
ચંદુ મહેરિયા
હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ૫૫ ટકા મોંઘવારી ભથ્થું (DEARNESS ALLOWANCE – D.A.) મળે છે. ગુજરાત સરકારના કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે ૫૫ ટકા ડી.એ. મળે છે. પરંતુ પશ્ચિમ બંગાળના સરકારી અધિકારીઓ-કર્મચારીઓને માત્ર ૧૮ ટકા જ મળે છે. એટલે પશ્ચિમ બંગાળના કર્મચારી યુનિયનો કેન્દ્રના દરોને અનુરૂપ મોંઘવારી ભથ્થું મેળવવા લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકારને રજૂઆતો અને વિરોધ પ્રદર્શનો ઉપરાંત તેમણે અદાલતમાં ધા નાંખતા સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળ સરકારને ૨૦૦૯થી ૨૦૧૯ના ચડત મોંઘવારી ભથ્થાના ૨૫ ટકા ત્રણ માસમાં ચુકવી દેવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના હુકમથી વેતન સમાનતાના વિવાદમાં કર્મચારીઓને આંશિક રાહત જરૂર મળી છે, પરંતુ હજુ લડાઈ બાકી છે.
મોંઘવારીમાં થતી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને ૧૯૭૦ના દાયકામાં સરકારી કર્મચારીઓને અને પછી તેને પગલે પંચાયત કર્મચારીઓ, સરકારી અને અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક – બિન શૈક્ષણિક કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવાનો આરંભ થયો હતો. વેતન આયોગોએ પણ સ્વીકાર્યું હતું કે સતત વધતા ફુગાવાને લીધે વેતનનું વાસ્તવિક મૂલ્ય ઘટી જાય છે. એટલે પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું પણ આપવું જોઈએ. વધતા ભાવોને પહોંચી વળવા મોંઘવારી ભથ્થા કે ડી.એ તરીકે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતી આ વધારાની મદદ છે. તે સરકારી કર્મચારીના પગાર કે પેન્શનરના પેન્શનનો મહત્ત્વનો હિસ્સો છે. વરસમાં બે વાર, જાન્યુઆરી અને જુલાઈએ તેમાં વધારો થાય છે.
અખિલ ભારતીય ગ્રાહક મૂલ્ય સૂચકાંક(All India Consumer Price Index – AICPI)ના આધારે ડી.એ.ની ગણતરી થાય છે. ગ્રાહક મૂલ્ય સૂચકાંકમાં વૃદ્ધિ થાય ત્યારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થાય છે. સામાન્યત: કર્મચારીઓ કે પેન્શનરોને મૂળ વેતન કે પેન્શનની એક ચોક્કસ ટકાવારી તરીકે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીના જીવન ખર્ચને પહોંચી વળવા ઉપયોગી છે. તેનાથી કર્મચારી-અધિકારીની કાર્યક્ષમતા વધે છે અને સંતોષમાં વધારો થાય છે. સામાજિક સલામતી, કર્મચારીઓને એકત્ર રાખવા, પ્રતિભાના સંરક્ષણ માટે પણ તે લાભદાયી છે. ડી.એ. કર્મચારીને મોંઘવારીમાં રાહત આપે છે અને આર્થિક સંકટમાં સહારો બને છે.
ગુજરાત સરકારે એના સરેલા, દેસાઈ અને અહેમદી પે કમિશન પછી ૧૯૮૭થી કેન્દ્રનું ચોથું પગાર પંચ અપનાવ્યું છે અને ત્યારથી ગુજરાતના કર્મચારીઓને કેન્દ્રીય પગારપંચ મુજબ પગાર અને ભથ્થાં મળે છે. એટલે કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું પણ મળે છે. ૨૦૧૬થી કેન્દ્ર સરકારના સાતમા વેતન પંચ પ્રમાણેના પગારો ગુજરાતનો સરકારી કર્મચારી મેળવે છે. ગુજરાતની જેમ ઘણાં રાજ્યોએ કેન્દ્રના પગાર પંચને અપનાવ્યું છે.
પશ્ચિમ બંગાળમાં પહેલું પે કમિશન ૧૯૭૧માં રચાયું હતું. તે પછી દર દાયકે તે રચાવું જોઈએ. તે પ્રમાણે ૧૯૮૧માં બીજું, ૧૯૯૦માં ત્રીજું, ૧૯૯૮માં ચોથું , ૨૦૦૯માં પાંચમું અને ૨૦૨૦માં છઠ્ઠુ પગારપંચ રચાયું હતું. જ્યારે કેન્દ્રના અને ઘણાં રાજ્યોના કર્મચારીઓ સાતમા વેતન પંચ પ્રમાણે પગારો મેળવે છે ત્યારે પશ્ચિમ બંગાળના કર્મચારીઓને તેનાથી એક પંચ પાછળ છઠ્ઠા વેતન પંચ મુજબ પગાર-ભથ્થાં મળે છે અને કેન્દ્રના કર્મચારીઓ કરતાં ૩૭ ટકા ઓછું મોંઘવારી ભથ્થું મળે છે.
કેન્દ્રના ધોરણે પગાર નહીં તો કમ સે કમ મોંઘવારી ભથ્થું મળવું જોઈએ તેવી પશ્ચિમ બંગાળના કર્મચારીઓની માંગ સાથેના વિરોધ આંદોલનો બેઅસર રહ્યા તેથી કર્મચારી યુનિયનોએ કોર્ટ પાસે ન્યાય મેળવવાનો માર્ગ અખત્યાર કર્યો. પહેલા તેમણે સ્ટેટ ટ્રિબ્યુનલમાં પિટિશન કરી, પરંતુ ત્યાં તેમની વિરુદ્ધમાં નિર્ણય આવ્યો. એટલે તેમણે કલકત્તા હાઈકોર્ટ પાસે ન્યાય માંગ્યો. મે-૨૦૨૨માં કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને તેના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ડી.એ. ચુકવી આપવા હુકમ કર્યો હતો. હાઈકોર્ટના જજમેન્ટને સ્વીકારવાને બદલે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટિશન કરી. અઢાર મુદ્દતો પછી મે-૨૦૨૫માં જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે રાજ્ય સરકારને ત્રણ મહિનામાં ચડત ડી.એ.નો ચોથો ભાગ ચુકવી દેવા આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે તેના જજમેન્ટમાં મોંઘવારી ભથ્થાને કાનૂની અધિકાર ગણ્યો છે. તેમ જ ડી.એ.ને કાયદાકીય રીતે અમલ કરવા યોગ્ય હક કહ્યો છે. અગાઉ ૧૯૮૬ના એક ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે મોંઘવારી ભથ્થું કર્મચારીનો અભિન્ન અધિકાર છે. ૨૦૨૧માં કેરળ હાઈકોર્ટે ડી.એ.ની ચુકવણી ન કરવી તે કર્મચારીઓ સાથે રાજ્યનો ભેદભાવ છે અને બંધારણના અનુચ્છેદ ૧૪નું ઉલ્લંઘન છે, એમ જણાવ્યું હતું. ૨૦૨૨માં કલકત્તા હાઈકોર્ટે ડી.એ.ને કાનૂની અધિકાર ઠેરવી સરકારી નાંણાકીય અક્ષમતા કે નાણાંના બોજની દલીલ સ્વીકારી નહોતી. પશ્ચિમ બંગાળ સરકારના કેસની વધુ સુનાવણી ઓગસ્ટ માસમાં સુપ્રીમ કોર્ટમાં થવાની છે. એ વખતે સંવિધાનના અનુચ્છેદ ૨૧માં જણાવ્યા પ્રમાણેના માનભેર આજીવિકા રળવાનો અને તેમાં સમયાંતરે વધારાનો અર્થાત મોંઘવારી ભથ્થાનો કર્મચારીને મૂળભૂત અધિકાર છે કે કેમ તેની ચર્ચા અને નિર્ણય થઈ શકે છે.
સર્વોચ્ચ અદાલતમાં પશ્ચિમ બંગાળ સરકારની દલીલ હતી કે ચડત ડી.એ.ના ૨૫ ટકાની ચુકવણી માટે પણ રાજ્ય પર રૂ.૧૦,૦૦૦ કરોડનો બોજ પડશે. સામે કર્મચારી યુનિયન વતી દલીલ થઈ હતી કે તેમના રૂ.૪૧,૦૦૦ કરોડ ડી.એ. પેટે રાજ્ય સરકાર પાસે લેણાં છે. મોંઘવારી ભથ્થાની ચુકવણીથી રાજ્ય પર નાણાંકીય બોજ પડે છે અને સરકારના ખર્ચમાં વધારો થાય છે, રાજકોષિય ખાધ વધે છે. તે સવાલ છે જ. બીજી તરફ મોંઘવારી ભથ્થાની ચુકવણીમાં સરકારો વિલંબ કરે છે અને કર્મચારીઓને તો મોંઘવારીનો માર સહન કરવો જ પડે છે. તેવો પ્રશ્ન કર્મચારીઓ ઉઠાવે છે અને તે વાજબી પણ છે.
પહેલી જુલાઈ ૨૦૨૪નું ચડત મોંઘવારી ભથ્થું ચુકવવા ભારત સરકારે ઓકટોબર -૨૦૨૪ના અંતે આદેશ કર્યો હતો. તેન પગલે ગુજરાત સરકારે ડિસેમ્બર ૨૦૨૪માં ઠરાવ કર્યો હતો. પહેલી જાન્યુઆરી ૨૦૨૫નું ડ્યુ ડી.એ. કેન્દ્ર અને ગુજરાત સરકારે એપ્રિલ ૨૦૨૫માં ચુકવવા આદેશ કર્યો હતો. એટલે મોંઘવારી અને ફુગાવા સામે રાહત માટે આપવામાં આવતું મોંઘવારી ભથ્થું ભારે વિલંબથી અને ક્યારેક તો છ મહિના પછી આપવામાં આવે છે. તેનું એરિયર્સ હપ્તે હપ્તે ચુકવવામાં આવે છે. તેથી ડી.એ.નો મૂળ હેતુ જળવાતો નથી.
મોંઘવારી તો સૌ કોઈને નડે છે. પરંતુ તેની સામે રાહત તરીકે મોંઘવારી ભથ્થું માત્ર સરકારી કર્મચારીઓને જ મળે છે. વળી સરકારી કચેરીઓમાં જ કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારીઓ, ફિક્સ પગારદારો. પાર્ટટાઈમ એમ્પ્લોઈઝ વગેરેને તે મળતું નથી. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થું મળતું નથી. દેશના વિશાળ અસંગઠિત ક્ષેત્રે કામ કરતા કામદારો પણ કોઈ મોંઘવારી સામે આવી નાણાંકીય રાહત મેળવતા નથી. તે દિશામાં પણ ચિંતન અને ચિંતા કરવાની આવશ્યકતા છે.
e.mail : maheriyachandu@gmail.com