આશ્ચર્યની વાત છે નહીં! સનાતન ધર્મની અંદર શ્રમણોએ જે સુધારા કર્યા હતા એની અસર લગભગ ભૂંસાઈ ગઈ હતી. બ્રાહ્મણવાદ, કર્મકાંડનો અતિરેક અને સામાજિક અસમાનતા એના એ સ્વરૂપમાં કાયમ હતી. બીજાને પોતાનામાં સમાવતી અને વાટીને એકરસ કરતી ખરલ સામે પેદા થઈ રહેલા અવરોધોને દૂર કરવામાં હિંદુઓએ ભાગ્યે જ કોઈ પ્રયાસ કર્યા હતા. અને ત્રીજું હિંદુઓ હિંદુ સમાજની મર્યાદા અને ઉકેલની બાબતમાં સાવ બેફીકર હતા. શા માટે હિન્દુસ્તાનમાં હિંદુઓની બહુમતી હોવા છતાં હિંદુઓનો પરાજય થયો હતો અને હજુ પણ શા માટે બહુમતી હિંદુઓ પર લઘુમતી મુસલમાનોનું રાજ છે એવો સામાન્ય પ્રશ્ન પણ હિંદુ માનસમાં જાગ્યો નહોતો. આવી તો કોઈ પ્રજા હોય? પણ આ પૃથ્વી પર ભારતીય ઉપખંડમાં આવી પ્રજા હતી. તુલસીદાસે તો કહ્યું પણ હતું કે શાસક આવે ને જાય આપણને શું ફરક પડે છે.
આની વચ્ચે યુરોપમાં પુનર્જાગરણનો યુગ શરૂ થયો હતો જેણે પ્રજામાં નવો ઉત્સાહ અને સાહસ પેદા કર્યાં હતાં. શંકા કરો, પ્રશ્ન કરો અને જાતે ખાતરી કરો. તમારી સુખાકારી તમારા હાથમાં છે, તમારા પુરુષાર્થમાં છે, કોઈની કૃપામાં નથી. આ નવા જોમે ભારત અને યુરોપ વચ્ચે જે મુસ્લિમ વિશ્વ હતું એના અવરોધને હટાવી દીધો. જો ભારત નામનો કોઈ સમૃદ્ધ દેશ છે અને એ દેશમાંથી તેજાનાઓ અને બીજી ચીજો મુસલમાનો આયાત કરીને આપણે ત્યાં વેચે છે તો એ છે ક્યાં? આપણે જ કેમ ત્યાં ન પહોંચી જઈએ?
બસ, આ એક પ્રશ્નમાંથી ભારતની ‘ખોજ’ શરૂ થઈ. એ ‘ખોજ’ સાર્વત્રિક અસર કરનારી વ્યાપક નીવડવાની હતી, માત્ર પૃથ્વી પરનો એક ભૂભાગ શોધવા પૂરતી નહોતી રહેવાની. જ્યારે ખોજ શરૂ થઈ ત્યારે તો એ વ્યાપાર કરવાના અને આરબ વિશ્વના મુસ્લિમ વ્યાપારીઓને વચ્ચેથી હટાવીને વધુ નફો કમાવાના ઈરાદે શરૂ થઈ હતી. તેમણે જ્યારે ભારત નામનો ભૂભાગ શોધી કાઢ્યો ત્યાર પછી તેમને ટીપિકલ ભારતીય માનસ(હિંદુ માનસ કહો)નો પરિચય થવા લાગ્યો હતો અને તેમને અનુભવ થવા લાગ્યો હતો કે આ કોઈ અલગ જ વિશ્વમાં વસતી પ્રજા છે. વાસ્કો ડી ગામાએ ભારતમાં પગ મુક્યો એનો પહેલો જ પ્રસંગ જોઈએ.
વાસ્કો ડી ગામાએ કેરળમાં કાલીકટમાં પગ મુક્યા પછી કાલીકટના રાજા ઝમોરીનના દરબારમાં ગયો. રાજાએ વાસ્કો ડી ગામાને આવવાનું કારણ પૂછ્યું તો તેણે શરમાયા કે સંકોચ વિના કહ્યું હતું કે ઈસાઈઓ અને તેજાનાઓની ખોજમાં. ઈસાઈ ધર્મ મૂકી જવા અને તેજાનાઓ લઈ જવા. આમ છતાં પણ કાલીકટનો રાજા વાસ્કો ડી ગામાને મળીને પ્રસન્ન થયો હતો અને પોર્ટુગીઝ રાજાને મૈત્રીનો પ્રસ્તાવ મોકલ્યો. જવાબમાં પોર્ટુગીઝ રાજાએ ભારત જાણે કે કોઈ ગુલામ દેશ હોય એમ હજુ મોટી સંખ્યામાં વેપાર કરવા સાહસિકોને અને ઈસાઈ ધર્મનો પ્રચાર કરવા મિશનરીઓને ભારત મોકલ્યા.
એ પછી તો કેરળના સમુદ્રમાં મુસલમાનો અને અને પોર્ટુગીઝો વચ્ચે મારામારી થઈ હતી. પોર્ટુગીઝોની પાછળ પાછળ બીજા યુરોપિયનો આવવા લાગ્યા અને તેમની વચ્ચે મારામારી શરૂ થઈ. હવે જે વેપારી કાફલાઓ આવતા હતા તેમાં તેજાનાની સુરક્ષા માટે સૈનિકો અને ચોકિયાતો આવવા લાગ્યા અને વ્યાપારની લડાઈ હજુ વધુ લોહિયાળ બનવા લાગી. ચાંચિયાઓ જહાજોને લૂંટતા હતા. આ બધું ભારતની ચીજવસ્તુઓ યુરોપમાં લઈ જઇને નફો કમાવા માટેની હતી.
આશ્ચર્ય એ વાતનું છે કે એક પણ હિંદુ વેપારીને ભારતીય ચીજવસ્તુઓ માટેની આવી લોહિયાળ લડાઈઓ જોઈને એવો વિચાર નહીં આવ્યો કે બીજા આપણો માલ વિદેશ લઈ જઈને વેચે તો આપણે કેમ ન વેચીએ! રાજાને પણ એવો વિચાર ન આવ્યો કે વિદેશીઓ પર ભારત આવવા ઉપર પ્રતિબંધ મૂકીને ભારતીય વેપારીઓને નિકાસ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ. આ સિવાય કાલીકટના રાજાને મૈત્રીના પ્રસ્તાવને પોર્ટુગીઝ રાજાએ ઠુકરાવી તો નહોતો દીધો, પણ તેનો ઉત્તર એક રાજા બીજા રાજાને આપે એવો સાલસતાપૂર્વકનો નહોતો એ છતાં ય રાજાને એ વાતનું કોઈ માઠું નહોતું લાગ્યું. કદાચ વાસ્કો ડી ગામાએ વતન પાછા ફરીને ત્યાંના રાજા સમક્ષ ભારત વિશેનું જે વર્ણન કર્યું હશે તેનું આ પરિણામ હશે. તેમણે કહ્યું હશે કે ભારતીય પ્રજા બહાર નજર નાખવાની આદત નથી ધરાવતી, તે પોતાનમાં મશગુલ રહે છે.
બીજું, કાલીકટના રાજા ઝમોરિને એક વાર વિચાર્યું પણ હોત કે વિદેશી વેપારીઓને ભારતમાં આવતા અટકાવવા જોઈએ અથવા એકબીજાનો માલ લૂંટનારાઓને કે ચાંચિયાગીરી કરનારાઓને અટકાવવા જોઈએ તો તે એમ ક્યાં કરી શકે એમ હતો! ભારત પાસે આટલો મોટો દરિયાકિનારો હોવા છતાં ભારતીય શાસકોએ સમુદ્રની સંભાવનાઓ ઓળખી જ નહોતી. સંરક્ષણની દૃષ્ટિએ નહીં, વિસ્તરવાની દૃષ્ટિએ નહીં કે વ્યાપારની દૃષ્ટિએ પણ નહીં. દરિયાપાર જવું એ હિંદુ માટે પાપ ગણાતું હતું, કારણ કે બૌદ્ધો ધર્મપ્રચાર કરવા વિદેશમાં જતા હતા અને બૌદ્ધોને નીચા બતાવવા માટે આર્યાવર્તને છોડીને વિદેશમાં જવું એને પાપ ગણાવવામાં આવ્યું હતું. આવી ઉદાસીનતાને કારણે સમુદ્રની સુરક્ષા કરવાની પણ કોઈ વ્યવસ્થા ભારતના દરિયાકાંઠાના શાસકો નહોતા ધરાવતા.
આમ હિંદુ પ્રજા, હિંદુ વેપારી અને હિંદુ શાસકની નજર સામે દરિયામાં ભારતીય ચીજવસ્તુઓ દ્વારા નફો કમાવા માટે કત્લેઆમ ચાલતી હતી અને કત્લેઆમ પાંચ પાંચ હજાર ગાવ દૂરથી આવીને લોકો કરતા હતા, પરંતુ અહીંના હિંદુઓને કોઈ ફરક નહોતો પડતો. વિદેશીઓને હિંદુઓનું આ પાસું ધ્યાનમાં ન આવે એવું તો બને જ નહીં. શિકારી ઘરના દરવાજે આવી જાય ત્યાં સુધી તે ન બચવાની કોઈ કોશિશ કરે કે ન શિકારીને તગેડી મૂકવાની. યુરોપિયનોને તરત જ સમજાઈ ગયું હતું કે ભારતમાં ધંધાની અનુકૂળતા તો છે જ, પણ ઈસાઈ ધર્મના પ્રચાર-પ્રસારની પણ અનુકૂળતા છે. આગળ જતા તેમને એ પણ સમજાઈ ગયું કે ધારો તો ભારતને કબજે કરીને રાજ કરવાની પણ અનુકૂળતા છે.
દુન્યવી બાબતો માટે ઉદાસીન હિંદુ એક ગજબનું પ્રાણી છે. શરૂઆતનાં વર્ષોમાં યુરોપિયનોને હિંદુ સમજાતો પણ નહોતો. આવું વલણ ધરાવનારો કોઈ માણસ હોય એ વાતનું તેમને અચરજ થતું હતું. જનકની જેમ ઘરને આગ લાગે તો હિંદુને કોઈ ફરક નહોતો પડતો, પણ ફરક એ હતો કે જનક વેદાંતી હતા જ્યારે મધ્યકાલીન યુગનો હિંદુ નિયતિવાદી હતો. નસીબમાં ન હોય તો મળતું નથી અને નસીબમાં ન હોય તો ટકતું નથી એટલે રડવાનું શું અને રડીને શું ફાયદો! નિયતિ સામે માનવીય પુરુષાર્થ નકામો છે એટલે ધન માટે મ્લેચ્છોને લડતા જોઇને તેને તેમની ઉપર દયા આવતી હતી. અનુસરવાનું બહુ દૂર રહ્યું.
એટલે તો વાસ્કો ડી ગામાએ ભારતમાં પગ મુક્યો એ પછી ૪૧૦ વરસે ગાંધીજીએ તેમની નાનકડી પુસ્તિકા ‘હિંદ સ્વરાજ’માં લખ્યું છે કે ભારતને અંગ્રેજોએ ગુલામ નથી કર્યું, ભારતીયોએ સામેથી ગુલામી વહોરી છે. હિંદુએ પોતે પોતાના માટે રચેલાં વિશ્વને સાચું માની લીધું હતું અને તે બહાર જોતો બંધ થઈ ગયો હતો. ભારતની ખોજ કરવા આવેલા યુરોપિયનોએ ભારતની આ પણ એક ખોજ કરી હતી અને તેમને તેમાં ગોળનો ગાડવો નજરે પડ્યો હતો.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 જાન્યુઆરી 2020