ભગતસિંહ ફાંસીને માંચડે ચડતા પહેલાં તેના સાથીઓને સલાહ આપતો ગયો હતો કે ભારતને આઝાદી અપાવનારો સૌથી વ્યવહારુ માર્ગ શાંતિમય લોકઆંદોલન છે અને અહીં તહીં ફટાકેબાજી કરવાથી ખુવારી થશે અને આઝાદી નહીં મળે. તેણે અલબત્ત જરૂર પડે તો જવાબી હિંસા માટેનો વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો. આ અર્થમાં તે ગાંધીવાદી નહોતો.
સવાલ એ છે કે આમ તેણે શા માટે કહ્યું? શા માટે દેશવ્યાપી સશસ્ત્ર ક્રાંતિ ન થઈ શકે?
ગાંધીજી એક સત્યાગ્રહ કરે, પછી થોડાં વર્ષે બીજો સત્યાગ્રહ કરે, પછી વળી થોડાં વર્ષે ત્રીજો સત્યાગ્રહ કરે એનાં કરતાં સશસ્ત્ર ક્રાંતિમાં એક ઘા ને બે કટકા. કાં આપણે જીતીએ કાં અંગ્રેજો જીતે. અને વળી તૈયારી પાકી હોય તો આપણે શા માટે ન જીતીએ? અંગ્રેજો છે કેટલા? સંખ્યાની દૃષ્ટિએ તેઓ નગણ્ય છે. તેમનું સૈન્ય પણ ભારતીય સૈનિકોનું બનેલું છે અને જ્યારે ક્રાંતિ થશે ત્યારે તેઓ વતનના પક્ષે અર્થાત્ ક્રાંતિકારીઓના પક્ષે બળવો કરશે. તેમને બળવો કરવા પ્રેરી શકાય. આખરે તેઓ આ ધરતીનાં સંતાન છે. આમ પરાજીત થવાનો તો સવાલ જ નથી. સૌથી અસરકાર અને ઝડપી માર્ગ સશસ્ત્ર ક્રાંતિનો છે.
આવું ત્યારે ઘણા લોકો વિચારતા હતા અને ઘણા લોકોએ એવો પ્રયાસ પણ કર્યો હતો. એક રોમાંચ હતો, પણ ભગતસિંહ કહે છે કે એ વ્યવહારુ નથી.
કેન્દ્ર સરકારે ખેતી અંગે જે કાયદાઓ ઘડ્યા છે તેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે એ તમે જાણો છો. લાખોની સંખ્યામાં કડકડતી ઠંડીમાં ખેડૂતો બે મહિનાથી દિલ્હીમાં બેઠા છે, પણ સરકાર દાદ આપતી નથી. હવે સંખ્યાની દૃષ્ટિથી જુઓ તો ખેડૂતોની સંખ્યા પોલીસની સંખ્યા કરતાં અનેક ગણી વધારે છે. અરે, પોલીસ અને લશ્કરી જવાનોની સંયુક્ત સંખ્યા કરતાં પણ દેશમાં ખેડૂતોની સંખ્યા વધારે છે. એ પણ હકીકત છે કે પોલીસમાં અને લશ્કરમાં ભરતી થયેલા જવાનો મોટા ભાગે ખેડૂત પરિવારમાંથી જ આવે છે અને તેમનાં મનમાં પણ દાઝ હશે. આમ ઉપર આઝાદી માટે સશસ્ત્ર ક્રાંતિના પક્ષમાં અનુકૂળતાની જે દલીલો ક્રાંતિકારીઓ અથવા સશસ્ત્ર ક્રાંતિના સમર્થકો કરતા હતા એ બધી જ દલીલો અહીં લાગુ પડી શકે એમ છે. કદાચ ઘણા તપેલા ખેડૂતોને એવું લાગતું પણ હશે કે આવા સત્યાગ્રહ કરતાં શસ્ત્રો હાથમાં લેવા જોઈએ અને આ સરકારને ઉથલાવી પાડવી જોઈએ.
હવે દલીલ ખાતર ઘડીભર ધારી લો કે ખેડૂતોના નેતાઓએ ખરેખર શસ્ત્રો દ્વારા કેન્દ્ર સરકારને ઉથલાવવાનો નિર્ણય લીધો છે તો તેઓ શું કરશે અથવા શું કરવું જોઈએ?
પહેલી જરૂરિયાત તો એ કે ખેડૂતોના મનમાં અત્યારે જે રોષ છે એ રોષ સશસ્ત્ર ક્રાંતિ સફળ નીવડવા જેટલી તૈયારી ન થાય ત્યાં સુધી જાળવી રાખવો જોઈએ અને એ શક્ય નથી. બે મહિનાથી તેમનો રોષ જળવાઈ રહ્યો છે એનું કારણ તેઓ લાખોની સંખ્યામાં સાથે બેઠા છે એ છે. આ ઉપરાંત તેમને ભારતની જનતાની સહાનુભૂતિ મળી રહી છે. એ સહાનુભૂતિનું કારણ પણ તેમનું શાંતિમય લોકઆંદોલન છે. જો અંદોલન હિંસક હોત તો જાહેર જનતાની સહાનુભૂતિ ન મળી હોત. હવે માણસનો સ્વભાવ એવો છે કે તેનો ગુસ્સો થોડા સમયે ઓગળી જાય છે અને ઉત્તેજના શમી જાય છે. તો આ ઉત્તેજના ટકાવવી કેવી રીતે એ મુખ્ય સવાલ છે અને સ્વાભાવિક છે કે હજારો/લાખો માણસો સશસ્ત્ર વિદ્રોહ માટે તૈયાર થાય એમાં મહિનાઓ લાગે.
બીજી જરૂરિયાત છે ગુપ્તતાની. શસ્ત્ર દ્વારા સરકારને ઉથલાવવાની તૈયારી કરવી હોય તો એમાં કેટલા માણસોની મદદ લેવી પડે એની કલ્પના તમે કરી શકો છો. જ્યાં હજારોની સંખ્યામાં લોકો કામે લાગેલા હોય ત્યાં ગુપ્તતા જળવાઈ ન શકે. અને એ પણ ભારત જેવા દેશમાં જ્યાં એક ગામડું એવું નહીં મળે જેમાં સામાજિક તિરાડ ન હોય. જ્ઞાતિની તિરાડ, ધર્મની તિરાડ, આર્થિક સંબંધોમાં તિરાડ અને એવી બીજી અનેક પ્રકારની તિરાડો. જો કોઈ સમાજવિશેષ કે વર્ગવિશેષ હિંસાની તૈયારી કરતો હોય તો બીજા સમાજનો કે વર્ગનો માણસ સરકારને ખબર કરી દે.
ત્રીજી જરૂરિયાત છે શસ્ત્રોની. લાખોની સંખ્યામાં હથિયારો એકઠાં કરવામાં આવે ત્યારે વ્યાપક હિંસક ક્રાંતિ થઈ શકે અને એ શક્ય નથી. એ લાવવાં ક્યાંથી, કઈ રીતે, એને છૂપાવવા ક્યાં, શસ્ત્રો ખરીદવા પૈસા ક્યાંથી લાવવા, એને લોકો સુધી પહોંચાડવા કઈ રીતે, શસ્ત્રો ચલાવવાની તાલીમ કોણ આપે, વગેરે અનેક પ્રશ્નો છે.
ચોથી જરૂરિયાત છે એક સરખા હિતસંબંધની. ખેડૂતોની જ વાત કરીએ તો તમે જોયું હશે કે આંદોલનમાં મુખ્યત્વે પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો જ ભાગ લઈ રહ્યા છે. એની નજીકના પ્રદેશોનો ટેકો મળી રહ્યો છે અને દક્ષિણ ભારત તેમ જ પૂર્વ ભારત તેનાથી લગભગ દૂર છે. આનું કારણ એ છે કે ખેડૂતોમાં પણ હિતસંબંધો એક સરખાં નથી. ભારતમાં ખેતી દરેકને એક સરખી પરવડે છે એવું નથી. જેને ખેતી કરવી પરવડે છે એ ઉત્તેજિત છે અને જેને ખાસ પરવડતી નથી એ ઉત્તેજિત નથી.
ભારતની આઝાદીની બાબતે પણ આ જ વાત લાગુ પડતી હતી. ભારતની આઝાદીમાં દરેક ભારતીયના હિતસંબંધો એક સરખાં નહોતાં. ભારતની લગભગ ૨૫ ટકા પ્રજા ભારતને આઝાદી ન મળે એમાં પોતાનું હિત જોતી હતી. બીજી પચીસ ટકા પ્રજા આઝાદીની બાબતે ઉદાસીન હતી અને એ પછી બીજી ૨૫ ટકા પ્રજા પોતાની શરતે આઝાદી માટે તૈયાર હતી. જ્યાં એકવાક્યતા ન હોય ત્યાં વ્યાપક ક્રાંતિ ન થઈ શકે.
પાંચમી જરૂરિયાત છે જુલ્મી શાસકોની. શાસકો એવા સિતમગર હોવા જોઈએ કે પ્રજા આગળ પાછળનું વિચાર્યા વિના થાકી ત્રાસીને કેસરિયાં કરી બેસે. અંગ્રેજો એવા સિતમગર નહોતા. તેઓ શોષણ કરતા હતા તો એ પણ કાયદા ઘડીને.
અને છેલ્લે સરકારની હિંસા કરવાની શક્તિ સંગઠિત, શિસ્તબદ્ધ અને તાલીમ પામેલી હોય છે. તેની પાસે શસ્ત્રો છે અને શસ્ત્રો ચલાવવાની તાલીમ પામેલા પોલીસમેનો અને સૈનિકો હોય છે. એનું આખા દેશમાં નેટવર્ક હોય છે અને આખા દેશમાં ફેલાયેલા હોય છે. ઉપરથી નીચે સુધી આદેશ પહોંચે એવું તંત્ર હોય છે. પ્રચંડ સંહારક શક્તિ ધરાવતી સરકારોને હિંસાને માર્ગે પડકારવી અને ઝૂકાવવી એ સહેલું કામ નથી.
ઉપર જે કારણો ગણાવ્યાં તેને પરિણામે આઝાદી પછી તેલંગાણામાંની સામ્યવાદીઓની હિંસક ક્રાંતિ નિષ્ફળ નીવડી હતી. પંજાબમાં ખાલિસ્તાનનું અંદોલન નિષ્ફળ નીવડ્યું હતું. એ સિવાય ઇશાન રાજ્યોમાં અલગતાવાદી આંદોલનો નિષ્ફળ નીવડ્યાં અને જ્યાં પ્રમાણમાં બીજી ઘણી વાતે અનુકૂળતા હોવા છતાં શ્રીલંકામાં તમિલોનું આંદોલન રાજ્યની હિંસા સામે નિષ્ફળ નીવડ્યું. આઝાદી પહેલાં કે આઝાદી પછી એક પણ હિંસક અંદોલન સફળ નીવડ્યું હોય એવું જોવા નથી મળતું.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 ફેબ્રુઆરી 2021