પાટલી છોડીને બહાર
રમાનો પરિવાર શહેરમાં આવીને વસતા વસી તો ગયો પણ મુસીબતોનો તો ઢગલો જ વળી ગયો. સાવ નાનકડું ઘોલકા જેવડું રસોડું, અંધારિયું નવાણિયું અને પાંચ બત્તી ચાલે ત્યારે મોંસૂઝણું થાય તેવો ઓરડો ! તેમાં વળી મહામહેનત, લાગવગ, ભગવાનની બાધાઆખડી અને સાત પેઢીના વડીલોના આશીર્વાદે એક શાળામાં શિક્ષિકાની નોકરી મળી. અને શાળાયે કેવી ! ભગવાન શ્રીકૃષ્ણે પારાવાર કૃપા કરીને પોતાના બાલસખા સુદામાને નવો બંગલો બનાવી આપ્યો તે પછી તેની ખાલી પડેલી ફટેહાલ ઝૂંપડી જેવી જગ્યાએ શાળા ચાલતી. રમાને શરૂમાં તો બહુ ઓછું આવ્યું. આ બાજુ ગુરુ જેવી શાળા અને પેલી બાજુ ગોવિંદના સ્થાને ઘર બેમાંથી કોના પાયે પડવું ?
પણ જ્યારે વર્ગમાં પ્રવેશતી, ત્યારે કોણ જાણે ક્યાંથી ચૈતન્યના ફુવારા છૂટતા. આવી શાળામાં બાળકો પણ કેવાં ?! દુનિયાથી ડઘાયેલાં, ડરેલાં, સંકોચાયેલાં – ક્યારેક માત્ર ગંદાં અને બહુધા ગોબરાં ! રમા તો ભણાવતી વખતે પોતાનામાં મસ્ત થઈને, પાયથાગોરસના પ્રમેયમાં ડૂબકીઓ મારતી-મારતી ભણાવતી. વર્ગ અને ઘર બધું જ ભૂલી જતી. છતાં તેને થયું કે વાત જામતી નથી. વિદ્યાર્થીઓનો પ્રતિભાવ પણ ભાગ્યે જ સાંપડતો.
એક દિવસ, રિસેસ પડી જવા છતાં તે ભણાવતી રહી. અચાનક તેને ખ્યાલ આવ્યો કે છોકરાં ભૂખ્યાં થયા હશે. ઝટપટ સંકેલો કરીને તે બહાર તો નીકળી પણ તેની નજર ત્રીજી હરોળના ખૂણામાં બેઠેલી આશા ઉપર પડી. ઘણાં છોકરાં, ડબ્બા ખોલીને ખાવામાં હતાં પણ આશા માથું નીચું કરીને બેસી જ રહી હતી. ‘હશે કાંઈક’ એમ કરીને તેણે મન તો વાળ્યું પણ ગમેતેમ – આશાનો એ નિષ્પ્રાણ અને ચેતનહીન ચહેરો તેને છોડતો જ નહોતો. આમ ને આમ એક અઠવાડિયું વીત્યું. તે દરમિયાન તેણે કોઈ ના જાણે તેમ આશાની જાસૂસી જ કરી નાંખી. જે ચિત્ર ઊપસ્યું તે ગ્લાનિભર્યું હતું. તેના પિતા દારૂડિયા અને જુગારી હતા. મા ઘરકામના ઢસરડા કરતી. ઘરમાં હાલ્લાં ઓછાં અને કુસ્તી વધારે ! રમાએ નોંધ્યું કે આશા તો ખરે હાડકાંનો માળો બની ગઈ હતી. રમાએ મનોમન નિર્ણય કરી લીધો.
‘આશા, બેટા જરા આવ તો,’ વર્ગ છોડીને જતાં જતાં તેણે આશાને સાથે લીધી. નિશાળમાં એક ખૂણામાં તેને લઈ જઈ ખાસ્સું માખણ ચોપડેલી ચાર સ્લાઇસ બ્રેડનું પડીકું તેણે આશાને આપ્યું અને કંઈ જ બોલ્યા વગર ઝડપથી કૉમનરૂમમાં જતી રહી. અને પછી તો રમાનો આ નિત્યક્રમ થઈ ગયો.
એક દિવસ તેણે આ રીતે આશાને નાસ્તો આપ્યો અને ધીરેથી સરકી જવા જતી હતી, ત્યાં જ કલ્પનાબહેન, મંજુલાબહેન, હેતલબહેન અને દેસાઈસાહેબે તેને રોકી. ‘રમાબહેન, હજુ તો તમે આ સ્કૂલમાં નવા-નવા આવ્યાં છો અને આવી ચાલાકી !’ ગંભીરભાવે દેસાઈસાહેબ બોલ્યા. રમાને કાંઈ રમજ ન પડી; પણ તેની મૂંઝવણ દૂર કરતા મંજૂલાબહેન બોલ્યાં, ‘આમ તે કાંઈ હોય, બધું પુણ્ય તમે એકલાં જ લઈ જશો તો અમે શું કરીશું !’
સ્કૂલના હેડમિસ્ટ્રેસ કલ્પનાબહેન બોલ્યાં, ‘બહેન તમે ખૂબ સારું કર્યું. અમારી આંખો ખૂલી ગઈ. તમે રિસેસ વખતે રોજ અહીં ખૂણામાં જતાં તેથી અમે જાસૂસી કરી. પછી પેલી આશાને પણ પૂછ્યું તો ખબર પડી કે તમે તેના જેવાં છોકરાંને નાસ્તો કરાવો છો. બહેન, હવેથી તમે એકલાં નથી. અમે બધાં સ્વૈચ્છિક રીતે અમારા પગારોના દસ-દસ ટકા તમને આપીશું. નિશાળનાં છોકરાંને નાસ્તો કરાવવાની વ્યવસ્થા તમારે સંભાળવાની.’
‘બહેન, મને આ દિશા ચીંધનારા તો મારા પ્રોફેસર પટેલસાહેબ છે. આશાની સ્થિતિની મેં તેમને વાત કરી હતી. તેમણે કહ્યું કે “ખાનગી નિશાળોમાં ગરીબનાં બાળકો પ્રવેશ તો મેળવે, પણ તેમને માટે મધ્યાહ્ન ભોજન યોજના હોતી નથી. ‘રમા, આપણે થોડું ઓછું કમાયાં’તાં એમ કરીને પણ આવા છોકરાંની આંતરડી ઠારજે બેટા, ગીતામાં કહ્યું છે ને, “પોતા માટે જે રાંધે તે પાપી પાપ ખાય છે.” અને વળી “શરીરમ્ આદ્યં ખલુ ધર્મસાધનમ્,” જો શરીરને પોષણ જ નહીં મળે તો સમાજમાંથી ધર્મ, વિદ્યા, જ્ઞાન કે સંસ્કાર રઝળતાં થઈ જશે.’ “એટલે, હું કાંઈ વિશેષ નથી કરતી – માત્ર ગુરુનું ઋણ ચૂકવું છું.”
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, સપ્ટેમ્બર 2019; પૃ. 23