જે રીતે નરેન્દ્ર મોદી વિકાસના રથને આગળ ધપાવી શકતા નથી એ જોઈને લોકો ગુજરાત મૉડલ વિશે પુન:સમીક્ષા કરવા લાગ્યા છે. ખાસ કરીને પાટીદારોના આંદોલને આવી સમીક્ષા માટે કારણ પૂરું પાડ્યું છે. જે રીતે યોગી આદિત્યનાથ જેવા બે બદામના માણસો રાજ્યને હાઇજૅક કરી રહ્યા છે એ જોઈને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે જેમ ૨૦૦૨માં બન્યું હતું એનું પુનરાવર્તન તો નથી થઈ રહ્યુંને?
ઘણા સમયથી મનમાં એક મૂંઝવણ ચાલી રહી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાચાર છે, કમજોર છે કે પછી તોફાનો કરનારા હિન્દુત્વવાદીઓ સાથે મળેલા છે. આમ તો વિચારધારાનું કુળ એક જ છે એટલે તેઓ મળેલા હોવા જોઈએ એમ માની લેવામાં કંઈ જ અતાર્કિક નથી. ૨૦૦૨માં ગુજરાતમાં મુસલમાનોનો નરસંહાર કરવામાં આવ્યો ત્યારે સેક્યુલરિસ્ટોએ માની લીધું હતું કે એ શરમજનક રમખાણોમાં મુખ્ય પ્રધાન અને ગુજરાત સરકાર ભાગીદાર હતાં. આનું કારણ એ હતું કે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં નરસંહાર કરનારા લોકોનું કુળ એક જ હતું. સરકારની સીધી કે આડકતરી ભાગીદારી વિના આવડો મોટો હત્યાકાંડ શક્ય જ નથી એ સાદી સમજની વાત છે. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી જે રીતે અને જે પ્રમાણમાં સિખોની હત્યા કરવામાં આવી હતી એમાં દિલ્હીના કૉન્ગ્રેસી શાસકો અને નેતાઓનો હાથ હતો.
જ્યાં સુધી આરોપી સામેનો આરોપ અદાલતમાં સાબિત ન થાય ત્યાં સુધી તેને ગુનેગાર ન કહી શકાય એ ન્યાયનું મૂળભૂત તત્ત્વ માન્ય છે, પણ આપણે ત્યાં હજારો લોકોની નજર સામે હત્યા કરનારો પણ ગુનેગાર સાબિત થતો નથી ત્યાં માની લેવા સિવાય બીજો વિકલ્પ શું છે. દિલ્હીના સિખવિરોધી હત્યાકાંડમાં કૉન્ગ્રેસીઓનો હાથ હતો અને એમાં સરકારનો સાથ હતો એમ માની લેવામાં આવ્યું હતું અને એ રીતે જ ગુજરાતમાં જે બન્યું એમાં હિન્દુત્વવાદીઓનો હાથ હતો અને સરકારનો સાથ હતો એમ માની લેવામાં આવ્યું હતું.
આની સામે કેટલાક લોકો કહેતા હતા કે હજી તો બે મહિના પહેલાં ગુજરાતના મુખ્ય પ્રધાન બનેલા નરેન્દ્ર મોદીને ગુજરાતના ૨૦૦૨ના હત્યાકાંડ માટે જવાબદાર ઠેરવવા એ અન્યાય છે. એવું બને કે બિનઅનુભવી નરેન્દ્ર મોદીના હાથમાંથી પરિસ્થિતિ સરકી ગઈ હોવી જોઈએ. બીજું, નરેન્દ્ર મોદીનું નેતા તરીકેનું મૂલ્યાંકન ૨૦૦૨ની ઘટના પછી તેમણે કરેલા કામના આધારે કરવું જોઈએ. ૨૦૦૨થી ૨૦૧૪માં તેઓ વડા પ્રધાન બન્યા ત્યાં સુધી તેમના કામકાજમાં હિન્દુ એજન્ડા જોવા નહોતો મળતો. ત્રીજી દલીલ એવી હતી કે અદાલતોમાં ભલે ગોકળગાયની ઝડપે ખટલાઓ ચાલતા હોય, પરંતુ નરેન્દ્ર મોદીની સંડોવણીને લાગેવળગે છે ત્યાં સુધી સર્વોચ્ચ અદાલતે તેમને ક્લીન ચિટ આપી દીધી છે.
ઘણા લોકોએ આ રીતે નરેન્દ્ર મોદીને શંકાનો લાભ આપ્યો હતો. કેટલાક સેક્યુલરિસ્ટોએ પણ નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીમાં મત આપ્યા હતા. ભારતીય જનતા પાર્ટીને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં માત્ર ૩૧ ટકા જ મત મળ્યા છે એ ધ્યાનમાં રાખવું જોઈએ અને એમાંથી ઓછામાં ઓછા દસ ટકા મતદાતા એવા હોવા જોઈએ જેમણે નરેન્દ્ર મોદીને શંકાનો લાભ આપીને મત આપ્યા હતા. સેક્યુલરિસ્ટો તો ઠીક, મુસલમાનોએ પણ શંકાનો લાભ આપીને ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા હતા. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી આ લખનારે પણ આ કૉલમમાં લખ્યું હતું કે આપણે ૨૦૦૨ને પાછળ છોડીને નરેન્દ્ર મોદીને મુક્ત મને જોવા જોઈએ. દરેક માણસ બદલાવાની ક્ષમતા ધરાવે છે એટલે તેને તક આપવી જોઈએ. બીજી વાત એ છે કે નરેન્દ્ર મોદીએ જો ભારતના અમર અને અમર નહીં તો સફળ વડા પ્રધાન બનવું હોય તો સબકા સાથ સબકા વિકાસ સિવાય બીજો કોઈ માર્ગ નથી. નરેન્દ્ર મોદી મહત્ત્વાકાંક્ષી છે, ભારતના મહાન વડા પ્રધાનોમાં સ્થાન મેળવવા માગે છે, તેઓ પોતે જ સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે ત્યારે તેઓ એક તકની લાયકાત ધરાવે છે એમ જો કોઈ દલીલ કરે તો એ અતાર્કિક નથી. એવી દલીલ ત્યારે કરવામાં આવતી હતી અને એનું પરિણામ નરેન્દ્ર મોદીનું વડા પ્રધાનપદ છે.
હવે દોઢ વર્ષે ફરી પાછો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદી લાચાર છે, કમજોર છે કે પછી તોફાનો કરનારા હિન્દુત્વવાદીઓ સાથે મળેલા છે? ઘણા લોકો એવી દલીલ કરે છે કે ૨૦૦૨માં નરેન્દ્ર મોદીને ગુજરાતકાંડમાં ભાગીદાર ઠેરવ્યા એ ખોટું આકલન હતું, વાસ્તવમાં તેઓ લાચાર અને કમજોર હતા. હિન્દુત્વવાદીઓ એ સમયે રાજ્યને હાઇજૅક કરી ગયા હતા અને નરેન્દ્ર મોદી જોતા રહી ગયા હતા. એ સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ નરેન્દ્ર મોદીને રાજધર્મ નિભાવવાની જે સલાહ આપી હતી એ તટસ્થતા જાળવવા માટેની કાન આમળનારી નહોતી, પરંતુ રાજ્યની શક્તિનું અને શાસક તરીકેની ફરજનું ભાન કરાવનારી શિખામણરૂપ હતી. ગુજરાતનાં હુલ્લડો પછી ગુજરાતના હિન્દુઓ એટલી હદે કોમવાદી બની ગયા હતા કે નરેન્દ્ર મોદી પોતાની લોકપ્રિયતા બચાવવા અને પોતાનું સ્થાન બચાવવા રાતોરાત હિન્દુરક્ષક બની ગયા હતા. તેમણે એટલી હદે મુસલમાનો વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું હતું જેને કારણે હિન્દુઓમાં છાપ એવી પડી હતી કે ૫૬ની છાતી ધરાવનારા નરેન્દ્ર મોદીએ મુસલમાનોને તેમનું સ્થાન બતાવી આપ્યું છે. નરેન્દ્ર મોદીએ સિફતથી નિષ્ફળતાને સફળતામાં ફેરવી નાખી હતી.
નરેન્દ્ર મોદીની આમાં માસ્ટરી છે. તેઓ એટલી હદે પોતાને પ્રેમ કરે છે કે તેઓ પોતાને વેચી શકે છે, પ્રોજેક્ટ કરી શકે છે, ઇમેજ મેકઓવર કરી શકે છે, સેલ્ફ-માર્કેટિંગ કરી શકે છે. તેઓ ઉત્તમ અને ચતુર વક્તા છે, ગમે તેને હડસેલો મારવાની નિદર્યતા ધરાવે છે. સીડી ચડવા માટે જેટલા ગુણ આવશ્યક છે એ બધા જ ગુણો નરેન્દ્ર મોદી ધરાવે છે, માત્ર શાસક તરીકે તેઓ કમજોર છે. કહેવાતું ગુજરાત મૉડલ એ માર્કેટિંગ છે. જો ગુજરાતમાં એવો અધધધ વિકાસ થયો હોત તો પાટીદારો અનામતની માગણી કરતા હોત? પાટીદારોએ અનામતની માગણી કરીને ગુજરાતના કહેવાતા વિકાસની હવા કાઢી નાખી છે. એટલે તો હાર્દિક પટેલ સામે દેશદ્રોહનો અકલ્પનીય આરોપ લગાવીને તેને અનિશ્ચિત મુદત માટે જેલમાં ધકેલી દીધો છે.
આજે નરેન્દ્ર મોદીના આકલને પાછળ નજર કરનારી પુનર્વિચારની ઊલટી દિશા પકડી છે. જે રીતે નરેન્દ્ર મોદી વિકાસના રથને આગળ ધપાવી શકતા નથી એ જોઈને લોકો ગુજરાત મૉડલ વિશે પુન:સમીક્ષા કરવા લાગ્યા છે. ખાસ કરીને પાટીદારોના અંદોલને આવી સમીક્ષા માટે કારણ પૂરું પાડ્યું છે. જે રીતે યોગી આદિત્યનાથ જેવા બે બદામના માણસો રાજ્યને હાઇજૅક કરી રહ્યા છે એ જોઈને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે જેમ ૨૦૦૨માં બન્યું હતું એનું પુનરાવર્તન તો નથી થઈ રહ્યુંને? ક્યાંક એવું તો નથીને કે નરેન્દ્ર મોદી હિન્દુત્વવાદીઓ સાથે ભાગીદાર નથી, પરંતુ સ્વ-પ્રેમમાં ચોવીસે કલાક મશગૂલ રહેતા લાચાર અને કમજોર વડા પ્રધાન છે? રાહ જુઓ, થોડા મહિનાઓમાં જવાબ મળી જશે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 06 નવેમ્બર 2015
http://www.gujaratimidday.com/features/columns/narendra-modi-helpless-and-weak-prime-minster-2