Opinion Magazine
Number of visits: 9448673
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણનો વ્યાપક ધંધો – આપણે ક્યાં ?

રોહિત શુક્લ|Opinion - Opinion|14 May 2017

‘અભિદૃષ્ટિ’ના ડિસેમ્બર, ૨૦૧૬ના અંકમાં ‘ગુણવત્તા, શિક્ષણ-શિક્ષક અને સંચાલન’ એ મથાળાથી લખાયેલા સંપાદકીયમાં નીચે મુજબ એક ચિંતા પ્રગટ થઈ હતી. ‘૧૯૯૧થી ભારતમાં લાગુ કરાયેલી નવી આર્થિક નીતિ હેઠળ શિક્ષણ પણ ‘ધંધો’ બની ગયું છે. શાળા અને કૉલેજના સંચાલકો પણ નફો અને પૈસાના હેતુથી જ આ સમગ્ર વ્યવહાર આચરે છે. કોઈ પણ ધંધાકીય કારભારમાં જે નિયમો અને વલણો લાગુ પડે તે જ શિક્ષણને પણ લાગુ પડે છે. કોઈપણ પેઢી ‘ઉત્પાદન ખર્ચ’ નીચું રાખવા તાકે છે. શિક્ષણમાં ઓછો પગાર, લાઈબ્રેરી જેવી સગવડોનો અભાવ કે કર્મચારીઓ પાસે વધુ કલાકો કામ કરાવવાની પ્રવૃત્તિ ચાલે છે. ધંધાદારી પેઢીઓમાં વધુમાં વધુ માલ વેચાય એવી પેરવીઓ ચાલતી હોય છે. તે જ રીતે શિક્ષણમાં પણ, દરેક એકમ પોતાને ત્યાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ આકર્ષાય તે માટે ટી.વી. ઉપરની જાહેરાતો સહિતનાં અનેક પગલાં ભરે છે. પેઢીઓ હરીફાઈ કરવાને બદલે પોતાનો ઈજારો સ્થાપવા મથતી હોય છે, તે જ રીતે આવી શાળા-કૉલેજો પણ પોતાના વિસ્તારમાં પોતાનો  ઈજારો જળવાઈ રહે તે માટે મથે છે. પેઢીઓ સસ્તા ભાવ, હલકી ગુણવત્તા વગેરેનો હથકંડા અપનાવતી હોય છે, ધંધાદારી શાળા-કૉલેજો પણ આવી જ પેરવી કરતી રહે છે. કદાચ આજ કારણે આવી શાળા-કૉલેજો સાચા શિક્ષણકારો દ્વારા નહીં પણ ધંધાદારી અને રાજકારણી ઘરોબો ધરાવતા ચાપલૂસિયા માટે મોકળું મેદાન બની રહે છે. દેખીતી રીતે જ આવી સંસ્થાઓ પાસેથી ગુણવત્તાની અપેક્ષા રાખવાની હોય નહીં.’

આર્થિક પેઢીઓ અને શિક્ષણની પેઢીઓ વચ્ચે અનેક બાબતોમાં સામ્ય છે એમ ઉપરોક્ત લખાણમાંથી જોવા મળે છે. આ જ મુદ્દાઓને વાસ્તવિક તળભૂમિ ઉપરથી તપાસવાનું અને માહિતી એકત્રિત કરવાનું તથા તેને શિક્ષણની દેશવ્યાપી અનવસ્થા સાથે જોડીને ખોંખારીનો બોલવાનું કામ એન.ડી.ટી.વી.ના રવિશકુમાર એપ્રિલ તા. ૧૮થી રોજ રાત્રે ૯.૦૦ વાગ્યે ‘પ્રાઈમ ટાઈમ’ નામના કાર્યક્રમમાં કરી રહ્યા છે. (આજે, વીસમી એપ્રિલે પણ આ કાર્યક્રમમાં ચર્ચા ચાલુ છે.)

રવિશકુમારે આ કાર્યક્રમ અંતર્ગત દેશભરમાંથી લાખો ઈ-મેઈલ મેળવ્યા છે. આ ઈ-મેઈલ દ્વારા પોતપોતાની સમસ્યાઓ રજૂ કરનારા લાખો ‘અભિભાવક’ વાલીઓ છે. ઝારખંડ જેવા પ્રમાણમાં  અલ્પવિકસિત પ્રદેશથી માંડી અમદાવાદ જેવા પોતાને સમૃદ્ધ ગણાવતા વિસ્તાર-પ્રદેશોના વાલીઓનો ઊંડો વલોપાત અને અકલ્પ્ય નિઃસહાયતા કોઈને પણ સ્પર્શે તેવા છે. શાળા સંચાલકો દ્વારા આચરાતી ઉઘાડી લૂંટ સામે હરફ પણ ન બોલનાર વાલીઓ કે શિક્ષકોની ‘ગુલામી’ માનસિકતા પ્રતિ કોઈને પણ દયાભાવ પ્રગટે તે સ્વાભાવિક છે. પણ આ મનોમંથન માત્ર દયાપાત્રતાએ અટકતું નથી. આટલી બધી લૂંટાયેલી પ્રવૃત્તિ સામે લાચારી અનુભવતા વાલીઓ અને શિક્ષકો માટે તેમની પ્રગટ નિર્ભયતા અને ‘તમે તો આ જ લાગના છો’ એવું પણ બોલાઈ જઈ શકે તેમ છે.

શાળાઓ કેવી લૂંટ ચલાવે છે તેના દાખલાઓ જોવાથી, ડિસેમ્બર ૨૦૧૬ના ‘અભિદૃષ્ટિ’માં જે લખ્યું હતું તેનું નગ્ન સ્વરૂપ સ્પષ્ટ થશે.

(૧) ૧૯૮૭માં કોર્ટના હુકમ છતાં શાળાઓ ગણવેશ, જૂતાં, ચોપડીઓ, નોટબુક્સ, અન્ય સ્ટેશનરી વગેરે ક્યાં તો પોતાને ત્યાંથી જ ખરીદાય અથવા પોતે નક્કી કરેલા વેપારી પાસેથી ખરીદાય તેનો આગ્રહ રાખે છે આના પરિણામે શિક્ષણની આ હાટડીઓ શું કરે છે તે જુઓ

• વિદ્યાર્થીઓ કાળા બુટ પહેરવા ફરજિયાત છે. એ જૂતા બજારમાં રૂ. ૪૦૦/-માં મળી શકે તેમ હોય છે, છતાં તેને શાળામાંથી જ ખરીદવાનો આગ્રહ રાખી રૂ. ૨૦૦૦/- પડાવાય છે.

• બ્લેઝર પહેરવું ફરજિયાત છે. તેને નક્કી કરેલી દુકાનેથી જ લેવાનું છે. તેનું બટન શાળાનો લોગો ધરાવતું હોય છે. આથી જો બટન તૂટી કે ખોવાઈ જાય તો રૂ. ૫૦/-ના ખર્ચે નવો આખો સેટ લેવો ફરજિયાત છે.

• એન.સી.આર.ટી.ઈ.નાં જે પુસ્તકો રૂ. ૫૦-૬૦માં મળે તેમાં થોડાંક પાનાં ફેર કરી રૂ. ૭૦૦-૮૦૦માં આપવામાં આવે છે. આ પુસ્તકો દર વર્ષે બદલાતાં રહે છે. તેથી જૂનાં પુસ્તકો કોઈને ય કામનાં રહેતાં નથી.

• ગણવેશ પણ શાળા દ્વારા જ વેચાય છે અને તેમાં પણ દર વર્ષે મામૂલી ફેરફાર કરાય છે જેથી બીજે વર્ષે તે કામના રહેતા નથી.

અને લગભગ દર વર્ષે થતા મબલખ ફી વધારાની તો વાત જ શી કરવી ? માત્ર શૈક્ષણિક ફીનો તોતિંગ બોજ જ નથી હોતો, મા-બાપે તો આ ઉપરાંત ડોનેશન્સ, ડિવલપમેન્ટ ફી’ વગેરે પણ ભરવા તૈયાર રહેવાનું હોય છે. આ પ્રકારની ફી ભરનારા માત્ર અબુધ, ગભરુ કે સમજ વગરના વાલીઓ નથી, આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. જેવા – મૂંછો ઉપર લીંબુ ઠરવનારા પણ મીયાંની મીંદડી બનીને આવી ફી ભરે છે. આ પણ ગુલામી માનસિકતા જ ગણાય ને!

શાળાઓને હાટડી ન બનાવાય તેવો કાયદો છે તે યાદ રાખીએ. કદાચ નેવું-પંચાણું ટકા વાલીઓ ભણેલા છે તે પણ યાદ રાખીએ અને છતાં આવી ગેરકાયદે ચાલતી લૂંટની સામે હરફ પણ ભાગ્યે જ ઉચ્ચારાય છે. બ્રિટિશ જમાનાની ગુલામી કોઈને યાદ આવે છે ?

શિક્ષકો તો ભણેલા હોય જ ને ! અને પાછી આપણી ભવ્યાતિભવ્ય પરંપરામાં આપણે તો ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને છેવટે પરંબ્રહ્મ કહી દઈએ છીએ. પાછા શિક્ષક દિન પણ ઊજવીએ છીએ. આ શિક્ષક-શિક્ષિકાની દશા કેવી છે?

• શિક્ષકગણને નિર્ધારિત રકમનો પગારનો ચેક તો આપી દેવાય પણ સાથોસાથ તે જ શિક્ષણગણ પૈસા ઉપાડવા માટેના બીજા ચેકો ઉપર સહી પણ કરી આપે. પગારનો ચેક રૂ. ૧૯,૫૦૦/-નો પણ સાથોસાથે વિથડ્રોઅલનો ચેક રૂ. ૧૩,૫૦૦/-નો. આમ શિક્ષકને માંડ રૂ. ૬,૦૦૦/- મળે. શિક્ષક જો બોલે તો નોકરી ગુમાવે. સંચાલક જે રકમ મેળવે તે બધું જ કાળુંનાણું અને ભ્રષ્ટાચાર !

આ સંદર્ભમાં કમ સે કમ બે પ્રશ્નો તો તાત્કાલિક ઊભા થાય તેમ છે.

એક, આ રીતની લૂંટને તાબે થઈ જવું તે શિક્ષકની ગુલામી ન ગણાય ?

બે, શું સંચાલકને ભ્રષ્ટાચારી ન ગણાય ?

આવા ગુલામી માનસિકતા ધરાવતા શિક્ષક દ્વારા શિક્ષણનું શું ભલું થવાનું ? પણ જે દેશમાં વાલીઓ લાચારી અનુભવતા રહે, શિક્ષકો પણ લુંટાતા રહેવા છતાં ચૂપ રહે ત્યાં ભ્રષ્ટાચારી સંચાલકો રાજ્યના ખોળામાં નિરાંતે સૂઈ શકે.

સવાલ સહેજ જુદે છેડેથી વિચારીએ. આમ તો સરકારનું કામ દેશમાં ગોટાળા – ભ્રષ્ટાચાર ચાલે નહીં તે જોવાનું છે. દેશભરમાં આતંકવાદી કે રાષ્ટ્રદ્રોહી ગતિવિધિઓ ઉપર બાજનજર રાખી શકનારી આ અતિ કાબેલ, લોકલાડીલી, વિકાસોન્મુખ, સૌનો સાથ સૌનો વિકાસ લાવનારી સરકારને ગંધ પણ આવતી નથી કે આ દેશમાં સુમનદીપ કે પારુલ જેવી યુનિવર્સિટીઓ પણ ચાલે છે. આ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ આવક ધરાવનારાનાં બાળકો જ ભણી શકે અને છતાં પોતે સતત લૂંટાતા જતા હોવા છતાં આવી સંસ્થાઓના વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચૂપ છે.

બીજી તરફ, ખાસ કરીને ગુજરાતે, ૧૯૭૨-૭૪ના ‘નવ નિર્માણ’ના આંદોલન અને ઇન્દિરા ગાંધીના કટોકટીના દિવસોને યાદ કરી જવા જેવો છે. નવનિર્માણનું આટલું જબરદસ્ત અને અત્યંત પ્રભાવશાળી આંદોલન આ જ ગુજરાતની ધરતી ઉપર ચાલ્યું હતું. તેનો પ્રારંભ એન્જિનિયરિંગ કૉલેજના રસોડા ખર્ચમાં થયેલા સામાન્ય વધારાથી થયો હતો. આજે જે ‘વાલી’ હશે તે જ લોકો કદાચ તે સમયે વિદ્યાર્થી હતા. જે આંદોલનને પરિણામે માત્ર ગુજરાતની સરકાર જ વિદાય ન થઈ; સમગ્ર ધારાસભાનો ભંગ કરાયો. જે.પી. જેવાને પણ આ આંદોલનમાંથી પ્રેરણા મળી અને લોકશક્તિનો દમદાર વિજય થયો.

આની સામે આજનું ગુજરાત અને વ્યાપક સંદર્ભમાં ભારત ક્યાં છે ? આજે જાણે કે શિક્ષણ પણ એક ધંધો છે; સરકારો આ બધા જ ખેલ જાણે છે અને ચૂપચાપ જોયા કરે છે. ઘણીવાર કોઈક ગંભીર કેસ પકડાય ત્યારે કોઈક છાપામાં એકાદ દિવસ, કોઈક ખૂણે નાનકડા સમાચાર છપાય કે આવી શિક્ષણ સંસ્થાના સંચાલક પાસે રાજકીય વગ હતી.

બીજી તરફ, સમગ્ર સમાજમાં ગૌરક્ષા, જે.એન.યુ. અને રોહિત વેમુલા, ભારતની મહાન પરંપરા અને વિવિધ ઉત્સવો, રાજકીય નેતાઓના ભાષણો અને પ્રચાર જેવા મુદ્દા લોકમાનસમાં છવાયેલા રહે છે. દેશમાં ગરીબી, બેકારી, કુપોષણ, વીજળી-પાણીનો અભાવ, સ્વાસ્થ્ય સેવાઓની દુર્દશા વગેરેની જેમ શિક્ષણ પણ લોકચર્ચા અને વિચારનો મુદ્દો નથી. લોકો અનાચાર, અન્યાય, શોષણ વગેરે વેઠી લે છે. જાત ઉપરની આ પીડાની વૃત્તિ ઘણી વ્યાપક છે. ગુલામી જેવી પ્રથાનાં લક્ષણો ધરાવતી વ્યવસ્થા સામે પણ કોઈને ગાંધીજી યાદ આવતા નથી. સત્યાગ્રહ દ્વારા લોકશાહીના દાયરામાં રહીને અહિંસક રીતે પણ પોતાનો વિરોધ વ્યક્ત કરવાનું લોકો ભૂલી ગયા છે. નવનિર્માણ આંદોલનની વૈચારિક અને વ્યવહારુ દોરવણી આપણી સામે હોવા છતાં અને ગાંધીજીની સત્યાગ્રહની લડતની સમજ હોવા છતાં આ દેશના ભણેલા વર્ગને શિક્ષણ જેવા ક્ષેત્રે કશું બોલવા જેવું લાગતું નથી.

અને લાંબી વ્યથામાં અને નાનકડો ગણાય તેવો ખૂણો પણ ઉમેરવા જેવો છે. શિક્ષણનું સંચાલન આવી દૂષિત ઢબે થતું હોય ત્યારે તેને વિશે જ કોઈ સંશોધનો આ શિક્ષકો દ્વારા પણ થવા જોઈએ કે નહીં ? દા.ત. ધંધાદારી વલણોના સાપેક્ષમાં બિનધંધાદારી વલણોના ધરાવતા સંચાલનની શિક્ષણની ગુણવત્તા ઉપર અસરો આવા કોઈ વિષય ઉપર કોઈને એમ.ફિલ. કે પીએચ.ડી. કરવાનું મન થયું હોય તો તે જાણમાં નથી. સામે પક્ષે હવે યુનિવર્સિટીઓ ઉપર સરકારી અંકુશ કડક બનતો જાય છે અને કયા વિષયમાં સંશોધન કરવું તે પણ સરકાર નક્કી કરે છે. ‘અભિદૃષ્ટિ’માં નવા યુનિવર્સિટી ધારા અંગે ચાલેલી ચર્ચા જોઈ જવાથી આ બાબત સ્પષ્ટ થશે.

શિક્ષણના ક્ષેત્રને લોકશાહી માટે પોષક ગણવામાં આવે છે. જે દેશમાં શિક્ષણમાં જ આવી હાલત હોય તે દેશની લોકશાહી અને આઝાદીની આજ અને આવતીકાલ વિશે શું કહીશું.

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, મે – જૂન 2017; અંક : 114-115; પૃ. 01-04 

Loading

14 May 2017 admin
← બદલાની નહીં, ન્યાયની ભૂમિકા
દલિતોના રાજકીય, સામાજિક અને આર્થિક ઉત્કર્ષમાં દલિત કાર્યકરોની ભૂમિકા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved