તેમનું નામ શારદા રાવ. કામ પણ આખી જિંદગી એ જ કર્યું. આપણી માતા સરસ્વતી હાથમાં વીણા લઈને બેસે એવું ચિત્ર, એવી મૂર્તિ આપણા માનસપટ પર છે તો આ શારદાબહેનને પણ ત્રણ પેઢીએ હાથમાં તંબૂર લઈને ગાતાં, ગાયનમાં લીન થઈ જતાં, ડૂબી જતાં જોયા છે અને એ ડૂબવું, એ નિમજ્જન ભાવકોએ પણ અનુભવ્યું છે. ગુજરાતમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના જે કેટલાક વરિષ્ઠ સંગીત ગુરુઓ છે તે પૈકીના આ શારદાબહેન એક છે. ૧૪ જુલાઈ, ૧૯૩૮ના રોજ એમનો જન્મ. નાનપણથી જ સંગીત માટે લગાવ, તે વધતી વયની સાથે વધતો રહ્યો અને તેઓ અખિલ ભારતીય ગાંર્ધવ મહાવિદ્યાલય જેવી માતબર સંગીત સંસ્થામાંથી સંગીત વિશારદ થયાં. માસ્ટર નવરંગ નાગપુરકરનાં શિષ્યા તરીકે જે સંસ્કાર તેમને મળ્યા તે તેમણે પછીથી પોતાના શિષ્યોને પણ આપ્યા.
સંગીતને સિમાડા નડે નહીં તો સંગીતજ્ઞને કયાંથી નડે? મુંબઈમાં જે વિદ્યા પ્રાપ્ત કરી તે ગુજરાતના મીઠાપુરમાં વિદ્યાર્થીઓને આપી. અખિલ ભારતીય ગાંર્ધવ મહાવિદ્યાલયના કેન્દ્રમાં તેમણે ચારસો વિદ્યાર્થીઓને વિના મૂલ્યે મૂલ્યવાન સંગીતના પાઠ શીખવ્યાં. ર૦૦૦ના વર્ષમાં અમદાવાદ ખાતે તેમણે સંગીત નાટય અકાદમીના ઉપક્રમે આપેલું લેકચર–ડેમોન્સ્ટ્રેશન ઘણું વખણાયું હતું એટલું જ નહીં તેના પરથી અનેક લોકોએ પોતાના અભ્યાસ માટેનું આચમન મેળવ્યું હતું.
મંચ પરથી શારદા રાવનું નામ અને સ્વર બંને ગુંજતા રહ્યાં છે તો ઑલ ઇન્ડિયા રેડિયોના વિવિધ કેન્દ્રો પરથી તેમનું કંઠ કૌશલ્ય પાંચ દાયકાઓથી શ્રોતાઓએ ઝીલ્યું છે. ૧૯પરથી તેઓ આકાશવાણી–ઑલ ઇન્ડિયા રેડિયોના 'એ’ ગે્રડના કલાકાર તરીકે સ્થાન પામ્યાં છે. અત્યંત કઠિન અને જવલ્લે પ્રસ્તુત થતા રાગો તેમણે શ્રોતાઓને સંભળાવ્યાં છે. ગ્વાલિયર ઘરાનાના ગાયિકા શારદા રાવે પોતાના ગળાને આ ઘરાનાનું ઘર બનાવ્યું છે જાણે આકાશવાણી પરથી પ્રસારિત થતાં સંગીતના રાષ્ટ્રીય કાર્યક્રમો, અને મંગળવારની સંગીત સભામાં પણ શારદા રાવના કંઠનો જાદુ લોકોએ માણ્યો છે.
ગુજરાતમાં દર વર્ષે યોજાતા 'તાનારીરી’ મહોત્સવ, બૈજુ બાવરા સંગીત સમારોહમાં પણ શારદા રાવ રજૂઆત કરી ચુકયાં છે. દેશમાં વિવિધ સ્થળે અને વિવિધ સ્તરે યોજાતા યુવક મહોત્સવો, સંગીત સ્પર્ધાઓમાં શારદા રાવે નિર્ણાયક તરીકેની ભૂમિકા પણ સુપેરે ભજવી છે. જેમાં રાજકોટના પુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના કાર્યક્રમથી માંડીને ઓમકારનાથ ઠાકુર સ્પર્ધા સહિતની સ્પર્ધાઓનો સમાવેશ છે. તેમની બે કેસેટ પણ ભાવકો સુધી પહોંચી છે.
ગુજરાતમાં તથા રાજય બહાર પણ અનેક સ્થળોએ તેમણે રજૂઆત કરી છે. તો 'ૠતુ’ નૃત્યનાટિકાનું નિર્દેશન તેમની સંગીત યાત્રાનો મહત્ત્વનો પડાવ છે. ગુરુના આર્શીવાદ, શ્રોતાઓની તાળી અને ભાવકોની સરાહનાએ તો શારદા રાવની કળાને સતત ગાતાં રહેવા પ્રેર્યાં છે, પરંતુ સમયાંતરે થયેલા યથોચિત સન્માન, ઍવોર્ડ પણ તેમની કળાની વિવિધ સંસ્થાઓએ કરેલી યોગ્ય કદર છે. શારદા રાવને ર૦૦૧માં રાજ્યપાલના હસ્તે ગુજરાત ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો તે પહેલાં ભારતીય 'હુઝ હુ’માં શાસ્ત્રીય સંગીત ક્ષેત્રમાં તેમનું નામ સામેલ થયું હતું અને રાજકોટની સરગમ કલબ, અર્જુનલાલ હિરાણી સોસાયટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ તરફથી પણ તેમનું સન્માન થયેલું છે. 'ફુલછાબ’ દૈનિક દ્વારા અપાતા એર્વોડમાં શારદા રાવનો સમાવેશ 'જ્વેલ ઓફ કલાસિકલ મ્યુઝિક ઓફ રાજકોટ'માં કરાયો હતો.
શારદા રાવનું ર૧ ફેબુ્રઆરીના રોજ રાજકોટમાં અવસાન થયું. ભારતીય શાસ્ત્રીય સંગીતનાં એક વરિષ્ઠ ગાયકની શ્રોતાઓને ખોટ પડી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 15 તેમ જ 12