Opinion Magazine
Number of visits: 9448697
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સેક્યુલરિઝમ : ભેળસેળ અને વિરોધાભાસ

રમેશ સવાણી|Opinion - Opinion|29 March 2022

જે દેશમાં મોટા ભાગના લોકોને બે ટંક જમવાનું મળતું ન હોય, ત્યાં ક્રિયાકાંડો ઉપર સેક્યુલર રાજ્યે ત્વરિત પ્રતિબંધ મૂકવા જોઈએ, પરન્તુ આપણે ત્યાં ક્રિયાકાંડોને રાજ્ય તરફથી પ્રોત્સાહન આપવામાં આવે છે. મુખ્ય પ્રધાનો, વડા પ્રધાનો સરકારી ખર્ચે મસ્જિદો, મન્દિરોની મુલાકાત લે છે અને ધર્મગુરુઓને વંદન કરી અલૌકિક પ્રેરણાઓ મેળવે છે. આ મહાનુભાવો, વળી પાછા, મંચ ઉપર સેક્યુલરિઝમની વાતો કરે છે !

સેક્યુલર એટલે ઐહિક એવી સ્પષ્ટ વ્યાખ્યા હોવા છતાં આપણા રાજકીય પક્ષોએ પોતપોતાને અનુકૂળ આવે તેવી સેક્યુલરિઝમની વ્યાખ્યા કરી છે. એક પક્ષ બીજાને સ્યુડો સેક્યુલર કહે છે, જગત માયા નથી એ જ સાચું છે. જ્યારે પરલોક માયા છે. ધાર્મિક શ્રદ્ધાઓ માયા છે તેથી તેમાં પડવાનું ન હોય, આ સેક્યુલર વિચાર બિલકુલ સ્પષ્ટ હોવા છતાં આપણે સેક્યુલરિઝમમાં ભેળસેળ કરી છે. સેક્યુલરિઝમને ખીચડી માનવામાં આવે છે. પરિણામે જુદાં જુદાં સેક્યુલરિઝમ જોવા મળે છે :

(1) હિન્દુ સેક્યુલરિઝમ, (2) મુસ્લિમ સેક્યુલરિઝમ, (3) માર્કસવાદી સેક્યુલરિઝમ, (4) ગાંધીવાદી સેક્યુલરિઝમ.

હિન્દુ સેક્યુલરીઝમ એટલે શું?

ભારતીય જનતા પક્ષ હકારાત્મક સેક્યુલરિઝમની વાત કરે છે. પોઝિટીવ સેક્યુલરિઝમ એટલે ‘સર્વધર્મ સમભાવ’ નહીં, પરન્તુ ‘બહુમતી ધર્મ માટેનો ભાવ’ એવો અર્થ તારવી શકાય. કાઁગ્રેસ પક્ષે સેક્યુલરિઝમનો અર્થ ‘ગાંધીવાદી સેક્યુલરિઝમ’ એટલે કે ‘સર્વધર્મ સમભાવ’ એવો અર્થ કરેલો. આ અર્થની સામે ‘હકારાત્મક સેક્યુલરિઝમ’ એટલે કે ‘હિન્દુ સેક્યુલરિઝમ’નો વિચાર રજૂ થયો. તેમાં ‘હિન્દુત્વ’ ઉપર ભાર મુકાયો. આ પ્રકારના સેક્યુલરિઝમને બહુમતીવાદી સેક્યુલરિઝમ તરીકે પણ ગણી શકાય. ઇંદિરાજીએ અંતિમ વર્ષોમાં વ્યૂહાત્મક ‘હિન્દુ’ સેક્યુલરિઝમનો પ્રયોગ કર્યો. જેથી ભા.જ.પ. અને આર.એસ.એસ.ને યુક્તિપૂર્વકનો પરાજય આપી શકાય. પંજાબમાં અકાલી દળ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ પ્રત્યેની તેમની નીતિમાં આ બાબત જોવા મળતી. રાજીવ ગાંધીએ બીજી મુદ્દત માટેના પ્રચારની શરૂઆત ભારતમાં ‘રામરાજ્ય’ની સ્થાપના પોતે કરશે તેવા વચનથી કરી હતી. આ પ્રકારનું બહુમતીવાદી સેક્યુલરિઝમ ભારતની આજની કટોકટીના મૂળમાં રહેલું છે.

બહુમતીવાદની આ અભિમુખતાએ લઘુમતીઓનાં રાજકીય સંગઠનોને આતંકવાદ, મુળભૂતવાદ અને અલગતાવાદનું વલણ લેવા તરફ વાળ્યાં છે. મોટા ભાગના રાષ્ટ્રવાદી નેતાઓ એવું માનતા હતા કે હિન્દુવાદ પોતે લોકશાહી ધરાવતો હતો અને પ્રકૃતિએ સહિષ્ણુ તથા અનેકમતવાદી હતો તેથી તેનામાં કોમવાદની કે મુળભૂતવાદની કોઈ સંભાવના જ નહોતી, પરન્તુ આ ભ્રમ છે. ‘હિન્દુત્વ’ કે ‘સંસ્કૃતિ’ કે ‘ભારતીયતા’નો દાવો કરનારાં હિન્દુવાદી સંગઠનોએ અન્ધશ્રદ્ધાનો, વહેમોનો, ધાર્મિક શોષણનો વિરોધ ન થઈ શકે તેવું વાતાવરણ ઊભું કર્યું છે. અમુક ફિલ્મ સંસ્કૃતિ વિરોધી છે કે ‘ભારતીય’ નથી તેમ કહીને થિયેટર ઉપર હુમલા કરવામાં આવે છે. હિન્દુ સંગઠનો અને ધર્મસંસદ કહે છે કે અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય અમને બંધનકર્તા રહેશે નહીં. ‘પવિત્ર મુદાઓ’ અંગે નિર્ણય કરવાની કોર્ટને કોઈ સત્તા નથી.

આજે કોઈને કોમવાદી કે સામંતવાદી કહેવું તે તેને ગાળ દીધા બરાબરનું ગણાય છે, પરન્તુ સામાન્ય માણસને માટે કોણ સેક્યુલર અને કોણ કોમવાદી છે તે પારખી કાઢવાનું અઘરું છે. સેક્યુલરિઝમનો ભારતીય અર્થ ધર્મથી અલગ એવું સૂચવતો નથી, પરન્તુ બહુમતીવાદી લોકશાહી માળખામાં સર્વધર્મ સમભાવ શીખવે છે. તેથી કોઈ વ્યક્તિની કે પક્ષની સેક્યુલરિટીને માપી શકાય તે સ્થિતિ નથી, આથી કોમવાદી પક્ષો પોતાને રાષ્ટ્રવાદી તરીકે ઓળખાવે છે અને બહુમતીવાદી માળખામાં પોતાને સેક્યુલર ઠસાવે છે. હિન્દુ સેક્યુલરિઝમ રાષ્ટ્રીય એકતા ક્યારે ય સ્થાપી શકે નહીં. કેમ કે ‘હિન્દુત્વ’માં આંતરવિરોધ છે. વેદ, ઉપનિષદ, ગીતા, બ્રાહ્મણસંહિતા, પુરાણ, આરણ્યક, મનુસ્મૃતિ, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કે તુલસી વગેરેમાં ક્યાં ય હિન્દુ શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી. પ્રાચીન ધર્મગ્રંથોમાં આ ધર્મનો વર્ણાશ્રમ અને બ્રાહ્મણધર્મ તરીકે ઉલ્લેખ થયેલો છે. અસમાનતાનું, અન્યાયનું મૂળ અહીં છે. ‘હિન્દુત્વ’ વંશાનુગત શ્રમવિભાજન છે. આ બ્રાહ્મણવાદી માળખામાં ઉચ્ચ વર્ણોને શ્રમજીવી શૂદ્રોનું પેઢી દર પેઢી ભવિષ્ય નક્કી કરવાનો એકાધિકાર મળે છે. આજનો દલિત પોતાનું ભાવિ બ્રાહ્મણધર્મ દ્વારા નક્કી કરાવવા જરા પણ તૈયાર નથી. તે પોતે જ પોતાના ભવિષ્યનો નિર્માતા છે. આમ કરવામાં જો ‘હિન્દુત્વ’ તેની સામે આવશે તો ચોક્કસ તે ધર્માંતર કરશે. આમ ભારતને ‘હિન્દુ રાષ્ટ્ર’ બનાવવામાં આવે તો તેનું બંધારણ મનુસ્મૃતિ અને કૌટિલ્યના અર્થશાસ્ત્રના આધારે ઘડવામાં આવે, બ્રાહ્મણો સિવાયની જ્ઞાતિઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવે, બ્રાહ્મણ અપરાધ કરે તો તેને છોડી મુકવામાં આવે અને એવો જ અપરાધ જો શૂદ્ર કરે તો તેના ટુકડા કરવામાં આવે, જનતન્ત્રની જગ્યાએ મનુતન્ત્ર આવે! ‘હિન્દુત્વ એટલે શું? વિરોધાભાસનો સમૂહ. આર્યસમાજ મૂર્તિપૂજામાં, અવતારવાદમાં માનતો નથી. કોઈ જ્ઞાનની ગાદીમાં માને છે, તો કોઈ જન્મની ગાદીમાં માને છે. કોઈ નિરાકારમાં માને છે તો કોઈ આકારમાં માને છે. કોઈ દ્વૈતમાં માને છે તો કોઈ અદ્વૈતમાં માને છે. કોઈ ભગવાં વસ્ત્રોમાં માને છે તો કોઈ વસ્ત્રવિહીન દશામાં માને છે. આમાં એકતા કઈ રીતે શક્ય બને? ‘વૈદિક હિન્દુત્વ’ મૂર્તિપૂજા, અવતારવાદનો વિરોધ કરે છે, જ્યારે ‘પૌરાણિક હિન્દુત્વ’ અવતારવાદ અને મૂર્તિપૂજા ઉપર જ આધારિત છે. આ વિરોધાભાસ ‘ડબલ થીંક’ ગણાય. કોઈ પણ બિનપ્રગતિવાદી અને આપખૂદ તન્ત્ર માટે એ જરૂરી છે કે તે પરસ્પરવિરોધી એવાં બે વિધાનોને એકસાથે સ્વીકારે એટલું જ નહીં, એ બન્નેને સત્ય માને. ‘વિરોધાભાસનો વાંધો નહીં’ એ એમનો મુદ્રાલેખ છે, જે તેમને કોઈ પણ પ્રકારની આલોચનામાંથી છટકી જવાની છટકબારી પૂરી પાડે છે. આવી સ્થિતિ ‘હિન્દુત્વ’ની છે.

ધાર્મિક મૂલ્યો ગરીબી સર્જે છે, તેથી શોષણ અને અન્યાય સહન કરવો પડે છે. હિન્દુઓ અધ્યાત્મવાદી છે. ભૌતિકવાદી નથી. અધ્યાત્મવાદીઓ યોગ, ભજન, કીર્તન, સત્સંગમાં સમય બગાડે છે. ગુઢતત્ત્વોની પૂજા કરે છે. ‘સેક્યુલર સ્ટેટ’ ગરીબીને દૂર કરવા વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો ઉપયોગ કરે છે. જ્યારે અધ્યાત્મવાદીઓ ચમત્કારોમાં માને છે. સેક્યુલર સ્ટેટ પરલોકની ચિંતા કરવાને બદલે આ લોકની ચિંતા કરે છે. દરેક હિન્દુ ‘ધાર્મિક સંસ્કૃતિ’નો ભોગ બનીને એમ માને છે કે તેણે પોતાનું જીવન પ્રભુભક્તિ પાછળ ગાળવું જોઈએ. ‘ત્યાગ દ્વારા ભોગવ’ આ એક શબ્દપ્રપંચ છે. તક મળતાં જ અમાપ સમ્પત્તિ કે સત્તા ભેગી કરવા સૌ પ્રયત્નશીલ રહે છે! હિન્દુ સંસ્કૃતિ ઐહિક જીવનને નાશવંત માનીને તેની ઉપેક્ષા કરે છે. ઐહિક જીવન કરતાં પરલોક જીવન વધુ ઈચ્છવાયોગ્ય છે તેમ માનનાર ‘હિન્દુ ધર્મ’ ગરીબી દૂર કરી શકે નહીં. હિન્દુ ધર્મ ભૂતકાળલક્ષી છે. ભવિષ્યલક્ષી નહીં. ભૂતકાળમાં રામરાજ્ય હતું અને હવે કળિયુગને કારણે દુ:ખો પડે છે તેમ હિન્દુઓ માને છે. હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ વિજ્ઞાન અને ટેકનોલૉજીનો વિરોધ કરે છે. 1901માં ભારતીય જનનું સરાસરી આયુષ્ય માત્ર 21 વર્ષનું હતું. તેમાંથી 61 વર્ષનું થયું તેમ છતાં આપણે વિજ્ઞાન અને ટેકનોલૉજીને શંકાની નજરથી જોઈએ છીએ. ‘હિન્દુત્વ’ પરમ્પરામાં માને છે. ધાર્મિક ગ્રંથોમાં લખેલી માન્યતાઓને પડકારવાનું આપણને સૂઝતું નથી. કુદરતની પૂજા કરીએ છીએ, કુદરત પર વિજય મેળવવાનું આપણને સૂઝતું નથી. કુદરત માતા નથી. તે માનવજીવન પરત્વે તટસ્થ છે. હવે કેમ પ્લેગ, શીતળા, કોલેરામાં માણસો મરી જતા નથી? આ ધાર્મિક ચમત્કાર નથી, વિજ્ઞાનનો વિજય છે. ગાયત્રી મંત્રના જાપ જપવાથી અધ્યાત્મિકતાની કે પવિત્રતાની લાગણી થતી હશે, પરન્તુ તેનાથી ગરીબી દૂર ના થાય. ધર્મસંસદથી સમાનતા ના આવે. પચાસ ટકાથી વધુ પ્રજા અભણ હોય ત્યાં સંસ્કૃતિની જ પૂજા થાય, વિજ્ઞાનને સમજી ન શકે. આ કારણથી જ આપણે પરમાણુબોમ્બ, સેટેલાઈટ, સુપરકૉપ્યુટર બનાવી શકીએ છીએ, પણ આપણી ગરીબી દૂર કરી શકતા નથી. આમ ‘હિન્દુત્વ’ કે ‘હિન્દુ સંસ્કૃતિ’ હિન્દુઓને એક રાખી શકે નહીં, તેમની વચ્ચે અસમાનતા, અન્યાય, શોષણ જ વિસ્તૃત કરી શકે. આમ ‘હિન્દુત્વ’ કે ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’ એ ‘રીલિજીયસ તિફોર્મીઝમ’ કહેવાય. સર્જક રમણ પાઠક કહે છે, મડદાંની હજામત ન હોય, તેને તો બાળી નાખવાનું હોય!

મુસ્લિમ સેક્યુલરિઝમ એટલે શું?

જેવું હિન્દુઓનું હિન્દુત્વ એવું મુસલમાનોનું મુસ્લિમપણું, કબીર કહે છે : ‘હિન્દુન કી હિન્દુઆઈ દેખી તુરકન કી તુરકાઈ.’ ધર્મને આધારે રાષ્ટ્રનું નિર્માણ ન થઈ શકે તેનો પુરાવો પાકિસ્તાન છે. પાકિસ્તાનની રચના પછી મહમ્મદ અલી ઝીણા પ્રથમ વખત ઢાકા યુનિવર્સિટીની મુલાકાતે ગયા, ત્યારે તેમણે કહેલું કે પાકિસ્તાનની લોકભાષા ઉર્દૂ રાખવામાં આવશે. તરત જ હજારો વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો અને બંગાળીને રાષ્ટ્રભાષા બનાવવાની માગણી કરી. આ મુસલમાનો થકી જ પાકિસ્તાનનું વિભાજન થયું અને બાંગલાદેશનું નિર્માણ થયું. ‘ઈસ્લામ’ બન્ને દેશોના વિભાજનને અટકાવી ન શક્યો. પાકિસ્તાનમાં મુહાજિરો, સિંધીઓ, પંજાબીઓ, પઠાણ, બલૂચી વચ્ચે રાષ્ટ્રીયતાનો સંઘર્ષ ચાલુ છે. ઈસ્લામનું સૂત્ર રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં કેમ મદદરૂપ બનતું નથી? ઝીણાએ જે ભૂલ કરી તે બૂલ ભારતને ‘હિન્દુ રાષ્ટ્ર’માં ફેરવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ કરી રહી છે. ખિલાફત આંદોલનથી માંડીને શાહબાનું પ્રકરણ સુધીના ગાળામાં કાઁગ્રેસે, ઈમામો અને મુલ્લાઓની સલાહ માનીને રુઢિચુસ્ત અભિગમ અપનાવ્યો, જે સામાન્ય મુસ્લિમની વિરુદ્ધ સાબિત થયો. સ્ત્રીની આગળ હિન્દુ કે મુસ્લિમ શબ્દ મુકવાથી એના અધિકારો છીનવાઈ જાય છે. મુસ્લિમ કાયદો પુરુષને વધુ પત્નીઓ કરવાની છૂટ આપે છે અને છૂટાછેડા લેવાની પણ છૂટ આપે છે. તેથી મુસ્લિમ સ્ત્રી અને બિનમુસ્લિમ સ્ત્રી વચ્ચે અસમાનતા ઊભી થાય છે. અનેક મુસ્લિમ દેશોમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ છે. ભારતમાં આવો પ્રતિબંધ મુકવા સામે રુઢિચુસ્ત મુસ્લિમો વિરોધ કરે છે. સમય અનુસાર સમાજની પરિસ્થિતિ અને આવશ્યકતા બદલાતી રહે છે. તેથી સમય સાથે ચાલવા માટે માન્યતાઓ, રીતરિવાજો અને કાયદાઓમાં ફેરફાર કરવો પડે. સમાન નાગરિક ધારો મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવી શકે. કાઁગ્રેસ કે ભારતીય જનતા પક્ષની સરકારોએ સમાન નાગરિક ધારો ઘડવા નક્કર પગલાં ભર્યા નથી. સેક્યુલર સ્ટેટ આવું કામ પ્રથમ કરે. આ તો ધાર્મિક માન્યતાઓ છે. ધર્મગ્રંથોની વાતો છે તેથી માથું ન મરાય એવું સેક્યુલર સ્ટેટ કહી શકે નહીં. વાસ્તવમાં ધર્મમાં માથું મારે તે સેક્યુલર સ્ટેટ કહેવાય. મુલ્લાઓ કે મોરારિબાપુઓની કથાઓમાં પાંચ લાખ માણસોએ ભેગા થવું ન જોઈએ, તેમ રાજય કહે તો તે સેક્યુલર કહેવાય. રથયાત્રા અને તાજિયાના ઘોંઘાટ, પ્રદૂષણ ફેલાવતાં જુલૂસો કાઢવાની ના પાડે તો સેક્યુલર કહેવાય. જે દેશમાં મોટા ભાગના લોકોને બે ટંક જમવાનું મળતું ન હોય ત્યાં આ પ્રકારનાં ક્રિયાકાંડો ઉપર સેક્યુલર રાજ્યે ત્વરિત પ્રતિબંધ મુકવા જોઈએ, પરન્તુ આપણે ત્યાં આવા ક્રિયાકાંડોને રાજ્ય તરફથી પ્રોત્સાહન આપવામાં આવે છે. મુખ્ય પ્રધાનો, વડા પ્રધાનો સરકારી ખર્ચે મસ્જિદો, મન્દિરોની મુલાકાત લે છે અને ધર્મગુરુઓને વંદન કરી અલૌકિક પ્રેરણાઓ મેળવે છે. આ મહાનુભાવો મંચ ઉપર સેક્યુલરિઝમની વાતો કરે છે. ભારતના કોઈ પણ પોલિસ સ્ટેશનમાં જુઓ, માતાજીના ફોટાઓ અવશ્ય હશે. સેક્યુલર કાયદાઓના અમલ માટે માતાજીના ફોટાઓ આવશ્યક નથી, અપ્રસ્તુત છે. એટલી સમજ પણ પ્રાપ્ત થઈ નથી. બિનહિન્દુઓ આ બધું જોઈને વધુ કટ્ટરતા તરફ ધકેલાય છે. અંતે સેક્યુલર મૂલ્યો નંદવાય છે. કોઈ સમાજ સેક્યુલર મૂલ્યોનો આદર ન કરે તો રાજ્યે તે માટે ઉપાયો કરવા પડે.

મુસ્લિમ સેક્યુલરિઝમ ‘ઈસ્લામ’ને કેન્દ્રમાં રાખે છે. સુધારાની આડે આવતા ધર્મના આદેશો સામે ધર્મગ્રંથોમાંથી જ દલીલ શોધી વિરોધ કરવાનું વલણ છે. મુસ્લિમ સ્ત્રી ભરણપોષણ માગી શકે નહીં તેવી રુઢિચુસ્ત દલીલ સામે મુસ્લિમ સ્ત્રીને અન્યાય કરી શકાય તે મતલબની સેક્યુલર દલીલ ધર્મગ્રંથોમાંથી શોધવામાં આવે છે. બીજી દલીલો જોઈએ તો : ‘લકુમ, દીન કુમ વલિયદીન’ એટલે તમને તમારો ધર્મ મુબારક, મને મારો ધર્મ મુબારક. સર્વધર્મ સમભાવ ઈસ્લામમાં છે તેમ દર્શાવાય છે. ‘લા ઈકરાફીદીન’ આનો અર્થ છે, ધર્મમાં બળજબરી હોઈ ન શકે. સલમાન રશ્દીને ફાંસી આપવાનો ઈરાનનો નિર્ણય ઈસ્લામિક દેશોની પરિષદ સમક્ષ આવ્યો ત્યારે સાઉદી અરેબિયાએ એનો વિરોધ કર્યો અને દલીલ કરી કે ઈસ્લામ ક્ષમા અને ઉદારતામાં માને છે. બદલો લેવામાં નહીં. મુસ્લિમ સેક્યુલરિઝમ એવા પ્રકારનું છે, જેમાં રુઢિચુસ્તતાનો વિરોધ કરવો હોય તો તેમાં ઈસ્લામની મદદ લેવી પડે. ધર્મગ્રંથના આધારો ટાંકવા પડે. આ પ્રકારના સેક્યુલરિઝમને કારણે મુસ્લિમ દેશો પછાત રહી ગયા છે. અન્યાય, શોષણ, અસમાનતા, બંધિયારપણું અને કટ્ટરતા આ બધામાં અટવાયેલો મુસ્લિમ સમાજ જોવા મળે છે. રીલિજીયસ રાષ્ટ્રવાદ, સેક્યુલર રાષ્ટ્રવાદનું સ્થાન લઈ શકે નહીં.

– 2 –

ગાંધીવાદી અને માર્કસવાદી સેક્યુલરિઝમમાં રહેલ ભેળસેળ અને વિરોધાભાસ વિશે તેમ જ અખાના શબ્દોમાં હૉચપોચ સેક્યુલરિઝમની નિરર્થકતાને યાદ કરીએ …

સેક્યુલરિઝમ : ભેળસેળ અને વિરોધાભાસ?


માર્કસવાદી સેક્યુલરિઝમમાં સ્થગિતતા જોવા મળે છે. કલ્યાણ રાજ્યના ખ્યાલમાં ‘રાજ્ય’ વિકરાળ થતું જાય છે જેથી સ્વતન્ત્રતા જોખમાય છે. આર્થિક સમાનતા સ્વતન્ત્રતાના ભોગે લાવવી છે કે કેમ? આ પ્રશ્ન અગત્યનો છે. મૂડીવાદી, સામ્યવાદી વ્યવસ્થાનો વિકલ્પ સહકારી વ્યવસ્થા બની શકે કે કેમ? ફ્રેન્ચ ક્રાંતિએ માનવસમાનતાની ઘોષણા કરી હતી. તે સમયે ભૌતિક સાધનો મર્યાદિત હતાં. આજે ભૌતિક સાધનોમાં પ્રચંડ વધારો થયો છે. છતાં ગરીબી, નિરક્ષરતા, વંચિતતા, અસમાનતા અને સામાજિક અન્યાયથી બહુમતી લોકસંખ્યા પીડાય છે. શક્તિશાળી લઘુમતી, ભદ્ર સમાજ બહુમતીને પોતાના સાધ્યના એક સાધન તરીકે જ ઉપયોગ કરે છે. પરિણામે અસમાનતા વધારે તીક્ષ્ણ બને છે. વિકસીત અને વિકાસશીલ રાષ્ટ્રો વચ્ચેની ખાઈમાં ત્રણ ગણો વધારો થયો છે. ભારતમાં સમ્પત્તિની વાજબી અને ન્યાયી વહેંચણીના અભાવે શ્રીમંત વધારે શ્રીમંત થયો અને ગરીબ વધારે ગરીબ બન્યો. પરિણામે માનવઅધિકારો, મૂલ્યો કચડાય છે.

સામ્યવાદી કે માર્કસવાદી સેક્યુલરિઝમ સૂત્રાંધ છે, સ્વમતાગ્રહી છે. પરિણામે વિચારોની ગતિ રૂંધાય છે. અને એક વખત વિજ્ઞાન આધારિત વિચારધારા વિકૃતિ પામે છે, અવનતિ પામે છે. વિચારધારા પણ બંધિયાર, મતાગ્રહી, રુઢિચુસ્ત પ્રથા સર્જે છે. જે મુક્ત વિચારણાને અવરોધે છે. કોઈ વિચારધારા કે મૂલ્ય આધારિત વ્યવહારોમાં નિરંતર ચકાસણી, ફેરવિચારણા અને સુધારણાને અવકાશ રહેવો જોઈએ. આ સન્દર્ભમાં માર્કસવાદી સેક્યુલરિઝમ જડ, મતાગ્રહી જણાય છે. સામ્યવાદી તન્ત્રમાં વ્યક્તિ સામે રાજ્ય અતિ પ્રબળ તાકાત બની જાય છે. આ વ્યવસ્થામાં રાજ્ય ધીમે ધીમે વિલીન થઈ જશે એ વાત ઝાંઝવાનાં જળ સમાન લાગે છે. સંસદીય લોકશાહીમાં લોકો રાજ્યના સંચાલન ઉપર અંકુશ રાખી શકતા નથી. પાંચ વર્ષે પોતાના પ્રતિનિધિઓને ચૂંટી કાઢવાની વ્યવસ્થામાં, બે ચૂંટણી વચ્ચેના ગાળામાં, લોકો દરેક બાબતે શક્તિહીન બની જાય છે. સંસદીય લોકશાહી લોકો માટેનું રાજ્ય આપે છે. નહીં કે લોકોનું અને લોકો વડે ચાલતું રાજ્ય. આમ સામ્યવાદી કે સંસદીય લોકશાહીના વિકલ્પે સત્તાના વિકેન્દ્રીકરણનો ખ્યાલ ઉદ્ભવ્યો. ‘લોકોના હાથમાં સત્તા’ આ આદર્શ અમલમાં મુકવામાં માર્કસવાદી સેક્યુલરિઝમ પાછળ છે, જ્યારે સમાનતા અને સામાજિક ન્યાયને ક્ષેત્રે આગળ છે. લોકશાહીમાં મુખ્યત્વે આર્થિક રીતે બળવાન જૂથો જ સત્તા હાંસલ કરી શકતાં હોય છે. ચૂંટણીમાં નાણાંની અનિવાર્યતા જોતાં ચૂંટણી એ કેવળ વાઘ અને ઘેટાં વચ્ચેનું ધર્મયુદ્ધ જ બની રહે છે. આપણે લોકશાહી વ્યવસ્થાને વ્યક્તિસ્વાતન્ત્ર્યપૂર્ણ કહીએ છીએ, પણ બાળમજૂરો માટે, વંચિતો માટે એ ‘ટોટેલીટેરિયન’ જ કહેવાય. અમેરિકામાં આઠ લાખ, બ્રિટનમાં સાત લાખ, સ્પેન અને જર્મનીમાં ત્રણ–ત્રણ લાખ, ઈજિપ્તમાં દસ લાખ, પાકિસ્તાનમાં પંદર લાખ, કોલંબિયામાં ત્રીસ લાખ, ભારતમાં પચાસ લાખ બાળમજૂરો ગુલામીની દશા ભોગવે છે. જ્યારે, સોવિયેટ સંઘ અને સમાજવાદી દેશોમાં એક પણ બાળમજૂર નથી. લોકશાહી વ્યક્તિસ્વાતન્ત્ર્ય એટલે શોષણનું, લૂંટનું, મારવાનું સ્વાતન્ત્ર્ય અને બીજે પક્ષે મરવાનું સ્વાતન્ત્ર્ય. જે મજૂરો સંગઠિત નથી, છૂટક મજૂરી કરી, ગમે તેમ રોટલો રળી ખાનારા છે તેમને સંઘબળના અભાવે કશા લાભ જ ન મળે, કોઈ સલામતી નહીં. આ સ્થિતિમાં પ્રગટબ્રહ્મસ્વરૂપ ધર્મગુરુઓ ખર્ચાળ આધ્યાત્મિક મેળાઓ, પારાયણો યોજી ધર્મસ્વાતન્ત્ર્યનો ગેરલાભ ઊઠાવી શ્રદ્ધાળુઓનું શોષણ કરે છે. આ શ્રદ્ધાળુ લોકો બાળમજૂરોનું, વંચિતોનું શોષણ કરે છે. આ ચક્ર ચાલ્યા કરે છે. ‘સર્વધર્મ સમભાવ’ના આદર્શ હેઠળ તેને ગતિ મળ્યા કરે છે. માર્કસવાદી સેક્યુલરિઝમે આ ચક્રને સ્થગિત કરી દીધું છે. માર્કસવાદ અહૈકિતાને પ્રાધાન્ય આપે છે અને ધર્મનો નકાર કરે છે તો તે સેક્યુલર કહેવાય? ના. સેક્યુલરિઝમના કેન્દ્રમાં માનવ છે, જ્યારે માર્કસવાદના કેન્દ્રમાં ‘દ્વંદ્વાત્મક ભૌતિકવાદ’ની વિચારસરણી છે. વિચારસરણીને પ્રથમ સ્થાન અને માનવને ગૌણ સ્થાન અપાય ત્યારે માનવકલ્યાણ ગૌણ બને છે.

ગાંધીવાદી સેક્યુલરિઝમ એટલે અલ્લાહુ અકબર. હર હર મહાદેવ. બીજા શબ્દોમાં સર્વધર્મ સમભાવ. બધા ધર્મો પ્રત્યે સરખી દૃષ્ટિ કોઈનો તિરસ્કાર નહીં, કોઈની તરફેણ નહીં. કોઈ પણ ધર્મમાં દખલગીરી નહીં. પ્રથમ દૃષ્ટિએ આ સિદ્ધાંતો સારા લાગે છે, પણ તેમાં વિકૃતિ પ્રવેશતાં ભયંકર પરિણામો આવ્યાં છે. કલ્યાણ રાજ્યની વિભાવના સ્વીકૃત બની છે ત્યારે કોઈ પણ રાષ્ટ્રમાં કોઈ પણ ધર્મની જાહેર સ્વીકૃતિને સ્થાન જ રહેતું નથી. પ્રજાનું હીત જો સરકારનું પ્રથમ અને સર્વોચ્ચ ધ્યેય હોય તો જયાં જયાં ધર્મ પ્રજાકલ્યાણની આડે આવે ત્યાં ત્યાં રાજયે ધર્મના નિયમો, ફરમાનોનું ઉલ્લંઘન કરવું જ જોઈએ. એમાં ધાર્મિક સ્વાતન્ત્ર્ય કે બિનદખલગીરીનો જરીપુરાણો સિદ્ધાંત જાળવી શકાય જ નહીં. સાચું ‘સેક્યુલર સ્ટેટ’ સર્જવું હોય તો સરકારે ધાર્મિક બાબતોમાં સક્રિય રીતે વચ્ચે પડવું જ જોઈએ. જ્યાં ધર્મ પ્રજાકલ્યાણને હાનિ કરતો હોય ત્યાં તંત્રે ધર્મને પડકારવો જ જોઈએ. ભારતમાં ઊલટું બન્યું છે. પ્રજાકલ્યાણને હાનિ કરતાં ધાર્મિક ફરમાનોનું સરકારે સમર્થન કર્યું છે.

આર્થિક સમાનતા અંગે ગાંધીજીના વિચારો નૈતીક હતા, ધર્મ આધારિત હતા. ગાંધીજીના રાષ્ટ્રવાદે જમીનવાળા અને જમીનવિહોણા, ધનિક અને ગરીબ, અધિકાર ધરાવતા અને અધિકાર વગરનાને ‘નૈતિક એકતા’ના માર્ગે આગળ ચલાવવાનો પ્રયત્ન કર્યો. આ એક એવી એકતા હતી, જેમાં પ્રભુત્વ ધરાવનારાઓ તેમનું પ્રભુત્વ જાળવી રાખતા હતા અને નબળાઓએ આ પ્રભુત્વને વિના આનાકાનીએ અને ઈર્ષ્યાભાવ વગર ભારતના અધ્યાત્મિક વારસાના નામે સ્વીકારવાનું હતું. આ દૃષ્ટિબિંદુથી સેક્યુલરિઝમ અને લોકશાહીની નવી વ્યાખ્યા કરવામાં આવી. પરિણામે સર્વધર્મ સમભાવ આદર્શ તરીકે અ ને બહુમતીવાદ વાસ્તવિકતા તરીકે બહાર આવ્યા. ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત બર્કના સિદ્ધાંત આધારિત હતો. 1770માં બર્કે દલીલ કરી હતી કે ‘રાજા લોકોનો પ્રતિનિધિ છે. એ જ રીતે ઉમરાવો પણ અને ન્યાયાધીશો પણ. તેઓ પ્રજાના ટ્રસ્ટીઓ છે, બર્કના રાજાઓ, ઉમરાવો અને કુદરતી ઉમરાવશાહીની ભૂમિકા ગાંધીજીના રામરાજ્યમાં મિલકતવાળા અને ધનવાન વર્ગોએ ભજવવાની હતી. ભારતમાં એક ધનિક એટલે અનેક ગરીબો, એક ધનિકની સમૃદ્ધિ ગરીબની ગરીબીને ઉશ્કેરે છે અને શ્રીમંતની સમ્પત્તિ ઉપર હુમલો કરવા અનેકની ગરીબીની ધારણા કરે છે. ધનિકની સમૃદ્ધિ ગરીબીને પ્રેરે છે. રાજ્ય આ મિલકતનું રક્ષણ કરે છે, જેથી મૂલ્યવાન મિલકતનો માલિક સલામતીપૂર્વક સૂઈ શકે. આમ રાજ્ય ગરીબોનું નહીં, મિલકતવાળાઓનું પ્રતિનિધિત્વ કરે છે. શોષિતનું નહીં, શોષકનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીવિચારમાં ‘ઈશ્વર’ છે. ઈશ્વર સંસ્થાનો એક મૂળભૂત મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત એ છે કે દેવની ઈચ્છાથી બધું થાય છે, દેવની કૃપા હોય તો બધા પ્રકારનાં દુ:ખ, સંકટ, કષ્ટ ટળી જાય છે. ઈશ્વરસંસ્થા, ધર્મસંસ્થા, ઉચ્ચ, ધનિક, સત્તાધારી વર્ગ દ્વારા નિર્મીત વિચારધારામાંથી નિર્માયેલ સંસ્થા છે. વરિષ્ઠ સત્તાધારી શોષક વર્ગ સામે શોષિત વર્ગ વિદ્રોહ ન કરે, શાંતિ કાયમ રહે એટલા માટે સામાજિક વિષમતા અને સુખદુઃખની સમ્પૂર્ણ જવાબદારી ભગવાનને માથે નાખી અને આ ભગવાનની સંકલ્પનાને શોષિત વર્ગે વાસ્તવિક માની, ધર્મ, શોષિત બહુજન સમાજ માટે જેની લત લાગી ગઈ હોય એવું અફીણ છે. આ અફીણના નશામાં રહીને શોષિત વર્ગ શોષણજન્ય દુઃખોને ચૂપચાપ સહન કરી શકે છે. ધર્મ પરમ શાંતિનો માર્ગ છે. એ સિદ્ધાંતનો અર્થ શોષક અને શોષિતો માટે અલગ અલગ છે. શોષક વર્ગને શોષણ કરતાં કરતાં શાંતિ મળતી રહે છે, જ્યારે શોષિત વર્ગને શોષણ સહન કરીને શાંતિ જાળવવાની છે.

આમ આપણું સેક્યુલરિઝમ હૉચપૉચ – ખીચડી સ્વરૂપનું છે. તેમાં ભેળસેળ અને વિરોધાભાસ છે. રાજકીય પક્ષો મતો મેળવવાની લાલચે સેક્યુલર મૂલ્યનો ભોગ લે છે અને પોતાનો સ્વાર્થ સાધે છે. પરિણામે આર્થિક વિકાસ, આર્થિક સમાનતા અને માનવગૌરવ જોખમાય છે. સામાજિક ન્યાય દૂર જ રહે છે. હૉચપોચ સેક્યુલરિઝમની નિરર્થકતાને શબ્દબદ્ધ કરવી હોય તો અખાને યાદ કરીએ :

જોજો રે મોટાના બોલ, 


ઉજડ ખેડે બાજ્યું ઢોલ.

અન્ધેઅન્ધ અન્ધારે મળ્યા,


જ્યમ તલમાં કોદરા ભળ્યા.


ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી,


કહે અખો એ વાત અમે જાણી.


આંધળો સસરો ને સરંગટ વહુ,


એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.


કહ્યું કાંઈ ને સમઝ્યું કશું,


આખ્યનું કાજળ ગાલે ઘસ્યું.


ઊંડો કૂવો ને ફાટી બોક,


શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.

(સમાપ્ત)

શ્રી રમેશ સવાણી [નિવૃત્ત આઈ.પી.એસ.] લિખીત પુસ્તિકા ‘સાંચ બીના સુખ નાહી’ (પ્રકાશક : ‘માનવવિકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ.મેલ : rjsavani@gmail.com)માંથી .. લેખકના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

અક્ષરાંકન : ગોવિન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25–03–2022 તેમ જ 28-03-2022

સૌજન્ય : https://govindmaru.com/2022/03/28/ramesh-savani-52/

Loading

29 March 2022 admin
← આઝાન બની છે
ગધેડાની વસ્તીમાં અસામાન્ય ઘટાડો કેમ ચિંતા જન્માવતો નથી ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved