નિરંતર
વાત જો કે ૨૦૨૨માં અને ૨૦૨૨ની જ કરવી છે, પણ કલમ ઉપાડવા કરું છું ત્યારે ચિત્ત કવિકુલગુરુ કાલિદાસની મનહર-મનભર સૃષ્ટિમાં અને એમાં ય તે શાકુન્તલ અને કણ્વાશ્રમની ચિત્રણામાં રમવા કરે છે.
રાજા દુષ્યન્ત મૃગયાએ નીસર્યા છે. નાસતું મૃગલું વન વીંધતું તપોવનમાં પ્રવેશે છે. કણ્વ મુનિનો એ આશ્રમ છે. રાજા નિશાન લેવાની અણીએ છે ત્યારે સહસા બે આ શ્રમિકોનો અવાજ સંભળાય છે : રાજન, આ તો આશ્રમમૃગ છે, ન હન્તવ્યો ન હન્તવ્યઃ …
નોંધ્યું તમે, આશ્રમની સીમા જ્યાં શરૂ થઈ, રાજાની ને રાજ્યની એક હદ ત્યાં આવી ગઈ. રાજ અલબત્ત રાજાનું જ છે, પણ આણ અને આમન્યાને વશ વરતીને.
અહીં સાંભરે છે તક્ષશિલાના પ્રવેશદ્વારે મુકાયેલ એક સૂચનાપટ, ‘દીપનિર્વાણ’ નવલકથામાંથી દર્શકની બાનીમાં : “હે ચક્રવર્તી! આ જગ્યાએ જ્ઞાનની અધિષ્ઠાત્રી, આજીવન બ્રહ્મચારિણી, સર્વવત્સલા સરસ્વતીનું ઉપાસના સ્થાન છે એટલે અહીંની શાંતિને અભંગ રાખવા માટે તારા, સપ્તસિંધુઓનું જલ પીધેલા ઘોડાને અહીં બહાર જ વિશ્રામ દેજે. તારાં દેદીપ્યમાન અસ્ત્રશસ્ત્રનો ભાર અહીં જ રથમાં ઉતારી નાખજે; ને તારા રાજવી મદમર્દનનો અહંભાવ અહીં જ મૂકીને આ અંતર્વેદીમાં પગ મૂકજે.”
હવે, એ તો રાજાશાહીનો જમાનો હતો – અને એણે પણ શિક્ષણ ને સાહિત્ય પરત્વે એક આમન્યા જાળવવામાં પોતાનો ધર્મ જોયો હતો. જમાનો ક્યાં ય આગળ ચાલ્યો છે, અને લોકશાસને કેટલીએક પ્રજાસૂય આમન્યાઓ જાળવવામાં પોતાનું શીલ જોયું છે. આ જે પ્રજાસૂય આણ ને આમન્યા, એની વિધિવત્ બંધારણીય ને કાનૂની ઓળખને આપણે આજની લોકશાહી પરિભાષામાં સ્વાયત્તતાને નામને ઓળખીએ છીએ.
નમૂના દાખલ ગ્રેટ બ્રિટનની વાત કરું જરી? અને દૃષ્ટાંત છે પણ મજાનું એણે ‘રાજા’ની સંસ્થા ઘટતાં માનપાન સહ જાળવી રાખી છે, પણ લોકશાહી વ્યવહારની અનોખી સંસ્કૃતિ નિપજાવી છે. ૧૯૮૫ની સાલમાં ‘બ્રિટનની ધરતી પર એક વિક્રમ ઘટના નોંધાઈ. શ્રેષ્ઠતમો પૈકી એક એવા વિદ્યાધામ, ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં દરખાસ્ત આવી કે વડા પ્રધાન માર્ગરેટ થેચરને માનદ્દ ડૉક્ટરેટ આપવી. ઇંગ્લેન્ડની સંસદીય લોકશાહીના ઇતિહાસમાં એક અર્થમાં થેચરનું નામ ચર્ચિલની હારોહાર લેવાય છે. બલકે, લાંબા કાર્યકાળની કસોટીએ તો માર્ગરેટ થેચરને આપણે આગળ મૂકવાં પડે. આવાં આ થેચરબાનુ, એમને માનદ્દ ડૉક્ટરેટની દરખાસ્ત સામાન્યપણે સ્વીકાર્ય જ હોય ને. ખુદ યુનિવર્સિટીને પણ એમાં ગૌરવ મળે એ સહજ હતું. પણ આ કિસ્સામાં બન્યું એવું કે યુનિવર્સિટીએ બહુમતીથી ધરાર નન્નો ભણ્યો. કારણ ? તો કહે, થેચર શાસનમાં શિક્ષણ અને સંશોધનની સરકારી જોગવાઈ પર કાપ મુકાતો રહ્યો છે. હવે જુઓ તમે માર્ગરેટ થેચરની પ્રતિક્રિયાઃ “યુનિવર્સિટીમાં માનદ્દ ડૉક્ટરેટ સારુ મારું નામ વિચારાઈ રહ્યાનું જાણ્યું ત્યારે સ્વાભાવિક જ આનંદ થયો હતો. પણ એને જો એ સ્વીકાર્ય ન લાગે તો હું તે માટે દબાણ શા સારુ કરું?”
લોકશાસનની શોભા, આમપ્રજાસૂય આણ અને આમન્યા પરત્વે આદરથી વધતી હોય છે. સાહિત્ય આદિ ક્ષેત્રોમાં સંવર્ધન-સંગોપન સારુ સારસંભાળની રીતે રસ લેવો ને ઉપયોગી થવું એમાં કોઈ પણ રાજ્ય પોતાની શોભા ને ધર્મ સમજે એ અલબત્ત ઈષ્ટ છે. તે માટે બંધારણીય ને કાનૂની ધોરણે આગવી સંસ્થાનિર્મિતિ એનો હક ને ફરજ બંને છે. પણ લોકશાહીએ ગંગાની પેઠે શંકરની જટા ને જહ્નુની જંઘાને વટી સાઠ હજાર સગરપુત્રોના હિત વાસ્તે મેદાનમાં આવવું રહે છે. સગરપુત્રો લગી પહોંચવાની આ બંધારણીય પ્રયુક્તિ અને કાનૂની જોગવાઈને આપણે સ્વાયત્તતા કહીએ છીએ.
સદ્દભાગ્યે, દેશની સાહિત્ય અકાદેમીના ચુંટાયેલા, રિપીટ, ચુંટાયેલા પ્રમુખ ઉમાશંકર જોશીએ અક્ષર બિરાદરીને જગવ્યાથી અને દર્શક સરખા સાહિત્યસેવી સ્વાતંત્ર્યસૈનિકે સીધો રસ લીધાથી ગુજરાતમાં સ્વાયત્ત સાહિત્ય અકાદમીનો એક કાર્યસાધક ઢાંચો બનેલો છે. યુનિવર્સિટીઓ અને સાહિત્યસંસ્થાઓના ને સરકારી પ્રતિનિધિઓ ઉપરાંત આ ઢાંચાની ખાસ વિશેષતા નોંધાયેલા લેખકોની અલાયદી કૉન્સ્ટિટ્યુઅન્સીનીયે છે જે અન્ય રાજ્યોની અકાદમીઓમાં ભાગ્યે જ હશે. આ સૌનું જે મતદારમંડળ (ઇલેક્ટોરલ કૉલેજ) બને તે અધ્યક્ષને ચૂંટી કાઢે. આવો જે એક ઢાંચો આપણે ત્યાં હાજરાહજૂર છે એને ફેરજાગતો અને ગાજતો કેમ ન કરી શકીએ? ગુજરાત મોડેલની એ એક ગૌરવ ઘટના હશે.
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 16