Opinion Magazine
Number of visits: 9746140
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાંતિપૂર્વકના વિરોધી દેખાવો આખરે હિંસક દુર્ઘટનાઓમાં કેમ ફેરવાય છે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|31 January 2021

ઇતિહાસમાં એવા ઘણા પ્રસંગ છે જેની શરૂઆત તો શાંતિથી જ થઇ હતી, પણ અંત હિંસા અને અરાજકતાથી ભરપૂર હોય છે

૭૨મો પ્રજાસત્તાક દિવસ કમનસીબે લાલ કિલ્લા પર થયેલાં હોબાળા, રમખાણ, તોડફોડ અને હિંસાને કારણે પણ આપણને યાદ રહેશે. ખેડૂતોના બિલના વિરોધમાં થઇ રહેલા દેખાવો બે મહિનાથી ચાલી રહ્યા હતા, અને ૨૬મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી નીકળશેની જાહેરાત થઇ. આ પરેડને દિલ્હી પોલીસે રૂટ્સ નિયત કરીને પરવાનગી આપી હતી પણ છતાં પણ સોમવારે મધરાતે નેતૃત્વહિન કેટલાંક ટોળાં ગમેતેમ કરીને લાલ કિલ્લા પર પહોંચવા માગતા હતા અને મંગળવારે સવારે સિંઘુ બોર્ડર તરફના, ઉત્તરપશ્ચિમી બેરિકેડ્ઝ તોડીને કિસાન મઝદૂર સંઘર્ષ સમિતિનાં લોકો ટોળાંબંધ શહેરમાં આવ્યાં અને બપોરના પહેલા હિસ્સા સુધીમાં લાલ કિલ્લાની દિશાએ પહોંચ્યાં. જે પણ અરાજકતા ફેલાઇ તેને પગલે દિલ્હી પોલીસનાં ૮૩ કર્મચારીઓને ઇજા થઇ, એક સામાન્ય નાગરિક ઘવાયો અને એક ખેડૂતનું મોત પણ થયું. જે દેખાવો શાંતિથી કરવાના હતા તે હિંસક કેવી રીતે થઇ ગયા તેની પર ચર્ચાઓ પણ ચાલી. ખેડૂતોના શાંતિપૂર્વકના વિરોધોના હિંસક સ્વરૂપ પાછળ રાજકીય રમતની બૂ પણ આવવા માંડી. આ લેખ તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં ઘણી ચોખવટો થઇ હશે, જેને પોતાના ગુના નહીં સ્વીકારવા હોય તે વધુ દેકારા કરતા હશે અને વિવિધ પ્રકારના પિષ્ટપેષણ થયાં હશે.

અહીં વાત ખેડૂતોના વિરોધની અને દેખાવો નથી પણ લોકશાહીમાં દેખાવો કરીને પોતાનો મુદ્દો રજૂ કરવાની ઘટના કેટલી સામન્ય છે, તેની તથા કઇ રીતે શાંતિપૂર્વક જે દેખાવો કરવાના હોય છે તે હિંસક થઇ જાય છે તે અંગેની છે. ગયા મે મહિનામાં આપણને હજી વાઇરસના આગમનનો આઘાત વર્તાઇ રહ્યો હતો, ત્યારે અમેરિકામાં એક અશ્વેતની પોલીસ અધિકારીએ હત્યા કરી. જ્યોર્જ ફ્લોઇડની ધરપકડ કરવા ગયેલા અમેરિકી પોલીસ અધિકારી ડેરેક શોવિને નીચે પાડ્યો અને ઘૂંટણથી તેની ડોક દબાવી રાખી અને પણ ત્યાં સુધી દબાવી જ્યાં સુધી જ્યોર્જ ફ્લોઇડને શ્વાસ લેવાના ફાંફા ન પડવા માંડ્યા અને એક સમયે તેણે કોઇપણ પ્રતિભાવ આપવાનું બંધ કરી દીધું. જ્યોર્જ ફ્લોઇડને હૉસ્પિટલમાં લઇ ગયા પછી મૃત જાહેર કરાયો અને અમેરિકી પોલીસ ઑફિસર પર હત્યાનો ચાર્જ મૂકાયો. આ ઘટનાને પગલે વાઇરસનો ડર હોવા છતાં ય યુ.એસ.એ.ના અલગ અલગ શહેરોમાં દેખાવો થયા. મોટા ભાગના દેખાવો શાંતિપૂર્વકના હતા પણ ઘણાં શહેરોમાં વિરોધ કરનારાઓ પોલીસ સાથે બાથ ભીડી, દુકાનો લૂંટાઈ, પોલીસની કાર્સને આગ લગાડી દેવાઈ. શાંતિપૂર્વકના દેખાવોએ હિંસાનું રૂપ લીધું. આ દેખાવોમાં ૧૨ જણાનો મોત થયા અને ૨૦,૦૦૦ જેટલા નેશનલ ગાર્ડ્ઝ યુ.એસ.એ.ના અલગ અલગ સ્ટેટ્સમાં પરિસ્થિતિ કાબૂમાં લાવવા કામે લગાડાયા હતા.

આવું જ કંઇક ૨૦૧૧માં ઇગ્લેંન્ડમાં બન્યું. લંડન રાયટ્સ તરીકે જાણીતા આ બનાવમાં પોલીસે જ્યારે માર્ક ડગ્ગન નામના એક માણસને ગોળીએ દઇ દીધો, ત્યારે વિરોધીઓ તોત્તેનહેમ હેલ લંડનમાં દેખાવો કરવા એકઠા થયા. શાંતિપૂર્વકના દેખાવોનો માહોલ હજી તો ગોઠવાય ત્યાં તો આમ જનતાને પોલીસ સાથે મૂઠભેડ થવા માંડી, પોલીસના વાહનોને નુકસાન પહોંચાડાયું, દુકાનો લુંટાઈ, આસપાસના ઘરોની પણ તોડફોડ થઈ. મોટી સંખ્યામાં પોલીસો તૈનાત કરાયા હતા અને છ દિવસ ચાલેલા આ રમખાણોમાં પાંચ જણના મોત થયા હતા.

વિરોધોનું હિંસક બનાવોમાં ફેરવાઇ જવું આજકાલની વાત નથી. ૧૫૧૭ની સાલમાં જર્મન પ્રોફેસર માર્ટિન લ્યૂથરે પ્રોટેસ્ટન્ટ રિફોર્મેશનની શરૂઆત કરી ત્યારે તે કદાચ સૌથી વધુ શાંતિપ્રિય રીતે શરૂ થયેલા વિરોધ હતા. જર્મન ચર્ચના દરવાજે કેથોલિસિઝમના દમન અંગેની ટ્રિટીઝનો દસ્તાવેજ ખીલ્લી લઇ ઠોકી દેવાથી આ વિરોધની શરૂઆત થઇ. કમનસીબે ધર્મના દમન સામે ઊઠેલા અવાજે પણ લોહિયાળ ક્રાંતિનુ રૂપ લઇ લીધું. આવું જ કંઇક ૧૭૯૮ની ફ્રેંચ ક્રાંતિમાં બન્યું. ઇતિહાસકારોએ ફ્રેંચ ક્રાંતિની હિંસાને અલબત્ત કેન્દ્રમાં રાખી છે પણ પેરિસના વિરોધીઓએ હિંસા ટાળવાનો પૂરો પ્રયાસ કર્યો હતો; પરંતુ ફ્રેંચ ક્રાંતિની વ્યાપકતામાં આ અહિંસક પ્રયાસો વર્તાયા નહોતા. બેઇજિંગના ટિઆનાનેમ સ્ક્વેરમાં લોકશાહી સુધારા ઇચ્છતા વિદ્યાર્થીઓનો મોટો સમુદાય શાંતિપૂર્વકના દેખાવો કરવા પહોંચ્યો. દસ લાખ જેટલા વિદ્યાર્થીઓએ સાત અઠવાડિયા આ કર્યું પણ પછી ચાઇનિઝ સૈન્ય ટેન્કસ લઇને તેમની પર ફરી વળ્યું અને અનેક વિરોધીઓના મોત થયા જેને પગલે ચીનનું આ પગલું ખૂબ વખોડાયું.

શાંતિપૂર્વકના દેખાવો હિંસક ઘટનામાં ફેરવાઇ જાય તેની પાછળ ઘણાં કારણો હોય છે. ખેડૂતોનું લાલ કિલ્લા પર ફરી વળવું એમાં રાજકીય રમત ચોક્કસ છે, કારણ કે આ કરનારામાં કેટલાક એવા પણ હતા જે ખેડૂતો હતા જ નહીં. પરંતુ ઇતિહાસની બીજી ઘટનાઓ પર નજર કરીએ તો પોલીસ વિરોધ કરનારાઓના જોશ પ્રત્યે કેવો પ્રતિભાવ આપે છે તેની ઘણી અસર રહે છે. ટોળાંમાંથી કેટલાંક લોકો પોલીસ સાથે માથાકૂટ કરવા માંડે અને પછી જો પોલીસ પરિસ્થિતિને કૂનેહથી ન સંભાળે તો ઉશ્કેરાટ વધે અને પછી ટોળાંને કાબૂમાં લેવું મુશ્કેલ થઇ જાય. નૈતિકતા અંગે વિરોધીઓનો અભિગમ પણ સંજોગોને બગડતા અટકાવી શકે છે. વળી સોશ્યલ મીડિયા પર થતો દેકારો ટોળાંઓમાં જૂદું જ ઝનૂન ભરે છે, એટલે એ પણ જોખમી સાબિત થઇ શકે છે. ટોળાંઓ ઝનૂને ભરાઇને આસપાસની દુકાનો લૂંટવા માંડે, તોડફોડ કરવા માંડે એ તેમને માટે એક રીતે શક્તિ પ્રદર્શન થઇ જાય છે, તેમને એમ કરવામાં પોતાની પાસે કોઇ સત્તા છે તેવી લાગણી થવા માંડે છે. કોઇ પણ વિરોધ પ્રદર્શન જ્યારે સુકાની વગરનું થઇ જાય પછી તે દિશા હીન અને ગાંડાતૂર થયેલા હાથી જેવું જ થઇ જાય છે અને પરિસ્થિતિ હાથની બહાર ચાલી જાય છે. જ્યારે શાંતિપૂર્વકના દેખાવો હિંસક બની જાય છે પછી વિરોધનો હેતુ ફંગોળાઇ જાય છે અને પછી અરાજકતા સિવાય કંઇ બચતું નથી.

બાય ધી વેઃ

એવા પણ વિરોધો થયા છે જેમાં હિંસા કાં તો એક તરફી હતી અથવા તો હતી જ નહીં અને તે સફળ પણ રહ્યા છે. જેમ કે બાપુના મીઠાના સત્ચાગ્રહની વાત કરીએ તો ખ્યાલ આવે કે ધરાસણામાં સવારથી સાંજ સુધી વિરોધીઓ મુંગા મોંએ ઊભા રહેતા. બ્રિટિશરોએ ૨૧ દિવસ દંડાવાળી કર્યા પછી જે રિપોર્ટ તૈયાર કરાવ્યો એમાં બહાર આવ્યું કે સત્યાગ્રહીઓને માથે અને ખભે ફ્રેક્ચર્સ હતા, આંગળીઓ કે હાથ પર નહીં કારણ કે સવારના સાડા છથી સાંજના સાડાચાર વાગ્યા સુધી લાઠી ખાનારાઓએ બચાવમાં હાથ સુદ્ધાં આડો નહોતો ધર્યો. શાંતિપ્રિય વિરોધનું આનાથી બહેતર અને દર્દનાક ઉદાહરણ શું હોઇ શકે, ભલા? આ એક તરફી હિંસા વાળો વિરોધ હતો તો ૨૦૧૭માં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા પછી મહિલાઓના અધિકાર માટે અને ટ્રમ્પના મહિલા વિરોધી વહેવારને લઇને વિરોધીએ દેખાવો કર્યા ત્યારે ૬૦૦ જેટલી કૂચ યુ.એસ.એ.ના અલગ અલગ હિસ્સાઓમાં થઇ અને અન્ય ૮૧ દેશોમાં પણ દેખાવો થયા. આ યુ.એસ.એ.ની હિસ્ટ્રીમાં એક જ દિવસમાં થયેલું સૌથી મોટું વિરોધ પ્રદર્શન હતું જેમાં કોઇ હિંસા નહોતી થઇ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  31 જાન્યુઆરી 2021 

Loading

31 January 2021 admin
← દમન કરી કોઈ નેતા લાંબો સમય શાસન ન કરી શકે !
આઝાદી માટે શાંતિમય લોક આંદોલનનો માર્ગ અપનાવવો : શહીદ ભગતસિંહ →

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved