ગયા વર્ષના ઓક્ટોબર મહિનાની ૧૮મી તારીખે (તારીખ અને વરસ પર ફરી એકવાર નજર કરો. આજથી સાત મહિના પહેલાં અને ચીનમાં કોરોના વાઈરસ જોવા મળ્યો એના બે મહિના પહેલાં) ‘ઇવેન્ટ ૨૦૧ : અ ગોલ્બ્લ પેન્ડેમિક એક્સરસાઈઝ’ નામની એક પરિષદ મળી હતી. પરિષદનું આયોજન ‘જૉહ્ન્સ હોપકિન્સ સેન્ટર ફૉર હેલ્થ સિક્યૉરિટી’એ ‘વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન’ સાથે મળીને કર્યું હતું. એ એકસરસાઈઝ માટેની પરિષદમાં જગતભરના વિખ્યાત વિષાણુ-વિજ્ઞાનીઓ ભેગા મળ્યા હતા. જગત જે રીતે નજીક આવી રહ્યું છે, જે રીતે લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે, જે રીતે પર્યાવરણના પ્રશ્નો પેદા થઈ રહ્યા છે એ જોતાં નવા યુગમાં આરોગ્યને લગતા નવા પ્રશ્નો પેદા થઈ શકે છે અને એનું કારણ સમયાંતરે પેદા થતા નવા નવા વાઈરસ હશે.
ઇવેન્ટ ૨૦૧ : અ ગોલ્બ્લ પેન્ડેમિક એક્સરસાઈઝમાં કહેવામાં આવ્યું હતું કે હવે પછી વાઈરસોના કારણે આરોગ્યની જે સમસ્યા પેદા થશે એ દરેક અર્થમાં વૈશ્વિક હશે અને કોઈ એક દેશ પૂરતી સીમિત નહીં હોય. ઉપદ્રવ ફેલાવાની ઝડપ પણ ઘણી વધારે હશે, કારણ કે જગત ખૂબ નજીક આવી ગયું છે. આ સ્થિતિમાં જગતની સરકારો, કોર્પોરેટ કંપનીઓ, આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવી જાગતિક સંસ્થાઓ અને મીડિયા વચ્ચે પરસ્પર સહયોગનું નેટવર્ક વિકસાવવું જરૂરી છે. જો આ રીતનો સહિયારો પ્રયત્ન નહીં કરવામાં આવે તો જગત ઉપર સહિયારી આફત આવી શકે એમ છે. અર્થતંત્ર, શાસનનું સ્વરૂપ અને ગુણવત્તા તેમ જ આંતરરાષ્ટ્રીય સંબંધો પર તેની સૌથી વધુ અસર થશે.
આ ક્યારે કહેવામાં આવ્યું હતું? સાત મહિના પહેલાં ૧૮મી ઓક્ટોબરે. માત્ર ચર્ચા કરવામાં નહોતી આવી. ‘પબ્લિક-પ્રાઇવેટ કૉઓપરેશન ફૉર પેન્ડેમિક પ્રીપેડનેસ ઍન્ડ રિસ્પોન્સ: અ કોલ ફૉર એક્શન’ નામની ચાર પાનાંની સમરી તૈયાર કરવામાં આવી હતી અને તેને જગતભરની સરકારોને મોકલવામાં આવી હતી. એ સમરીમાં સાત મુદ્દાનો એક્શન પ્લાન પણ સૂચવવામાં આવ્યો છે. જે વાચકોને રસ હોય તેમને અહીં http://www.centerforhealthsecurity.org/event201/event201-resources/200117-PublicPrivatePandemicCalltoAction.pdf જોવા મળશે.
કહેવાની જરૂર નથી કે ચર્ચાને અંતે કાઢવામાં આવેલા સારની અને સલાહની જગતની તમામ સરકારોએ અવગણના કરી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ તેની અવગણના કરી હતી. આશ્ચર્ય એ વાતનું છે કે ચીનમાં કોરોનાએ દેખા દીધી એ પછી પણ તેની અવગણના કરવામાં આવી હતી. હજુ આજે પણ એના વિશે વાત કરવામાં નથી આવતી કારણ કે જગતનો કોઈ શાસક આયનામાં પોતાનું મોઢું જોવા તૈયાર નથી.
આ તો થઈ બેદરકારીની વાત. હવે વાત આવે છે કોરોનાની મહામારીના સ્વરૂપની અને પ્રતિસાદની.
વિશ્વપ્રસિદ્ધ સાપ્તાહિક ‘ધ ઇકોનોમિસ્ટ’ કોવિડના સંકટે જાગતિક સ્વરૂપ પકડ્યું છે ત્યારથી રોજ વેબ-બુલેટીન બહાર પાડે છે. એના ગયા ગુરુવારના અંકમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં જગતભરના જીવાણું અને રોગચાળાના નિષ્ણાતોના સાત હજાર કરતાં વધુ રિસર્ચ પેપર્સ બહાર પાડ્યા છે અને તેના ઉપર જો એક સામટે નજર કરવામાં આવે તો મહામારી વિશે ખાસ કોઈ ઘડ બેસતી નથી. ત્રણ મહિનામાં સાત હજાર રિસર્ચ પેપર્સ એ કોઈ નાનો આંકડો નથી. આના ઉપરથી ખ્યાલ આવશે કે સંકટ કેવડું મોટું છે અને વિકટ છે. વિકટ કહેતાં અટપટું છે. કઈ રીતે અટપટું છે?
વાઇરસ તો જગતમાં સમયાંતરે આવ્યા જ કરે છે, પણ આ પહેલો એવો વાયરસ છે જે માનવશરીરમાં દાખલ થયા પછી દસ, બાર કે પંદર દિવસે બીમારીરૂપે પ્રગટ થાય છે. આનો અર્થ એ થયો કે દરેક જીવતો માણસ દસથી પંદર દિવસ માટે જીવતો બોંબ હોય છે. તમે વાઈરસ સાથે એક પથારીમાં સૂતા હો એ શક્ય છે. વળી સંક્રમણના પહેલા દિવસની જાણ હોતી નથી એટલે છેલ્લા દિવસની પણ જાણ હોતી નથી, એટલે વાઈરસની રસી અને દવા ન શોધાય ત્યાં લગી દરેક માણસ તમારા માટે જોખમી નીવડી શકે છે. આને કારણે સાજા માણસને પણ તમે શંકાથી જુઓ છો. સતત શંકા સાથે અને સતત ભય સાથે જીવવું એનાં માનસિક પરિણામો તમે સમજી શકો છો. પાછું આ તો હજી શરૂઆત છે, આગળ જતા શું થશે એ કોઈ જાણતું નથી. ઈસ રાત કી સુબહ કબ હોગી એ કોઈ જાણતું નથી.
એક સીધો સાદો ઈલાજ શોધી કાઢ્યો હતો, લોકડાઉનનો. અજાણ્યા લોકોથી દૂર રહો, અંતર રાખો. બને ત્યાં સુધી ઘરમાંથી બહાર જ ન નીકળો. પણ આ ઈલાજ અકસીર હોય તો પણ ક્યાં સુધી તમે કોઈને પૂરી રાખો અને ક્યાં સુધી તમે પોતે પૂરાઈને રહો! કાયમ માટે આ શક્ય નથી, મન બળવો કરવા લાગે છે. ગુનાશાસ્ત્રમાં અપહરણના ગુના માટે એમ કહેવાય છે કે એક હદ પછી જેનું અપહરણ કરવામાં આવ્યું હોય એ ધીરજ ગુમાવી દે છે અને જીવ ફગાવીને અપહરણકર્તા ઊપર હુમલો કરે છે. જો મોટી સંખ્યામાં લોકોનું અપહરણ કરવામાં આવ્યું હોય તો માનવસ્વભાવના આ અંગનો લાભ ત્રાસવાદીઓ લેતા હોય છે. તેમને ખબર હોય છે કે જે દેશના લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે એ દેશની સરકાર એવી પળથી ડરશે જ્યારે અપહ્રત વ્યક્તિ કંટાળીને જાન ફગાવી દે અને પરિણામે સ્થિતિ હાથમાંથી વણસી જાય. સરકારને ફાળ હોય છે જેનો ત્રાસવાદીઓ લાભ લે છે અને માગણીઓ વધારતા જાય છે અને મનાવતા પણ જાય છે, સિવાય કે સરકાર અપહ્રતોના જાન હોમી દેવાનો નિર્ણય કરે.
આજે કોરોના વાઈરસ પણ આ જ કરી રહ્યો છે. ઘરમાં પૂરાયેલા માણસનું મન બળવો કરે એ પહેલાં આ લોક ડાઉનનો કોઈ વ્યવહારુ ઈલાજ કરવો જોઈએ. ઈલાજનો પણ ઈલાજ શોધવો પડે એમ છે. એમાં કોઈ શંકા નથી કે લોક ડાઉન એક ઈલાજ છે અને જો પાકી ચરી પાળવામાં આવે તો અકસીર ઈલાજ છે, પણ કાયમી ઈલાજ નથી. અત્યારે લોકો લોક ડાઉનનાં પરિણામે પેદા થનારી આર્થિક અસરો વિશે ચર્ચા કરી રહ્યા છે, પણ માનસિક અને આરોગ્યકીય ચર્ચા થતી નથી. સાહસ પણ ટોળાંમાં સંક્રમિત થતું હોય છે. એક સાહસ કરે, પછી બીજો કરે અને એ પછી ટોળું કરે. મર્યાદાલોપના સાહસનો પણ ચેપ લાગે છે. એટલે તો રાજકારણીઓ ટોળાંનો ઉપયોગ કરતા હોય. તો વાતનો સાર એટલો કે મગજ બળવો કરે અને માણસ આંધળું સાહસ કરે એ પહેલાં લોક ડાઉનનો ઈલાજ કરવો જોઈએ. હમણાં કેટલીક જગ્યાએ લોક ડાઉનને થોડો હળવો કરવામાં આવ્યો અને જે અરાજકતા પેદા થઈ એ બળવો કરતા માનસનું પરિણામ હતું.
બીજું, કોરોનાની અસરની અને તેના ઈલાજની કોઈ એક સરખી પેટર્ન પણ નજરે પડતી નથી. કોઈ પેટર્ન હાથ લાગે તો બચવાનો એક સરખો રસ્તો મળે. જ્યાં ન મરવા જોઈએ ત્યાં લોકો મરે છે, જ્યાં મૃત્યુનું પ્રમાણ વધારે હોવાનું અનુમાન હતું ત્યાં ઓછા મરે છે. વિકાસની એરણે એક સરખું સ્થાન ધરાવતા બે દેશોમાં કોરોનાનો પ્રભાવ અને ઈલાજનાં પરિણામ અલગ અલગ જોવા મળે છે. એક જ દેશમાં વિકાસની એરણે લગભગ એક સરખી સ્થિતિ ધરાવતાં બે પ્રદેશોમાં પેટર્ન અલગ છે. જ્યાં સૌથી વધુ કેસ છે એ મુંબઈ શહેરમાં કોરોનાની પેટર્ન એક સરખી જોવા મળતી નથી.
તો બે મુદ્દા સામે છે. એક તો એ કે વિશ્વભરના શાસકો ગાફેલ પુરવાર થયા છે. પહેલો આવો અનુભવ છે એટલે એ થોડુંક સ્વાભાવિક પણ છે. અને બીજું, કોરોનાના પ્રસાર અને પ્રભાવની કોઈ પેટર્ન હાથ લાગતી નથી એટલે ઈલાજની પેટર્ન હાથ લાગતી નથી.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 મે 2020