘પાવર ઓફ નોન-વાયોલન્સ.’ ‘એલોન’ (‘એકાંતનું સામ્રાજ્ય’) એ દક્ષિણ ધ્રુવના એકલવીર પ્રવાસીની અદ્દભુત સાહસકથા છે. અનુવાદની પ્રસ્તાવનામાં એમણે ગુજરાતના જુવાનો આવાં સાહસ-સંસ્કાર દ્વારા બળવાન, વીર્યવાન ને શૂરવીર બને એવી ઝંખના પ્રગટ કરી છે. દેખીતી રીતે જ ઘટમાં ઘોડા થનગને અને આતમ વીંઝે પાંખ ત્યારે જડી રહે એવું આ પુસ્તક હતું. તો, અશોક મહેતા અને અચ્યુત પટવર્ધન કૃત ‘કોમ્યુનલ ટ્રાયેન્ગલ’ (‘હિંદનો કોમી ત્રિકોણ’) એ સ્વરાજ સારુ થનગનતી ને પાંખ વીંઝતી તરુણાઈ સામેનું વાસ્તવચિત્ર હતું. ‘પાવર ઓફ નોન-વાયોલેન્સ’નો અનુવાદ એમણે સ્વયંસેવી હૈયાઊલટથી હાથ ધર્યો. એમાંથી એમની વૈચારિક પ્રતિબદ્ધતાનો એક સંકેત અવશ્ય મળે છે. માત્ર, ‘નવજીવન’ તરફથી તે સ્વતંત્રપણે બહાર પડવામાં હતો એવું જાણતાં અડધેથી પડતો મૂકેલો.
1946ની પહેલી જુલાઈનું તંતોતંત ચિત્ર અહીં નહીં આપતાં એટલું જ કહીશું કે હિંદુઓ વચ્ચેથી મુસ્લિમને અને મુસ્લિમો વચ્ચેથી હિંદુને બચાવતાં, શાંતિ માટે સમજાવતાં ને હુમલો કરવો હોય તો પહેલો અમારા પર કરો એમ આડશ ધરતા બેઉએ એક તબક્કે જીવ ખોયો, કહો કે જીવી જાણ્યું. બેઉનાં લોહી જ્યાં એકમેકમાં ભળી ગયાં તે સંગમતીર્થે આજે સ્મારક ઊભું છે. ગોમતીપુરના ચારવાટ કબ્રસ્તાનમાં રજબઅલીની મજાર હવે સોજ્જી સાફસફાઈ ને રાખરખાવટ સાથે જીવતી થઈ છે અને શહાદત દિને સૌ યાત્રાભાવે જેમ સ્મારક પર તેમ ત્યાં પણ જતા થયા છે.
સેવાદળનું પ્રતિવર્ષ સ્મારકે જવું અલબત્ત જારી હતું. પણ વરસોનાં વા’ણાં વાયાં તેમ એમાં સ્વાભાવિક જ મંદતા આવી. એવામાં 1992-93થી કાર્યરત સેક્યુલર લોકશાહી આંદોલને એ પ્રણાલિકા જીવંત ને બલવતી કરી. યાત્રાભાવ સાથે વ્યાપક નાગરિક અર્થમાં રાજકીય સંકલ્પ જોડ્યો અને આ શહાદતને વ્યાખ્યાયિત કરી, અમન-એખલાસ-ઈન્સાફ રૂપે. શાંતિ ખરી પણ ન્યાયમંડિત. અહીંથી જ 2002માં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના હેવાલને પગલે ન્યાયિક પ્રક્રિયા વાસ્તે સહીઝુંબેશ પણ શરૂ થઈ.
સ્વરાજના એક વરસ અને એક મહિના આગમચ ઘટેલ આ ઘટના કોઈ ક્ષણાવેશી વીરમૃત્યુની નથી. જેમને આર્થિક-સામાજિક રસકસે ભરી સમાનતા ને સ્વતંત્રતાની આઝાદ જુગલબંદી ખપતી હતી એમણે નવી ને ન્યાયી દુનિયા માટે નિમંત્રેલ કુરબાનીની આ કથા છે. જયન્તિ દલાલ અને ઈન્દ્રવદન ઠાકોરે એકત્ર કરેલી આરંભિક સામગ્રીમાં ઝવેરચંદ મેઘાણીએ સ્વીકારેલી સંપાદકીય જવાબદારી સાથે મૂલ્યવાન ઉમેરાપૂર્વક એક સમૃદ્ધ સ્મૃતિગ્રંથ સુલભ થયો છે તે આપણી સમજ ને સંવેદનાને સંકોરતો રહે છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 28 જૂન 2023