સેનાની તાલીમ જ ‘દેશભક્તિ’ શીખવેનો દાવો એટલે લોહિયાળ હિંદુત્વનો પ્રારંભ
આર.એસ.એસ.ની સ્કૂલ હોય કે સરકારી યોજના હોય, મુદ્દો તો એ પણ છે કે તાલીમ પામેલાઓને સરકારી સૈન્યની નોકરી મળી જશે એવી કોઈ ખાતરી પણ નથી.
રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા ઉત્તર પ્રદેશનાં બુલંદશહરમાં સૈનિક સ્કૂલની સ્થાપના કરવામાં આવી રહી છે. આગામી વર્ષમાં આ સ્કૂલ તૈયાર થશે, જ્યાં ૧,૨૦૦-૧,૬૦૦ જેટલાં વિદ્યાર્થીઓ ધોરણ છથી બાર સુધીનો સી.બી.એસ.ઇ.નો અભ્યાસક્રમ ભણવાની સાથે લશ્કરમાં જોડાઇ શકે તે રીતે તેમના માનસિક અને શારીરિક રીતે તૈયાર કરાશે. અહીં શહીદોનાં બાળકો માટે પણ બેઠકો અનામત રાખવામાં આવશે. આર.એસ.એસ.નાં પ્રમુખ મોહન ભાગવતે ભૂતકાળમાં સંઘનાં શિસ્તને ભારતીય સેના સાથે સરખાવ્યું છે, એટલું જ નહીં પણ તેમણે તો સંઘ ત્રણ દિવસમાં સૈન્ય ખડું કરી શકે છે છે, એવાં વિધાનો પણ કર્યાં છે. આર.એસ.એસ.નો શિક્ષણ વિભાગ વિદ્યાભારતી દેશમાં સ્કૂલ્સ તો ચલાવે જ છે પણ બુલંદશહરમાં ચૌધરી રાજપાલ સિંઘે દાન કરેલી ૩૨ વિઘા જમીન પર બની રહેલી રજ્જુ ભૈયા સૈનિક સ્કૂલમાં ૧૬ વીઘામાં સ્કૂલ તથા બાકી ૧૬ વીઘા જમીનમાં બાળકોને સૈન્યમાં જોડાવા જરૂરી તાલીમ અપાશે.
આપણે ત્યાં હાલમાં ૨૮ સૈનિક સ્કૂલ્સ છે, ૫ રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલ્સ છે, ૧૩૭ આર્મી પબ્લિક સ્કૂલ્સ અને ૧૨ કૉલેજીઝ આર્મી વેલફેર એજ્યુકેશન સોસાયટી અંતર્ગત ચાલે છે. ભારતમાં ૧૯૬૧માં જવાહરલાલ નહેરુ અને વી.કે. કૃષ્ણમેનનનાં સૂચનો અનુસાર સૈનિક સ્કૂલની શરૂઆત શરૂ કરાઇ હતી. માત્ર છોકરાઓ માટે બનેલી આ સ્કૂલ્સમાં તેમને એવી રીતે ભણવાય છે જેથી એન.ડી.એ.ની પરીક્ષા આપવા માટે તેઓ સજ્જ થાય, અહીંનાં ભણતરને સૈન્યની કોઇ જ પ્રકારની જુદી તૈયારી સાથે કંઇ લેવા દેવા નથી. વળી, જરૂરી નથી કે અહીં ભણેલો દરેક કિશોર એન.ડી.એ.ની જ પરીક્ષા આપે, અહીંના વિદ્યાર્થીઓ મેડિસીન, આઇ.એ.એસ. કે એન્જિનયરિંગ જેવી શાખામાં પણ આગળ વધે છે. અહીં ભણેલા વિદ્યાર્થીઓ સેનામાં જોડાવા માટેની પરીક્ષા નથી આપતા. વળી આ સૈનિક દેશમાં સૈનિક સ્કૂલો હોવા છતાં આર.એસ.એસ.ને સૈનિક સ્કૂલ બનાવવાની શી જરૂર?
સંઘના ઇતિહાસ પર નજર કરીએ તો સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતો હતો ત્યારે આ લડતને સમાંતર સંઘનાં ડૉ. કેશવ બલીરામ હેડગેવરને ‘હિંદુ સમાજ’ની રચના કરવી જરૂરી લાગી હતી. આર.એસ.એસ.નાં પાયામાં જ વિચાર છે કે શિસ્તબદ્ધ સમૂહ જ ક્રાંતિ લાવી શકે છે, આત્મરક્ષણ કરી શકનારાં તો આગળ જતાં સમાજ અને દેશને બચાવી શકે છે. ૧૯૩૭માં હિંદુ નેતા ડૉ.બી.એસ. મુંજે નાસિક પાસે ભોસલા મિલિટરી સ્કૂલ સાથપવા માગતા હતા, જે માટે તેમને વાઇસરોયે તો મંજૂરી આપી હતી પણ બોમ્બેનાં ગવર્નરે ‘હિંદુ મિલિટરી સ્કૂલ’નાં આ વિચારને ખારીજ કર્યો કારણ કે ભારતીયોનું જોર વધે તે અંગ્રેજોને પોસાય તેમ નહોતું. આર.એસ.એસ.નાં સ્વયંસેવકોએ ૧૯૫૪ની સાલમાં ૧૦૦ જણાંને રાઇફલ અને હેન્ડગ્રેનેડનાં ઉપયોગની તાલીમ લીધી તથા સામ્યવાદીઓએ તાબામાં કરેલા ગામડાંઓ પાછાં મેળવીને દાદરા-નગર હવેલીને સ્વતંત્રતા અપાવી હતી. આમ કરવા માટે બોમ્બેનાં આઈ.જી.પી. નગરવાલાએ સી.આઇ.ડી. ઑફિસર નાબાર દ્વારા કહેવડાવ્યું હતું.
આ ઇતિહાસની વાત છે, અત્યારે આપણો દેશ કોઇનાં સંકંજામાં સપડાયેલો નથી, આપણે સ્વતંત્રતાની લડતની જરૂર નથી. પરંતુ આર.એસ.એસ.ની માન્યતા અનુસાર સૈન્યની તાલીમ હોય તો રાષ્ટ્રવાદની ભાવના સાહજિકતાથી સ્વભાવમાં વણાઇ જાય. હવે આ જો કટ્ટર રાષ્ટ્રવાદ હોય તો અહીં ભણેલા વિદ્યાર્થીઓ આર્મીમાં ઓછા અને માલેગાંવ બ્લાસ્ટ્સ જેવા કેસિઝમાં સંડોવાયેલા વધારે જોવા મળશે. માલેગાંવ બ્લાસ્ટનાં એ.ટી.એસ. રિપોર્ટમાં ભોસલા મિલેટરી સ્કૂલનો સંદર્ભ આવે છે તેવું ધિરેન્દ્ર ઝાનાં પુસ્તક ‘શેડો આર્મીઝઃ ફ્રિંજ ઑર્ગેનાઇઝેશન્સ એન્ડ ફુટ સોલ્જર્સ ઑફ હિંદુત્વ’માં ટાંકવામાં આવ્યું છે. ભોસલા મિલેટરી સ્કૂલનાં છેડાં સંઘ સાથે જોડાયેલાં છે. આ એ જ સ્કૂલ છે જે સ્થાપવાની એક સમયે અંગ્રેજ ગવર્નરે ના પાડી હતી. હવે એ સ્કૂલનાં પરિસરથી માંડીને ત્યાંથી ભણેલાઓનાં વિચાર માલેગાંવ પ્રકારની ઘટનાઓ તરફ જ વળવાનાં હોય તો કોઇ ચોક્કસ વિચારધારા આધારિત સૈનિક સ્કૂલથી આપણને ફાયદો થશે ખરો?
આ સ્કૂલ ઊભી કરનારાઓનું કહેવું છે કે અમારા જિલ્લામાં સૈનિક સ્કૂલ ન હોવાથી આ પગલું લેવાયું છે કારણ કે અમારા જિલ્લામાંથી સૈન્યમાં જનારાઓની સંખ્યા ઘણી મોટી છે. વળી સંઘ દ્વારા ૩૫,૦૦૦ વિદ્યામંદિર તો ચલાવાય જ છે પણ સૈનિક સ્કૂલ સ્થાપવા પાછળનો તેમનો તર્ક એ છે કે સરકારી સૈનિક સ્કૂલો અમારા વિસ્તારમાં ન હોવાથી આ પગલું લેવાયું છે અને ઓછી કિંમતે અહીં બાળકોને શિક્ષણ આપવામાં આવશે. જો કે બાળ શિક્ષણનાં એક્સપર્ટ્સનાં મતે બાળકોનાં મનમાં કુમળી વયથી જ સંઘનાં હિંદુત્વમાં વિંટળાયેલો દેશપ્રેમ રોપવામાં આવશે તો તેનું પરિણામ માઠું આવી શકે છે. જરૂરી નથી કે આ સ્કૂલમાં શસ્ત્રોનો ઉપયોગ શિખવાડાય પણ, હિંદુ કટ્ટરવાદ પણ અંતે તો કટ્ટરવાદ જ છે. બની શકે કે આ સ્કૂલ કોઇ પણ બીજી સરકારી સૈનિક સ્કૂલ જેવી જ કામગીરી કરે. પરંતુ આ બધાંને સમાંતર આપણે એ વાત યાદ કરવી રહી કે ગયા વર્ષે સરકારા દ્વારા ‘નેશનલ યુથ એમ્પાવમેન્ટ સ્કિમ’ એન-યસની જાહેરાત કરાઇ હતી.
આ યોજના અનુસાર દસ કે બાર ધોરણ પાસ કરેલાં વિદ્યાર્થીઓ જો તેમાં જોડાશે તો તેમને મિલિટરી ટ્રેઇનિંગ સાથે આઇ.ટી. સ્કિલ્સ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યોગ-આયુર્વેદ અને પ્રાચીન ભારતની ફિલોસૉફીની તાલીમ અપાશે. એક લેખમાં આ યોજનાને ‘દેશભક્તિનાં મૂલ્યો’ ધરાવતું સૈનિક રાષ્ટ્ર ઘડવા તરફનાં પહેલાં પગલાં સથે સરખાવવામાં આવ્યું હતું. સૈન્યની તાલીમ હોય તો જ દેશપ્રેમ હોય એ વિચાર સદંતર બોગસ છે. સરકાર નોકરીની તકો ખડી કરવાને બદલે આર્થિક અને માનવીય સ્રોતોનો ઉપયોગ સૈન્ય ઊભું કરવામાં કરે તે કેવી રીતે ગળે ઉતરે? આર.એસ.એસ.નાં વડાને સરકાર સાથે સારાસારી તો છે જ. શું આ સ્કૂલની શરૂઆત પાછળ એન-યેસની ટૂંકી યોજનાની સામે લાંબા ગાળાની યોજનાનું બીજ રોપવામાં તો નથી આવ્યું? આપણી પાસે એન.સી.સી. અને એન.એસ.એસ. પણ છે તો પછી આ યોજનાઓની શી જરૂર?
શું આપણાં યુવાધનને શિસ્તબદ્ધ કરવા માટે આપણને ખાનગી સેનાઓની જરૂર છે? આપણાં દેશમાં નક્સલવાદ અને ઉત્તર-પૂર્વનાં અમુક હિસ્સાઓમાં જે ઘરમાં પાંગરેલો આતંકવાદ છે એ કંઇ નાની સૂની સમસ્યા નથી. આર.એસ.એસ.ની સ્કૂલ હોય કે સરકારી યોજના હોય, મુદ્દો તો એ પણ છે કે તાલીમ પામેલાઓને સરકારી સૈન્યની નોકરી મળી જશે એવી કોઇ ખાતરી નથી. મોહન ભાગવતે ભારતીય સૈન્ય માટે કરેલી ટિપ્પણીઓ સાબિત કરે છે કે સંઘને ભારતીય સૈન્ય ‘અપૂરતું’ લાગે છે. સરકાર અને સંઘ યુવાધનને કયું ‘શિસ્ત’ આપવા માગે છે તે કળવું આસાન નથી. સરમુખત્યારશાહીના સંકેતો જેટલાં વહેલાં સમજી શકીશું તેટલું બહેતર છે.
બાય ધી વેઃ
વૈશ્વિક સ્તરે વાત કરીએ તો ફરજિયાત સેનાની તાલીમ અપાતી હોય તેવા દેશોમાં ફ્રાંસ, સિંગાપોર, સ્વિડન, કુવૈત, બાલી, થાઇલેન્ડ, કોલંબિયા, વેનેન્ઝુએલા વેગેરેનો સમાવેશ થાય છે. અમેરિકામાં તાલીમ જરૂરી નથી પણ ૧૮થી ૨૫ વર્ષની વયનાં છોકરાઓએ સિલેક્ટિવ સર્વિસ માટે પોતાનું નામ નોંધાવવું પડે છે, જેથી તેમને જરૂર પડ્યે કામે લઇ શકાય. યુનાઇટેડ કિંગ્ડમમાં બીજા વિશ્વ યુદ્ધ પછી સેનામાં સેવા આપવી ફરજિયાત નથી રહી તો ઇઝરાઇલમાં સ્ત્રી-પુરુષ બન્નેએ ઇઝારઇલી ડિફેન્સ ફોર્સમાં કામ કરવું જ પડે છે. આપણે વિકસવા માટે તત્પર એવું રાષ્ટ્ર છીએ, આપણને બળ કરતાં કળની વધારે જરૂર છે. શિક્ષકોનાં પગાર, શિક્ષણ તથા રિસર્ચમાં સરકાર કે કોઇ પણ સંગઠનનું યોગદાન લેખે લાગશે. શક્તિ પ્રદર્શન ક્ષણનાં હોય છે જ્યારે જ્ઞાનનો પ્રભાવ પેઢીઓ સુધી રહી શકે છે તે સત્તાધીશો સમજે તો સારું. બીજું એક બાય ધી વે એ કે સરમુખત્યાર થવા માટે પણ બહુ જુદાં પ્રકારની શક્તિ અને સમજ જોઇએ, માત્ર ગર્જનાઓથી કોઇ સિંહ નથી બની શકતું.
(સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ઑગસ્ટ 2019)