Opinion Magazine
Number of visits: 9446689
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘શુભ સુખ ચૈનકી બરસા બરસે .… ’… નેતાજીનું રાષ્ટ્રગીત

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|17 September 2019

ભારતીયતાએ સ્થૂળ ભૌગોલિક સરહદો પાર કરીને સમગ્ર વિશ્વમાં વિસ્તરેલી, માનવધર્મનાં મૂળભૂત મૂલ્યોને વરેલી બૃહદ્દ વિચારધારાનું નામ છે. સદીઓની સમૃદ્ધ પરંપરાઓમાંથી જન્મેલાં વિવિધ ઉદ્દાત મૂલ્યોએ ભારતને સાંસ્કૃતિક બહુલતા અર્પી છે. દેશ અને સમાજમાં અપાર વૈવિધ્ય હોવા છતાં, ભારતમાં સહઅસ્તિત્વની એક ઉજળી પરંપરા છે. એને કારણે જ ભારત આજે અકબંધ અને અડીખમ છે. મશહૂર શાયર ઇકબાલે એટલે જ કહ્યું હશે કે,

        'યુનાનો, મિસ્રો, રૂમાં સબ મિટ ગયે જહાંસે, ફિર ભી બાકી રહા હૈ, નામોનિશાં હમારા,
         કુછ બાત હૈ, કી હસ્તી મિટતી નહિ હમારી, સદીયો રહા હૈ દૌરે દુશ્મન જહાં હમારા'

ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા રહી છે કે, એનાં બાહ્ય આવરણોમાં સતત પરિવર્તનો થયા હોવા છતાં, એનું અંત:સત્ત્વ અકબંધ સચવાઈ રહ્યું છે, અને એટલે આજે પણ થતા નાના મોટા કે ઉપરછલ્લા ફેરફારોથી એની ઓળખ કે મૂલ્યોમાં કોઈ પરિવર્તન થયું નથી. એક રાષ્ટ્ર તરીકે ભારત ભાવાત્મક એકતાના તાંતણે બંધાયેલું છે. ભારતવાસીઓને એક તાંતણે બાંધનાર મુખ્ય બે રાષ્ટ્રીય પ્રતીકો છે : ૧, રાષ્ટ્રધ્વજ અને ૨, રાષ્ટ્રગીત. આ બંને પ્રતીકો આપણા દેશની આન, બાન અને શાન છે.

'મા, માટી અને માનુષ'નું સ્વાભિમાન અને ગૌરવ ધરાવતી બંગાળની પવિત્રભૂમિ અને બંગાળી ભાષાએ ભારતને બે રાષ્ટ્રીય ગીત આપ્યા છે. ૧, 'જન ગણ મન' (રવીન્દ્રનાથ ટાગોર) અને ૨, 'વંદે માતરમ્‌' (બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય) એટલું જ નહિ, આ ભૂમિએ રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ જેવા આધ્યાત્મિકો, રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજસુધારકો, રવીન્દ્રનાથ અને શરદચંદ્ર જેવા સાહિત્યકારો તથા દેશબંધુ ચિત્તરંજન દાસ અને સુભાષચન્દ્ર બોઝ જેવા મહાન દેશભક્ત સ્વાતંત્ર્ય સેનાનીઓની ભેટ મા ભારતીને ચરણે ધરી છે.

અહીં ચર્ચાનો ઉપક્રમ નેતાજી અને રાષ્ટ્રગીત છે. પરંતુ એ ઉપક્રમ શરૂ કરતાં પહેલાં મારે, આપને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના એક તેજસ્વી તારક સુભાષચંદ્ર બોઝ સંદર્ભે થોડી વાત કરવી છે. સુભાષચંદ્રનું ક્રાંતિકારી વ્યક્તિત્વ તેમને દેશના અન્ય મહાપુરુષોથી અલગ ઓળખ અપાવે છે. આપણા લોકસાહિત્યના દુહા – 'જનની જણે તો ત્રણ જણજે, ભક્ત દાતા કાં શૂર, નહિ તો રહેજે વાંઝણી, તારું મત ગુમાવીશ નૂર.’

પ્રમાણે માતા પ્રભાવતીના લાલ સુભાષચંદ્ર ભક્ત, દાતા અને શૂર એમ ત્રણેય લક્ષણો ધરાવતા મહાપુરુષ છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી સેનાપતિ, આઝાદ હિંદ સરકારના રાષ્ટ્રપતિ અને ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસના અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝને ભારતના લોકો પ્રેમથી 'નેતાજી'ના નામે ઓળખે છે. તેમની આત્મકથાના શીર્ષક – 'એક ભારતીય તીર્થયાત્રી' પ્રમાણે સાચા અર્થમાં તેઓ એક તીર્થયાત્રી હતા. જેમણે ભારતરૂપી તીર્થનો ઉદ્ધાર કરવા પોતાનું જીવન સમર્પિત કર્યું.

મિશનેરી સ્કૂલોમાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હોવા છતાં, તેઓ હંમેશાં ભારતીયતાના રંગે રંગાયેલા રહ્યા. સ્કોટીશ ચર્ચ કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે ૧૯૧૮માં સ્નાતક થયા પછી તેઓ દર્શનશાસ્ત્રમાં એમ.એ કરવા માંગતા હતા, પણ પિતા જાનકીનાથની ઈચ્છાને માન આપી, ઇંગ્લેંડમાં I.C.S.(ઇન્ડિયન સિવિલ સર્વિસ)ની પરીક્ષા ચોથા ક્રમે પાસ કરી. પણ તેમની ઈચ્છા ગમે તેટલી પ્રતિષ્ઠિત નોકરી મળે, તો પણ અંગ્રેજોની ગુલામી કરવાની હતી નહિ . આથી પિતાજીના ગુસ્સાની પરવા કર્યા વિના, ૧૯૨૧માં I.C.S.ના પદેથી રાજીનામું આપી, મા ભારતીની સેવા માટે ભારત આવી ગયા. દેશભક્તિનું આવું ઝનૂન અને આવો ત્યાગ … અદ્દભુત !! આ સમયે અસહકારનું આંદોલન ચાલતું હતું. સુભાષચંદ્રે આ આંદોલનમાં ભાગ લઇ પ્રિન્સ ઓફ વેલ્સની યાત્રા વિરુદ્ધ બહિષ્કાર અને હડતાલનું સંચાલન કર્યું. પરિણામ સ્વરૂપ તેઓ પ્રથમવાર જેલ ગયા.

અહીં એ વાત નોંધપાત્ર છે કે, સુભાષચન્દ્રને પ્રથમ મુલાકાતથી જ ગાંધીજી સાથે વૈચારિક મતભેદ હતા. જેલમાંથી છૂટ્યા પછી ગરીબ અને પછાતવર્ગના સમાજની સેવાનું બીડું ઉઠાવ્યું. ભારતની ગરીબી, ગંદકી, ભૂખમરો, રોગચાળો જોઈ તેઓ દુઃખી થયા. તેઓ વિચારતા કે લોકો આ બધા દુઃખોથી ત્રસ્ત છે, ત્યારે યોગ સાધનાનો શો લાભ ? તેમના મનમાં તત્કાલીન સામાજિક વ્યવસ્થા સામે વિદ્રોહ કરવાનો વિચાર પણ જન્મ્યો. ૧૯૨૨માં બંગાળમાં આવેલ પૂર સમયે તેમણે જે રાહતકાર્ય કર્યું જેની પ્રશંસા તત્કાલીન બંગાળના અંગ્રેજ ગવર્નર લોર્ડ લિટને પણ કરી હતી. આમ તો સુભાષચંદ્રને રાજનીતિ પ્રત્યે ઝાઝો લગાવ નહોતો, વેદાંત અને રહસ્યવાદ તેમના પ્રિય વિષય હતા. તેમને સામાજિક, ધાર્મિક અને અધ્યાત્મિક ક્ષેત્ર પ્રત્યે વિશેષ આકર્ષણ હતું. તેમણે તો આધ્યાત્મિક ગુરુની શોધ પણ આદરી હતી !!        

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ  ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના બે મજબૂત આધારસ્થંભ હતા. હા, એ સત્ય છે કે બંનેની વિચારધારા, બંનેની ચિંતન પદ્ધતિ પહેલેથી જ અલગ હતી. ગાંધીજી સાથેની પ્રથમ મુલાકાતમાંજ બાપુના વિચારો સાથે અસહમત નેતાજીના વ્યક્તિત્વથી એ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે સ્વાતંત્ર્ય પ્રાપ્તિના બંનેના માર્ગ અલગ છે. મહાત્મા ગાંધીને સાચા માણસની પરખ  હતી, એટલે વૈચારિક મતભેદ હોવા છતાં તેમણે સુભાષચંદ્રને, બંગાળ કૉન્ગ્રેસના લોકપ્રિય નેતા દેશબંધુ ચિતરંજન દાસને મળવા જણાવ્યું. સુભાષચંદ્ર તેમનાથી પ્રભાવિત થયા અને તેમની જ પ્રેરણાથી નવેમ્બર ૧૯૨૧માં કૉન્ગ્રેસના સભ્ય બન્યા. આ ઉપરાંત તેમનામાં રાજનીતિક ચેતના જગાડવામાં હેમંતકુમારનું પ્રદાન પણ મહત્ત્વનું છે. કૉન્ગ્રેસમાં જોડાયા બાદ નેતાજી, હરિપુરા અને ત્રિપુરાના કૉન્ગ્રેસ અધિવેશનોમાં અધ્યક્ષ બન્યા. આંદોલનોને કારણે અનેકવાર તેમણે કોલકત્તા, અલીપુર, જબલપુર, માંડલે(બર્મા)ની જેલયાત્રા કરી. જેલની ભયંકર પ્રતાડના, અનિયમિત ખોરાક અને દૂષિત વાતાવરણની તેમના સ્વાસ્થ્ય પર ભારે અસર થઈ હતી. આમ છતાં માતૃભૂમિની  ગુલામીના બંધનો તોડવા તેઓ મથતા રહ્યા.    

૧૯૨૮માં કૉન્ગ્રેસના કોલકત્તા અધિવેશનમાં ડોમિનિયન સ્ટેટ્સના પ્રશ્ને ગાંધીજી સાથે મતભેદ ઊભા થયા છતાં, કડવાશ ભૂલીને તેમણે નિ:સ્વાર્થ ભાવે રાષ્ટ્રની સેવા ચાલુ રાખી. વળી, ૧૯૨૯ના લાહોર અધિવેશનમાં નેતાજીએ અંગ્રેજોને સમાનાંતર સરકારની સ્થાપના કરવાનો ક્રાંતિકારી પ્રસ્તાવ મૂક્યો, પણ એનો અહીં અસ્વીકાર કરવામાં આવ્યો. હરિપુરા પછી ત્રિપુરા અધિવેશનમાં તેઓ પુનઃ કૉન્ગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા, પરંતુ ગાંધીજી આ અધિવેશનમાં ન આવ્યા ! કૉન્ગ્રેસના આંતરિક વિખવાદને કારણે રાજનીતિક પરિસ્થિતિઓ બગડી અને ગાંધીજી સાથેના તેમના સંબંધોમાં તિરાડ પડી. આથી દુઃખી મને નેતાજીએ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યું.

સમાજ અને રાષ્ટ્રસેવાનો ભેખ ધારણ કરનાર સુભાષચંદ્રએ રાજીનામાના ત્રીજા દિવસે જ ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી. ૨૫ મે ૧૯૪૦માં એના અધિવેશનમાં સુભાષચંદ્ર અને એમના સાથીઓની ધરપકડ કરવામાં આવી.નેતાજીએ આમરણાંત ઉપવાસની જાહેરાત કરી, આ જાહેરાતથી ગભરાયેલી સરકારે તેમને નજરકેદ કર્યા. સુભાષચંદ્ર બોઝ આ નજરકેદમાંથી પઠાણનો વેશ ધારણ કરી છટકી ગયા, અને કાબુલ થઈ બર્લિન પહોંચી ગયા. જાપાનની સરકારે તેમને મદદ અને સમર્થન જાહેર કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જાપાનની મદદથી, ભારતને આઝાદ કરાવવા માટે, રાસબિહારી બોઝ નામના દેશભક્ત ભારતીયએ ૧૯૪૨માં ટોકિયોમાં આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી, પછીથી તેમણે સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ કમાન્ડર નિયુક્ત કર્યા. ૨૦ જૂન ૧૯૪૩ના રોજ તેમણે ટોકિયો રેડિયો પરથી ભાષણ આપતાં કહ્યું કે – 'હમારી માતૃભૂમિ સ્વતંત્રતા કિ ખોજમેં હૈ, તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા.  યહ સ્વતંત્રતા કી દેવી કી માંગ હૈ.’ તેમનું આ જોસ્સાવર્ધક સૂત્ર. – 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા'. જે ખૂબ લોકપ્રિય નીવડ્યું.

આઝાદ હિન્દ ફૌજની સલામી ઝીલતાં મા ભારતીના આ સપૂતે સિંગાપુરમાં કહ્યું કે  'ચલો દિલ્હી'   – 'હમેં દિલ્હી કે લાલકિલે પર તિરંગા ફહરાના હૈ, યહ કાર્ય કહને મેં જીતના સહજ હૈ, કરનેમે ઉતના હી કઠીન હૈ, ક્યોંકિ હમારા માર્ગ કંટકપૂર્ણ હૈ તથા હમેં ઉસીસે ચલકર જાના હૈ .' મહાત્મા ગાંધી સાથે વૈચારિક મતભેદ હોવા છતાં નેતાજી, મહાત્માનું આદર -સન્માન કરતા. આઝાદ હિન્દ ફૌજની એક રેજીમેન્ટનું નામ 'ગાંધી-બ્રિગડ' રાખ્યું હતું. એટલું જ નહિ, દેશથી દૂર અને યુદ્ધનો સમય હોવા છતાં તેઓ ગાંધીજીનો જન્મ દિવસ ઉજવતા. સુભાષચંદ્ર જ પહેલા વ્યક્તિ હતા, જેમણે ગાંધીજીને 'રાષ્ટ્રપિતા' કહ્યા. કેવું નિખાલસ, નિસ્વાર્થ, ઉદ્દાત અને ભવ્ય વ્યક્તિત્વ છે નેતાજીનું.

સિંગાપુરમાં જ આઝાદ હિન્દની અંતરિમ સરકારની જાહેરાત કરી અને જીવનના અંતિમ શ્વાસ સુધી સ્વતંત્રતા માટે યુદ્ધ લડવાના શપથ લીધા. બીજા વિશ્વયુદ્ધમાં જાપાન સાથે મળી આઝાદ હિન્દ ફૌજે અંગ્રેજ સરકાર વિરુદ્ધ લડાઈ આદરી. પરંતુ …. પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે જર્મની – જાપાને હાર માની તેથી આઝાદ હિન્દ ફૌજનો પરાજય થયો. આમ છતાં પૂર્વ ભારતનો કેટલોક ભાગ અને અંદામાન – નિકોબાર દ્વીપને અંગ્રેજોથી આઝાદ હિન્દ ફૌજે મુક્ત કરાવી, અનુક્રમે 'શહીદદ્વીપ' અને 'સ્વરાજદ્વીપ' નામ આપ્યા. પરાજય છતાં ભારતમાતાના આ લાલે નિરાશ થાય વિના કહ્યું કે – 'અબ ભી કુછ સમાપ્ત નહિ હુઆ. ઇસમેં કોઈ સંદેહ નહિ કિ હમેં ગિરફ્તાર કર લિયા જાયેગા. કિન્તુ દેશમે ઇસસે ઐસે જોશ વ ઉત્સાહકા સંચાર હોગા જીસસે અંતત : આઝાદ હિન્દદેશ કે સૈનિક છૂટેંગે વ દેશ આઝાદ હોગા.' સાચે જ સુભાષચંદ્ર બોઝ ક્રાંતિની સળગતી મશાલ હતા. ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ જાપાનથી રશિયા જતાં વિમાની દુર્ઘટનામાં, તાઈપેઈની આર્મી હોસ્પિટલમાં ભારત માતાના પનોતા પુત્ર સુભાષ બાબુએ અંતિમ શ્વાસ લીધા.

સુભાષચંદ્ર બોસ જેવા મહાન તેજસ્વી વ્યક્તિત્વની એવી અનેક બાબતો અંધારામાં રહી ગઈ છે, કે જેના વિષે ભારતના લોકો આજ દિન સુધી જાણી શક્યા નથી. આ બાબતોમાં એક છે રાષ્ટ્રગીત. આપણા આજના રાષ્ટ્રગીત, ’જન ગણ મન અધિનાયક ભારત ભાગ્યવિધાતા ….'ને બદલે સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ માટે આ ગીતમાં થોડા ફેરફાર કરી એક નવું રાષ્ટ્રગીત સ્વીકાર્યું હતું.

'શુભ સુખ ચૈન કિ બરસા બરસે …' એના વિશે વાત માંડતા પહેલાં રાષ્ટ્રગીતના અતીત તરફ એક નજર કરવી ઇષ્ટ લેખાશે. ' જન ગણ મન અધિનાયક ભારત ભાગ્યવિધાતા' એ  નોબેલ પારિતોષિક વિજેતા કવિ રવીન્દ્રનાથ ટાગોરે મૂળ બંગાળી(સાધુ ભાષા)માં "ભારત ભાગ્ય વિધાતા” શીર્ષક હેઠળ રચ્યું. જે ઈ.સ. ૧૯૦૫માં 'તત્ત્વબોધિની પત્રિકા' નામના સામાયિકમાં ફેબ્રુઆરી ૧૯૦૫માં પ્રગટ થયું અને સૌ પ્રથમવાર એનું ગાન ૨૭ ડિસેમ્બર ૧૯૧૧માં કોલકત્તાના કૉન્ગ્રેસ અધિવેશનમાં થયું. ગુરુદેવ ટાગોરની આ રચનાને ભારતની બંધારણ સભામાં તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્રપ્રસાદે ૨૬ જાન્યુઆરી ૧૯૪૯ના રોજ  મતદાન વિના સહમતિથી રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યું. અને સાથે એક સૂચન પણ કર્યું કે ભવિષ્યમાં આ ગીતનાં સંગીતની ધૂનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યા વિના સંસદ બહુમતીથી રાષ્ટ્રગીતના પાંચ ટકા શબ્દોમાં બદલાવ કરી શકશે.

'જન ગણ મન' સંદર્ભે ઇતિહાસની આ એક બાબત પણ નોંધપાત્ર છે. કે ભારતની બંધારણ સભાએ એને રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યું, એના આઠ વર્ષ પહેલાં શબ્દોના થોડાક ફેરફાર સાથે સુભાષચંદ્ર બોઝે, જર્મનીના હેમ્બર્ગમાં એને રાષ્ટ્રગીત જાહેર કર્યું હતું.

એ ગીતના શબ્દોને જોઈએ તો ….

          શુભ સુખ ચૈન કી બરસા બરસે, ભારત ભાગ્ય હૈ જાગા
          પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, બંગા
          ચંચલ સાગર વિંધ્ય હિમાલય નીલા જમુના ગંગા
          તેરે નિત ગુણ ગાયેં
          તુજસે જીવન પાયેં 
          સબ જન પાયે આશા
          સૂરજ બનકર જગ પર ચમકે ભારત નામ સુભાગા
          જય હો, જય હો, જય હો, જય જય જય જય હો.
    
         સબકે દિલમે પ્રીત બસાયે તેરી મીઠી વાણી
         હર સૂબે કે રહને વાલે, હર મજહબ કે પ્રાણી
         સબ ભેદ ઔર ફર્ક મીટા કે
         સબ ગોળ મેં તેરી આકે
         ગૂંથે પ્રેમ કી માલા
         સૂરજ બનકર જગ પર ચમકે ભારત નામ સુભાગા
         જય હો, જય હો, જય હો, જય જય જય જય હો.

         સુબહ સવેરે પંખ પંખેરું તેરે હી ગુણ ગાયે
         બાસ ભરી ભરપૂર હવાયેં જીવનમેં ઋત લાયે
         સબ મિલ જયહિન્દ પુકારે
         જય આઝાદ હિન્દ કે નારે
         પ્યારા દેશ હમારા
         સૂરજ બનકર જગ પર ચમકે ભારત નામ સુભાગા
          જય હો, જય હો, જય હો, જય જય જય જય હો.

આજે જ્યારે સમગ્ર વિશ્વ અને ભારતમાં પણ, રાષ્ટ્રવાદની વિચારધારા પકડ જમાવી રહી છે, રાષ્ટ્રીય અસ્મિતાનો ખ્યાલ લોકોના દિલોદિમાગમાં સ્વાભિમાન જગાવી રહ્યો છે. પરિણામ સ્વરૂપે દેશમાં રોડ- રસ્તા, શહેર-નગરોનાં નામ બદલાઈ રહ્યાં છે. રાષ્ટ્રવાદના આ વહેણમાં દબાયેલા સૂરે એક માંગ ઊઠી છે, રાષ્ટ્રગીતમાં થોડો ફેરફાર કરવાની !! દાયકાઓથી ભારતની આન  બાન અને શાન અને કરોડો ભારતવાસીઓના દિલની ધડકન સમું 'જન ગણ મન …' કોઈ જાહેર સમારંભ, સ્પર્ધા કે સ્ટેડિયમમાં ગવાય કે રાષ્ટ્રીય -આંતરરાષ્ટ્રીય સ્તરે એની ધૂન ગુંજે ત્યારે આપણી છાતી ગજ ગજ ફૂલે. પરંતુ … તો પછી આજે એમાં બદલાવની માંગ શા માટે ??

ઉપરોક્ત પ્રશ્ન ખરેખર સંવેદનશીલ છે …. આટલાં વર્ષોથી ભારતની ઓળખ બની રહેલ રાષ્ટ્રગીતમાં, ફેરફાર શું કામ ? આવો થોડાક નજીકના ભૂતકાળમાં ડોકિયું કરીએ … બંધારણ સભામાં રાષ્ટ્રગીત તરીકે જન ગણ મનને સ્વીકારતાં, તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્રપ્રસાદે જે સૂચન કર્યું હતું તેને આધાર બનાવી ભા.જ.પાના રાજ્યસભાના બોલકા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ૩૦નવેમ્બર ૨૦૧૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો. (પછીથી ટ્વીટર પર શેર કર્યો.) અને રાષ્ટ્રગીત 'જન ગણ મન'ના શબ્દોમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું. આ માટેની તેમની દલીલો હતી કે, બંધારણ સભામાં 'જન ગણ મન'ને વોટિંગ વિના મંજૂર કરવામાં આવ્યું હતું. બીજી દલીલ એમની એ છે કે રાષ્ટ્રગીતમાં આવતો 'અધિનાયક' શબ્દ બ્રિટિશ કિંગ જ્યોર્જ પંચમના સ્વાગતમાં પ્રયોજાયો છે. તેઓ તો આ ગીત આપણી ગુલામ માનસિકતાનું પ્રતીક હોવાનું પણ કહે છે. સ્વામીની આ દલીલો આમ તો સુભાષચંદ્ર બોઝની દલીલો પર જ આધારિત છે. સુબ્રમણ્યમ સ્વામી 'જન ગણ મન'ના વિકલ્પ તરીકે નેતાજીએ મૂળ કૃતિમાં ફેરફાર કરી જે ગીત આઝાદ હિન્દના રાષ્ટ્રગીત તરીકે  સ્વીકાર્યું  તે  – 'શુભ સુખ ચૈન કી બરસા બરસે, ભારત ભાગ્ય હૈ જાગા'ને સૂચવે છે.

બેશક નેતાજીનું ગીત દેશભક્તિથી ભર્યું ભર્યું છે. એની ધૂન અને ગાયન  સુંદર અને કર્ણપ્રિય છે. તો સામે પક્ષે 'જન ગણ મન' પણ એટલું જ સુંદર અને કર્ણપ્રિય છે. રવીન્દ્રનાથ ટાગોરે આ ગીતની રચનામાં ભારતીય ભાષાઓની જનની સંસ્કૃતભાષાની પ્રચુર શબ્દાવલી પ્રયોજી છે. જેને કારણે ભારતના કોઈ પણ પ્રાંતની ભાષામાં સહેલાઇથી અનુવાદિત કરી શકાય અને સમજી શકાય છે. છતાં નેતાજીનો વાંધો 'અધિનાયક' શબ્દ સામે હતો. એટલે તેમણે રવીન્દ્રનાથના ગીતની પંક્તિમાં – 'શુભ સુખ ચૈન કી બરસા બરસે, ભારત ભાગ્ય હૈ જાગા' જેવો ફેરફાર કર્યો. 'અધિનાયક' શબ્દ વિવાદાસ્પદ બની ગયો છે. કારણ કે ખરેખર આ વિશેષણ કોના માટે પ્રયોજાયું છે ? ભાગ્યવિધાતા પરમેશ્વર કે પરમ બ્રહ્મ માટે કે પંચમ જ્યોર્જ માટે ? હકીકતમાં 'જન ગણ મન'ની રચના ૧૯૦૫માં થઈ. તે સમયે બ્રિટિશ કિંગ તરીકે એડવર્ડ VII હતા (Albert Edward, 9 Nov. 1841 – 6 May 1910) જ્યોર્જ V તો ત્યાર પછી ગાદીએ આવ્યો. હવે કેવી રીતે જ્યોર્જ Vના સ્વાગતમાં રચાયું એમ કહી શકાય ? અને આમ પણ કોઈ પણ કૃતિનું અર્થઘટન માણસની માનસિકતા સાથે જોડાયેલું હોય છે !! રવીન્દ્રનાથ આ સંદર્ભે ૧૯૩૭ના એક પત્રમાં સ્પષ્ટતા કરે છે કે, આ ગીત કોઈ રાજાની પ્રશસ્તિ માટે તૈયાર નથી કરાયું . જુઓ – "Neither the fifth nor the sixth nor any George could be the maker of human destiny through the ages.’ 'I had hailed in the song jan gan man that Dispenser of India's destiny who guides, through all rise and fall,the wayfarers, He who shows the people the way." 

ત્રીજી પંક્તિ 'ચંચલ સાગર વિંધ્ય હિમાલય નીલા જમુના ગંગા'ની સામે ટાગોરેની સાહિત્યિકતા સ્પષ્ટ દેખાય છે. જુઓ –

                          'વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા,
                           તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માંગે,
                          ગાહે તાવ જય ગાથા.'

ટેક પંક્તિમાં રવીન્દ્રનાથ – 'જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા
                                   જય હે
…. પ્રયોજે છે . 

બીજી ટેક પંક્તિમાં 'જનગણ ઐક્ય વિધાયક’. ત્રીજી ટેકમાં – 'જનગણ પથપરિચાયક’.  ચોથી ટેક પંક્તિમાં  – 'જનગણ દુઃખત્રાયક એમ વૈવિધ્યપૂર્ણ શબ્દાવલી પ્રયોજે છે. (સંપૂર્ણ રાષ્ટ્રગીતને આધારે) જ્યારે  સુભાષચન્દ્ર બોઝ ટેક પંક્તિમાં એક જ પંક્તિ રાખે છે.

             ' સૂરજ બનકર જગ પર ચમકે ભારત નામ સુભાગા
              જય હો ….'

નેતાજી આઝાદ હિન્દના રાષ્ટ્ર ગીતમાં રવીન્દ્રનાથની સંસ્કૃત પ્રચુરતાને, લોકબોલી જેવી સરળ બનાવી દે છે.  ઉદાહરણ તરીકે – 'હર સૂબે કે રહને વાલે, હર મજહબ કે પ્રાણી'  અને 'બાસ ભરી ભરપૂર હવાયેં જીવનમેં ઋત લાયે' આ ઉપરાંત દેશના લોકોમાં ભાતૃભાવ અને ઐક્યની પ્રાર્થના કરતાં, વિશ્વમાં ભારતની તેજસ્વિતા પ્રકાશે એવી શુભ કામના કરવામાં આવી છે.

રવીન્દ્રનાથ ટાગોરની  દીર્ઘ  રચનામાં ભારતવર્ષના વર્ણન સાથે પ્રગતિ, વિકાસ, ભાતૃભાવ અને ઐક્યની કામના કરવામાં આવી છે. અજ્ઞાન અને અસદ્દ તથા આતંકની સામે રક્ષણ કરતી ભારત માતાનું જનગણ દુઃખત્રાયક તરીકેનું ચિત્ર. તેમ જ ભારત વર્ષના નવસર્જન માટે સૌ સાથે મળી નવ જાગૃતિ કેળવે એવી શુભ ભાવના ભારતના રાષ્ટ્રગીત ‘જન ગણ મન’માં નિહિત છે.

સત્ય, અહિંસા અને સત્યાગ્રહ જેવા સંપૂર્ણ સ્વદેશી સાધનોના બળે આઝાદીનો જંગ લડનાર ગાંધી, જવાહર અને સરદાર જેવા રાજનેતાઓ અને બીજી તરફ ક્રાંતિની મશાલ સાથે , જર્મની, જાપાન જેવા રાષ્ટ્રોની મદદથી આઝાદી માટે યુદ્ધ છેડનાર સુભાષચંદ્ર બોઝ. એક તરફ સર્જકની મૌલિક કૃતિ અને બીજી તરફ એ જ કૃતિમાં સુધારા વધારા  સાથેની કૃતિ. જે આઝાદ હિન્દ ફૌજના તેઓ કમાન્ડર હતા, તેમણે જાહેર કરેલ આઝાદ હિન્દના તેઓ રાષ્ટ્રપતિ હતા, તે આઝાદ હિન્દના રાષ્ટ્રગીત તરીકે 'શુભ સુખ ચૈન કી બરસા ….' યોગ્ય છે. વિચારધારાથી પ્રેરિત વિવાદો માટે જાણીતા સુબ્રમણ્યમ સ્વામીના તર્ક અને ઉછીની દલીલોથી સ્વતંત્ર અને બિનસાંપ્રદાયિક ભારતની વિરાસત અને ગૌરવ સમા, રાષ્ટ્રગીત 'જન ગણ મન…'માં ફેરફારની કોઈ જરૂર ' ભારત'ને તો લગતી નથી .

સી.યુ. શાહ આર્ટસ કોલેજ, અમદાવાદ 380 001

e.mail : arvindvaghela1967@gmail.com

[પ્રગટ : “અભિદૃષ્ટિ”,  સપ્ટેમ્બર 2019; પૃ.  06-10]

(સુભાષબાબુ દીધા આ રાષ્ટૃગીતની ધૂન અને તેનાં સૂર આ અહીં આપી લિનક પરે સાંભળી શકાય છે. − વિ.ક.)                          

https://www.youtube.com/watch?v=DDv8VEPvg-8

https://www.youtube.com/watch?v=m0wWSyAbTgg  

Loading

17 September 2019 admin
← નિર્મૂલન અધિનિયમ, ૨૦૪૦
કૉન્ગ્રેસની કાયાપલટ શક્ય છે? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved