અપરિણીતા પુત્રીને પિતા પાસેથી ભરણપોષણનો અધિકાર મળે, પણ કઈ ઉંમર સુધી, એ કેવી રીતે નક્કી થાય ?
માતાપિતા ડિવોર્સ લે, કે એક બીજાંથી અલગ રહે ત્યારે માતા ઉપરાંત એની સાથે રહેતાં સગીર વયનાં બાળકોને પણ પિતા તરફથી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે, એવું આપણો કાયદો કહે છે. એ વાત જુદી છે કે આ જવાબદારીમાંથી છટકી જવા માટે પુરુષો તરફથી એના ધર્મથી માંડીને પોતાની આર્થિક સ્થિતિ જેવાં કારણો રજૂ થતાં રહે છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં અદાલત બાળકોનાં હિતને ધ્યાનમાં રાખે છે. પતિ-પત્ની ભલે ગમે તે કારણસર, ગમે તેટલા ઝઘડે, પણ એમાં બાળકોનો વાંક નથી અને એમને નુકસાન ન થવું જોઈએ એવું વલણ અદાલત દાખવે છે. જો કે, કાયદો એવું પણ કહે છે કે બાળકો સગીર વયના હોય ત્યાં સુધી જ એમનો ખર્ચ ઉપાડવાની જવાબદારી પિતા પર રહે છે. સંતાન અઢાર વર્ષનું થઇ જાય, પછી પપ્પાજી છૂટ્ટા. પણ, સંતાનમાં અઢાર વર્ષથી મોટી અપરિણીત દીકરી હોય તો?
મુંબઈમાં રહેતાં એક યુગલે નવ વર્ષના લગ્નજીવન પછી ડિવોર્સ લીધા. બે દીકરા અને એક દીકરી ત્યારે સગીર વયનાં હતાં અને એમનો કબજો માતાને મળ્યો. દીકરા પુખ્ત વયે પહોંચ્યા, એટલે કે અઢાર વર્ષના થઇ ગયા અને પિતાએ એમનો ખર્ચ આપવાનું બંધ કર્યું, ત્યારે તો માતાએ મનેકમને કાયદો સ્વીકારી લીધો. પણ અઢાર વર્ષની થયેલી દીકરી માટે પિતાએ ભરણપોષણ આપવાનું બંધ કર્યું ત્યારે સ્ત્રીએ અદાલતની દરવાજો ખટખટાવ્યો. એણે કહ્યું કે બે દીકરાએ ભણી લીધું છે પણ એમાંથી હજી એકને નોકરી નથી મળી અને બીજો હજી એણે ભણવા માટે લીધેલી એજ્યુકેશન લોન ભરે છે, માતાની ખુદની કોઈ આવક નથી. એવા સંજોગોમાં દીકરીને ભણાવવાનો ખર્ચ કોણ ઉપાડે? કેસ ફેમિલી કોર્ટમાં ગયો ત્યારે ત્યાં બેઠેલા જજે માતાની અપીલ નકારી કાઢીને પિતાની તરફેણમાં ચુકાદો આપ્યો. આ ચુકાદાની સામે માતા હાઈકોર્ટમાં ગઈ. દીકરી ઓગણીસ વર્ષની થઈ ગઈ. હમણાં મુંબઈ હાઈકોર્ટે એના પક્ષમાં નિર્ણય આપ્યો કે છોકરી ભલે પુખ્ત વયની થઈ ગઈ, પણ અપરિણીત પુત્રીને એના પિતા પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે.
આ પ્રકારનું જજમેન્ટ જો કે પહેલીવાર નથી આવ્યું. બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ ડાંગરેએ આજથી લગભગ અઢાર વર્ષ પહેલાં આ જ કોર્ટમાં આવેલા જગદીશ જુગાવત વર્સીસ મંજુ લતા કેસને ટાંકતા કહ્યું કે હિન્દુ દત્તક અને ભરણપોષણ કાનૂનની કલમ હેઠળ દીકરી પુખ્ત વયની થઈ ગયા બાદ પણ એનાં લગ્ન ન થાય ત્યાં સુધી પિતા પાસેથી ભરણપોષણ મેળવવાને હકદાર છે અને આ કાયદો માત્ર હિંદુઓને લાગુ પડે એવું નથી. જુગાવતની પહેલાં 1997માં સુપ્રીમ કોર્ટની સામે નૂર સબા ખાતુન વર્સીસ મોહમ્મદ કાસીમના કેસમાં એમની બે દીકરીનાં લગ્ન થાય ત્યાં સુધી પિતાએ એમનો ખર્ચ આપવો પડશે, એવો ચુકાદો અપાયો હતો. મુંબઈ ખાતે તાજેતરના કેસમાં હાઈકોર્ટના ફેંસલા સામે પિતા સુપ્રીમ કોર્ટમાં જશે કે નહિ, એ આપણે હજી નથી જાણતા, પણ આ પ્રકારના કેસમાં કાયદાની મર્યાદા બહારના અનેક પ્રશ્નો ઊભા થાય.
પહેલો પ્રશ્ન એ થાય કે કોઈ પણ પિતા પોતાના સંતાનની જવાબદારીમાંથી છટકી જવા જેટલી બેપરવાહી કે કઠોરતા કઈ રીતે દાખવી શકે? ડિવોર્સ વખતે પતિપત્નીને એકમેક પ્રત્યે ભયાનક ગુસ્સો, ફરિયાદો હોય એ સ્વાભાવિક છે. આવા સંજોગોમાં પુરુષ ભરણપોષણની રકમના મુદ્દે ગલ્લાંતલ્લાં કરે, એ ગેરકાનૂની છે, પણ ચાલો, સમજી તો શકાય પરંતુ સગાં પિતાને પોતાનાં સંતાનો પ્રત્યે પણ આટલો જ અણગમો જાગી જાય કે એક સમયે આંખોના ચાંદતારા લાગતાં સંતાનો ડિવોર્સ પછી રાતોરાત પારકાં થઇ જાય? ડિવોર્સ પછી બીજાં લગ્ન કરી લેનાર પુરુષ આવું કરે ત્યારે ઘણીવાર એમાં એની બીજી પત્નીનો દોષ પણ કઢાય છે પરંતુ બાળકો આખરે કોનાં છે અને એમની કાળજી લેવાની નૈતિક જવાબદારી કોની છે? આ જવાબદારીમાંથી પુરુષ છટકવા જાય ત્યારે અદાલતે વચ્ચે આવવું પડે. કમનસીબે આપણે ત્યાં પતિથી છૂટી પડેલી બધી સ્ત્રીઓ ભરણપોષણ માટે અદાલતમાં નથી જતી અને જાય તોયે એમને ઝટ દઈને ન્યાય મળી જશે, એવી કોઈ ગેરેંટી નથી હોતી.
હવે બીજો પ્રશ્ન – કાયદો કહે છે કે ડિવોર્સ પછી માતા સાથે રહેતાં બાળકો અઢાર વર્ષનાં થઇ જાય એટલે એમના પ્રત્યેની પિતાની જવાબદારી પૂરી થઇ જાય, પણ દીકરીને એમાંથી બાકાત રખાઈ છે. આનો અર્થ એવો થાય કે અઢાર વર્ષનો થઈ ગયેલો દીકરો પોતાના ભણતર સહિતનો બધો ખર્ચ ઉપાડી લેવા માટે સક્ષમ થઇ જાય છે કે થવો જોઈએ. પણ હવે વિચાર કરો, અત્યારના સંજોગોમાં એવું કયું ‘સારું’ કહેવાય એવું ભણતર છે, જે અઢાર વર્ષની વયે પૂરું થઇ જાય? ધારી લ્યો કે છોકરો મેડિકલ કે એન્જિનિયરિંગ કૉલેજમાં છે તો એણે પોતાની ફી ભરવા માટે પાર્ટ ટાઈમ જૉબ શોધવાની કે માતાનાં સગાંવહાલાં પર આધાર રાખવાનો કે એજ્યુકેશન લોન માટે ફાંફાં મારવાનાં? અફકોર્સ, બધા પિતાઓ આવી ક્રૂરતા નથી દાખવતા, પણ જેણે કોઈ જવાબદારી લેવી જ ન હોય એ આવી કાનૂની છટકબારીઓ શોધે છે. આપણી આસપાસ નજર નાખી લેજો, આવા લોકો મળી આવશે.
મા-દીકરીની તરફેણમાં આવેલો ફેંસલો સાંભળ્યા પછી એક ભાઈએ જે સવાલ કર્યો એ પણ વિચારવા જેવો છે. અપરિણીત પુત્રીને પિતા પાસેથી ભરણપોષણ લેવાનો અધિકાર મળે એ સારી વાત છે, પણ કઈ ઉંમર સુધી, એ કેવી રીતે નક્કી થાય? મતલબ કોઈ છોકરીનાં લગ્ન પાંત્રીસ વર્ષ સુધી ન થાય અને એ નોકરી ન કરતી હોય તો જુદા પડી ગયેલા પિતા પાસેથી ભરણપોષણ માંગી શકે?
અપરિણીત પુત્રીના અધિકારનો વિષય આવ્યો છે ત્યારે એક બીજી વાત પણ કરી લઈએ. મુંબઈમાં રહેતાં એક યુગલને સાત દીકરી હતી. ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય પણ પતિપત્નીનું લગ્નજીવન સુખી હતું. છ દીકરી પરણી ગયાં બાદ પિતાનું અવસાન થયું. એક દીકરી પરણવાનું માંડી વાળીને માતા સાથે રહી. એ નોકરી કરીને સારું કમાતી હતી. લગભગ પંચાણું વર્ષની વયે માતાનું અવસાન થયું ત્યાં સુધી એની અને ઘરની જ નહિ, બીજા સામાજિક વ્યવહાર કરવાની જવાબદારી પણ આ અપરિણીત દીકરીએ નિભાવી. પણ હવે લગભગ સાઠ વર્ષની ઉંમરે એને જૂનું ઘર વેચીને નવી જગ્યાએ જવું છે તો એની છમાંથી બે બહેનનાં ઘરવાળાં આડા પડ્યાં છે. એ લોકો પિતાએ ખરીદેલા ઘરમાંથી હિસ્સો માંગે છે. જોવાનું એ કે આ સાવ નાનું ઘર છે અને અત્યાર સુધી એના મેઇન્ટેનન્સ, સમારકામ માટે આ અપરિણીત પુત્રી સિવાય કોઈએ એક પૈસાનો પણ ખર્ચ નથી કર્યો. પ્રસંગોપાત બધા આવીને રહે પણ મોજમજા કરીને જતાં રહે. હવે એ પોતાનો અધિકાર માગે છે. અહીં પ્રશ્ન એ કે પોતાનાં ઘર કે સંપત્તિનું વિલ બનાવ્યા વિના માતાપિતા ગુજરી જાય તો છેક સુધી બધી રીતે એમનું ધ્યાન રાખનારી અપરિણીત દીકરીને એમાંથી કેટલું મળવું જોઈએ? ધારો કે, બીજી બહેનોને ભાગ આપ્યા બાદ પોતે માંદી પડે કે વૃદ્ધાવસ્થામાં સાવ પથારીવશ થઇ જાય તો એ અપરિણીત દીકરી/બહેન પેલા લોકોની પાસેથી ભરણપોષણ માગી શકે?
સૌજન્ય : ‘મુદ્દાની વાત’, “દિવ્ય ભાસ્કર”, 13 અૅપ્રિલ 2018