Opinion Magazine
Number of visits: 9451910
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું મહિલાઓનાં લગ્નની વયમર્યાદા વધારવી જોઈએ ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|28 October 2020

વરસ ૨૦૨૦-૨૧ના અંદાજપત્રમાં મહિલાઓ સંબંધી યોજનાઓ જાહેર કરતાં નાણાં મંત્રીએ મહિલાઓની લગ્નવય વધારવા ટાસ્કફોર્સની રચનાનું વચન આપ્યું હતું. જૂન મહિનામાં સામાજિક –રાજકીય આગેવાન જયા જેટલીના અધ્યક્ષસ્થાને કેન્દ્રના મહિલા અને બાળવિકાસ મંત્રાલયે આ અંગે સમિતિની રચના કરી હતી. આ સમિતિ માતા-મૃત્યુ દર ઘટાડવા, માતા અને બાળકનાં પોષણસ્તર સુધારવા તેમ જ મહિલાઓની લગ્નવય વધારવા જેવી બાબતો ચકાસીને અહેવાલ આપશે. આ વરસની પંદરમી ઓગસ્ટે  ચુંમોતેરમા સ્વાતંત્ર્ય દિને  દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રજોગ સંબોધનમાં અને હવે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનની પંચોતેરમી જયંતીના ઉજવણી સંબોધનમાં વડા પ્રધાને મહિલાઓની લગ્નવય વધારવાની બાબતે સરકાર જલદીથી નિર્ણય લેનાર હોવાની ઘોષણા કરી છે.

સ્ત્રી-પુરુષની લગ્ન વય કાયદા દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે. બ્રિટિશ શાસનકાળના ૧૮૭૨ અને ૧૮૯૧ના કાયદામાં છોકરીઓની લગ્નની ઉંમર ૧૨ અને ૧૪ વરસની હતી. ૧૯૩૦ના શારદા એકટમાં તે વધારીને ૧૬ વરસની કરવામાં આવી હતી. ૧૯૭૮માં કાયદામાં સુધારા મારફત હાલમાં છોકરાઓની લગ્નવય ૨૧ વરસ અને છોકરીઓની ૧૮ વરસ છે. એક સદીમાં છોકરા-છોકરીઓની લગ્ન વયમાં માંડ છ-આઠ વરસનો જ વધારો કરી શકાયો છે ૧૯૭૮થી મહિલાઓની લગ્ન વય ૧૮ વરસની છે તેમાં સરકાર ત્રણેક વરસનો વધારો કરવા માંગે છે.

બાળલગ્નોને કારણે મહિલાઓ નાની ઉંમરે માતા બનતાં માતા અને બાળકના મૃત્યુ અને નબળાં સ્વાસ્થ્ય જેવાં કારણોનાં નિવારણ માટે મહિલાઓની લગ્નવયમાં વધારો કરવો જોઈએ એવી દલીલો થાય છે. પહેલી નજરે ઝટ ગળે ઉતરી જાય એવી આ દલીલને હકીકતોની સરાણે ચકાસવી જોઈએ. ફોર્થ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા જણાવે છે કે ૨૦૦૫-૦૬ના વરસમાં ૨૦થી ૨૪ વરસની ઉંમરની ૪૭ ટકા મહિલાઓનાં લગ્નો ૧૮ વરસ પહેલાં થઈ ગયાં હતાં. પરંતુ ૨૦૧૫-૧૬માં તે ટકાવારી ઘટીને ૨૬.૮ ટકા થઈ હતી. ભારતની વસ્તી ગણતરીના અહેવાલો પરથી પણ જણાય છે કે ૨૦૦૧ની તુલનાએ ૨૦૧૧માં ૧૫ વરસની વય પૂર્વે લગ્ન થયાં હોય તેવી સ્ત્રીઓ ૬.૬ ટકા જ છે. અર્થાત્‌ બાળ લગ્નોનું પ્રમાણ ઘટી રહ્યું છે. જો કે તે સંપૂર્ણ નાબૂદ થયાં નથી. હવે બાળવયના બદલે કિશોરવયે થતાં લગ્નો વધ્યાં છે. એટલે છોકરીઓની લગ્નવય વધારવાથી બાળલગ્નો બંધ થઈ જશે તે દલીલ યોગ્ય નથી.

બાળલગ્નોમાં થયેલો મોટો ઘટાડો માતા-મૃત્યુ દરના મોટા ઘટાડારૂપે જોવા મળતો નથી. ૨૦૧૭ના વિશ્વ બેન્કના એક અભ્યાસમાં નોંધાયું હતું કે ૧૮૬ દેશોમાં માતા-મૃત્યુ દરમાં ભારત ૧૩૦મા નંબરે હતું. નીતિ આયોગના જણાવ્યા મુજબ ૨૦૧૪-૧૬માં દર એક લાખ જન્મદીઠ માતા-મૃત્યુ દર ૧૩૦ હતો. જે હવે ઘટીને ૧૨૨ થયો છે. માતા અને બાળકનાં મૃત્યુ કે નબળું આરોગ્ય અને ઓછા વજનનું કારણ નાની વયે લગ્ન જ માત્ર નથી. ગરીબી અને કુપોષણ પણ છે. જો ગરીબી નહીં હઠે, પેટ પૂરતું ખાવાનું જ નહીં મળે તો મોટી ઉંમરે થતાં લગ્નથી પણ આ સમસ્યા હલ થવાની નથી. એટલે મહિલાઓની લગ્નવય વધારવા સાથે તેમનું પોષણસ્તર સુધારવાનાં પગલાં પણ લેવાં જરૂરી છે.

સ્ત્રીઓનાં વહેલાં લગ્નનું કારણ પણ ગરીબી અને શિક્ષણનો અભાવ છે. ૨૦ થી ૨૪ વરસની ૨૧ વરસ પહેલાં લગ્ન કર્યા હોય તેવી તમામ આર્થિકસ્તરની સ્ત્રીઓ ૫૬ ટકા છે. પણ એ જ આયુની સૌથી ગરીબ વર્ગની મહિલાઓમાં તેની ટકાવારી ૭૫ ટકા જેટલી ઊંચી છે. માબાપ માટે દીકરી બોજ ગણાતી હોય અને તેની સુરક્ષા, શિક્ષણ, રોજગારની ચિંતા હોય તે કારણથી તેના વહેલાં લગ્નો કરી દેવામાં આવે છે. ગામમાં જ શિક્ષણની વ્યવસ્થા ન હોવાથી  ૧૫થી ૧૭ વરસની ઉંમરની છોકરીઓ મોટા પ્રમાણમાં ભણવાનું છોડે છે. એટલે પણ લગ્ન વયનો વધારો ગરીબી, બેરોજગારી, સ્ત્રી સુરક્ષા અને મહિલા શિક્ષણની પર્યાપ્ત વ્યવસ્થા વિના બેમતલબ બની શકે છે.

સ્ત્રી-પુરુષની લગ્ન વયમાં હાલમાં જે તફાવત જોવા મળે છે તે મહિલાઓની લગ્નવય વધારવાથી યથાવત રહેશે કે દૂર થશે તે પણ સવાલ છે. આખી દુનિયાએ મહિલાઓની ૧૮ વરસની ઉંમરને લગ્ન યોગ્ય માની છે. એ ઉંમરે સ્ત્રીનું શરીર પૂર્ણપણે વિકસી ગયાનું, પ્રસવ માટે સક્ષમ હોવાનું અને બાળકની દેખભાળ રાખી શકે તેવા મનો-શારીરિક વિકાસ થયાનું કહેવાય છે. પરંતુ હાલમાં સ્ત્રી-પુરુષની લગ્ન વયમાં જે ત્રણ વરસનો તફાવત છે તેનો તર્ક સમજાતો નથી. પત્ની પતિ કરતાં ઉંમરમાં નાની હોવી જોઈએ તેવી રૂઢિજડ પરંપરાનું તે દ્યોતક છે. સ્ત્રીના સમાનતા અને ગરિમામય જીવનના બંધારણદીધા વચનનો પણ તેમાં ભંગ થાય છે. તેથી સ્ત્રી-પુરુષની લગ્ન વય સમાન રાખવા વિચારવું રહ્યું.

અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ, કાશ્મીરમાં અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી, તીન તલાક પર પ્રતિબંધ, નાગરિકતા કાનૂન અને કોમન સિવિલ કોડની જેમ વસ્તી વૃદ્ધિ પર નિયંત્રણ એ ભારતીય જનતા પક્ષનો રાજકીય એજેન્ડા અને ખરી રાજકીય ઓળખ મનાય છે. તમામ ધર્મની મહિલાઓની લગ્નવયમાં વધારો કરવાનો વર્તમાન પ્રયાસ સરકારનું મહિલા સમાનતાની દિશાનું પગલું છે કે તેનો વસ્તી નિયંત્રણનો એજેન્ડા છે, તેવો સવાલ પણ ઊઠવો સ્વાભાવિક છે. મહિલાઓની લગ્નવય વધતાં તેની પહેલી પ્રસૂતિની ઉંમર વધશે તેને કારણે વસ્તી નિયંત્રણ થઈ શકશે. આ ફાયદો  લગ્નવયના વધારાનો છે. જો કે ભારતમાં મહિલાઓનો પ્રજનન દર ઝડપથી ઘટી રહ્યો છે તે જોતાં સરકારનો ઈરાદો વસ્તી નિયંત્રણનો હોવાની આશંકા સાચી ઠરતી નથી.

જે કામ સમાજસુધારણા થકી કરવાનું હોય તે કાયદાના દંડૂકાથી કરવાનું કેટલું યોગ્ય મનાય ? સ્ત્રી-પુરુષ સમાનતા, બાળ લગ્ન નિષેધ, સ્ત્રી શિક્ષણ અને સુરક્ષા આ બધી બાબતો સરકારના જેટલી જ સમાજને લાગુ પડે છે. આપણાં દેશમાં સમાજ સુધારણાનું સ્થાન જાણે કે કાયદાએ લઈ લીધું છે. શિક્ષણનું પ્રમાણ વધતાં અને ગરીબી ઘટતાં બાળ લગ્નો જેમ ઘટી રહ્યાં છે તેમ વસ્તી વૃદ્ધિ પણ અટકી છે. રોજગાર, આરોગ્ય, શિક્ષણ, સલામતી, સામાજિક – આર્થિક અસમાનતાની નાબૂદી અને સંસાધનોની સમાન, ન્યાયી તથા યોગ્ય વહેંચણી માટે સરકારે પ્રયત્નશીલ બનવાનું છે. સાથે જ સમાજ સુધારણા અને જાગ્રતિ માટે સમાજે પ્રયાસો વધારવાના છે. તો જ સમાજનો સાચો વિકાસ થઈ શકે.

(તા.૨૮-૧૦-૨૦૨૦)

e.mail : maheriyachandu@gmail.com

Loading

28 October 2020 admin
← ‘અચ્છે દિન’ના હિસ્સેદાર બનવા માગતા દલિતોને શું મળ્યું?
ચીન અને ભારતમાં આટલું અંતર કેમ ? →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved