Opinion Magazine
Number of visits: 9484860
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સિદ્ધિવંતા મહિલા માધ્યમકર્મીનું મેઘધનુષી જીવન

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|10 April 2023

પુસ્તક પરિચય

‘વસુબહેન એટલે વસુબહેન’, સંપાદક: ડૉ. રૂપા મહેતા, પ્રકાશક : ઝેન ઓપસ, અમદાવાદ, માર્ચ 2023,કિ. રૂ. 300/- 

જાજરમાન વ્યક્તિત્વ, રેડિયો પ્રસારણ ક્ષેત્રના કર્તૃત્વ અને સ્વાનંદી જીવનને કારણે વસુબહેન (1924 -2020) એક જમાનામાં સેલિબ્રિટી હતાં. છેક સાઠના દાયકાથી પોતાના નામની આગળ પાછળ કશું જ નહીં લગાવવાનો તેમનો ક્રાન્તિકારી નિર્ણય તેમના સ્વતંત્ર વ્યક્તિત્વનું સ્ટેટમેન્ટ હતું.

વ્યક્તિગત કે વ્યાવસાયિક રીતે તેમના સંપર્કમાં આવનાર અનેક લોકો વસુબહેનના દેહના સૌંદર્ય, મનના ઐશ્વર્ય અને જાહેર  જીવનના કર્તવ્યથી પ્રભાવિત થઈને તેમને હંમેશાં યાદ કરતા.

તેમાંથી કેટલીક વ્યક્તિઓએ લખેલાં વસુબહેન વિશેનાં સંભારણાંનું ‘વસુબહેન એટલે વસુબહેન’ નામનું પુસ્તક તેમના જન્માશતાબ્દી વર્ષના આરંભદિન 23 માર્ચે સૂઝપૂર્વક યોજાયેલા સમારંભમાં પ્રકટ થયું.

આ સ્મરણ-સંચયનું સંપાદન વસુબહેન સાથે ‘દોસ્તી’ અને ‘ભગિનિત્વ’ અનુભવનારાં દૂરદર્શનના ઉચ્ચ પૂર્વ અધિકારી અને કાર્યક્રમ નિર્માતા ડૉ. રૂપા મહેતાએ કર્યું છે. વસુબહેનના ‘ચાહક અને ભાવક’ એવા નિવડેલા રેડિયોકર્મીઓ તુષાર શુક્લ અને જયેશ પંડ્યાએ તેમને મદદ કરી છે. 

પુસ્તકના 43 લેખકોમાં વસુબહેનના કાર્યકાળમાં કામ કરી ચૂકેલા પ્રસારણકર્મીઓ ઉપરાંત રેડિયો પ્રોગ્રામ્સ નિમિત્તે તેમનો અનુભવોને યાદ કરનારા બેએક પેઢીના સંગીતકારો, નૃત્યકારો, લેખકો, કવિઓ અને શિક્ષણવિદો છે. વસુબહેનના સેવક અને સ્વજનોએ પણ તેમને યાદ કર્યા છે.

પુસ્તકના 164 પાનાંમાંથી છેલ્લાં ફર્મામાં ચરિત્રનાયિકાના સંગ્રહના ચાળીસ આલબમોમાંથી પસંદ કરેલી છત્રીસ તસવીરો છે પુસ્તકની મિરાત છે. 

ફોટોગ્રાફમાં જોવા મળતાં વસુબહેનનનાં લાવણ્યને ચાહકોએ શબ્દોમાં મૂકી આપ્યું છે  : ‘ગ્રીસની સૌંદર્યદેવી વિનસનું સ્મરણ કરાવે તેવી ઊંચી દેહયષ્ટિ’, ‘ગૌર મોહક ચહેરો અને હરણી જેવી આંખો’, ‘સાઠ વર્ષની ઉંમરે પણ ગળાની ત્વચામાં ચમક જળવાયેલી’, ઠસ્સો અને ઠમકો, ‘દમામે-સામાજ્ઞી મિજાજે-સમ્રાટ’, ‘સરસ રીતે પહેરેલી ગુજરાતી સાડી, આત્મવિશ્વાસથી છલોછલ’. ‘જે પહેરે એને શોભાવે. પાસે ચાલતાં હોય એ ઝાંખા પડે’, ‘જોતાં જ ગમી જાય તેવાં’.

‘રસિલું, રંગિલું અને ખડખડાટ હાસ્યવાળું જીવન’. મિત્રો અને મહેફિલ, ઉજવણા અને ઉજાણીઓ, લાડ અને જલસા તેમની જિંદગીનો હિસ્સો. સેવક પાર્વતી બહેનના લેખમાંથી બહેનને ભાવતી વાનગીઓની લાંબી યાદી બનાવી શકાય.

મોટે ભાગે બધાંને ‘દોસ્ત’ કે ‘પ્રભુ’ કહીને સંબોધે, પીઠમાં ધબ્બો મારે. તેમને ખૂબ ગમતાં કેસુડાં અને તેમનું સોહામણું રૂપ પુસ્તકના સરસ મુખપૃષ્ઠને શોભાવે છે.

અલબત્ત, વધુ પ્રસ્તુત છે તે રેડિયો પ્રસારણ ક્ષેત્રે વસુબહેનનું પ્રદાન. તેમણે 1949થી તેંત્રીસ વર્ષ આકાશવાણીના જુદાજુદા વિભાગોમાં સર્જનાત્મક રીતે કામ કર્યું, અમદાવાદ-વડોદરા અને રાજકોટ કેન્દ્રના વડાં રહ્યાં. તેઓ ‘આકાશવાણીના પહેલાં મહિલા કેન્દ્ર નિયામક’ હતાં. સંપાદક નોંધે છે કે લોકપ્રિય અને પ્રાણવાન પ્રસારમાધ્યમમાં ‘સંવેદનશીલ અને સમજદાર પ્રસારકર્મી’ તરીકે તેમણે ‘સર્જનાત્મક અને નિર્ણાયાત્મક ભૂમિકા’ પાર પાડી. ‘સમાજ, કલા, સંસ્કૃતિને આકાશવાણી સાથે જોડતી કડી’ બન્યાં.

તેમણે ‘આકશવાણીને પ્રજાની વચ્ચે મૂકી આપ્યું’ તેની વાત ભદ્રાયુ વચ્છરાજાનીએ માંડી છે. તુષાર શુક્લ નિરૂપે છે કે તેમણે ‘અમદાવાદ આકાશવાણીને …. નવી ઓળખ આપી’. રઘુવીર ચૌધરીના મતે તેમણે તમામ કાર્યક્રમોમાં ‘વ્યાપક શિક્ષણની દૃષ્ટિ’ રાખી હતી. કેળવણીકાર ગુલાબભાઈ જાની પણ  બીજાં કેટલાંક લેખકોની જેમ વસુબહેને કરેલાં બાળકો, મહિલાજાગૃતિ અને સમાજકલ્યાણના કાર્યક્રમોનો ઉલ્લેખ કરે છે.

વળી તેમની જેમ રજનીકુમાર પંડ્યા પણ ‘સૌરાષ્ટ્ર અને સાગરકાંઠાની ગ્રામીણ સંસ્કૃતિને આકાશવાણી દ્વારા પ્રસારિત કરીને સંગોપી લીધી’ એમ જણાવે છે. યજ્ઞેશ દવે નોંધે છે : ‘સૌરાષ્ટ્રના ધ્વનિમુદ્રિત સાંસ્કૃતિક વારસાને કાળસંદૂક રૂપે જમીનમાં દાટી તેને સુરક્ષિત રાખવાનો વિચાર પણ વસુબહેનનો.’ 

ગુજરાતમાં નવનિર્માણ આંદોલનના દિવસોમાં ‘યુવવાણી’માં  ‘યુવાસહજ  આક્રોશ’ ધરાવતો કાર્યક્રમ પ્રસારિત કરીને વસુબહેને મુખ્યમંત્રી ચીમનભાઈનો ખોફ વહોર્યો હોવાનો કિસ્સો મનીષી જાની વર્ણવે છે.

આકાશવાણીમાં ચાલતી અમલદારશાહીમાં સર્જનાત્મકતા નડતા અવરોધો સાથે તેમણે પોતાના દમામ અને ચાતુરીથી કેવી રીતે કામ પાડ્યું તેના પ્રસંગો અહીં છે. એક નવરાત્રીએ અને હોળીએ તેમણે રડિયો માટે ખુલ્લાં મેદાનમાં, રીપિટ ખુલ્લાં મેદાનમાં, કરાવેલાં ‘હે મા ત્વમેવ સર્વમ’ અને ‘રંગ દે ચુનરિયા’ નામના ભવ્ય કાર્યક્રમોને પુસ્તકમાં અધઝાઝેરા લેખકોએ યાદ કર્યા છે.

આકાશવાણીના નિરસ વાસ્તુઓમાંને તેમણે સૌંદર્ય આપ્યું એ પણ તેમનું પ્રદાન. તેમને વૉઇસ ઑફ અમેરિકા અને બી.બી.સી. એ મુલાકાત માટે આમંત્રેલાં.

અનેક જાહેર સંસ્થાઓ સાથે સંકળાયેલા વસુબહેને ગુજરાત સ્ત્રી કેળવણી મંડળમાં કરેલાં કામ વિશે સંસ્થાના અત્યારના મંત્રી ચાન્દ્રિકાબહેન રાવળના ‘મૅનજમેન્ટ ગુરુ’ અને લેખમાંથી મળે છે. રતુબહેન રોહડિયાના લેખમાંથી મહિલા જાગૃતિ અંગેના તેમના કાર્યનો નિર્દેશ મળે છે.

કેટલીક નોખી સાંભરણો છે. ઇલાબહેન ભટ્ટ જણાવે છે મજૂર મહાજને તેમને કરેલાં અન્યાયની વિરુદ્ધ રેડિયો પર  જાહેરમાં બોલીને ઇલાબહેનને ટેકો આપનાર માત્ર વસુબહેન હતાં.

બીજા એક  સ્નેહી નોંધે છે કે તેમણે રેલવેના વિધાઉટ રિઝર્વેશન ડબ્બામાં બહેનપણીઓ સાથે ઝભ્ભો-લેંઘો પહેરીને ભારતભ્રમણ કરેલું.

મા ત્વમેવ સર્વમ કાર્યક્રમ માટે તેઓ એક મંદિરમાંથી ક્યારે ય બહાર ન નીકળી હોય તેવી પાલખી લઈ આવ્યાં હતાં.

રક્ષાબંધનને દિવસે ચલાવેલાં મરસિયાં પરના ‘અશ્રુગીતો’ કાર્યક્રમની કેટલાક શ્રોતાઓ પર એવી  વિપરિત માનસિક અસર પડી કે તેનું પ્રસારણ અધવચ્ચે અટકાવી દેવું પડ્યું હતું.

તેમના ઘરે ચોરી કરતાં પકડાયેલાં ચોરને તેમણે ચા પિવડાવી હતી અને તેને છોડી દેવાની પોલીસને ભલામણ કરી હતી.

સાઠ વર્ષની ઉંમરે તેમણે કરેલો ‘રતનબાઈ ઠમકો કરો’ નામનો અઢી કલાકનો એકપાત્રી નાટ્યપ્રયોગ ભજવ્યો હતો !

જીવનનાં આખરી વર્ષોની વિવશ દશામાં તેમની સાથે રહેનાર પાર્વતીબહેન લખે છે : ‘હવે મને પસ્તાવો થાય છે મેં લગ્ન નથી કર્યાં. જો લગ્ન કર્યાં હોત તો મારો પરિવાર હોત તો મને પણ આનંદ થાત, ને મારું પોતાનું કોઈ છે એવું લાગત’.

ગુજરાતના મહિલા સામર્થ્યનો પ્રવાહ ઓગણીસમી સદીના હરકુંવર શેઠાણી તેમ જ લક્ષ્મીબહેન ડોસાણીથી લઈને ગાંધીયુગમાં થઈને ઇલાબહેન પાઠક તેમ જ ભટ્ટ અને અત્યાર સુધી ચાલતો રહ્યો છે. તેમાં વસુબહેનને ક્યાં મૂકવા તે સમાજશાસ્ત્રના અભ્યાસીઓ માટે રસપ્રદ ચર્ચા બની શકે.

સહેજે એક સરખામાણી મનમાં આવે : ઉષાબહેન મહેતા (1920-2000) વસુબહેનના સમકાલીન. તેમણે પણ રેડિયો માધ્યમનો જ ઉપયોગ કર્યો. તેમણે અને સાથીઓએ ચલાવેલા ભૂગર્ભ રેડિયોના આઝાદીની લડતમાં પ્રદાન વિશે ઉષાબહેન ઠક્કરે Congress Radio: Usha Mehta and the Underground Radio Station of 1942 નામનું પુસ્તક લખ્યું છે.

વસુબહેને આઝાદીની લડત માટેની તેમની પૅશનને વ્યક્ત કરતો ‘વેદના વેઠી ન જાય’ નામનો 1942 માં  લખેલો લેખ પુસ્તકમાં વાંચવા મળે છે.         

તાજેતરમાં, રેડિયો માધ્યમને લગતાં ‘સાદિકનામા : સાદિક નૂર પઠાન’ અને કલ્પના પાલખીવાલાનું ‘આકાશવાણી સમાચાર આપે છે ’ પુસ્તકો પ્રસિદ્ધ થયાં હોવાનું જણવા મળે છે, જે  ગુજરાતી  પ્રકાશન પ્રવૃત્તિ અને વાચકો માટે રસપ્રદ બાબત છે.

વસુબહેને વિજાતીય સભાનતામાંથી તેમણે આત્મકેળવણીથી મુકિત મેળવેલી એમ રઘુવીર ચૌધરી નોંધે છે. સ્વાતિ જોશી સમજાવે  છે કે ‘એક સ્વતંત્ર સ્રી હોવું એટલે શું તે તો તેમણે તેમના જીવનથી જીવી બતાવ્યું.’

જો કે આ વિશિષ્ટ માધ્યમકર્મીના અવસાનની ભાગ્યે જ કોઈ નોંધ માધ્યમોમાં આવી હતી !

-X-X-X-X-X-

pastedGraphic.png

 પ્રાપ્તિસ્થાન : ‘ગ્રંથવિહાર’, ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ : 079-26587949                                  

09 એપ્રિલ 2023
[900 શબ્દો : ‘દિવ્ય ભાસ્કર’માં આજે આવેલા પુસ્તક પરિચયમાં થોડાંક ઉમેરણ સાથેનો લેખ
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

10 April 2023 Vipool Kalyani
← ઓનલાઈન જુગાર રમત છે ને ઓફલાઈન રમત જુગાર છે …
અમેરિકાનાં પ્રયોગશીલ નાટકો : →

Search by

Opinion

  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved