નાનો હતો ત્યારથી મને ચેસ રમવાનું બહુ ગમે છે. મને જીતવાનું ગમે છે. ચેસમાં આપણી પાસે રાજા, વજીર વગેરે સાથે આખું લશ્કર હોય. કહીએ એમ કૂચ કરે, દુશ્મનને હરાવે. લગભગ ઈશ્વરની લગોલગ ફીલિંગ્સ આવે. ક્યારેક દુશ્મન પણ આપણને હરાવી શકે. પણ આપણને પહેલેથી જ સામે એવા અનાડી ખેલાડી મળી ગયા કે તે જ હારે. અનાડીની ઉપર બે વાલ હોઈએ એટલે બસ! આને કહેવાય રાજયોગ!
ચેસબોર્ડ પર પ્યાદાંનો ઉત્સાહ અને વટ અનેરો જ હોય. એમનો દોરદમામ જોઈ ક્યારેક મને લાગણી થઈ આવે. કોઈને હાથમાં લઈ પંપાળું કે હવામાં ઉછાળી કૅચ કરું. જો કોઈ પ્યાદાની ખોટી ચાલથી (ભલે એ ચાલ મેં જ ચલાવી હોય) બાજી બગડતી દેખાય, તો ગુસ્સો કરું, પછાડું પણ ખરો. વિશ્વમાં થોડી વિચિત્રતાઓ પણ છે. અનાડીઓ પણ ક્યારેક સ્માર્ટ કામ કરી નાંખે; બિલકુલ અનાયાસ, કોઈ પરિશ્રમ વગર! એ રીતે જો સામેવાળો સારી ચાલ ચાલી જાય અને આપણી બાજી વધુ પડતી બગડી જાય તો મને કંટાળો આવે. હું એક બગાસું ખાઉં અને આખું ચેસબૉર્ડ જ ઊંધું વાળી દઉં. અમુક વાર, જસ્ટ ફોર અ ચેન્જ, ઉછાળી પણ દઉં. લોકો તો એ બોલ્ડ મૂવ પર આફરીન! હવામાં ઉછળી ગુરુત્વાકર્ષણ સામે સંઘર્ષ કરતા પ્યાદાંના હાવભાવ, છટપટાહટ, ઝીણા ચિત્કાર, અવકાશમાં એમની વિવિધ ટ્રેજેક્ટરી વગેરે જોઈ મનમાં થોડી રમૂજ થાય, પણ હસું એવો ક્રૂર નથી.
ઢગલો થઈ પડેલા પ્યાદાં જોઈને થોડો અફસોસ પણ થાય. ક્યારેક તો રાજા કે વજીરની ઉપર સિપાઈઓ પડેલા હોય. જો રાજા ઉપર હાથી કે ઊંટ હોય તો વળી તેમને હટાવું અને થોડી હવા જવાની જગ્યા કરી આપું. ધ્યાનથી સાંભળો તો દુઃખી થઈ કણસતા હોય એમ પણ લાગે. પણ એમાં શું કરી શકાય? પ્યાદાંએ સમજવું પડે કે તે પ્યાદાં છે. અને આમે ય થોડીવારમાં બંદાનો મૂડ પાછો આવી જ જાય અને પ્યાદાં પાછાં બમણા ઉત્સાહથી ચેસબોર્ડ પર કૂચ કરવા માંડે.
ઘણી વાર પ્યાદાંનો આખો સેટ જ બદલી નાંખવાનો. ગામલોકો અને સામેવાળા અનાડીઓનો રસ પણ ટકવો જોઈએ ને! અલગ અલગ આકાર, મટીરિયલ, ડિઝાઇન. પણ પ્યાદાં જ. પહેલાં કાષ્ઠનાં આવતાં, પછી પ્લાસ્ટિક આવ્યું. ઘણામાં હાથી પાતળો અને ઘોડો હૃષ્ટપુષ્ટ તો ક્યારેક તો વજીર સામે રાજા માયકાંગલો લાગે. બધા સેટમાં એક વાત ઘણી સમજદારીવાળી. રાજા અને વજીર ઊંટ કરતાં પણ ઊંચા. પછી મને થયું લશ્કરના ગણવેશમાં હોય એવાં પ્યાદાં લાવું કે પછી બાના લાલા માટે હતા, એવા અલગઅલગ વાઘા બનાવડાવું. પણ પછી લાગ્યું કે મૂળ રમત પરથી લોકોનું ધ્યાન બહુ ન હટવું જોઈએ.
મોટો થયો ત્યારે સાંભળ્યું, પહેલાંના રાજાઓ સોનાચાંદીનાં રત્નજડિત પ્યાદાં વાપરતા. પણ પ્યાદાંની હેસિયત બદલી એમની માનસિકતા કેવી રીતે બદલી શકાય? માનસિકતા જ મુખ્ય છે. ત્યાં જ અસલ રમત રમાય છે. પછી તો ઇતિહાસના એક ઉત્સાહી શિક્ષકે એમ પણ જણાવ્યું કે મોગલ બાદશાહો પ્યાદાંને બદલે અસલી હાથીઘોડા અને નર્તકીઓ રાખતા. આ ધરમૂળથી ખોટું છે, એ હું સ્કૂલમાં હતો ત્યારે જ જોઈ શકતો હતો. નર્તકીને જોવામાં તમે ખોટી ચાલ ચાલી શકો. રમતમાં લાગણીઓ અને મનોવિજ્ઞાન ભળવાં ન જોઈએ. કોઈ મોગલ શહેનશાહ મોટો ખેલાડી ન બન્યો અને છેવટે અંગ્રેજો પાસે રાજપાટ ખોઈ બેઠા એમાં નવાઈ નથી!
કૉલેજમાં એક પ્રોફેસરે મારા ચેસના રસ વિશે જાણી એક ફિલ્મ જોવાનો આગ્રહ કર્યો. કોઈ દેશદ્રોહી દિગ્દર્શકે તેના જેવા જ કોઈ લેખકની વાર્તા પરથી ફિલ્મ બનાવી કાઢી હતી. આપણા મહાન દેશની ગરિમા અને સંસ્કૃતિને બિલકુલ ન છાજે એવા મોગલ સલ્તનતના વધેલા બે નમૂના પર કંઈ ફિલ્મ બનાવાય ?
પ્યાદાં અને ગામના લોકોમાં પણ બહુ ફરક નથી. લોકો મને ‘ચેમ્પિયન ઑફ ચૅમ્પિયન્સ’ માને છે. હું છું જ. અમુક ખણખોદિયા કહે છે, ચેસ તેના ચોક્કસ નિયમો પ્રમાણે જ રમાવી જોઈએ, હું કોઈ ચૅમ્પિયન નથી, હથોડો છું, વગેરે. તેઓ થોડાં કાળાંધોળાં ચોપાનિયાંમાં લેખ લખ્યા કરે છે, જે તમે તો સપનાંમાં પણ નહીં જોયા હોય. એમના જેવા જ થોડા અક્કરમીઓ એ વાંચે છે, પણ એ બધા પેલા અનાડીઓ જેવા જ છે. બાજી જીતવાની કોઈ ગતાગમ જ નથી. અમુક સમય પછી રમત પોતાના નિયમોથી જ રમવાની હોય. પહેલાં જીત નક્કી કરીને જ મેદાનમાં ઊતરવાનું હોય.
રમતને વધુ આકર્ષક બનાવવા નવા-નવા નુસખા લોકો લઈ આવે છે. પ્યાદાં ખસેડવા ઊંચાનીચા થવાની કે હાથ ઉપરનીચે કરવાની શું જરૂર છે? રિમોટથી પણ કરી શકાય. એવા રિમોટ પણ છે જેનાથી બીજે ગામ કે વિદેશથી પણ હું ચાલ ચાલું કે આખું બૉર્ડ ઉથલાવું. હવે મોટા ભાગે સામેવાળા અનાડીને પ્રત્યક્ષ દર્શન આપતો જ નથી. દૂરથી જ કામ પતાવું છું. કોઈ વળી સ્માર્ટફોનનાં બટન દબાવીને જ પ્યાદાં ચાલે એવું શોધી લાવ્યા. પણ આ યંત્ર તમારી ઘણી શક્તિઓને હણી લેનારું છે. હું બને એટલો દૂર જ રહું.
અમુક શ્રદ્ધાળુ ચેસ રમવા માટે કમ્પ્યૂટર લઈ આવ્યા. પણ કમ્પ્યૂટર અલગ રીતે અનાડી હોય છે. આપણી સ્ટાઇલ કે પ્રતિષ્ઠાનો કોઈ પ્રભાવ જ ન પડે. અને પેલા કૃત્રિમ બુદ્ધિના પ્રયોગો કરનાર ખડૂસ પ્રોફેસરો તેને પ્રોગ્રામ કરે. ગમે ત્યારે આપણી ચડ્ડી જ કાઢી નાંખે! અને આમે ય હાથમાં માઉસ પકડીને એકલા બેઠા-બેઠા ક્લિક કરતાં લલ્લુ જેવી લાગણી જ થાય. એમાં પડવાનું જ નહીં!
પણ હવે આ બધા કામચલાઉ નુસખાથી ઉબાઈ ગયો છું. શાંતિથી આંખો બંધ કરી મનમાં વિચાર કરીને જ પ્યાદાં ચલાવી શકાય એવી સિદ્ધિ મેળવી છે. લોકો જાણતા નથી, પણ આમ તો મારી ઋષિપ્રકૃતિ છે. મારો મૂળ રસ તો આધ્યાત્મિકતા જ છે. થોડી દાઢી રાખો તો ઓર ખીલે છે. નાનપણમાં સીધો હિમાલય માટે જ નીકળ્યો હતો, પણ આ રમતમાં થોડો રસ પડી ગયો. પણ હવે શાંતિથી હિમાલયમાં ચીને કબજે ન કરી લીધી હોય એવી કોઈ સ્વચ્છ સુઘડ ગુફામાં ધ્યાનમગ્ન થઈને જ હું રમીશ. બે-ત્રણ ગુફા ધ્યાનમાં પણ છે.
બંધ આંખે એક સાથે અનેક રમત સમાંતરે રમી શકો. લાખોકરોડો પ્યાદાં દોડાવો, ઉછાળો, પટકો. બધું જ શાંતચિત્તે,બંધ આંખે. બિલકુલ ઈશ્વર જેવી ફીલિંગ! ઈશ્વર જ!
E-mail : jagrut.gadit@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 15