Opinion Magazine
Number of visits: 9448847
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“સૌથી મોટો પ્રશ્ન…!” સંદર્ભે વધુ

મૂકેશ એદનવાલા|Opinion - Opinion|3 May 2022

‘નિરીક્ષક’ના તા. ૧-૪-૨૦૨૨ના અંકમાં કેતન રુપેરા લિખિત “સૌથી મોટો પ્રશ્ન…!” લેખમાં લોકશાહી સામે જે ઊભો થયેલો ભય વ્યક્ત કરાયો છે તે ખૂબ વાજબી છે. બદલાતા સમય અને સમાજ સાથે જેનાં ફળ આપણે માણ્યાં છે તેવાં જૂનાં માળખાં અને વ્યવસ્થાઓ સામે શું પ્રશ્નો થાય છે કે થઈ શકે છે તે અંગે વિવિધ સ્તરે ઘણા વિચારો થાય છે તેમાંના અમુક અગત્યના વિચારો અહીં રજૂ કરું છું.

લોકશાહીની ઘણી વ્યાખ્યાઓ હોઈ શકે. એક સરળ વ્યાખ્યા એ પણ હોઈ શકે કે લોકશાહીમાં લોકોને મળતી સ્વતંત્રતાનો એક અર્થ એ પણ હોઈ શકે કે ગરીબોનું અને સામાન્ય લોકોનું શોષણ ઓછું થાય અને તેમને સન્માનપૂર્વકનું સ્થાન મળે તે માટેની એક વ્યવસ્થા છે. ૨૦૦૭ના માર્ચ મહિનામાં (એટલે કે ૨૦૦૮ની મંદી પહેલા) પ્રોફેસર એલિઝાબેથ વોરન એ (ત્યારે તેઓ પ્રોફેસર જ હતાં, સાંસદ નહીં) કેલિફોર્નિયા યુનિવર્સિટી (બર્કલી) ખાતે આપેલા એક વ્યાખ્યાનમાં કઈ રીતે અમેરિકામાં મધ્યમવર્ગનો ધ્વંસ થઈ રહ્યો છે તેની છણાવટ કરી હતી. (The Coming Collapse of the Middle Class with Elizabah Warren). એનો એક અર્થ એ પણ થાય કે અમેરિકા જેવા દેશમાં પણ લોકશાહીને પોતાનું ધ્યેય હાંસલ કરવામાં સફળતા નહોતી મળતી. 

બીજી મોટી વિગતો જોઈએ તો હજી ૧૯૮૯માં બર્લિનની દીવાલ તોડી પડાઈ ત્યારે દુનિયાભરમાં લોકશાહીના પ્રસાર અને વિકાસ અંગે એક ઉમંગ હતો કે જે સોવિયત યુનિયનના વિલય પછી વધ્યો હતો. તે છતાં આજનું વિશ્વ કૈંક જુદી જ દિશામાં ગતિ કરી રહ્યું છે તે નિર્વિવાદ છે. ૨૦૧૬માં અમેરિકા જેવા દેશમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવી વ્યક્તિ ચૂંટણી જીતે તે દુનિયાભરમાં લોકશાહીની સામે એક મોટો પડકાર નથી શું? શું બદલાયું અને કેમ તે અંગે ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ પ્રોફેસર ઇઆન શાપીરો એ યેલ યુનિવર્સિટીમાં ૨૦૧૯માં આપેલા De Vane વ્યાખ્યાનમાળામાં (‘Power and Politics in Today’s world’ – https://www.youtube.com/ watch?v=BDqvzFY72mg&list=PLh9mgdi4rNeyViG2ar68jkgEi4y6doNZy) રજૂ કર્યું છે.

ટૂંકમાં કહીએ તો આજે લોકશાહી સામે મુખ્ય ચાર પડકારો છે. એક તો ચૂંટણી વખતે વપરાતું મનોવિજ્ઞાન અથવા તો એમ કહીએ કે મનોવિજ્ઞાનના સિદ્ધાન્તોનો ચૂંટણી લડવામાં થતો ઉપયોગ કે જેને કારણે લોકોનું બદલાયેલું અથવા તો પ્રચાર થકી બદલવામાં આવેલું માનસ. બીજો પડકાર એ સમાજમાં બદલાયેલું જ્ઞાનનું સ્તર, ત્રીજું, એ જાણવું જરૂરી બને કે મુક્ત આર્થિકનીતિ અને લોકશાહી એક બીજા સાથે સુસંગત છે? છેલ્લે અત્યારે સમાજની લગભગ દરેક વ્યક્તિ પોતાના અંગત આર્થિક વિકાસ સિવાય બીજી બાબતો માટે ઉદાસીન દેખાય છે. જો સમાજમાં દરેકને પોતાનું ધ્યેય નક્કી કરવાની સ્વતંત્રતા હોય અને લોકશાહીમાં બહુમત જ મહત્ત્વનો હોય તો જ્યારે મોટા ભાગના લોકો અંગત સ્વતંત્રતાના ભોગે આર્થિક વિકાસ હાંસલ કરવા માટે જ પ્રયત્ન કરતા હોય તો તે બહુમત પ્રમાણે સરકારે પોતાની નીતિઓ ઘડવી જોઈએ કે નહીં? આમ કેમ થયું તેની વિગતો અને થોડો ઇતિહાસ પણ રોચક છે. થોડી વિગતે જોઈએ.

૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે અમેરિકાની પ્રજાનો બહુમત અને મુખ્યમત (એટલે કે સમાજના મુખ્ય ગણાતા લોકોનો મત) યુદ્ધમાં ન જોડાવું તેવો હતો. અમેરિકી સરકારે પણ જાહેર કર્યું હતું કે તેઓ વિશ્વમાં શાંતિ ઇચ્છે છે અને તેઓ સુદૂર યુરોપના યુદ્ધમાં જોડવાના નથી, કારણ કે તે યુદ્ધ સાથે તેમને કોઈ લેવા-દેવા નથી. અમુક સંજોગોને કારણે (કે જેમાં માત્ર રાજકીય નહીં, પરંતુ આર્થિક કારણો પણ મહત્ત્વના હતા) એપ્રિલ ૧૯૧૭માં અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધમાં જોડાવાનો નિર્ણય લીધો ત્યારે ત્યાંની સરકાર સામે પડકાર એ હતો કે લોકોને કઇ રીતે મનાવવા અને તેમને શું કહેવું? પેરીસની આંતરરાષ્ટ્રીય મીટિંગમાં અમેરિકાએ જાહેર કર્યું કે અમેરિકાની સરકાર દુનિયાભરમાં લોકશાહીના બચાવ અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને તે માટે જરૂર પડશે તો તે માટે યુદ્ધ પણ કરશે. આ કારણ લોકમત ને ફેરવવા માટે પૂરતું થયું અને અમેરિકા યુદ્ધમાં જોડાયું.

આવાં કારણો પાછળ જે ભેજાં કામ કરતા હતા તેમાં પ્રખર મનોવૈજ્ઞાનિક સિગમંડ ફ્રોઈડના ભત્રીજા એડવર્ડ બર્નેઝનું નામ મુખ્ય છે. એડવર્ડ બર્નેઝ અને તેમના જેવા બીજા લોકો પ્રચાર દ્વારા સમાજના બહુમતને પોતાના ફાયદા માટે બદલવા માટેનું કામ કરતા હતા – કે જે જાહેરખબર બનાવનારા લોકો કરે છે. ઓગણીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થયા બાદ ઘણા ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા ખૂબ વધુ હતી અને ઉત્પાદન થયેલ વસ્તુઓનું વેચાણ કાયમી ધોરણે વધારવાનું હતું ત્યારે પ્રચાર માધ્યમ દ્વારા તેઓ લોકોને વધુ અથવા બિનજરૂરી વસ્તુઓના વેચાણ માટે સફળતાપૂર્વક પ્રોત્સાહિત કરતા. પોતાના ઉદ્યોગનું નામ આ લોકોએ Public Relations આપ્યું હતું.

જાહેરખબરની અસરો વિષે આપણે સૌ જાણીએ છીએ. આપણને ખબર છે કે અમિતાભ કદી નવરત્ન તેલ પોતાના વાળમાં નાખતો નહીં હોય અને તે છતાં તેના દ્વારા લાખોના ખર્ચે થતી જાહેરખબરને કારણે તે તેલનું  વેચાણ વધે છે. આ જાહેરખબરનો  ઉપયોગ લોકસમૂહના માનસના મૅનેજમેન્ટ માટે વીસમી સદીની શરૂઆતથી થતો આવ્યો છે. ઉત્તરોત્તર લોકોની સરકારો પાસેની અપેક્ષાઓ વધતી ગઈ ત્યારે Public Relations કંપનીઓની દોરવણી હેઠળ સરકારો લોકોને પ્રચાર માધ્યમો દ્વારા લોકોના અચેતન મન સુધી સંદેશા મોકલતા કે સુખી થવું શક્ય છે. તમે અમુક વસ્તુઓ વાપરો એટલે તમે અમુક હદ સુધી સુખી થઈ ગયા. આખી દુનિયામાં વ્યાપેલો અને વધતો જતો ઉપભોક્તાવાદ આવા સંદેશાઓ થકી સ્થાપિત થયો છે. આખા વિશ્વમાં વ્યાપેલો સ્થૂળતાનો રોગ તેની સાદૃશ સાબિતી છે.

જે બ્રિટન અડધી દુનિયા પર રાજ્ય કરતું હતું તેના પ્રથમ વિશ્વયુદ્ધ પછી વળતા પાણી શરૂ થયા હતા. તે વધુને વધુ ઝડપે પોતે જીતેલા રાષ્ટ્રોને આઝાદ કરતું જતું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી અનેક દેશો સ્વતંત્ર થયા ત્યારે ત્યાંની સ્થાનિક સરકારો ને લોકોને કાબૂમાં રાખવાની મુશ્કેલી પડવા લાગી. પરદેશી રાજ્યકર્તા લોકો શક્ય હોય ત્યાં સુધી પોતાની ઈચ્છાઓ દબાવી રાખે અને જો રાજા કે તેના પ્રતિનિધિ ક્રૂર જુલમ કરે તો પણ લોકો ચૂમાઈને બેઠા રહે. પરંતુ પોતાની સરકાર આવ્યા પછી લોકોની અપેક્ષાઓ ઉપરની લગામ પણ જતી રહે અને ભલે સરકાર આપખુદશાહી હોય તો પણ અમુકથી વધુ જુલમ પોતાની પ્રજા ઉપર ગુજારી શકે નહીં. આ કારણસર ઘણી સરકારો પોતાની પ્રજાને વશમાં રાખવા Public Relations નિષ્ણાતો પર વધુ ને વધુ આધાર રાખતા થયા.

એ નોંધવું જોઈએ કે ૧૯૫૦ના દાયકાની શરૂઆતમાં શરૂ થયેલા Cognitive Revolution પછી મનોવિજ્ઞાનમાં આપણી માન્યાતાઓ કઇ રીતે ઉદ્ભવે છે અને સ્થપાય છે, તેમ જ તે કઇ રીતે બદલાય છે તે અંગે ઘણા સંશોધનો થયા છે અને ઉત્તરોત્તર વધુ ઝડપે આવા સંશોધનો થયા જ કરે છે. આ ઉપરાંત Social Media અને ઇન્ટરનેટના બહોળા અને વધતા જતા ઉપયોગને કારણે પ્રચારની ક્ષમતા પણ ખૂબ વધી છે. હવે દેકાર્તના મતની વિરુદ્ધમાં કદાચ એ પુરવાર થઇ ચુક્યું છે કે માનવીની માન્યતાઓ તેણે બુદ્ધિપૂર્વક લીધેલા ર્નિણયો થકી સ્થપાયેલી નથી. થોડી તોછડી ભાષામાં કહીએ તો માનવ એ બુદ્ધિશાળી પ્રાણી નથી. Dan Ariely નામના એક વિદ્વાને તેના પુસ્તક ‘Predictably Irrational’માં દાવો કર્યો છે કે “Man is not only irrational but is predictably so.”

બહુજન સમાજના મતને પોતાના ઉદ્દેશ્યો પ્રમાણે ફેરવી શકવાની તેમની આ ક્ષમતાનો લાભ ઉદ્યોગપતિઓએ જ નહીં પણ રાજકારણીઓએ પણ લીધો અને હવે તો સમગ્ર વિશ્વમાં બહોળા પ્રમાણમાં, કદાચ પ્રચૂર માત્રામાં લેવાય છે. આજની તારીખે અમેરિકામાં ચારેક કંપનીઓ છે કે જે મોટી ફી વસુલ કરીને દુનિયાભરમાં કોઈ પણ જગ્યાએ થતી ચૂંટણી કઈ રીતે લડવી તે અંગે માર્ગદર્શન અને વ્યવસ્થા કરી આપે છે. ૨૦૧૪ની આપણા દેશની ચૂંટણીમાં પણ બંને મુખ્ય પક્ષ તરફથી આવી મદદ લેવાઈ હતી.

લોકશાહી સામેનો બીજો પડકાર પણ રસપ્રદ છે. લોકશાહીની સ્થાપના થઈ ત્યારે સમાજમાં વૈજ્ઞાનિક માહિતી અને નિષ્ણાતોનું પ્રમાણ બહુ સીમિત હતું. જેમ જેમ આ પ્રમાણ વધવા માંડ્યું તેમ તેમ લોકશાહી સામેના પડકારો વધ્યા છે. લોકશાહી હંમેશાં Powerની ફાળવણી કરે છે. જેમ જેમ આ ફાળવણી વધુને વધુ “યોગ્ય” કે ભણેલા લોકોને થાય તેટલી હદે લોકશાહી Meritocracy બનતી જ જવાની. સાદો દાખલો લઈએ તો અર્થવ્યવસ્થામાં વ્યાજના દર લોકશાહી પદ્ધતિથી નક્કી થાય અથવા આપણા દેશે કયા દેશ સાથે યુદ્ધ કરવું કે નહીં અને કરવું તો ક્યારે અને કઈ રીતે કરવું તે બાબતે લોકશાહી નથી જ અને ન જ હોઈ શકે. આમ છતાં, બ્રિટને યુરોપિયન સંઘના સભ્ય રહેવું કે નહીં તે બાબત લોકશાહી ઢબે નક્કી કરવામાં આવી. તે સાચો નિર્ણય હતો કે નહીં તેની ખૂબ ચર્ચા પણ થઈ. આ સંજોગોમાં લોકશાહીનું હાર્દ કઈ રીતે ટકાવી રાખવું તે અંગે મને બહુ ખબર નથી. વાચકોની ટિપ્પણીઓ મને ગમશે.

લોકશાહી સામેનો ત્રીજો પડકાર આર્થિક નીતિના ફેરફારમાંથી ઊભો થયો છે. ૧૯૨૦થી ૧૯૩૦ દરમ્યાન અમેરિકામાં અભૂતપૂર્વ તેજી થઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું હતું અને ઉદ્યોગો પૂરબહારમાં ઉત્પાદન કરતા જતા હતા. Public Relationsની દોરવણી હેઠળ મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ ખુલતા જતા હતા અને લોકોને બિનજરૂરી વસ્તુઓ ખરીદવા માટે પણ બૅંકો લોન આપતી જતી હતી. અહીં સુધી તો બધું મૂડીવાદ અને મુક્ત-બજારની આર્થિક નીતિઓ પર ચાલતું હતું, પરંતુ ૧૯૨૯ની મહામંદી પછી તે નીતિઓ લોકો માટે સુખાકારી ઊભી કરી શકવામાં નિષ્ફળ પુરવાર થઈ. ૧૯૩૩માં પ્રમુખ રૂઝવેલ્ટે કેઈન્સની આર્થિક નીતિઓ આધારિત Welfare State માટેની નીતિઓની ઘોષણા કરી જે બીજા વિશ્વયુદ્ધના અંત પછી પણ લગભગ ૧૯૬૯ સુધી ચાલી. આ નીતિઓને કારણે સરકાર બજાર વ્યવસ્થા પડી ભાંગી હોય (જેમ કે લાંબો સમય ચાલતી અથવા ગંભીર મંદી કે ફુગાવાની પરિસ્થિતિમાં) ત્યારે બજારમાં સીધો અને પ્રત્યક્ષ હસ્તક્ષેપ કરીને લોકોની સુખાકારી જાળવવા બધા શક્ય પ્રયત્નો કરતી કે જે થકી લોકોને રોજી મળી રહે અને તે આવકના આધારે લોકો પોતાની સુખાકારી નિશ્ચિત કરી શકે. ત્યારબાદ ફ્રેડરિક હાયેકની આર્થિક ફિલસૂફી પર આધારિત આર્થિક નીતિઓનો જમાનો શરૂ થયો. મિલ્ટન ફ્રીડમેન તેના જાણીતા સમર્થક હતા. હવે સરકાર બજારોની નિષ્ફળતા વખતે પ્રત્યક્ષ હસ્તક્ષેપ કરવાને બદલે માત્ર ઉદ્યોગોને વિકાસ માટે પૂરતી સગવડ પૂરી પાડતી કે જેથી ઉદ્યોગો નફો કરતા રહે, લોકો ને રોજી મળે અને બજારમાં માંગનું સ્તર ટકી રહે. ૧૯૬૯ પછી વધતી ઝડપે સરકારે લોકોને બદલે ઉદ્યોગોને સુરક્ષા પૂરી પાડવાના પ્રયત્નો કર્યા જે હજી પણ ચાલુ છે. બહુ વિગતે વાત ન કરવી હોય તો એટલું કહેવું પૂરતું થશે કે અમેરિકા સામે અત્ત્યારે ગંભીર આક્ષેપ એ છે કે મુઠ્ઠીભર મૂડીપતિઓ આ નીતિઓના લાભાર્થીઓ રહ્યા છે, આર્થિક અસમાનતાએ માઝા મૂકી છે, અને સામાન્ય નાગરિકોની તેમ જ ગરીબોની હાલત કથળતી જાય છે. આવા મૂડીપતિઓ પોતાના દેશની અને આંતરરાષ્ટ્રીય નીતિઓનું સંચાલન પરોક્ષ રીતે કરે છે. આ બાબત બધા લોકશાહી દેશોને લાગુ પડે છે. કદાચ અતિશયોક્તિ વગર એમ કહી શકાય કે બહુજનની સુખાકારી માટે પ્રતિબદ્ધ લોકશાહી સરકારો હવે મૂડીપતિઓની સુખાકારીથી સંતુષ્ટ છે. 

અહીં એ નોંધવું અગત્યનું છે કે આ બધા બદલાવો માત્ર સમાજના અમુક વર્ગની અનૈતિકતાને આભારી નથી. ત્રણ મહત્ત્વના પરિબળો((૧) ટેકનોલોજીનો વિકાસ, (૨) આંતરરાષ્ટ્રીય વેપારનો અભૂતપૂર્વ વિકાસ અને (૩) બદલાતા આંતરરાષ્ટ્રીય રાજકારણની પરિસ્થિતિ)નું પણ આ બદલાવમાં મહત્ત્વનું યોગદાન છે.

છેલ્લે, લોકશાહીને લાગતો અગત્યનો મુદ્દો. અત્યાર સુધી કોઈ પણ મોટો (સિંગાપોર કે દક્ષિણ કોરિયા સિવાય) બિન-લોકશાહી દેશ આર્થિક વિકાસ સિદ્ધ કરી શક્યો ન હતો. હવે (૨૦૧૪ પછી) ચીનની રાષ્ટ્રીય આવક અમેરિકાની રાષ્ટ્રીય આવક કરતાં વધુ છે, અને ચીનમાં ગરીબોની સ્થિતિ મોટે પાયે સુધરી છે. હવે માનો કે દુનિયાભરમાં જનમત લેવામાં આવે અને લોકોને પૂછવામાં આવે કે તેમને કેવી સરકાર જોઈએ – અને આ પરિણામોને કારણે મોટા ભાગના લોકો એમ કહે કે તેઓ ચીન જેવી સરકાર તૈયાર છે; એક માત્ર શરત એટલી છે કે આર્થિક વિકાસ થવો જોઈએ. તો આ પરિસ્થિતિમાં શું યોગ્ય ગણાય? લોકશાહી ટકાવી રાખવી કે આર્થિક વિકાસના વધસ્થંભ પર તેનું બલિદાન ?

હજી એક નાનો દાખલો લઈએ જે વધુ સહેલાઈથી સમજી શકાય. અમેરિકા અને પશ્ચિમ યુરોપના ઘણા દેશોમાં સ્થાનિક નિર્ણયો જે તે વિસ્તારમાં રહેતા લોકો લેતા હોય છે. જેમ કે અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસેના રહીશો નક્કી કરે કે તે બગીચો કયા સમય દરમ્યાન ખુલ્લો રહે, તેમાં કઈ સગવડ હોવી જોઈએ, વગેરે. અમેરિકામાં સ્થાનિક સગવડોનું (શાળાઓ, સ્થાનિક સ્વીમિંગ પુલ, વગેરે) સંચાલન આ રીતે કરવામાં આવે છે અને સંચાલન અંગેના નિર્ણયો બહુમતીથી લેવામાં આવે છે. હવે માની લઈએ કે એક સ્થાનિક શાળાના વિસ્તારમાં બ્રાહ્મણ, જૈન, પારસી, મુસ્લિમ કે યહૂદી રહેવાસીઓ બહુમતીમાં છે અને બહુમતે તેઓ નક્કી કરે છે કે તેમના ધર્મનું શિક્ષણ ત્યાંની શાળામાં અપાવું જોઈએ, શાળામાં બાળકોને તેમના ધર્મ પ્રમાણેનો ખોરાક અપાવો જોઈએ, અમુક દિવસે રાજા મળવી જોઈએ, અમુક પ્રકારની પ્રાર્થના થવી જોઈએ, અથવા ત્યાંના સ્નાનાગારમાં સ્ત્રીઓ માટે અલાયદો સમય રાખવો જોઈએ, વગેરે. પ્રશ્ન એ છે કે આ નિર્ણય યોગ્ય ગણાય? સફળ લોકશાહી માટે આ સિવાય બીજી શું સગવડ હોઈ શકે? મને જવાબ બહુ સહેલો નથી લાગ્યો.

Emiail : mukesh_a99@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2022; પૃ. 06-07

Loading

3 May 2022 admin
← ગુજરાતી પત્રકારત્વની ગઈકાલ, આજ અને આવતીકાલ : રાજ ગોસ્વામીની મુલાકાત
લોકભારતીની વિશ્વભારતી બનવાની યાત્રા તરફનું પહેલું પગલું →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved