Opinion Magazine
Number of visits: 9447843
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરૂપ ધ્રુવ : સળગતી હવાઓમાં હસ્તક્ષેપ કરનાર જનવાદી વિદ્રોહી કવિ અને ઇતિહાસકાર વિદુષી

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|23 June 2018

અમદાવાદના ઇતિહાસ પર સરૂપબહેને લખેલાં નવાં અને નોખાં પુસ્તક ‘શહરનામા’ વિશેનાં વક્તવ્યોનો કાર્યક્રમ આવતી કાલે સાંજે ચાર વાગ્યે સાહિત્ય પરિષદના પરિસરમાં યોજાયો છે

સરૂપ ધ્રુવ પ્રતિબદ્ધ સામાજિક-રાજનૈતિક કવયિત્રી, નાટ્યલેખક અને સાંસ્કૃિતક કર્મશીલ છે. અમદાવાદના ઇતિહાસ પરનાં તેમનાં તદ્દન નવાં પુસ્તક ‘શહરનામા’ વિશે વક્તવ્યોનો કાર્યક્રમ આવતી કાલે થશે. સરૂપબહેને ચાર ખંડોમાં લખેલાં ગુજરાતના ઇતિહાસ ‘સફરનામા’ની જેમ ‘શહેરનામા’ પણ નોખી રીતે  લખાયું છે.

અહીં પણ યુવક-યુવતીઓ કરેલા અમદાવાદના સફર રૂપે શહેરનો ઇતિહાસ છસો પાનાંમાં નિરુપાયો છે. યુવા મંડળી શહેરનાં સંખ્યાબંધ વિસ્તારો અને ઓછાં જાણીતાં સ્થળે જાય છે. માર્ગદર્શકો રચના અને ચિંતન સાથે મંડળીનો કુતૂહલભર્યો સંવાદ સતત ચાલે છે, તેમાંથી ઇતિહાસ ઉઘડતો રહે છે. સાબરમતી નદીનાં અસ્તિત્વ અને તેને કાંઠે વસેલાં પ્રાચીન નગરથી શરૂ થાય છે. રાજ્યસત્તાના અનેક યુગો, સુધારાની ઓગણીસમી સદી અને વીસમી સદીનાં સારાં-નરસાં આંદોલનોના સમયગાળામાંથી થઈને, ગોધરાકાંડ પછીનાં માનવસંહાર, મૉલ કલ્ચર અને હેરિટેજ સિટી નામના ખેલ સુધી વિદ્રોહી વિદુષી સરૂપબહેનનો નગર-ઇતિહાસ આવી પહોંચે છે. તેમાં દંતકથા-પુરાણ, પુરાતત્વ-શિલ્પ-સ્થાપત્ય, આર્થિક-સાંસ્કૃિતક-રાજકીય પાસાં છે. સાથે કોમવાદીકરણ, વેપારીકરણ, ગરીબોનું વિસ્થાપન જેવાં પાસાંની ભાગ્યે જ થતી વાત વારંવાર ક્યારેક કટાક્ષમાં તો ક્યારેક સીધી જ કહેવાઈ છે. બિલકુલ રોજબરોજની વાતચીતમાં પરિભાષાના ઓછા ઉપયોગ સાથે શહેરને પ્રગતિશીલતાની જરૂરિયાતનાં દૃષ્ટિકોણથી અમદાવાદનું આલેખન અહીં થયું છે. ઇતિહાસ તરફનાં આવાં દૃષ્ટિકોણ અને તેની રજૂઆતની રીતે ‘શહેરનામા’ ગુજરાતી ઇતિહાસ લેખનમાં વિશિષ્ટ ગ્રંથ છે.

જો કે ઇતિહાસકાર મૂળે તો કવિ છે. તે વિરલ ગુજરાતી મહિલા કવિ છે કે જેમણે તમામ પ્રકારનાં અન્યાય અને વંચિતતાને વિષય બનાવીને તેને નાબૂદ કરવા માટેની સર્વાહારા ક્રાન્તિના કેન્દ્રવર્તી વિચાર સાથે ત્રણેક દાયકા સાતત્યપૂર્ણ અને સોંસરું કાવ્યલેખન કર્યું હોય. વળી સિત્તેર વર્ષનાં સરૂપબહેન કદાચ એકમાત્ર એવાં ગુજરાતી સર્જક છે કે જેમણે પોતાની પ્રિય સર્જકતાના એક આખા ય તબક્કાને રદબાતલ જાહેર કર્યો હોય. લાડીલા નાગર સંતાન તરીકે ઉછરેલાં સરૂપ, 1980ના પહેલાંનાં એકાદ દાયકામાં વિદગ્ધ વાચક, કલારસિક યુવતી અને મહેનતુ સાહિત્ય સંશોધક  હતાં. સંવેદના, સભાનતા અને સજ્જતા ધરાવતાં કવિ હતાં. સાહિત્યનો તેમનો ખ્યાલ સર્જન-વિવેચનના પરંપરાગત ખ્યાલોથી બંધાયેલો હતો. તેમાં માત્ર સર્જક અને કલા જ મહત્ત્વનાં હતાં. તેમની કવિતાઓ પ્રભાવ પાડનારી પણ અઘરી, ખૂબ વ્યક્તિકેન્દ્રી અને ‘આધુનિક સાહિત્યના એકદંડિયા મહેલમાં’ રચાયેલી હતી.

તેમણે 1974થી પાંચ વર્ષ દરમિયાન લખેલી કવિતાઓમાંથી પ્રતિષ્ઠિત સાહિત્યકારોએ’ મારા હાથની વાત’ સંચય 1982માં બહાર પાડ્યો. તે વખતે ‘અવૈધ સંતાનનો જાહેર સ્વીકાર કરતી હોઉં એવી લાગણી થતી હતી’ એમ સરૂપબહેને તેર વર્ષ બાદ નોંધ્યું છે. તેમણે આ એકરાર 1995માં પ્રકાશિત તેમનાં ‘સળગતી હવાઓ’ કાવ્ય સંગ્રહની પ્રસ્તાવનામાં કર્યો છે. પહેલાં સંગ્રહના સાહિત્ય કરતાં આ સંગ્રહ ધરમૂળથી જુદો છે, એટલે કે તેમાં શબ્દેશબ્દ સામાજિક નિસબત ધરાવતી કવિતાઓ છે. ‘અગનપંખી’ એવાં સૂચક મથાળા હેઠળની પ્રસ્તાવનામાં, કવિમાં આવેલાં મૂળસોતા પલટાનું સવિસ્તાર રસપ્રદ સ્વકથન છે. બદલાવની શરૂઆત ખ્રિસ્તી ધર્મગુરુ બનવા માટેની તાલીમ લેનારા ઇસુસંઘીઓને અને ‘સેવા’સંસ્થાની શ્રમજીવી બહેનોને ભાષા-શિક્ષણ આપવાનાં કામથી આ થઈ. ભાષા વિશેનો ખ્યાલ બદલાયો, વિસ્તર્યો. નવમા દાયકાના અનેક આંદોલનોને કારણે અન્યાય, વિરોધ, દમન, કર્મશીલતાને બહુ નજીકથી જોવાનાં – અનુભવવાનાં થયાં. સાહિત્યકારની ભૂમિકા અંગે જનવાદી અને વિદ્રોહી સંવેદના જાગી. તેનાં કાવ્યો ‘સળગતી હવાઓ’માં છે.

વળી, અનેક જાહેર બનાવોએ કવિતાઓ પ્રેરી છે : કોમી હુલ્લડોમાં ફેરવવામાં આવેલું 1985નું અનામત આંદોલન, ‘સહુથી નીચ સાહિત્યકાર અને સહુથી ભયંકર બ્રહ્મરાક્ષસ’ને વિશ્વગુર્જરી સન્માન, ગોલાણા હત્યાકાંડ, ભોપાલ ગૅસ ટ્રૅજેડી, બાલમજૂરીના કાયદામાં સુધારો, તેમનાં પોતાનાં ‘રાજપરિવર્તન’ નાટક પર અને અભિન્ન સાથી સાંસ્કૃિતક કર્મશીલ હિરેન ગાંધીના ભગતસિંહ વિશેનાં નાટક પર ગુજરાતના સેન્સરની તવાઈ સામેની લડત, ભા.જ.પ.ની સોમનાથ-અયોધ્યા યાત્રા, ભાલના ખારાપાટનું વાઘું, સરદાર સરોવર યોજનાને કારણે શરૂ થયેલું પ્રચંડ નુકસાન, નર્મદા બચાઓ આંદોલન, સૂરતનો પ્લેગ, દુષ્કાળ વચ્ચે સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર – આ યાદી લાંબી થઈ શકે. ભગતસિંહ, સફદર હાશ્મી અને તસલીમા નસરીન વિશેની કવિતાઓ પણ છે. સાંસ્કૃિતક-સાહિત્યિક પરંપરાઓ અને અક્ષરની આલમના સ્થાપિત હિતો પરનું મૂર્તિભંજક ઉપહાસ-કાવ્ય ‘પૂર્વજોનું પૂંછડું’ એ સરૂપબહેન પરના અનૌપચારિક સાહિત્યિક બહિષ્કારમાં પરિણમ્યું.

‘કવિનું કામ’ એ ‘હસ્તક્ષેપ’ (2003) સંગ્રહના પહેલા વિભાગનો વિષય છે. તે પછીનો વિભાગ ‘આસમાની સુલતાની’ છે – કંડલા વાવાઝોડું, ધરતીકંપ, પાણીની અછત, વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો, આદિવાસી વિદ્યાર્થિની પણ બળાત્કાર અને અન્ય. ત્યાર બાદ, 2002ના માનવસંહાર પહેલાંના અને પછીના માહોલ વિશેની ચૌદ અને આદિવાસીઓનાં કોમવાદીકરણ પર આઠ રચનાઓ છે. સાથેના સંગ્રહ ‘સહિયારા સૂરજની ખોજમાં’. તેમાં રાજકીય અને સામાજિક જાગૃતિ માટેનાં તેંત્રીસ અર્થસભર જોસ્સાદાર ગીતો છે. એ બધાં ‘ગવાયાં તે ગીત’ છે. તે ગુજરાભરમાં ગવાયાં છે. સ્ત્રીઓ-આદિવાસીઓ-દલિતોના સંઘર્ષ, વિસ્થાપન અને પુનર્વાસ, બંધારણ અને ચૂંટણી જેવા વિષયો પરનાં આ ગીતો છે. ચળવળો ઉપરાંત સંગઠનોનાં કાર્યક્રમો, કૅસેટો, નાટકો જેવાં નિમિત્તે લોકોએ તે ગાયાં છે.

આઠ સમસ્યાપ્રધાન નાટકો લખનાર સરૂપબહેનનાં ‘સુનો નદી ક્યા કહતી હૈ’ (2004) નાટકને સેન્સર બોર્ડની મંજૂરી ન મળતાં અમદાવાદમાં અને ગુજરાત બહાર ખાનગી સંસ્થાઓમાં ભજવાયું. સાબરમતી રિવરફ્રન્ટ યોજનાને હજારો ગરીબોનાં વિસ્થાપન, કોમવાદ, ફાસીવાદ જેવા સંદર્ભોમાં તેજાબી રીતે નિરૂપતી આ નાટ્યકૃતિ જેવું ભાગ્યે જ કંઈ ગુજરાતમાં લખાયું છે.

કંઈક એવું જ ‘ઉમ્મીદ હોગી કોઈ’(રાજકમલ પ્રકાશન,2009) નામના, હચમચાવી નાખનારા હિન્દી વાર્તાસંગ્રહ(મોહન દાંડીકરનો ગુજરાતી અનુવાદ ‘અણસાર ક્યાંય આશનો’)ની બાબતમાં છે. તેમાં 2002નાં રમખાણો દરમિયાન ગુજરાતભરમાં મુસ્લિમ સ્ત્રી-પુરુષો પર ચલાવવામાં આવેલી હેવાનિયત અને તેની વચ્ચે કોળી ઊઠેલી ઇન્સાનિયતનાં ઓરલ નરેટિવ્ઝ એટલે કે મૌખિક બયાનો છે. તે વાર્તાનાં સાવ પાતળાં આવરણ નીચે લેખિત રૂપે મૂકાયાં છે. આ પુસ્તક માટે સરૂપબેહેને અમદાવાદના રમખાણગ્રસ્ત વિસ્તારો ઉપરાંત, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદ જિલ્લાનાં પચાસથી વધુ ગામડાંમાં ફરીને સો કરતાં વધુ પીડિતોની અને તેમને બચાવ-રાહત પૂરાં પાડનારાં ગ્રામજનો તેમ જ સ્વૈચ્છિક સંસ્થાઓનાં કાર્યકરોની મુલાકાતો ડૉક્યુમેન્ટ કરી.

સંશોધક-વિચારક સરૂપબહેને આધુનિકતાની વિભાવનાનાં કેટલાંક પાસાં પર પુસ્તકો લખ્યાં છે. ‘હીરનો હીંચકો’માં તેઓ ભાલપ્રદેશની વણકર બહેનોનાં લોકગીતોના સહસંશોધક છે. લાંબા વિવેચનલેખો આપનાર  સરૂપબહેનની સાહિત્યશાસ્ત્રની સમજ બીજાં કેટલાંક ક્ષેત્રોમાં છે તેમ પાકી અને અદ્યતન છે. તેમણે અનુવાદ અને સંપાદન પણ કર્યાં છે. હિન્દી ઉર્દૂ અને અંગ્રેજી ભાષાનાં અચ્છા જાણકાર સરૂપબહેનનો ગુજરાતી ભાષાના ઉપયોગનો અને સાહિત્યસ્વરૂપોની આવડતનો વ્યાપ ઘણો મોટો છે. લલિતકલાઓ અને સિનેમામાં ઊંડો રસ છે, કથકની તાલીમ છે, પુસ્તકોનું બંધાણ છે. સરૂપબહેનનો વ્યાસંગ દુર્ગા ભાગવતની અને તેમની વિદ્વત્તાપૂર્ણ  પ્રતિબદ્ધતા નીરાબહેન દેસાઈની યાદ અપાવે છે. ન ભૂલીએ કે સરૂપબહેનનાં અસામાન્ય સર્જક હોવામાં હિરેન અને નિયતી ગાંધી, તેમનાં નેજા હેઠળનાં ‘સંવેદન’ અને ‘દર્શન’ નામનાં સાંસ્કૃિતક મંચોનો બહુ મોટો ફાળો છે.

સરૂપબહેનની કેટલીક કવિતાઓ અંગ્રેજી અને હિન્દીમાં પહોંચી છે. અભ્યાસીઓએ તેમની મુલાકાતો ડૉક્યુમેન્ટ કરી છે. દેશના નારીવાદી સર્જકોમાં તેમનું સ્થાન છે. તેમને 2008માં હ્યૂમન રાઇટસ વૉચ સંસ્થા તરફથી ‘હેલમેન હેમ્મિટ અવૉર્ડ ફૉર કરેજિયસ રાઇટિંગ’ નામનું સન્માન મળ્યું. તે રાજકીય દમન અને સેન્સરશીપનો ભોગ બનેલા લેખકોને આપવામાં આવે છે. તે તસલીમા નસરીનને પણ મળ્યું છે. સરૂપબહેન તસલીમાની હરોળના જ, અગનપંખીની નસલના છે.

+++++

21 જૂન 2018 

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 22 જૂન 2018    

Loading

23 June 2018 admin
← અરુણ શૌરીની મુલાકાત
ધ્રુપદ ને ખયાલ એકકંઠ ક્યારે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved