વસ્ત્રવિહીન નાગા રાજા જો રાજમાર્ગ પર ચાલતા હોય, ત્યારે 'રાજા નાગા છે !' એવું કહેવાની હિંમત બહુ ઓછા કલાકારો, સર્જકો દર્શાવતા હોય છે. કારણ કે સદીઓનો અનુભવ છે કે સત્તાધીશોને કોઈ તેમની ઠેકડી ઉડાડે યા તેમના વિશે સત્ય કહે તે ગમતું નથી.
એટલે સત્તાની સમીપ રહેવા માંગતા કલાકારો-સર્જકો તો રાજમાર્ગ પર ચાલતા વસ્ત્રવિહીન નાગા રાજાએ કેટલાં સુંદર, મનોહર, અમૂલ્ય અને આ અગાઉ કોઈએ ન પહેર્યાં હોય એવાં વસ્ત્રો પહેર્યાં છે, અને તેમાંથી નિખરતી રાજાની ભવ્યતાનાં ભરચક વખાણ જે તે કલાકારની વાણી, પીંછી કે કલમથી વ્યક્ત થતાં રહેતાં હોય છે. આ કડવી વાસ્તવિકતાથી આપણે સૌ વાકેફ છીએ અને વર્ષો જૂની 'નાગા રાજાને કોણ નાગો કહે ?' એ કહેવતનું રટણ ચાલુ રાખીને આજના લોકશાહી રાજ્ય વ્યવસ્થા તંત્રમાં પણ એ જ વાત ઘૂંટ્યા કરવામાં સંતોષ માની કલાકારની અભિવ્યક્તિ, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તાળાં કૂંચી મારવાનું કામ આપણે જ કરીએ છીએ.
લોકશાહીમાં લોકોનો અવાજ, વિરોધના અવાજને વાચા આપવાનું કામ પત્રકારો, કલાકારો અને એમાં ય ખાસ કરીને કાર્ટૂનિસ્ટો કરતા હોય છે. કવિઓ અને બૌદ્ધિકોની કલમ પણ તેમાં વિશેષ ભૂમિકા ભજવતા હોય છે.
અને રાજકર્તાઓ જેટલા જુલ્મી કે જનતાના અવાજને કાને ધરનારા નથી હોતાં ને લોકવિરોધી પગલાં લેવામાં અને માત્ર પોતાના સ્વાર્થ સાધવામાં રચ્યાપચ્યા રહેતા હોય છે તેમની સામે કલાકારો એક યા બીજી રીતે પોતાનો અવાજ કલા માધ્યમો દ્વારા વ્યક્ત કરવાનો પ્રયત્ન કરતા રહેતા હોય છે.
વળી, જ્યારે જનતા દુ:ખી હોય, તેમને જ્યારે પોતાના બહેતર જીવન માટેની અપેક્ષાઓ ધૂંધળી થતી દેખાતી હોય છે અને રાજકારણમાં દંભ, વૈચારિક અને આચરણના વિરોધાભાસ દેખાતા હોય છે ત્યારે આ બધું વ્યંગ કે હાસ્ય-ટુચકારૂપે વ્યાપકપણે લોકોની વચ્ચે ચાલતું હોય છે.
જે રીતે 2014માં ચૂંટણી ટાણે 'અચ્છે દિન આયેંગે' એવી નારાબાજી, રામનાં નામે બાબરી મસ્જિદ જ્યાં તોડી એ સ્થાને રામમંદિર બનાવીશું, ગેસ-પેટ્રોલના ભાવ નીચા લાવીશું, કરોડો યુવાનોને રોજગારી-નોકરી આપીશું, અબજો રૂપિયાનું કાળું નાણું વિદેશથી પાછું લાવી દેશના દરેક પરિવારનાં ખાતામાં પંદર લાખ રૂપિયા જમા કરાવીશું.
આવાં અનેક વચનો અપાયાં હતાં તે બધાં વિશે ગંભીરતાથી કોઈ નક્કર પગલાં લેવાની શરૂઆત જ ન થતાં આ બધાં મુદ્દે વ્યંગ, મજાક, ટુચકા સતત દેશના લોકોમાં સતત સંભળાતાં, દેખાતાં અને બોલાતાં રહ્યાં.
અને જે રીતે લવ જેહાદ, ધાર્મિક કટ્ટરતા, ધાર્મિક નફરત અને ગૌવંશને નામે મોબલીન્ચિન્ગની ઘટનાઓ બનતી રહી અને વિશેષ તો દેશના મહત્ત્વના ચાર બૌદ્ધિકો-રેશનાલિસ્ટો, લોક પ્રહરીઓની ધર્મ ઝનૂની વ્યક્તિઓએ-સંગઠનોએ એક પછી એક હત્યાઓ કરી. દાભોળકર, પાનસરે, કલબુર્ગી અને ગૌરી લંકેશ. નોંધપાત્ર દુ:ખદ વાત તો એ રહી કે આ હત્યાઓ વિશે સરકારે જે રીતે ચૂપકીદી સેવી યા હત્યારાઓને પકડવામાં જે ઢીલાશ રાખી કામ થયું અને થતું રહ્યું છે.
આ હત્યાઓનાં વિરોધમાં દેશના કલાકારો-સર્જકોએ પોતાની અભિવ્યક્તિ ઠેર ઠેર કરી.
કેટલાક સાહિત્યકારો, કલાકારો, ફિલ્મકારો એ દેશમાં આ વધતીજતી ધાર્મિક કટ્ટરતા, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર મોતના ભયથી ઊભી કરવાની રીતરસમો જોઈ એવોર્ડ વાપસીની ઝૂંબેશ ચલાવી.
સરકારી માન-સન્માનને પાછા આપવાની આ ઝૂંબેશને હસી કાઢવાની ને તેની મજાક કરવાની પણ મુહીમ સત્તાપરસ્ત બૌદ્ધિકો તરફથી મોટા પ્રમાણમાં ચાલી.
કલાકારો અને સાહિત્યકારોની આ ભદ્દી મજાકની સામે કોઈ પ્રતિ આંદોલન કે હિંસક બનાવો તો ન થયાં. પણ કાયમ બને છે એમ સત્તાધારીઓએ તો તેમના પર થતાં વ્યંગ, હાસ્ય-મજાકને તો દેશદ્રોહ કે નેતાઓની અવમાનના કે ભારે ક્રિમિનલ કલમો લગાડી દઈ કલાકારો ને સાહિત્યકારોને ડરાવવાના ને દબાવવાનાં પ્રયાસો આ છેલ્લા દસ-બાર વર્ષોમાં ખાસ વધુ પ્રમાણમાં નોંધાતા જોવા મળ્યા.
આ માત્ર કોઈ એક સત્તાધારી પક્ષની વાત નથી જ.
હમણાં જ આ 2019ના ચૂંટણી સમયગાળા માં જ પશ્ચિમ બંગાળ નાં મુખ્યમંત્રીએ એક યુવાન ભા.જ.પ. કાર્યકર પ્રિયંકા શર્માએ એક કાર્ટૂન બનાવ્યું અને તે પણ ફિલ્મ એક્ટ્રેસ પ્રિયંકાનાં વિચિત્ર વેશભૂષાવાળા ફોટામાં ચહેરો બદલીને ત્યાં મુખ્યમંત્રી મમતા બેનરજીનો ચહેરો ચીપકાવી દીધો ..!
મમતા સરકારે ભારે ક્રિમિનલ કલમો લગાડીને કલાકાર યુવતી પ્રિયંકાની ધરપકડ કરી તેને જેલમાં નાખી દીધી !
આ નીંદનીય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને અવરોધનારો બનાવ તો હતો જ. તેની ઠેર ઠેર ટીકા ય થઈ જ. પરંતુ જેઓ ખુદ કેટલાક બૌદ્ધિકોને 'અર્બન નક્સલ' ગણી માત્ર ઈન્ટરનેટ પર રજૂ કરેલા વિચારોને મુદ્દો બનાવી, દેશના લોકતરફી કામ કરતા એ બધાં બૌદ્ધિકો, વકીલો ને કર્મશીલોને જેલમાં ખોસી દેનારા ભા.જ.પ. સરકારના જ મંત્રીઓ તરીકે કામ કરનારા અરુણ જેટલીએ તો આ બનાવને લઇને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મુદ્દે નિવેદન કરતાં કહ્યું કે : 'હાસ્ય, વ્યંગ, મજાક મુક્ત સમાજમાં જ ટકી શકે. સરમુખત્યારશાહીમાં તેમનું કોઈ સ્થાન નથી. સરમુખત્યારો જનતા સામે હસે છે. લોકો તેમનાં તરફ હસે તો તે તેમને પસંદ નથી. બંગાળમાં અત્યારે આવું જ ચાલી રહ્યું છે ..'
આ નિવેદની સામે તરત જ પ્રતિનિવેદન કરતાં કૉન્ગ્રેસના યુવા કાર્યકર દિવ્યા સ્પંદને કહ્યું કે 'વડાપ્રધાનનાં એક વ્યંગચિત્ર મારી સામે ગયા સપ્ટેમ્બરથી રાષ્ટ્રદ્રોહનો ખટલો તમારી સરકાર ચલાવી રહી છે તે અંગે તમે શું કહેશો ?'
વડાપ્રધાને ખુદ પ્રિયંકા શર્માને જેલમાં નાખી તે અંગે પ્રત્યાઘાત આપતા એક ચૂંટણી સભામાં કહ્યું કે : 'દીદીએ બંગાળની એક બેટી પર ભારે ગુસ્સો દેખાડ્યો છે. ગુસ્સો તો એવો કે બેટીને જ દીદીએ જેલમાં નાખી દીધી છે. મમતાદીદી ! તમે અહંકારમાં કેવાં કેવાં કામ કરી રહ્યાં છો ? દીદી તમે જે દીકરીઓને જેલમાં નાખી રહ્યાં છો તે તમને પાઠ ભણાવે તેવી છે .. એક ફોટા માટે થઈને આટલો ગુસ્સો ?
તમે તો ખુદ આર્ટીસ્ટ છો. પેઇન્ટિંગ કરો છો. સાંભળવા મળે છે કે તમારાં પેઇન્ટિંગ તો શારદા-બારદાનાં નામ લઈને કરોડો રૂપિયામાં વેચાય છે ! હું તમને આગ્રહ કરું છું કે તમે મારું ભદ્દામાં ભદ્દુ, ગંદામાં ગંદું ચિત્ર બનાવો .23 મે પછી તમે પ્રધાનમંત્રીના આવાસ પર આવીને એ ગંદું ચિત્ર મને ભેટ કરો. હું તેને પ્રેમથી સ્વીકારીશ અને જિંદગીભર એને મારી સાથે રાખીશ. હું તમારા પર એફ. આઈ. આર. નહીં કરું …'
વડાપ્રધાનનાં આ ભાષણ પછી મીડિયામાં ઘણા લોકોએ 17 ઘટનાઓ વિગતવાર, તારીખ સાથે છાપી જેમાં વડાપ્રધાનની મજાક કરવા બદલ, મજાકીયા ચિત્ર સોશ્યલ મીડિયામાં મૂકવા બદલ પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા હોય !
ભા.જ.પ.ની આ યુવા ચિત્રકારના સમર્થનમાં આખી પાર્ટી ઊભી રહીને સુપ્રીમ કોર્ટમાંથી તેનાં શરતી જામીન મેળવી તેને જેલમાંથી મુક્તિ અપાવી. સુપ્રીમ કોર્ટે શરતમાં કલાકારને જણાવ્યું કે તમારે મુખ્યમંત્રી મમતાજીની ચિત્ર દ્વારા અવમાનના કરવા બદલ માફી તો માંગવી પડશે.
અને જેલમાંથી મુક્ત થયેલી પ્રિયંકાએ જણાવ્યું કે હું મમતાજીની માફી નહીં માંગું. મેં કશું એવું કર્યું નથી કે મારે માફી માંગવી પડે અને જેલમાં જે માફીનામું લખ્યું છે તે જેલ સત્તાવાળાઓના દાબ અને દમન હેઠળ લખેલું છે ..!
મુખ્યમંત્રીની મજાક કરતું એક કાર્ટૂન ચિતરવા માટે થઈ સાત દિવસ જેલમાં વીતાવવા પડે એ મોટી અને ખોટી સજા કહેવાય અને સુપ્રીમ કોર્ટ મુખ્યમંત્રીની માફી માંગવાની શરતે જામીનમુક્તિ આપે એ પણ મોટી દુર્ઘટના ગણવી રહી.
આ જજમેન્ટના સમાચાર વાંચતા મને વર્ષો પહેલાંની આવી જ ઘટના યાદ આવી ગઈ. અને ખાસ તો હમણાં જ ગયા અઠવાડિયે ગુજરાતના ઊંચેરા કવિ નીરવ પટેલનું અવસાન થતાં તે ઘટના મનમાં વધુ ને વધુ ઘૂંટાતી રહી.
1981ના આરંભે જેતલપુર ગામમાં એક યુવા દલિત ખેત મજૂરને ધાબળાની ચોરીના આરોપસર પંચાયત ઘરમાં જ ગામના સવર્ણ આગેવાનોએ જીવતો સળગાવી મૂક્યો હતો. આ ઘટનાને લઈ ગુજરાતભરના દલિતોમાં ઘોર આક્રોશ પ્રગટી ઊઠયો. બીજા જ દિવસે જેતલપુરમાં હજારો દલિતો ઊમટી પડ્યા હતા અને એ જ દિવસોમાં અનામત વિરોધી તોફાનો પણ ગુજરાતમાં ફાટી નીકળ્યા અને અમદાવાદથી માંડી ઠેર ઠેર દલિતોની ચાલીઓ, ઝૂંપડાં સળગાવવામાં આવ્યાં હતાં.
ગુજરાત દલિત પેન્થર્સ દ્વારા તે સમયે દલિત કવિતાનું સામયિક આક્રોશ પ્રગટ થતું હતું. જેતલપુર હત્યાકાંડને લઈ વિશેષાંક કાઢવાનું નક્કી થયું. આ વિશેષાંકમાં સાત કવિઓની કવિતાઓ હતી. અને મુખપૃષ્ઠ પર પાનાચંદ લુણેચિયાનું કાર્ટૂન ચિત્ર હતું જેમાં ચારેબાજુ પોલીસ નીચા મોંએ, નીચી બંદૂકે ઊભી છે અને વચ્ચે ઝૂંપડાં બળી રહ્યાં છે.
આક્રોશનાં આ વિશેષાંકની સામે તે સમયની માધવસિંહ સોલંકીની કૉન્ગ્રેસ સરકારે, સમાજમાં વૈમનસ્ય અને સરકાર ઉથલાવવાના કાવત્રાની ભારે ક્રિમિનલ કલમો લગાડી કવિ નીરવ પટેલ અને આ લખનારનાં ઘરોમાં રેડ પાડી તમામ વસ્તુઓને વેરણછેરણ કરી 'ઉગ્રવાદી સાહિત્ય' પકડવાનો નિષ્ફળ પ્રયત્ન ક ર્યો.કવિ નીરવ પટેલ અને અશ્વિન જાનીની ધરપકડ કરી તેમને કસ્ટડીમાં નાંખ્યા. તંત્રી રમેશચંદ્ર પરમાર અને અમે અન્ય કવિઓ પોલીસ તપાસની ખબર પડતાં ભૂગર્ભમાં ચાલ્યા ગયા.
બીજા દિવસે મેજિસ્ટ્રેટને ત્યાં નીરવ પટેલ અને અશ્વિન જાનીને પોલીસ લઈ ગઈ. પોલીસે આક્રોશનું મુખપૃષ્ઠ બતાવ્યું અને પછી નીરવની કવિતાની પંક્તિઓ ટાંકી જેમાં 'બાપડો મેજિસ્ટ્રેટ પણ મૂતરે એમનું નામ સાંભળી..’ એવી પંક્તિઓ હતી અને મારી કવિતાની પંક્તિઓ બતાવતા કહ્યું કે 'જુઓ સાહેબ! આમાં તો ન્યાયનાં ત્રાજવાના કાંટા તમારા માથામાં ખોસવાની ને તમારા માથામાં હથોડા ઠોકવાની વાત છે..! એટલે આમના સાત દિવસના રિમાન્ડ લઇ પૂછપરછ કરવી છે …'
આ સાંભળી મેજિસ્ટ્રેટ હસી પડ્યા અને પોલીસને કહ્યું કે .. 'આ તો કવિતા છે .. આ યુવાનો આવું નહીં લખે તો પછી કોણ લખશે ?'
અને મેજિસ્ટ્રેટે પોલીસ રિમાન્ડ મંજૂર નહીં કરી જામીન પર છોડી મૂક્યા. આ કેસ એકાદ વર્ષ ચાલ્યો ને પછી પડતો મૂકાયો.
અહીં મહત્ત્વનો મુદ્દો એ જ છે કે કલા એ પછી કાર્ટૂન હોય કે કવિતા એ જનતાના પ્રતિરોધની અભિવ્યક્તિ છે. સત્તા સામેનો આક્રોશ છે તેને માટે થઈ તેમની અભિવ્યક્તિ રોકાય નહીં અને જેલમાં ન પૂરી દેવાય.
પણ અહીં સાથે સાથે એ સવાલ પણ મહત્ત્વનો ઊભો થાય છે કે આમ એકદમ જડ બની સત્તા માટે, જીતવા માટે રાજકીય નેતાઓ કોઈની હત્યા કરી નાખતા હોય છે, હુલ્લડોનાં ષડયંત્ર કરી લોકોના નરસંહાર કરી નાખતા હોય છે, રૂપિયાના ત્રાજવે નેતાઓ – કાર્યકરો ખરીદતા હોય છે અને કરોડોનાં કૌભાંડ બેશરમીથી કરતા હોય છે અને છતાં ય આ જડ નેતાઓ કોઈ કાર્ટૂન કે ચિત્ર કે તસવીર કે કવિતાનાં મુદ્દે કેમ આટલા સંવેદનશીલ બની તેમને ખતમ કરવા, નારાજ થઈ તેનાં કલાકારોને સજા કરવા તેમની પાછળ પડી જાય છે ?
અને હવે તો નેતાઓ મીડિયા હાઉસનાં માલિકો ને તંત્રીઓ પર દબાણ કરી કાર્ટૂનિસ્ટોને, કલાકારો ને કોલમિસ્ટોની અભિવ્યક્તિને, તેમના અવાજને બંધ કરવા દબાણ કરતા રહેતા હોય છે.
આપણા દેશમાં રાજકીય કાર્ટૂન દ્વારા વિરોધની અભિવ્યક્તિ કરનારામાં સશક્ત પીંછી ધરાવતા સતીષ આચાર્ય છે.
પ્રતિષ્ઠિત છાપાં-સામયિકોમાં તેમના કાર્ટૂન પ્રગટ થાય છે. એક છાપાએ ચૂંટણી પૂર્વેના સમયમાં તેમના કાર્ટૂન કોઈ ના કોઈ બહાને નાપસંદ કરી પરત કરવા માંડ્યા. અને આ કાર્ટૂનિસ્ટે તેનો વિરોધ કરતા લાંબો પત્ર લખી જાતે જ પોતાની કોલમ બંધ કરી.
હમણાં જ જ્યારે દેશના વડાપ્રધાન કેદારનાથ ગયા અને લાંબા ડગલા પહેરી ખેસ ધારણ કરી રેડ કાર્પેટ પર ચાલતા જે રાજાશાહી ઢબે દેવદર્શન કરવા ગયા, અને તેનાં ફોટા મીડિયામાં છવાયા ત્યારે આ કલાકાર સતીશ આચાર્યે આ ફોટા ને જ, તેની ઉપર 'નો કૉમેન્ટ'નું મથાળું કરી સોશ્યલ મીડિયામાં વહેતા કર્યા .. આ જોઈ એવું જ લાગ્યું કે રાજકીય નેતાઓનાં વર્તન, વિચાર અને ખુદને જાણે કે વ્યંગચિત્ર જેવા, મશ્કરીરૂપ બનાવી દીધાં છે ત્યારે સવાલ થાય છે કે કોણ કોને હવે જેલમાં નાંખશે ?
પ્રગટ : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 22 મે 2019