
રવીન્દ્ર પારેખ
કુદરતને જ્યારે પણ જાણવા-માણવાનું થાય છે, ત્યારે તેનું વૈવિધ્ય પહેલાં ધ્યાન ખેંચે છે. સૂર્ય એક જ છે, પણ સવારનો ને સાંજનો જુદો છે. એ જ રીતે ચંદ્ર એક જ છે, પણ પૂનમનો ને આઠમનો જુદો છે. તારાઓ અગણિત છે, સરખું જ ટમટમે છે, પણ સપ્તર્ષિનું ઝૂમખું અલગ જ તરી આવે છે. શુક્રની હીરા જેવી ચમક, બીજા તારાઓમાં નથી. સમુદ્ર બધા જ ખારા, પણ તેનાં રંગો, તેની ગહેરાઈ-પહોળાઇનો ગુણાકાર, તેને એકબીજાથી નોખા પાડે છે. કહેવાય તો બધી નદી જ, પણ તેનું જળ, તેની ચમક, તેનો વિસ્તાર તેનું પૌરાણિક મહત્ત્વ, તેને અન્ય નદીઓથી અલગ તારવે છે. આ પહાડોને જ જુઓને ! એક હિમાલય છે, તો એક ગિરનાર, એક સહ્યાદ્રિ છે, તો એક આબુ. એક પર બરફ છે, તો એક ધગધગે છે. ક્યાંક વૃક્ષો છે, તો ક્યાંક શિખરો બોડકાં છે. એક ઊંચો, તો બીજો નીચો. એ નીચો પણ, અનેક શિખરોથી શોભે છે. સમાનતાને નામે આ શિખરોને કાપીકૂપીને સરખાં કરવાં જેવાં ખરાં?
– ને વૃક્ષો? કેટલું વૈવિધ્ય ! કેટલાંક તો આકાશ ટોચવાનાં હોય તેમ સીધાં ઊંચે ધસે, તો કેટલાંક જમીન પર જ એટલી શાખાઓ પ્રસારે કે એક જ વૃક્ષથી જંગલ રચાતું લાગે. આમ ત્યારે કહેવાય બધાં વૃક્ષો, પણ કોઈનાં પાન લાંબાં, તો કોઈનાં સાવ ટૂંકાં. જાણે ફૂટવાં જ ન માંગતાં હોય ! કોઈ કોઈ તો લીલી હથેળીઓ જેવાં ! પાન લીલાં, પણ લીલાશની પણ કેવી નોખનોખી રંગછટાઓ ! કેટલાંક પાન, ઘેરાં લીલાં તો કેટલાંક પોપટી લીલાં. એમાં જો તડકો ઉમેરાય તો એ લીલાશનો તેજવૈભવ અભિભૂત કર્યા વિના ન રહે. વૃક્ષો ય કેટલાંક તો એવાં ઘટાદાર ને ઘેરદાર કે સૂર્યનું કિરણ પણ, તેને ભેદીને ઊંડે ન ઊતરી શકે. કોઈ કોઈ પર્વતો પરની વનરાજિ જોઈએ તો લાગે કે વૃક્ષો પર્વતારોહકોની જેમ, નીચાં ઝાડનો ટેકો લઈને ટોચે પહોંચ્યાં હશે ! વૃક્ષો સાથે કુહાડાઓ ભલે સ્પર્ધામાં હોય, પણ આંખને લીલાશનો વિરહ નથી થતો એટલો ઉપરવાળાનો ઉપકાર ! સાચું તો એ છે કે આપણને હરિયાળી અને વરિયાળી વગર ચાલતું નથી, એટલે વરિયાળી મુખવાસમાં ને બોન્સાઈ આવાસમાં રાખીએ છીએ. કાપીકૂપીને વૃક્ષોને આપણે, આપણી સાઇઝનાં કર્યાં છે. તે એટલે કે કોઈ વરદ કે મરદ હસ્તને વૃક્ષારોપણનો પ્રસંગ પડે. બગીચાઓ આપણે મેટ્રોમાને વધેર્યાં ને મહિમા ટેરેસ ગાર્ડનનો કર્યો. શહેરનાં વૃક્ષો ડામરથી ડરીને, ક્યાંક આડું અવળું ન ઊગી જવાય એની કાળજી રાખીને, વગર ટાઢે થરથરતાં ઊભાં રહે છે- જાણે સંત્રીઓ કોઈ મંત્રીને પસાર કરવા લાઇનમાં ઊભાં છે ! આમ તો ફૂલો જુદાં. એક ડાળ પર પાસપાસે ઊગે તો ગુલાબ જ, પણ બંનેની ગુલાબી પાંદડીઓ વત્તીઓછી.
આ તો પ્રકૃતિની વાત થઈ. એ એક સમાન નથી. એમ જ માણસને પણ સમાનતા બહુ ફાવતી નથી. તમને ખબર છે, બાળક જન્મે ત્યારે રડે છે કેમ? એને માબાપ પસંદ કરવાનો અધિકાર નથી એટલે એ રડે છે. ગમે એટલી કોશિશ કરે, પણ માણસ જન્મ આપનારી માતાને બદલી નથી શકતો કે જન્મનું બીજ નકારી નથી શકતો. બીજું, જન્મતાં જ તેને ધર્મ વળગી પડે છે. તેણે હિન્દુ થવું કે મુસ્લિમ કે શીખ કે ઈસાઈ, તે તેના હાથમાં નથી. એ પાછળથી ધર્મપરિવર્તન કરી શકે, પણ જન્મ સાથે મળેલા ધર્મની ગંધ તો એને વળગેલી જ રહે છે.
કહેવાય તો બધાં જ બાળકો, પણ કોઈ ગોરું છે, તો કોઈ કાળું, કોઈ હિન્દુ છે, તો કોઈ મુસ્લિમ. કોઈ શીખ છે, તો કોઈ પારસી. બધાંનાં વિધિવિધાન, રીતરિવાજો જુદાં. જુદાઇ કોઈને કોઈ રીતે વળગેલી જ રહે છે, એટલે સ્કૂલો એને એક કરવા મથે છે. એ ભલે ગણવેશથી એક દેખાડવા મથે, પણ ક્યાંક પાણીનાં માટલાં જુદાં છે. પાણી એક છે, પણ માટલામાં પડતાં જ તે હિન્દુ કે મુસ્લિમ થઈ ઊઠે છે, સવર્ણ કે દલિત થઈ ઊઠે છે. નાનેથી એને એકતા, સમાનતાના પાઠ શીખવાય છે, પણ બાળક ઘરે પહોંચે છે તો ભિન્નતા ને ભેદનો જ મહિમા થતો જુએ છે. એક જ ઘરમાં એ જુદી નીતિ, જુદા નિયમો જુએ છે. મોટો થતાં જાણે છે કે એક જ દેશના એક રાજ્યમાં દારૂબંધી છે, તો બીજા રાજ્યોમાં દારૂની દુકાનો છે.
આમ તો ધર્મ, ઈશ્વર એક છે એવું શીખવે છે, પણ એક જ ધર્મમાં એકતા નથી. મુસ્લિમમાં જ શિયા-સુન્ની છે. ખ્રિસ્તીમાં રોમન કેથલિક છે, તો પ્રૉટેસ્ટન્ટ ક્યાં નથી? જૈનમાં એક શ્વેતાંબર છે, તો બીજો દિગંબર છે. બૌદ્ધમાં પણ હીનયાન, મહાયાનના ફાંટા છે જ. આમ કહેવાય છે બધાં જ હિન્દુ, પણ કોઈ સ્વામીનારાયણી છે, તો કોઈ કબીરપંથી છે. કોઈ શૈવ છે, તો કોઈ વૈષ્ણવ. ઈશ્વર એક છે, પણ દેવીદેવતાઓ કરોડો છે. એનો સંદેશ તો શુદ્ધ જ છે, વિવિધતામાં એકતાનો, પણ એ એકતા ખરેખર છે ખરી? આમ તો એ છે હિન્દુ જ, પણ દલિત ને સવર્ણો એક નથી. આદિવાસીના પોતાના કાયદા છે. એને હિન્દુ મેરેજ એક્ટની ખબર નથી. કેટલી જ્ઞાતિ, કેટલી જાતિ, કેટલા સમાજ હિન્દુઓમાં જ છે. હવે થોડું સુધર્યું છે, પણ અમુક જાતિ કે જ્ઞાતિની બહાર થયેલાં લગ્નો આજે પણ જીવ પર આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભિન્નતા જ અનેક રીતે લોહીમાં ઓગળેલી છે. જરા વિચારીએ કે મંદિરોમાં બધાં હિન્દુઓને પ્રવેશ છે? કેટલાંક મંદિરોમાં તો સવર્ણ સ્ત્રીઓને પણ પ્રવેશ નથી, તેનો કોઈને સંકોચ નથી.
– તો, આ સ્થિતિ છે. આટલાં વૈવિધ્યવાળી પ્રજાને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર જઇ રહી છે. ચાળીસ કરોડ અન્ય પ્રજાને સરકાર ધારો કે લેખામાં ન લે, તો પણ ખાલી 100 કરોડ હિન્દુઓને કોમન સિવિલ કોડ લાગુ કરવામાં ય જોખમી સાહસ છે. સિવિલ કોડનો હેતુ દેશના નાગરિકોના જુદા જુદા કાયદાઓને એક કરવાનો છે. નાગરિકોના ધર્મ, આસ્થા અને માન્યતાઓને આધારે લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર, દત્તક જેવી બાબતોના અલગ અલગ કાયદા છે. એ કાયદાઓને અલગ ન રાખતા તેને કોમન સિવિલ કોડ હેઠળ લાવવાની વાત છે. કોમન સિવિલ કોડ લાગુ થતાં હિન્દુઓ કે મુસ્લિમોને ને કાયદાથી મળતા કેટલાક લાભો ગુમાવવાના થશે. મુસ્લિમોને બહુપત્નીત્વથી કાનૂની રીતે રક્ષણ મળે છે એ જ રીતે આદિવાસીઓને પણ પરંપરાને નામે એ લાભ મળે છે. એ બધાંને કોમન સિવિલ કોડ લાગુ થાય તો તેમને એ માફક ન આવે એમ બને. એટલે જ કદાચ ઝારખંડના 30થી વધુ સંગઠનોએ યુનિફોર્મ સિવિલ કોડનો વિચાર જ પાછો ખેંચવાની વાત કરી છે, તો મુસ્લિમો તો યુનિફોર્મ સિવિલ કોડ કોઈ પણ સંજોગોમાં સ્વીકારવાના મૂડમાં નથી. જૈનો હજી આ કાયદા બાબતે સ્પષ્ટ નથી. ઘણાંને આ કહેવાતો યુનિફોર્મ સિવિલ કોડ, હિન્દુ સિવિલ કોડ જ લાગે છે, એટલે એ પણ આ કાયદાનો વિરોધ કરશે જ ! હિન્દુઓમાં પણ દલિતો કે આદિવાસીઓ કહેવાતી સવર્ણ પ્રજા સાથે મેળ નથી જ પાડી શકતા, એટલે એ પણ કોમન સિવિલ કોડને મામલે હકાર ભણે એ વિષે શંકા છે. મુસ્લિમો સિવાયની અને હિન્દુ નહીં એવી બીજી પ્રજા પણ કોમન સિવિલ કોડના પક્ષમાં ભાગ્યે જ હકાર ભણે એવું બને. આપ પાર્ટીનું શરતી સમર્થન બાદ કરતાં, વિપક્ષો તો આઉટ એન્ડ આઉટ કોમન સિવિલ કોડની સામે જ પડ્યા છે. એમને એમ પણ લાગે છે કે કોમન સિવિલ કોડ ચૂંટણીનો સ્ટન્ટ છે. એ ખરું કે દર વખતે ભા.જ.પ. સરકાર ચૂંટણી જીતવા કોઈ એક પાનું ઊતરે છે. એક વખત રામ મંદિરનું પાનું નાખ્યું, તો બીજી વખત 370 નાબૂદીની વાત કરી, પણ તે સ્ટન્ટ નથી. તેણે એ કરી પણ બતાવ્યું છે. એ જ વિશ્વાસ તેને કોમન સિવિલ કોડ બાબતે પણ હોય એમ બને. એ જો ચૂંટણી જીતવાનું પત્તું હોય તો પણ ને એ જીત અપાવે એવું હોય તો પણ, તે સરળ એટલે નથી, કારણ પ્રજા કેટલી સાથે રહેશે એ પ્રશ્ન જ છે. રામ મંદિરમાં સફળતા મળી, કારણ તે હિન્દુઓને સ્પર્શતી વાત હતી, 370 નાબૂદીમાં સફળતા મળી, કારણ તે મુદ્દો ઘણું ખરું કાશ્મીરી મુસ્લિમો પૂરતો સીમિત હતો, જ્યારે કોમન સિવિલ કોડ એક સાથે સમગ્ર ભારતીય પ્રજાને સ્પર્શતો મુદ્દો છે એટલે એમાં સરકાર કેટલી સફળ થાય એ વિચારવાનું રહે. સરકાર ચોમાસું સત્રમાં કોમન સિવિલ કોડ મંજૂર કરાવવાની બધી પેરવીઓ કરે તો પણ, તેને મંજૂરી મળવાનું મુશ્કેલ છે. મળે તો એ ચમત્કાર જ હશે, તે એટલે કે અનેક જાતિ, જ્ઞાતિ, ધર્મોમાં વહેંચાયેલી ભારતીય પ્રજા ગુલામી વખતે તો એક ન હતી, પણ સ્વાતંત્રતાનાં 75 વર્ષો પછી પણ નથી. આવી સ્થિતિમાં કોમન સિવિલ કોડ, ઘણાના કોડ પર પાણી ફેરવે એમ બને. કોમન સિવિલ કોડ પસાર થવા ન થવા પર 2024ની ચૂંટણીનાં પરિણામો પણ નિર્ભર હશે. ટૂંકમાં, કોમન સિવિલ કોડ, ‘કોમન’ નહીં હોય એમ લાગે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 જુલાઈ 2023