અંગ્રેજોએ ભારતમાં પગ જમાવ્યો અને તેમનો રાજકીય-સામાજિક-સાંસ્કૃતિક પ્રભાવ જેમ જેમ વધતો ગયો એમ હિંદુઓની માફક મુસલમાનોમાં પણ મંથન શરૂ થયું હતું કે ભારતીય મુસલમાનોએ કયો માર્ગ અપનાવવો જોઈએ? મઝહબી ઇસ્લામિક ભારત? કે આધુનિક મુસ્લિમ ભારત? હકીકત તો એ છે કે મુસલમાનોમાં આ મંથન હિંદુઓ કરતાં પહેલાં શરૂ થયું હતું, પણ એ શરૂઆતમાં સાવ મઝહબી હતું. બીજી હકીકત એ છે કે એ મંથન મૂળ વિદેશી મુસ્લિમ ભદ્રવર્ગમાં શરૂ થયું હતું, હિંદુમાંથી વટલાઈને મુસલમાન થયેલા ભારતીય મુસલમાનોને તો ગણતરીમાં પણ લેવામાં નહોતા આવતા.
મુસ્લિમ વાચકોને આ હકીકત સ્વીકારવામાં મુશ્કેલી પડશે પણ હકીકત તો એ છે કે ત્યારે મૂળ વિદેશી ભદ્રવર્ગીય (ખાનદાની) મુસલમાનો ભારતીય મુસલમાનોને એ જ નજરે જોતા હતા જે રીતે સવર્ણ હિંદુઓ બહુજન સમાજના હિંદુઓને જોતા હતા. તેઓ તેમને ઝાહીલિયા તરીકે ઓળખાવતા હતા. એ વાત સાચી છે કે ઇસ્લામ તત્ત્વત: અસમાનતામાં માનતો નથી, પણ વ્યવહારમાં મુસલમાનોમાં અસમાનતા છે અને ઊંચ-નીચના ભેદ માનવામાં ભારતીય મુસલમાનો હજુ આજે ય હિંદુપ્રભાવથી મુક્ત નથી. સત્યને નકારવાથી સત્ય અસત્ય ઠરવાનું નથી.
તો વાત એમ છે કે ઈ. સ. ૧૭૦૭માં ઔરંગઝેબના મૃત્યુ પછી ધીરે ધીરે મુઘલ સામ્રાજ્ય નબળું પડવા લાગ્યું, સૂબાઓ બળવા કરીને સ્વતંત્ર થવા લાગ્યા, મહારાષ્ટ્રના મરાઠાઓએ આક્રમણ કરીને રિયાસતો છીનવી લેતા હતા અને અંગ્રેજો વેપાર કરવાની સાથે શાસક બનવા લાગ્યા ત્યારે શાસન અને શાસનની સાથે વર્ચસ ગુમાવી રહેલા મુસલમાનોના મનમાં સવાલ પેદા થયો હતો કે હવે શું કરવું જોઈએ? એવું શું કરવામાં આવે કે જેથી સલ્તનતકાલીન અને મુઘલકાલીન હિંદુસ્તાન પાછું સ્થાપિત થાય? કેટલાક મઝહબી મુસ્લિમ ઉલેમાઓ અને આલિમો ભારતીય ઇસ્લામના સ્વરૂપમાં મુસલમાનોના પરાજયનું કારણ શોધવા લાગ્યા. ક્યાંક રસ્તો ચૂક્યા છીએ એટલે આવી સ્થિતિ પેદા થઈ છે.
શરૂઆત શાહ વલીઉલ્લાહ દહેલવીથી થાય છે. તેઓ ઉપર કહ્યા એવા ખાનદાની મુસ્લિમ હતા અને ઇસ્લામના અભ્યાસી હતા. તેમનો જન્મ ઔરંગઝેબનું મૃત્યુ થયું તેના ચાર વરસ પહેલાં ૧૭૦૪માં થયો હતો. તેમના પિતા શાહ અબ્દુર રહીમ ઔરંગઝેબના દરબારી હતા અને ‘ફતવા એ આલમગીર’નું તેમણે સંપાદન કર્યું હતું. મુઘલ સામ્રાજ્યનું પતન શાહ વલીઉલ્લાહની નજર સામે થઈ રહ્યું હતું. એ સિવાય મુસ્લિમ શાસકોમાં વિખવાદ, એકોબીજા પરનાં આક્રમણો, મરાઠાઓ સામે થઈ રહેલા પરાજયો, મુસલમાનોમાં ફિરકાપરસ્તી અને વટલાયેલા ભારતીય મુસલમાનોનું જાહીલિયાપણું એ તેમનાથી જોવાતું નહોતું.
આવી સ્થિતિનો અંત લાવવો હોય તો બે માર્ગ ઉપલબ્ધ છે. એક છે, તાત્કાલિક ઈલાજરૂપે અને બીજો છે લાંબા ગાળાના ઈલાજરૂપે. તાત્કાલિક ઈલાજ હતો કોઈ શક્તિશાળી મુસ્લિમ શાસકને હિંદુસ્તાન ઉપર આક્રમણ કરીને કબજો કરવા સમજાવવું. અત્યારે જે મુસ્લિમ શાસકો ભારતમાં છે એમાંથી કોઈનામાં એટલી શક્તિ નથી કે તે બધાને હરાવીને, આખા દેશ પર કબજો કરીને ફરી મુસ્લિમ સામ્રાજ્યની સ્થાપના કરી શકે. આ માટે તેમણે અફઘાનિસ્તાનના દુરાની વંશના શાસક અહમદશાહ અબ્દાલીને ભારત પર આક્રમણ કરવા આમંત્રણ આપ્યું હતું. અહમદશાહ અબદાલીએ ભારત પર આક્રમણ કર્યાં હતાં અને એમાં છેલ્લું યુદ્ધ ૧૭૬૧નું મરાઠાઓ સામેનું પાણીપતનું હતું. પાણીપતના યુદ્ધમાં દુરાનીનો વિજય તો થયો હતો, પરંતુ એ વિજય તેને ખૂબ મોંઘો સાબિત થયો હતો. અહમદશાહ અબ્દાલીએ હિંદુસ્તાનનો કબજો કરવાનો વિચાર પડતો મુક્યો હતો.
આ બાજુ ૧૭૫૭માં પ્લાસીના યુદ્ધમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થયો હતો અને એ પછી અંગ્રેજોએ પગ જમાવવાનું શરૂ કર્યું હતું. થોડાં જ વરસમાં સ્થિતિ એવી બની કે હવે કોઈ વિદેશી મુસ્લિમ આક્રમણકાર ભારત ઉપર આક્રમણ કરીને ભારતનો કબજો કરી શકે એમ નહોતું. જો કે કેટલાક મુસલમાનો ૨૦મી સદી સુધી, ૧૯૨૦-૨૨ની ખિલાફતની લડત સુધી એવી આશા રાખીને બેઠા હતા કે અફઘાનિસ્તાન ભારત ઉપર હુમલો કરીને તેને અંગ્રેજોથી છોડાવશે. અંગ્રેજોને પણ ખૈબરની સીમાએ ડર રહેતો હતો. થોડો અફઘાનોનો અને વધુ રશિયનોનો. બીજું શાહ વલીઉલ્લાહનું ૧૭૬૨માં મૃત્યુ થયું હતું, પરંતુ એ પહેલાં તેમણે પ્લાસીમાં અંગ્રેજોના વિજયને અને અહમદશાહ દુરાનીએ તેમ જ તેની પહેલા નાદિરશાએ કરેલી લૂંટને સગી આંખે જોઈ લીધી હતી.
શાહ વલીઉલ્લાહે સૂચવેલો બીજો ઈલાજ લાંબાગાળાનો હતો. એ હતો ભારતના મુસલમાનોના શુદ્ધિકરણનો. તેમને સાચા મુસલમાન બનાવવાનો. તેમના મતે ભારતમાં મુસલમાનોનો પરાજય થયો અને હવે તેઓ હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં પ્રવર્તતો ઇસ્લામ ભેળસેળવાળો છે. પેગંબરે બતાવેલો શુદ્ધ કાંચન જેવો ઇસ્લામ નથી. મુસલમાન જો સાચો મુસલમાન બને, કોઈ પણ પ્રકારના ગેર ઇસ્લામિક બાહ્ય પ્રભાવથી મુક્ત સો ટચના સોના જેવો મુસલમાન બને તો ન ઇસ્લામનો પરાજય થાય, ન મુસ્લિમ શાસનનો પરાજય થાય કે ન મુસ્લિમે હાંસિયામાં રહીને જીવવું પડે! દીની મોરચે ઇસ્લામનો વિજય થાય અને રાજકીય તેમ જ આર્થિક-સામાજિક-સાંસ્કૃતિક મોરચે મુસલમાનોનો વિજય થાય. ટૂંકમાં મુસલમાનોએ મૂળ તરફ પાછા ફરવું જોઈએ અને વટલાયેલા ભારતીય મુસલમાનો જે હિંદુ-પ્રભાવયુક્ત ગેરઇસ્લામિક સંસ્કારો ધરાવે છે તેનાથી તેમને મુક્ત કરવા જોઈએ.
જે વરસે દિલ્હીમાં શાહ વલીઉલ્લાહનો જન્મ થયો હતો એ જ વરસમાં ૧૭૦૩માં અરેબિયામાં મહમ્મદ ઈબ્ન અબ્દુલ વહાબનો જન્મ થયો હતો. યોગાનુયોગ એવો છે કે બંનેની વિચારધારા ઘણે અંશે સમાન હતી. શાહ વલીઉલ્લાહ હજ કરવા અરેબિયા ગયા ત્યારે તેઓ વહાબને મળ્યા હતા કે કેમ એ વિશે ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે. એક અભિપ્રાય એવો છે કે તેઓ વહાબને મળ્યા હતા અને તેમના વિચારથી પ્રભાવિત થઈને આવ્યા હતા. બીજો અભિપ્રાય એવો છે કે એ સમયે મુસલમાનો સામે પેદા થયેલી ખાસ પ્રકારની રાજકીય-સામાજિક પરિસ્થિતિ જ એવી હતી કે સ્વાભાવિકપણે એક જ સરખો ઈલાજ બે વિચારકોને સમાંતરે ઝૂઝયો હતો.
શાહ વલીઉલ્લાહનું ૧૭૬૨માં અવસાન થયું એ પછી તેમના પુત્ર શાહ અબ્દુલ અઝીઝે ભારતીય ઇસ્લામના શુદ્ધિકરણનો પિતાનો વારસો સંભાળ્યો હતો. તેમનો જન્મ ૧૭૪૬માં થયો હતો અને મૃત્યુ ૧૮૨૪માં થયું હતું. ભારતમાં જીહાદનો પાયો રોપનાર સૈયદ અહમદ બરેલવી (૧૭૮૬-૧૮૩૧) તેમના સમકાલીન હતા અને શાહ વલીઉલાહ, અબ્દુલ અઝીઝ તેમ જ મહમ્મદ ઈબ્ન અબ્દુલ વહાબના વિચારોથી પ્રભાવિત હતા. શાહ અબ્દુલ અઝીઝ સૈયદ અહમદ બરેલવીને ઓળખતા હતા અને માર્ગદર્શન આપતા હતા, પરંતુ જ્યારે સૈયદ અહમદ બરેલવીએ જીહાદ કરીને શહાદત વહોરી લીધી ત્યારે શાહ અબ્દુલ અઝીઝે નહોતા તેમને રોક્યા કે નહોતો સાથ આપ્યો.
ભારતીય મુસલમાનોમાં શરૂ થયેલો આ શુદ્ધીકરણનો વારસો હજુ આજે પણ ચાલી રહ્યો છે.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 ઍપ્રિલ 2020