વિયેતનામ યુદ્ધ દરમિયાન અમેરિકી સૈન્ય તરફથી પત્રકારોને રોજેરોજ જે માહિતી આપવામાં આવતી હતી તેનું પત્રકારોએ નામ પાડ્યું હતું, ‘ફાઈવ ઓક્લૉક ફૉલીઝ’ એટલે કે પાંચ વાગ્યાની મૂર્ખામી. આવું ત્યારે બને છે જ્યારે સરકાર અને તેનું તંત્ર લોકોને નાદાન બાળક સમજે છે.
આ દિવસોમાં નવી દિલ્હીમાં આરોગ્ય મંત્રાલય દેશમાં કોરોનાની સ્થિતિ વિશે રોજ જે બ્રીફિંગ કરે છે તેની પર નજર કરો. તે એટલું નીરસ, કંટાળાજનક અને પત્રકારોના સવાલોના જવાબોથી ભાગી છૂટનારું હોય છે કે તેને આપણે ‘ફોર ઑક્લૉક ફૉલીઝ’ — ચાર વાગ્યાની મૂર્ખામી — કહી શકીએ. આ પ્રેસ બ્રીફિંગમાં માત્ર કોરોના-સંક્રમિત નવા કેસ અને મૃત્યુના આંકડા આપીને એવું સાબિત કરવામાં આવે છે કે રોજ આપણે બાકીની દુનિયાના મુકાબલે કેટલું સારું કામ કરી રહ્યા છીએ.
એક દિવસ, લગભગ બે દાયકાના લાંબા ગાળા પછી, સરકારના પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના આ બ્રીફિંગમાં હું પણ પહોંચી ગયો હતો. ત્યાં મેં એક સવાલ પૂછ્યો, ‘તમામ એક્ટિવ કેસમાંથી વૅન્ટિલેટર પર કેટલા છે?’ એનો જવાબ ત્યાં બેઠેલા એકમાત્ર વૈજ્ઞાનિક/ડૉક્ટરે નહીં, પણ સરકારી અધિકારીએ આપ્યો. તેમનો જવાબ એ હતો કે ગંભીર રીતે સંક્રમિત દરદીઓની વિગતો આઈ.સી.એમ.આર. કે આરોગ્ય અધિકારી નિયમિત રીતે બતાવ્યા કરે છે. તેમણે આ સિવાયની બીજી કોઈ કાર્યવાહી કે માહિતી ન આપી. બસ એ જ નોકરશાહીની જૂનીપુરાણી રસમ કે હું તમારી સામે કદી જૂઠું નહીં બોલું. પણ જો તમે મને મારું નામ પૂછશો, તો જવાબમાં હું મારી જન્મતારીખ કહીશ.
ભારતમાં કોવિડ-૧૯નો પહેલો કેસ આવ્યાના ત્રણ મહિના પછી અમારે રોજ માત્ર આંકડા નથી જોઈતા. એ તો દિવસ દરમિયાન ગમે ત્યારે ટ્વીટ કરીને જણાવી શકાય છે. અમે શું કરીએ અને શું ન કરીએ તે પણ અમારે રોજેરોજ જાણવાની જરૂર નથી. દારૂની દુકાનો ખોલવા અંગે એક ખુલાસો આવી ગયો છે અને તે એ હકીકતને જ સાચી ઠેરવે છે કે જ્યાં સુધી ખુલાસો ન આવે ત્યાં સુધી સરકારની કોઈ પણ વાત પર ભરોસો ના કરવો. હવે આપણને તલાશ છે સામાન્ય સ્થિતિ ભણી દોરી જતા રસ્તાની. નહીંતર આપણે સરકારી ફરમાનો ને સરકાર માઈબાપની ખેરાતો પર જીવતા ભિખારીઓનો દેશ બની જઈશું. મહંમદ તઘલકને સારા કહેવડાવે એવા, સૌને એક લાકડીએ હાંકતા આ લૉક ડાઉનને પણ ભારતીયોએ કેવા કહ્યાગરાપણાથી સ્વીકારી લીધું છે તે આપણે નિર્ભ્રાંત થઈને જોઈ રહ્યા છીએ.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 04 મે 2020