Opinion Magazine
Number of visits: 9484823
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શેક્સપીયરકૃત “મૅકબેથ” વિશે

સુમન શાહ|Opinion - Literature|15 April 2023

ઓમ કૉમ્યનિકેશનના ઉપક્રમે તારીખ ૮ ઍપ્રિલે શેક્સપીયરકૃત “મૅકબેથ” વિશે આપેલું વ્યાખ્યાન લેખ રૂપે. 

પુસ્તકનો પરિચય કરાવું એ પહેલાં કેટલીક માહિતી મેળવી લઈએ :

સુમન શાહ

જગવિખ્યાત સૉનેટકાર અને નાટ્યકાર વિલિયમ શેક્સપીયરનો જન્મ ૧૫૬૪-માં યુનાઇટેડ કિન્ગ્ડમના સ્ટ્રેટફર્ડ-અપોન-એવનમાં થયો હતો; એ જ સ્થળે ૧૬૧૬-માં મૃત્યુ થયેલું; માત્ર ૫૨ વર્ષનું આયુષ્ય.

૧૯૯૨માં, હું અને રશ્મીતા યુ.કે. ગયેલાં અને સ્ટ્રેટફર્ડ-અપોન-એવન પ્હૉંચી ગયેલાં. પોતાની ભાષાના સાહિત્યકાર / કલાકારની સ્મૃતિને સર્વાંગે જીવન્ત કરી આપતું એ બેનમૂન સ્થળ વિશ્વના કોઈપણ રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી છે અને કોઈપણ સાહિત્યકલારસિક માટે મહા તીર્થધામ છે.

શેક્સપીયરના સમયમાં રાણી એલિઝાબેથ અને જેમ્સનું શાસન હતું. એ શાસકો સાહિત્ય અને કલાઓને ઉમળકાભેર રાજ્યાશ્રય આપ’તા.

“લૉર્ડ ચૅમ્બરલેઇન’સ મેન” કમ્પની માટે લગભગ ૨૦ વર્ષ સુધી શેક્સપીયરે લખ્યું, અભિનય કર્યા, અને પાછળથી એ કમ્પનીમાં ભાગીદારી પણ કરી. ખાસ્સું કમાયા. એમનાં નાટકો માટે સુખ્યાત એવું લન્ડનનું ‘ગ્લોબ થીએટર’ એ કમ્પનીએ બાંધેલું. ૧૫૯૯-માં એનું ઉદ્ઘાટન થયેલું, ત્યારે, સંભવત: એમનું નાટક ‘જુલિયસ સીઝર’ ભજવાયેલું. આજનું ‘ગ્લોબ’ ત્રીજી વારનું બંધાયેલું છે.

૧૫૯૦ અને ૧૬૧૩ વચ્ચે શેક્સપીયરે ૩૭ નાટકો લખ્યાં. “ધ મર્ચન્ટ ઑફ વેનિસ” વગેરે ૧૭ કૉમેડી નાટકો છે. “હેનરી જેમ્સ” વગેરે ૧૦ ઇતિહાસપરક નાટકો છે. ૧૦ ટ્રેજેડી નાટકોમાં, “હૅમ્લેટ”, “ઑથેલો”, “કિન્ગ લીયર”, અને “મૅકબેથ” ખૂબ પ્રભાવક છે, જગવિખ્યાત ટ્રેજેડીઝ છે.

ટ્રેજેડી તે કરુણાન્ત નાટક. નાયકને હત્યા કે આત્મહત્યા લગી લઈ જનારી એના જીવનની કરુણાન્તિક ઘટનાવલિ.

“મૅકબેથ” પાંચ અંકનું નાટક છે. ૧૬૦૩-થી ૧૬૦૭ દરમ્યાન લખાયેલું.

“મૅકબેથ”-માં મુખ્ય વાત આટલી જ છે :

મૅકબેથ સ્કૉટલૅન્ડનો એક ઉમરાવ તેમ જ જનરલ હોય છે, સેનાધ્યક્ષ. આજનું સ્કૉટલૅન્ડ યુનાઇટેડ કિન્ગ્ડમમાં આવેલો એક દેશ છે. ત્રણ ડાકણો મૅકબેથને કહે છે કે – તું સ્કૉટલૅન્ડનો રાજા બનીશ. એની પત્ની લેડિ મૅકબેથ પણ એને એ જ પ્રેરણા આપે છે. મૅકબેથ તત્કાલીન રાજા ડન્કનની હત્યા કરે છે અને પોતે સ્કૉટલૅન્ડનો રાજા બને છે. પરન્તુ એ માટે એણે બીજા અનેકોની હત્યા કરી હોય છે. બને છે એવું કે સિવિલવૉર – આન્તરવિગ્રહ – વિપ્લવ ફાટી નીકળે છે અને એમાં પણ અનેક લોકો મરે છે. અન્તે, મૅકબેથની પણ હત્યા થાય છે. લેડિ મૅકબેથ આપઘાત કરે છે.

મહત્ત્વાકાંક્ષા અને તેમાંથી જન્મેલી હિચકારા હત્યાકાણ્ડ લગી દોરી જતી અતિ વિકૃત મનોદશાનું છે આ નાટક.

એક ચાવી રૂપ શબ્દપ્રયોગ છે, ટ્રેજિક ફ્લૉ.

વ્યક્તિનો એવો દોષ, એની એવી ખામી, જે એના જીવનને કરુણ બનાવી દે. શેક્સપીયરકૃત ટ્રેજેડીઝના લગભગ બધા નાયકો આ દોષ ધરાવે છે.

કિન્ગ લીયરનો દોષ એ કે એ અભિમાની અને ઘમંડી છે. ત્રણ દીકરીઓમાં સૌથી નાની અને વધારે વ્હાલી દીકરી કોર્ડેલિયાને પોતાના બાહુમાં લઈને જતા કિન્ગ લીયરનું હૃદય ભાંગી પડે છે અને એનું મૃત્યુ થાય છે.

હૅમ્લેટનો દોષ, પ્રોકાસ્ટિનેશન છે. એટલે કે એ વિચારો કર્યા કરે છે, દરેક બાબત માટે વિલમ્બ કરે છે. દરેક વાતે અવઢવ અનુભવે છે. એનામાં વિચાર અનુસારનાં કામો કરવાનું સામર્થ્ય નથી. એ કાયર છે. મા સાથેના સમ્બન્ધો સરખા કરવાના હતા ત્યારે, અન્કલની હત્યા કરવાની હતી ત્યારે, કે આપઘાતનો વિચાર આવેલો ત્યારે, એ કશું જ કરી શકતો નથી. આત્મહત્યા કરવાનું એણે આખા નાટક દરમ્યાન વારંવાર વિચાર્યું છે. હૅમ્લેટ લાએર્ટેસના હાથે ઑન-સ્ટેજ મર્યો છે. લાએર્ટેસે એને ઝૅર પાયેલો છરો ભૉંકી દીધેલો. છરાને ઝૅર પાએલું, ક્લાઉડિયસે.

ત્રીજા અંકમાં, આપણે જોઈએ છીએ કે આપઘાતનો વિચાર એને બીજી વાર આવ્યો છે, ત્યારે આપણને એના એ સ્વભાવની સૂચક જગખ્યાત થયેલી ઉક્તિ સાંભળવા મળે છે – ‘ટુ બી ઑર નૉટ ટુ બી; ધૅટ ઇઝ ધ ક્વેશ્ચન’. હૅમ્લેટની આ ઉક્તિ શું સૂચવે છે? એ જ, વિચારો, વિચારો, ને વિચારો – કાર્યક્ષમતાનો અભાવ. અલબત્ત, ગર્ટ્રુડ, ક્લાઉડિયસ વગેરે બધાં મરી ગયાં પછી હૅમ્લેટને જીવનનો એક સાર પણ સમજાયો છે. જેમ કે, હૉરેશિયોને એ કહે છે, એની એ છેલ્લી ઉક્તિ છે, ‘ધ રેસ્ટ ઇઝ સાયલન્સ’. સાચું છે, કોઈના પણ જીવનમાં સરવાળે શાન્તતા કે સૂનકાર સિવાય શું બચે છે?

ઑથેલો ભોળો છે પણ મૂરખ પણ છે – ક્રૅડુલસ ફૂલ. એનો દોષ ઇર્ષા અને સંશય છે. ડેસ્ડેમોનાના પ્રેમને સમજી શક્યો નથી બલકે એના પર એણે બેવફાઈના આક્ષેપો કર્યા છે. પાંચમા અંકના બીજા દૃશ્યમાં એ બોલે છે, ‘પુટ આઉટ ધ લાઇટ, ઍન્ડ ધૅન પુટ આઉટ ધ લાઈટ.’ – પહેલાં આ પ્રકાશ બુઝાવી દઇશ ને પછી આ પ્રકાશ બુઝાવી દઇશ. એની મનોકામના એ છે કે પહેલાં મીણબત્તી બુઝાવી નાખીશ જેથી અંધારું થઈ જશે ને તરત પછી ડૅસ્ડેમોનાનો જીવનદીપ બુઝાવી દઈશ. ડૅસ્ડેમોના ઊંઘમાં હોય છે, ઑથેલો પ્રવેશે છે, એને ચૂમીને જગાડે છે, અને વળી પાછો એના પર બેવફાઈના એ જ આક્ષેપો કરવા માંડે છે. ડૅસ્ડેમોના પોતાની નિર્દોષતાને કારણે એનો વિરોધ કરે છે, પણ ઑથેલો એનું ગળું દાબી દે છે, ડૅસ્ડેમોના મૃત્યુ પામે છે. કરુણતા એ રીતે બેવડાય છે કે ડૅસ્ડેમોનાની હત્યા પછી ઑથેલો આત્મહત્યા કરે છે.

એ સમયની એની ઉક્તિ છે, ‘લૅટ હૅવન ઍન્ડ મેન ઍન્ડ ડેવિલ્સ, લૅટ ધૅમ ઑલ, ઑલ, ઑલ, ક્રાય શેમ અગેઇન્સ્ટ મી, યટ આઈ’લ સ્પીક. આઈ કિસ્ડ ધી એર આઈ કિલ્લ્ડ ધી : નો વે બટ ધિસ, કિલિન્ગ માયસૅલ્ફ, ટુ ડાઇ અપૉન અ કિસ.’ એમ ઑથેલોએ પોતે કરેલા કુકર્મની સજા પોતે જ વૉરી લીધી હોય છે.

મહત્ત્વાકાંક્ષા મૅકબેથનો દોષ છે. એ દોષથી એના જીવનમાં બીજા દોષ સરજાયા છે – રાજાની હત્યા – તે સાથે અનેકોની હત્યા. એ કારણે, પ્રજાએ વિપ્લવ કરે છે. સત્તાધીશ થવાના સ્વાર્થને સિદ્ધ કરવા જતાં બીજાંનું શું થશે, પ્રજા કે રાજ્યનું શું થશે, એ એણે કદી વિચાર્યું જ નથી. એણે મૅકડફ જોડે દગો કર્યો, કિલ્લો કબજે કર્યો, અને, એના માણસોએ મૅકડફની પત્નીને તેમ જ એના નાની વયના દીકરાને હણી નાખ્યાં. પણ છેવટે મૅકડફે મૅકબેથને હણી નાખ્યો.  

નાટકનાં મુખ્ય પાત્રોનાં લક્ષણો કંઈક આવાં છે :

મૅકબેથ અનિર્ણાયક વ્યક્તિ છે, આવેશમાં આવી જાય છે, પણ મહત્ત્વાકાંક્ષી છે. તેથી અન્યને થનારી પીડા વિશે બેપરવાહ, જુલમી, દગાબાજ અને ખારીલો છે.

લેડિ મૅકબેથ મસલતબાજ સ્ત્રી છે, વર્ચસ્વી છે, પાખણ્ડી છે, પણ સ્વભાવે નબળી છે. જો કે, સત્તા જમાવી શકે એવી છે, પતિને અંગૂઠા નીચે રાખનારી છે.

મૅકડફ મૅકબેથને પરાજિત કરી મારી હટાવનારો રાષ્ટ્રભક્ત શૂરવીર છે. રાજાનો અને રાજાના પુત્ર માલ્કમનો તે વફાદાર સેવક છે.

આ નાટક પાંચ અંકનું છે :

પહેલા અંકમાં, ત્રણ ડાકણો આવે છે. મૅકબેથ, રાજાની હત્યા કરવાનો સંકલ્પ કરે છે.

બીજામાં, મૅકડફને જાણ થાય છે કે રાજાની હત્યા થઈ છે. મૅકબેથ પોતાનું કુકર્મ છુપાવવા રાજાના અંગરક્ષકોને મારી નાખે છે પણ જૂઠું બોલે છે કે એ તો આમ જ, બ્હાવરવાટમાં બની ગયેલું. રાજાના પુત્રો માલ્કમ અને ડોનાલ્બેઇન જીવ બચાવવા ભાગી જાય છે.

ત્રીજામાં, મુખ્યત્વે બાંકો અને એને થયેલી શંકાનું નિરૂપણ છે. બાંકોને મૅકબેથની દગલબાજી સમજાઈ જાય છે. પણ મૅકેબેથ એને અને એના પુત્ર ફ્લીન્સને મારી નાખવાનો હુકમ કરે છે. બાંકો મરાય છે, ફ્લીન્સ ભાગી છૂટે છે. મૅકબેથના બૅન્ક્વેટમાં બાંકોનું ભૂત મૅકબેથને ભયભીત કરી મેલે છે.

ચૉથા અંકમાં, રોસને મૅકડફની પત્ની પૂછે છે કે – એનો પતિ મૅકડફ ઇન્ગ્લૅન્ડ જતો રહ્યો તે શા કારણે. કેમ કે એને સમજ ન્હૉતી પડતી કે વિષમ સંજોગો વચ્ચે એનો પતિ એમ કેમ કરી શક્યો. રોસ કંઈક કહે એ પહેલાં જ સંદેશવાહક આવે છે ને  મૅકડફની પત્નીને કહે છે કે – દીકરાને લઈને તમે ભાગી જાવ, તમારા બન્નેના જાન જોખમમાં છે.

પાંચમા અંકમાં, માલ્કમ રાજા તરીકેના પોતાના અધિકારને સિદ્ધ કરવા યુદ્ધ લડી લેવા આવે છે. સ્કૉટિશ દળો બિરનામ વૂડમાં માલ્કમની સેના સાથે જોડાયાં છે. માલ્કમે હુકમ કર્યો છે કે – તમારે દરેક સૈનિકે વૂડના ઝાડના ડાળપાંદડાંથી જાત છુપાવવી જેથી મૅકબેથને સમજાય નહીં કે આપણે કેટલા છીએ. વગેરે ઘટનાઓ તેમ જ આ અંકમાં લેડિ મૅકબેથ ઊંઘમાં ચાલતી જોવા મળે છે.

નાટકમાં, મૅકબેથની મહત્ત્વાકાંક્ષા અને સત્તાની લાલસા ઉપરાન્ત અતિપ્રાકૃતિક – સુપરનેચરલ – તત્ત્વો જોવા મળે છે. જેમ કે, ડાકણો. એમણે કરેલી આગાહીઓ.એમણે મૅકબેથને બતાવેલી ભૂતાળવી વસ્તુઓ – હૅલ્મટ પ્હૅરેલું માથું – હાથમાં વૃક્ષ લઇને ઊભેલું એક રાજવંશી બાળક – બાંકોના ભૂતને અનુસરતા આઠ રાજવીઓની ટોળી. ડાકણો સંકેત એ આપી રહેલી કે – આમ તો તને કોઈ મારી શકે નહીં પણ તું મૅકડફથી ચેતજે. વગેરે.

બીજા અંકના પ્રથમ દૃશ્યમાં સાંભળવા મળતી મૅકબેથની સ્વગતોક્તિ વખતે પણ અતિપ્રકૃતિક કહી શકાય એવું ઘટે છે. જુઓ, સત્તાને માટેની એની લાલસાએ મૅકબેથને ઘાંઘો બનાવી દીધો છે. ડન્કનની હત્યા કરવાનું એણે નક્કી કરી લીધું છે. રાત્રિ છે, એની યોજનાને બળ મળે એવું ચોપાસ અંધારું છે. એવે સમયે એને વિકરાળ મતિભ્રમ થઈ રહ્યા છે. એની કલ્પનામાં એને હવામાં તરતી કટાર દેખાય છે.

Lady Macbeth -sleep walking scene. Anna Netrebko as Lady Macbeth

Courtesy : (Marty Sohl / Metropolitan Opera)

સ્વગતોક્તિની પ્રારમ્ભની પંક્તિ રસપ્રદ અને સુખ્યાત છે, એ બોલે છે, ‘ઇઝ ધૅર અ ડૅગર વિચ આઇ સી બીફોર મી?’- મારી સામે ઝળુંબી રહી છે એ કટાર છે ને? પંક્તિ એના દુષ્ટ ઇરાદાને સૂચવે છે. કટાર એને લોહીભીની પણ ભાસે છે. આખું દૃશ્ય, ભાવિ હત્યાનું પ્રતીક બની રહે છે. એ.બી.એ.બી. પ્રાસરચના ધરાવતી બે કંડિકાની એ સ્વગતોક્તિની કેટલીક પંક્તિઓ પદ્યમાં છે એમ આ પંક્તિ પણ પદ્યમાં છે. મૅકબેથના અન્તિમ શબ્દો છે, ‘ઇટ ઇઝ ટૂ લેટ, હી ડ્રૅગ્સ મી ડાઉન; – માય સોલ ઇઝ લૉસ્ટ ફૉર એવર.’ – ઘણું મૉડું થઈ ગયું છે, એ મને નીચે ને નીચે ખૅંચે છે, હું ડૂબું છું, ડૂબું છું; – અરેરે, હું હમ્મેશને માટે આત્મા-વિનાનો થઈ ગયો !

મૅકબેથના પતનમાં એ પોતે તો જવાબદાર છે જ પણ ડાકણોએ અને લેડિ મૅકબેથે પણ ખાસ્સો ભાગ ભજવ્યો છે. ડાકણોએ એના મગજમાં બીજ રોપ્યું કે – તું રાજા થવાનો છું, અને, લેડિ મૅકબેથે મૅકબેથને એવો ભોળવી લીધો કે એને બીજું કંઈ સૂઝે જ નહીં; એટલે કે, એણે ડાકણોએ રોપેલા બીજને ઉછેર્યું.

નાટકમાં મૅકબેથના પહેવહેલા શબ્દો છે – ‘સો ફાઉલ ઍન્ડ ફૅઅર અ ડે આઈ હૅવ નૉટ સીન’ – આટલો ખરાબ અનુચિત અને આટલો સારો ઉચિત દિવસ મેં જોયો નથી. આ શબ્દો આપણને પહેલા અંકમાં પહેલા દૃશ્યમાં ડાકણો બોલેલી એ શબ્દોની યાદ આપે છે. એમાં, શેક્સપીયરના અભ્યાસુ વિદ્વાનોએ નાટકની સમગ્ર વાર્તાનો સાર જોયો છે. કેમ કે, નાટકમાં જીવન અને મરણના વારાફેરા ચાલ્યા છે, હત્યાઓ તેમ જ હાર અને જીતના ખેલ ખેલાયા છે. સાર તો એ કે એકેય વાતનું ઔચિત્ય કે અનૌચિત્ય વસતું નથી.

શેક્સપીયરનાં નાટકોમાં સંઘર્ષો, લડાઇઓ, હત્યાઓ, આત્મહત્યાઓ જેવી નાટ્યાત્મકતાને ખીલવનારી સ્થૂળ ઘટનાઓ હમેશાં હોય છે. આ નાટકમાં જ નાયક મૅકબેથ ચાર મૃત્યુ માટે સીધો જવાબદાર ઠરે છે, બીજાં એના મનમાં તો ઘણાંનાં મૉત હશે. તેમછતાં, શેક્સપીયરની સૃષ્ટિમાં આગવું જીવનદર્શન હમેશાં હોય છે. અને, નૉંધપાત્ર વાત તો એ કે એ દર્શન કાવ્યશીલ પદ્યમાં હોય છે. ટૂંકમાં કહું કે એમાં કથા, નાટક અને ઊર્મિશીલ ત્રણેય પ્રકારના સાહિત્યશબ્દનું ફિલસૂફી સાથે સમ્મિલન થયું છે. સ્વગતોક્તિઓ અને એકોક્તિઓ પણ એ જ કારણે આકર્ષક અને અર્થપૂર્ણ અનુભવાતી હોય છે.

લેડિ મૅકબેથ આ નાટકનું મુખ્ય અને આકર્ષક પાત્ર છે. પતિને એ રાજા બનવાની પ્રેરણા તો આપે જ છે પણ રેજિસાઇડ માટે – રાજહત્યા માટે – એનામાં ક્રોધ પ્રજ્વલિત કરે છે. પછી પોતે સ્કૉટલૅન્ડની રાણી બને છે. મૅકબેથને રાજા બનાવીને રાજરાણી બનવાનો લેડિ મૅકબેથનો ઇરાદો એટલે લગી વિકસ્યો, કહો કે વિકૃત થઈ ગયો, કે એ કહે છે, ‘અન્સૅક્સ મી હીયર’. એનો અર્થ એ કે, એને સ્ત્રી તરીકે મટી જવું’તું, અબળા નારી ન્હૉતું રહેવું, પૌરુષ હાંસલ કરવું’તું. આપણને લાગે કે લેડિ મૅકબેથને કદાચ પતિથી ખાસ સંતોષ નહીં હોય. એ એને ખૂબ દબાણ કરતી, મૅણાંટૉંણાં કરતી, એની નબળાઇઓની વારંવાર ટીકા કરતી. પરિણામે, રાજાની હત્યા માટે મૅકબેથ તૈયાર થઈ શકેલો.

મૅકબેથ ડન્કનની હત્યા કરી નાખે છે એ પછી લેડિ મૅકબેથ ચિન્તા વ્યક્ત કરે છે કે એ લોકો એમને બન્નેને પકડી લેશે ને બન્દી બનાવશે. એ એવું સૂચવી રહી હોય છે કે હવે એ બન્નેનું ભાવિ એક છે. લૅડિ મૅકબેથ ડન્કનના રૂમમાં જાય છે અને ડન્કનના લોહીમાં પોતાના હાથ નાખે છે. તે પછી ક્યાં ય લગી એને કલ્પનામાં હાથ લોહીથી ખરડાયેલા દેખાયા કરે છે. દૃશ્ય એમ સૂચવે છે કે કુકર્મ માણસનો પીછો નથી છોડતું બલકે પોતાનાં નિશાન મૂકી જાય છે.

પાંચમા અંકમાં, નિદ્રામાં ચાલવાની એની ટેવનું દૃશ્ય – સ્લીપવૉકિન્ગ સીન – નાટકમાં આવેલો મોટો વળાંક છે. ત્યારે લેડિ મૅકબેથની એક એકોક્તિ છે – ‘આઉટ, ડૅમ્ડ સ્પૉટ !’. એ એને કલ્પનામાં દેખાયેલો લોહીનો સ્પૉટ છે. એ અંકના પહેલા દૃશ્યમાં એણે મૅકબેથને રાજાની હત્યા માટે ચડાવ્યો છે, કાવતરું ઘડી કાઢ્યું છે, અને હત્યાની ભાગીદાર પોતે પણ બની છે. મૅકબેથ તરત માનતો નથી, હત્યા માટે તત્પર થતો નથી, આનાકાની કરે છે. ત્યારે કૅસલમાં એની આ ‘આઉટ, ડૅમ્ડ સ્પૉટ !’ એકોક્તિ શરૂ થાય છે. દૃશ્યના પ્રારમ્ભે એક ડૉક્ટર અને એની એક દાસી એની ભ્રમિત મનોદશાની વિમાસણ કરતાં હોય છે. નિદ્રામાં ચાલવાની એની ટેવનું એકેય કારણ ડૉક્ટરને જણાતું નથી. ડૉક્ટર જુએ છે કે લેડિ મૅકબેથ પોતાના હાથ મસળી રહી છે, જાણે કે ચોખ્ખા કરી લેવા માગે છે. દાસી કહે છે, ચાલવા માંડે ત્યારે પણ તેઓ આમ જ કરે છે.

તે ક્ષણે લેડિ મૅકબેથ બબડે છે, ‘યટ હીયર’ઝ સ્પૉટ’. ડૉક્ટર એની સમગ્ર વર્તણૂકની નૉંધ લેતો હોય છે. એ બોલતી જાય છે, ‘આઉટ, ડૅમ્ડ સ્પૉટ ! આઉટ, આઇ સે ! – વન : ટુ : વ્હાય ધૅન, ઇટિસ ટાઇમ ટુ ડુ ઇટ…’ વગેરે.

એકોક્તિ દર્શાવે છે કે લેડિ મૅકબેથમાં કેવાક બદલાવ શરૂ થયા છે. છેલ્લે દેખાઈ ત્યારે તો એ ડન્કનની હત્યાનું કાવતરું ઘડતી’તી, પણ હવે હત્યાને છુપાવવાની મથામણ કરી રહી છે. એનામાં કુકર્મ કર્યાનું પ્રાયશ્ચિત શરૂ થયું છે. એની ઊંઘ હરામ થઈ ગઈ છે, રાત આખી એ બસ ચાલ્યા જ કરે છે. એને ડન્કનનું ભૂત વારંવાર સતાવે છે. એને પોતાનાં બાળકો યુદ્ધમાં હણાયાં ભાસે છે.

એના ચિત્તમાં ડન્કનની હત્યાનું દૃશ્ય વળી વળીને ભજવાયા કરે છે. અને એને થયા જ કરે છે કે હાથ ધોઈને ચોખ્ખા કરી નાખું. પણ એ સ્પૉટ તો હવે અકાટ્ય થઈ ગયો છે. એટલે એ બોલ્યા જ કરે છે, આઉટ, ડૅમ્ડ સ્પૉટ, આઉટ.

મૅકબેથે અનેકોની હત્યા કરી હોય છે, જુલ્મગાર ગણાયો હોય છે. મૅકબેથે કરેલાં અને પોતે કરેલાં કૃત્યોને કારણે લેડિ મૅકબેથ ગિલ્ટ – ગુનાઇતતા – અનુભવે છે, ગાંડી બની જાય છે, અને ઑફ્ફસ્ટેજ મૃત્યુ પામે છે. જો કે માલ્કમ એમ જાહેર કરે છે કે લેડિ મૅકબેથે આપઘાત કર્યો છે – પોતાના કલંકિત હાથે.

પણ એના પણ અન્તિમ શબ્દો માર્મિક છે. પાંચમા અંકના પહેલા દૃશ્યમાં એ બોલે છે, ‘ટુ બેડ, ટુ બેડ : ધૅર’ઝ નૉકિન્ગ ઍટ ધ ગેટ : કમ, કમ, કમ, કમ, ગિવ મી યૉર હૅન્ડ : વ્હૉટિઝ ડન, કૅનનોટ બી અન્ડન : ટુ બેડ, ટુ બેડ, ટુ બેડ.

હત્યા પૂર્વેની એની મનોદશા જાણવા જેવી છે. એ પૂછે છે કે – આ કામ કોઈ જાણી ગયું હોય એની આપણે શાને ચિન્તા કરીએ, કોણ આપણી સત્તાને પડકારી શકવાનું છે? : આમ તો એ એનો બબડાટ હતો કેમ કે સાંભળનારું સામે કોઈ હતું નહીં, કદાચ મૅકબેથ હતો, છતાં, એવું એ અગાઉ પણ વારંવાર બોલી ચૂકેલી. કેમ કે સત્તા મળ્યા પહેલાં જ એને સત્તાનો મદ ચડેલો. હત્યા કરી નાખ્યા પછી પણ એનો એ બબડાટ કે – ન કોઈ અમને પડકારી શકશે, ચાલુ જ રહે છે. સૂચવાય છે એમ કે મહત્ત્વાકાંક્ષા માણસને મિથ્યાભિમાની બનાવી દે છે.

મૅકબેથને સૌથી ડર મૅકડફનો છે, કેમ કે એ શક્તિશાળી છે. ડાકણોએ પણ કહેલું કે મૅકડફથી ચેતતો રહેજે. મૅકડફ એને કહે છે કે શરણે આવી જા, પણ એ ના ભણે છે. એટલે, છેવટે, મૅકબેથ અને મૅકડફ વચ્ચે દ્વન્દ્વ મંડાયું છે. ત્યારે, મૅકબેથ પણ એવી જ ડંફાસ હાંકે છે કે, કોઈ માઈનો લાલ – ઍનિ નૅચરલિ બૉર્ન મૅન – મને મારી શકે નહીં. મૅકડફ પોતાના ઉમદા કુળનો ફોડ પાડે છે, અને પછી મૅકબેથનું શિર વાઢીને માલ્કમને ધરે છે. પરિણામે, માલ્કમ સ્કૉટલૅન્ડનો નવો રાજા બને છે.

જીવો જનમે ને મરે એ એક કુદરતી વ્યવસ્થા છે. વિશ્વમાં દરેક જીવનું સ્થાન નક્કી હોય છે. કહેવાય છે કે કુદરતનાં શક્તિ-સામર્થ્યનો મૂળાધાર પણ નીતિરીતિ છે. આ નાટકની વ્યંજના પણ એ છે કે માણસની મહત્ત્વાકાંક્ષા નીતિ ભૂલી જાય છે, કાબૂ બહાર નીકળી જાય છે, ત્યારે માણસના નિકન્દનનું સર્જન શરૂ થઈ જાય છે. આમ તો, મૅકબેથમાં હત્યા જેવા કુકર્મની બાહોશી ન્હૉતી, એ એક પાપભીરુ સ્કૉટિશ જનરલ હતો. તેમ છતાં, એના ભીતરે સત્તાને વિશેની લાલસા તો હતી જ હતી. એની પત્નીએ એ લાલસાના અગ્નિને ભડકાવ્યો અને મૅકબેથના તેમ જ પોતાના જીવનમાં આગ જગવી. બીજી રીતે એમ કહેવાય કે એ બન્નેએ કુદરતી વ્યવસ્થાનો ભંગ કર્યો.

રાજહત્યા સહેતુક હોઈ શકે છે, પણ બાળહત્યા? ન હોઈ શકે. નાટકમાં, મૅકડફના પાત્રને ઍન્ટેગોનિસ્ટ કહી શકાય. એ સ્કૉટલૅન્ડ ખાતર મરી મીટે એવો રાજભક્ત છે. એને મૅકબેથ વડે થનારી રાજહત્યાની ગન્ધ આવી જાય છે, અને યોગ્ય સમયે, છેલ્લા અંકમાં, મેં જણાવ્યું એમ, એ મૅકબેથની હત્યા કરી નાખે છે. પણ પાંચમા અંકના બીજા દૃશ્યમાં, મૅકબેથના માણસો, એના રક્ષકો પણ મારાઓ, મૅકડફના નાની વયના બાળકને પાશવી રીતે હણી નાખે છે અને પછીથી મૅકડફની પત્નીને મારી નાખે છે. નાટકમાં આ બે હત્યાઓ નિર્દોષોની હત્યાઓ હતી. એટલે કહી શકાય કે ત્યારે પણ કુદરતની વ્યવસ્થાની અવમાનના થયેલી, વ્યવસ્થાનો ભંગ થયેલો.

નાટકમાં, એ દૃશ્ય અતિ કરુણ છે. ઍરિસ્ટોટલે ગ્રીક ટ્રેજેડીની વ્યાખ્યામાં કહેલું કે ટ્રેજેડીમાં પ્રેક્ષક કે વાચકને પિટી ઍન્ડ ફીયરનો અનુભવ થાય છે, પણ અન્તે એની એ બન્ને લાગણીઓનું વિશોધન થાય છે. સહૃદય વાચક કે પ્રેક્ષકની લાગણીઓનું એવું વિશોધન “મૅકબેથ”-માં પણ સંભવી શકે એમ છે.

(08 / 04 / 23 : Ahmedabad)

= = =

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

15 April 2023 Vipool Kalyani
← જીવનનું ગીત
રમૂજી લેખક મૂજી કેમ હોય છે? →

Search by

Opinion

  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved