ગુજરાતીમાં અત્યારે ઓછા જોવા મળે તેવાં વિષયો અને લંબાણ ધરાવતાં સ્વકથનો, ચરિત્રલેખો, પ્રવાસવર્ણનો, સંશોધનલેખો નિષ્ઠાપૂર્ણ સંપાદકીય માવજતથી ‘જલસો’માં છ વર્ષથી પ્રસિદ્ધ થાય છે
છમાસિક ‘સાર્થક જલસો’નો બારમો અંક શનિવારે બહાર પડ્યો.
‘જલસો’ અત્યારે ગુજરાતીમાં ભાગ્યે જ મળે તેવું અવનવું અને તાજગીસભર વાચન પૂરું પાડે છે. એકદમ રંગબિરંગી ‘હટ કે’ મુખપૃષ્ઠ સાથેના દરેક અંકમાં, ભરપૂર ચિત્રસામગ્રી અને માવજત કરેલાં લખાણો હોય છે. સાંપ્રત વિષય પર પણ કંઈક નોખું લખાણ આપવાની ‘જલસા’ની એક ખાસિયત આ નવા અંકમાં પણ મળે છે. જેમ કે, પુલવામાને પગલે શહાદત પરનાં માધ્યમ-ઘોંઘાટમાં સૌરવ આનંદનો ‘મારી શહીદયાત્રા’ લેખ મળે છે. તેમાં ભાવનાશાળી યુવા લેખકે પુલવામા પહેલાંના લશ્કરી સંઘર્ષોમાં મોતને ભેટેલા પંદર જવાનોના પરિવારોની પંજાબ, હરયાણા અને દિલ્હી જઈને લીધેલી રૂબરૂ મુલાકાતોનું બયાન છે. ખાનગી કંપનીમાં મિકૅનિકલ એન્જિનિયરની નોકરી છોડીને સૌરવે ફેબ્રુઆરી-માર્ચમાં કરેલી મુલાકાતો યુ-ટ્યુબ પર પણ મૂકી છે.
જલિયાંવાલા હત્યાકાંડ પર હમણાંના ઘણાં લખાણોની વચ્ચે આ વખતના ‘જલસા’માં ઉર્વીશ કોઠારીએ બનાવના બિલકુલ જુદાં પાસા પર લખ્યું છે. તેમણે સદી પહેલાં જલિયાંવાલા કાંડનાં બ્રેકીન્ગ ન્યૂઝ અને ફૉલોઅપ કેવી ધીમી ગતિએ થયા તે બતાવ્યું છે. નવા અંકમાં, જગમશહૂર ફ્રેન્ચ નવલકથા ‘લે મિઝરાબ્લ’ના પ્રકાશનની રોમાંચકથા ગ્રંથજ્ઞ જયન્ત મેઘાણીએ આલેખી છે, કળા-સંશોધન-દસ્તાવેજીકરણના જાણકાર ઉષાકાન્ત મહેતા પર વિજ્ઞાનના પૂર્વ અધ્યાપક પીયૂષ પંડ્યાનો ચરિત્રલેખ છે, સિત્તેરના દાયકાના યુવા સંગઠનોના કાર્યકરોમાંથી ‘રાષ્ટ્રસેવા-રાષ્ટ્રીય એકતાના જન્માક્ષર મેળવીને’ પતિ-પત્ની બનેલાં આઠ કર્મશીલ દમ્પતીઓ વિશે એવું જ નવમું યુગલ અશોક ભાર્ગવ-લતા શાહ લખે છે. અમદાવાદ-મુંબઈ રેલવે લાઈન પરનાં એક પ્રકૃતિપ્રેમી એન્જિન ડ્રાઇવર ગણેશ કુલકર્ણીની અનુભૂતિયાત્રા પણ વાંચવા મળે છે. આ લેખો ગુજરાતીમાં તો પહેલવારકા છે.
સંપાદકીયોમાં શબ્દફેરે કહેવાયું છે તે મુજબ ‘વાચકોને બીજે ભાગ્યે જ વાંચવા મળે’ તેવા છે. ‘સાર્થક જલસો ન હોત તો આ લેખો લખાય જ નહીં’ એવો સંપાદકીય દાવો છે. તે માનવાનું મન થાય તેવા ઘણા લેખો દિવાળી 2013થી લઈને દર છ મહિને આવેલાં કુલ બાર અંકોના સવાસોની નજીક પહોંચતાં લખાણોમાં મળે છે. લેખની લંબાઈનું ધોરણ જાણે અહીં અસ્તિત્વમાં જ નથી. ચિત્રો સાથેનાં પાંચ-છ પાનાં સરાસરી છે, બાર-પંદરનો અપવાદ નથી, પચીસ-ત્રીસનું ગૌરવ છે : દરેકમાં ગુણવત્તાની શરતો લાગુ. લેખની ગુણવત્તા નક્કી કરનાર અને અનુભવસિદ્ધ મજૂરીથી તેમાં વધારો કરનાર સંપાદકો છે : ઉર્વીશ કોઠારી, દીપક સોલિયા, બીરેન કોઠારી અને છપાયેલાં નામ વિના ધૈવત ત્રિવેદી. સંપાદકમંડળની સજ્જતા અને રુચિસમૃદ્ધિના પુરાવા દરેક અંકમાંથી મળે છે. તેમાં તેમની પોતાની મહેનત તો છે જ, પણ સાથે દેશ અને દુનિયાના સામયિકોની સૃષ્ટિ સાથેનો તેમનું જોડાણ પણ વરતાય છે. ‘સાર્થક’ના અંકોમાં ‘વીસમી સદી’, ‘મૅડ’, ‘લાઇફ’, ‘ટાઇમ’, ‘ફિલ્મી દુનિયા’, ‘ઇલસ્ટ્રેટેડ વિકલી’ ઇત્યાદિ યાદ આવે.
સંપાદકોની બીજી એક સિદ્ધિ એ છે કે તેમણે વીસથી એંશીની ઉંમરના અનેકવિધ વ્યવસાયો ધરાવતી, કહેવા જેવી વાત શેઅર કરવા મથતી કેટલી ય વ્યક્તિઓને તેમણે તદ્દન સહજ ભાવે, નિરપેક્ષ રીતે લખતી કરી છે. આ લખતા કરવાની તેમ જ લખાણોને મઠારવાની કામગીરી સહેલી નથી હોતી અને મોટાઈના ભાવ વગર તો સાવ થતી નથી હોતી. આપણા જાણીતા સામયિકોનાં સંપાદકોએ આ કામ વધારે પ્રમાણમાં કર્યું હોત તો આપણે ત્યાં લેખકોની અછત ઓછી હોત. ‘સાર્થક’ના દરેક અંકનાં પ્રેક્ષણીય નિર્માણમાં મુદ્રણનિષ્ણાત અપૂર્વ આશર અને કસબી એસ.એમ. ફરીદનો મોટો ફાળો હોય છે. ગુજરાતમાં વાચનસામગ્રીનું ધોરણે પ્રકાશન કરવાનાં જોખમનું આર્થિક પાસું કાર્તિક શાહ સંભાળે છે.
‘ચોકઠાબદ્ધ ઓળખમાંથી બહાર નીકળવાની’ કોશિશ, ‘નવું પ્રવાહી અને ગતિશીલ સ્વરૂપ નીપજાવવાના પ્રયાસ’ પછી પણ ‘જલસા’ના બધા અંકમાં કેટલીક કૉમન બાબતો જોવા મળે જ છે. તેમાંથી એક તે ‘પોતાની વાત માંડતા લેખો’. તે એકંદરે આપવડાઈ કે ‘આઇ કૅપિટલ ન હોય તે રીતે’ અનેક સ્વરૂપે આવે છે. દલિત કર્મશીલ-અભ્યાસી ચંદુ મહેરિયા અને અગ્રણી લેખક રજનીકુમાર પંડ્યાની કલમે આવતા સીધા આત્મકથનાત્મક લેખો તો છે જ.
વ્યક્તિગત સંવેદનકથાઓ અને સાંભરણો છે : નાઝી યાતનાછાવણીમાંથી બચેલાં છ્યાંશી વર્ષનાં બે સન્નારીઓની ઝેક રિપપ્લિકમાં લીધેલી મુલાકાત (અનુષ્કા જોશી), અમદાવાદના પ્રબુદ્ધ મુસ્લિમ યુવાનની કશ્મકશ (શારીક લાલીવાલા), રસોઈના પ્રયોગો (આશિષ કક્કડ), મજૂરનાં અંતરની આગ (નરેશ મકવાણા), જ્ઞાતિભેદના ચાબખા (મૌલિક પટેલ), અવશેષ બનેલી પોળના નિવાસીની વેદના (પ્રણવ અધ્યારુ), ગોધરામાં ઘડતર (ચેતન પગી), તલોદ પાસેના રેલવે પાટા સાથે બચપણનાં સાત વર્ષની ભાઈબંધી (અમિત જોશી). કક્કડ ‘બેટર હાફ’ તેમ જ ગિરીશ પરમાર ‘કલર ઑફ ડાર્કનેસ’ ફિલ્મોનાં નિર્માણની, સલીલ દલાલ તેમના ‘આનંદ એક્સપ્રેસ’ અખબારની અને હિમાંશુ કિકાણી તેમના ‘સાયબર સફર’ માસિક નિર્માણની કથા માંડે છે. હેમન્ત મોરપરિયા એકંદર ઘડતર વિશે તો ધૈવત ત્રિવેદીની બાળપણના એક ચોટદાર અનુભવ વિશે લખે છે. જાહેર જીવનમાં સામેલગીરીનાં સ્વકથનોમાં મૂકી શકાય રમેશ ઓઝાના રામજન્મભૂમિ વિવાદના ઉકેલ, હસમુખ પટેલના ચૂંટણીમાં લોકઉમેદવાર અને બિપિન શ્રૉફના ગ્રામોત્થાનના કાર્ય માટેના પ્રયાસો. મહિલા પ્રવાસીઓએ એકલપંડે ખેડેલા પ્રવાસનાં વર્ણન ‘જલસા’નું અનન્ય પાસું ગણાય. તેમાં છે કેતકી જોશી (પ્રવાસ-પશ્ચિમ બંગાળ), જ્યોતિ ચૌહાણ (ઉત્તરાખંડ), કથક મહેતા (ગોવા અને અન્ય સ્થળો), છાયા ઉપાધ્યાય (અત્યારનું રશિયા) અને સાયકલપ્રવાસી રાજવી કોઠારી (વિયેટનામ, કમ્બોડિયા, થાઈલૅન્ડ). વિદેશવાસી હોવાના સહેજ પણ ભાર વિના પૂર્વી ગજ્જર કુવૈત અને આરાધના ભટ્ટ ઑસ્ટ્રેલિયાના વસવાટને નિરૂપે છે. ઇશાન ભારત (લતા-અશોક), લદ્દાખ (હર્ષલ પુષ્કર્ણા), નેવુંના દાયકાનું રશિયા (રાજીવ શાહ), ભૂતાન, ઇન્ગલેન્ડ અને નેધરલૅન્ડ(ઋતુલ જોશી)નાં પ્રવાસનાં અને; રવાન્ડા (વિસ્મય પરીખ) તેમ જ લંડન(આરતી નાયર)નાં નિવાસના લેખો છે. તેના લેખકો ગુજરાતી ટૂરિસ્ટો નહીં પણ સંવેદનશીલ વ્યક્તિઓ, સભાન નાગરિકો અને વિવિધ વિષયના અભ્યાસીઓ હોવાથી ‘જલસા’નું પ્રવાસલેખન જુદું પડે છે.
ચરિત્રલેખો પણ આ દ્વિવાર્ષિકનું મહત્ત્વનું અંગ છે. તેમાં નાયકના જીવનકાર્યનો અભ્યાસ અને તેના તરફની કૃતજ્ઞતાનો સમન્વય થાય છે. કેટલાક લેખો છે : બકોર પટેલના સર્જક હરિપ્રસાદ વ્યાસ (ઉર્વીશ), લોકવિજ્ઞાન પ્રસારક રવજીભાઈ સાવલિયા (હર્ષલ), ‘એક તરબતર ઘટના’ એવા મરીઝ (જિજ્ઞેશ મેવાણી) કવિ હરિશ્ચન્દ્ર ભટ્ટ, અનુવાદક નગીનદાસ પારેખ અને અજોડ સંપાદક યશવંત દોશી (હસિત મહેતા), સમાજવિદ્યાના અધ્યાપક તારાબહેન પટેલ (ગૌરાંગ જાની), ઇન્ગલેન્ડની કામદાર ચળવળનાં ગુજરાતી નેત્રી જયાબહેન દેસાઈ (કૅપ્ટન નરેન્દ્ર). હોમાઈ વ્યારાવાલા અને કલાગુરુ રવિશંકરનાં વ્યક્તિત્વનાં પાસાં અનુક્રમે બિરેન કોઠારી અને વૃંદાવન સોલંકીએ તેમની સાથેના પત્રાચાર પરના લેખો થકી ઉપસાવ્યા છે. આપણા સમયના જે પાંચ વિશિષ્ટ વ્યક્તિઓનો અંતરંગ પરિચયની લાંબી મુલાકાતો છે તેમાં છે : મહેન્દ્ર મેઘાણી, પ્રકાશ ન. શાહ, નગેન્દ્ર વિજય, પ્રશાન્ત દયાળ અને દિવંગત ગિરીશ પટેલ.
સિનેમા પરના ચટપટિયા નહીં પણ અભ્યાસપૂર્ણ લેખો મળે છે. ફિલ્મ વિદ્વાન હરીશ રઘુવંશી હિન્દી સિનેમામાં ગુજરાતી વ્યક્તિઓની સૂચિ અને ‘અભરાઈ પર ચઢેલી ફિલ્મોનું આલબમ’ બતાવે છે. હિન્દી ફિલ્મોનાં વિલનોનાં નામની કહાણીઓ વર્ણવતો સલીલ દલાલનો લેખ અત્યંત રસપ્રદ છે. ફિલ્મોની જાહેરખબરોમાં ગાંધીજી નામની દુર્લભ પિક્ચર સ્ટોરી ઉર્વીશ આપે છે. રિચર્ડ એટનબરોનાં ‘ગાંધી’ ફિલ્મની સંખ્યાબંધ ભૂલો બતાવતો તેનો લેખ ઉત્તમ સંશોધનનો નમૂનો છે. અન્ય સંશોધનત્મક લેખોમાં સુશ્રુત પટેલનો ગુજરાતીમાં વિજ્ઞાનલેખન તેમ જ હેમંત દવેના ગુજરાતી શબ્દકોશો અને ગુજરાતી કક્કા પરના લેખો બતાવી શકાય. તેની સામે ધૈવતનાં સૌરાષ્ટ્રની બોલી પરનાં બે અદ્દભુત લલિત લેખો મળે છે. ફૉર ચેઇન્જ, ચાર મૌલિક કવિતાઓ અને બે પ્રતિકાવ્યો પણ છે. ઉર્વીશ-બિરેન હોય ત્યાં વિવિધ પ્રકારનાં લખાણો દ્વારા હળવાશ અને હાસ્ય ન હોય તો જ નવાઈ. ખીજ-નામ (અમિત), ખમણ (કિરણ જોશી), જમણ (બિરેન), ’મરમિયાં’ અને ‘ચિંતન ચૌદસની પ્રસાદી’ (અશ્વિન ચૌહાણ) જેવાં મજાનાં લખાણો મળે છે. પ્રકીર્ણ વર્ગમાં મૂકી શકાય તેવા લેખોની યાદી લાંબી છે.
જો કે ‘જલસા’ને માત્ર માહિતીની મિજબાની, સ્વકથનનું માધ્યમ કે ચિત્રોનું આલબમ બનાવતાં અટકાવે છે તે અત્યારનાં સમયનાં અનેક પાસાંને સ્પર્શતા શક્ય એટલી સરળ રીતે લખાયેલાં મૌલિક વિચાર-લેખો. જનરેશન ગૅપ, મા-દીકરીના સંકુલ સંબંધો, ડેટિન્ગ ઍપ્સ, ફેમિનિઝમ, સ્ટાર્ટઅપ પર લખનાર તેજસ્વી યુવતી આરતી ‘જલસો’ની શોધ છે. સર્વેલન્સ સંસ્કૃતિ, આધુનિકતા સામેની લડાઈઓ, એકવીસમી સદીમાં જ્ઞાતિવાદ એ અર્બન પ્લાનિન્ગના સજ્જ યુવા અધ્યાપક ઋતુલના મહત્ત્વના લેખો છે. અર્થશાસ્ત્ર ભણાવનાર નિસબત ધરાવતા રંગકર્મી અધ્યાપક કાર્તિકેય ભટ્ટ શિક્ષણ વિશે અને જાગ્રત રક્તદાતા બિનિત મોદી જીવનવ્યવહાર વિશે લખે છે. ઍક્ટિવિઝમ અને ઉદાત્ત હિન્દુત્વની શક્યતા વિશેના રમેશ ઓઝાના લેખો મહત્ત્વના છે. અનામતની જોગવાઈ વિશેના ચંદુ મહેરિયાના અને કોમવાદ વિશેના ઉર્વીશ કોઠારીના લેખોનું મોટું સંદર્ભ મૂલ્ય છે.
સાર્થકની દૃશ્ય સામગ્રી અલગ લેખનો વિષય છે. ખૂબ ઊંચી ગુણવત્તા સાથે જોવા મળતી હળવાશ પણ એક કૌતુક છે. અત્યારે આપણે ત્યાં વાચન-લેખનની જે હાલત છે તેમાં ‘સાર્થક જલસો’ આનંદ સાથેનું આશ્વાસન અને અંગુલીનિર્દેશ બંને છે. છઠ્ઠા અંકના સંપાદકીયના શબ્દપ્રયોગો ‘પુસ્તકો વંચાતાં નથી’નું વૃંદગાન’ અને ‘ભાષા મરવા પડી છે’નો કકળાટ’ નોંધપાત્ર એટલા માટે છે કે આ બંનેની વચ્ચેથી ‘જલસો’ રસ્તો કાઢે છે. ફીચર મૅગેઝીન, ડાયજેસ્ટ, ચિત્રાત્મક સામયિક જેવા અનેક પ્રકારોનો મેળાપ ‘જલસો’માં મળે છે. તેમાં વાચનનું ધન હોય છે. વિચારોની ધાર ધરાવતું વાચન પ્રશાંત દયાળના ‘વાત અનામતની’ લેખ, નીરવ પટેલની ‘પટેલ લાડુ’ જેવી કવિતા, ગિરીશ પટેલની મુલાકાત કે રમેશ ઓઝા અને ઋતુલના કેટલાંક લખાણોમાં મળે છે.
વૈચારિક ધારવાળા લેખો વધુ મળતા રહે એવી અપેક્ષા ‘સાર્થક જલસા’ પાસે રાખવી અસ્થાને ન ગણાય.
*****
10 મે 2019
e.mail : sanjaysbhave@yahoo.com