હૈયાને દરબાર
ઉત્કટ પ્રેમ ઝંખતી નાયિકા સૂના સાયબાના વિચારોમાં ફાનસ ઓલવીને મેડીએ જ ખાલી પડખે સૂઈ જાય છે. એકલતાની મનોવેદનાની લાજવાબ પ્રસ્તુિત છે આ ગીતમાં
રૂપાળી ગ્રામ્યનારી એના કામણગારા દેહલાલિત્ય સાથે ફાનસ ઓલવીને પતિને પડખે પોઢવા ઉત્સુક હોય એવું સાદ્યંત દ્રશ્ય આપણી સામે ખડું થાય, એવું અદ્દભુત ગીત એટલે સખી મારો સાયબો સૂતો…! કવિ વિનોદ જોશીની રચના અને અમર ભટ્ટનું સંગીત. ગાર્ગી વોરાના કેળવાયેલા કંઠે આ ગીત ખૂબ પ્રચલિત થયું છે, પરંતુ દસેક વર્ષ પહેલાં નાનકડી ઐશ્વર્યા મજમુદારના અવાજમાં આ ગીત મેં પહેલીવાર મુંબઈના એમ.સી. ઘિયા હૉલના એક પ્રાઈવેટ પ્રોગ્રામમાં સાંભળ્યું, ત્યારથી જ આ ગીતના પ્રેમમાં હું પડી ગઈ હતી. રાગ જોગના સ્વરો મન પર એવા હાવી થઈ ગયા હતા કે એ પછી આ ગીત યુટ્યુબ પર ગાર્ગીના અવાજમાં અસંખ્ય વાર સાંભળ્યું. રાગ તિલંગ જેનો બેઝ કહી શકાય એવા જોગ રાગ(પુરુષોત્તમ ઉપાધ્યાયની બેગમ અખ્તરે ગાયેલી ઉત્કૃષ્ટ સ્વરરચના મેં તજી તારી તમન્ના તથા ફિલ્મ ‘લગાન’નું એ.આર. રહેમાનનું ગીત બાર બાર હાં, બોલો યાર હાં…રાગ જોગનાં ઉત્તમ ઉદાહરણ)માં તિલંગની ચંચળતા નથી, પણ કોમળ નિષાદનું ગાંભીર્ય રાગને સ્થિર અને વધુ કર્ણપ્રિય બનાવે છે. એમાં ય અમર ભટ્ટે શુદ્ધ અને કોમલ બંને નિષાદનો પ્રયોગ કરીને ચંચલ-ગંભીર ભાવ આ ગીતમાં અભિવ્યક્ત કર્યો છે પરિણામે ગીતનું માધુર્ય અપેક્ષિત ઊંચાઈ આંબી શક્યું છે.
ગતાંકમાં મેં કહ્યું હતું ને કે વિનોદ જોશીની કવિતા જેટલી વધારે વાંચો એટલા નવોન્મેશો પ્રગટતા જાય. આ ગીતની પહેલી બે પંક્તિઓ વાંચો તો પહેલાં તો એમ જ લાગે કે સરસ મજાની ચાંદની રાત ખિલી છે. વાતાવરણમાં ઉન્માદ છે અને એ માઝમ રાતે નવપરિણીતા ગૃહકાર્યો પતાવીને પ્રિયતમ સાથે પોઢી જવા આતુર છે. પણ …સાયબો તો ફળિયે ઢોલિયો ઢાળી પોઢી ગયો છે! અને પછી નાયિકાના હૃદયમાં જે ભાવ સ્પંદનો પ્રગટે છે એમાં વિરહવેદનાની ચરમ સીમા છે. મિલન અને વિરહ એક સિક્કાની બે બાજુ છે.
વહાલા સાયબાનો ઉત્કટ પ્રેમ ઝંખતી નાયિકા સૂના થઈને પોઢી ગયેલા પ્રિયતમના વિચારોમાં ફાનસ ઓલવીને મેડીએ જ ખાલી પડખે સૂઈ જાય છે ત્યારે એની મનોસ્થિતિ કેવી છે એનું લાજવાબ વર્ણન આ પંક્તિઓમાં છે:
એક તો માઝમ રાતની રજાઇ
ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
પોયણાંથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય …!
આફરીન પોકારી જવાય એવા નજાકતભર્યા શબ્દો પ્રયોજ્યા છે કવિએ આ ગીતમાં. ઉપરાંત દરેક પંક્તિમાં ખૂબ બધા શબ્દો પ્રયોજીને કવિએ સ્વરકાર માટે આ ગીત ચેલેન્જિંગ બનાવી દીધું છે. લાંબી પંક્તિઓ ધરાવતું આ ગીત અત્યંત સુંદર રીતે સ્વરબદ્ધ કરવાનું સાહસ અમદાવાદના જાણીતા સંગીતકાર અમર ભટ્ટે કર્યું અને આજે આ ગીત સુગમસંગીતનું આગવું ઘરેણું બની ગયું છે. અમર ભટ્ટ વ્યવસાયે વકીલ છે અને દેશના કાયદાને તો બરાબર પિછાણે જ છે, પરંતુ સંગીતના કાયદા-નિયમો-શાસ્ત્રથી પણ સુપેરે પરિચિત છે, એટલે મહદંશે એમનાં ગીતોમાં ક્લાસિકલ ટચ પણ દેખાય છે.
આ ગીતની સ્વરરચના વિશે અમરભાઈ કહે છે, “પંડિત ઓમકારનાથજીએ કહ્યું છે એમ શાસ્ત્રીય સંગીતનાં મૂળિયાં લોકસંગીતમાં છે. લોકઢાળના ગરબામાં જોગ, ભીમપલાસી, ધાની જેવા રાગો પ્રયોજાતા હોય છે. વિનોદ જોશીનાં આ ગીતમાં ગરબાનો ઠેકો અને જોગ રાગ છે. આગ્રા ઘરાણામાં બે નિષાદનો જોગ ગવાય છે. એટલે બે નિષાદના જોગ-સંજોગથી બનેલો રાગ હોવાથી એ જોગ કહેવાયો. આગ્રા ઘરાણાના મારા સંગીત ગુરુ ઉસ્તાદ ગુલામ અહેમદ ખાનસાહેબે એ રીતે મને શીખવેલો. સાહેબને યાદ કરીને આ ગીતમાં બે નિષાદના જોગનો ઉપયોગ મેં કર્યો છે. ગીતનો લય ગરબાનો છે. દરેક પંક્તિમાં શબ્દો ખૂબ છે એટલે સંગીતમાં બેસાડવું પડકારરૂપ હતું, પણ લય ગીતમાંથી જ મળ્યો. ‘પાતળો પવન પોયણાથી પંપાળતા’ – ‘ઝૂરતો કાંઠો -ઝરતો’, સાયબો સૂતો, સૂનો – અમથો… કમખો..નું નાદમાધુર્ય મને સ્પર્શી ગયેલું અને 1999માં મેં આ ગીત કમ્પોઝ કર્યું હતું. વિનોદ જોશી ઉત્તમ ગીતકવિ છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આ ગીત છે. નરસિંહરાવ દિવેટિયા કાવ્યગાનને ‘એપ્લાઇડ મ્યુિઝક’ – પ્રયોજિત સંગીત કહેતા એ જાણીતી વાત છે. આ ગીત ખરા અર્થમાં એપ્લાઇડ મ્યુિઝક છે એમ હું માનું છું.”
ગીત કમ્પોઝ કરતી વખતે સ્વરકારે નાની નાની કેટલી ય વાતોનું ધ્યાન રાખવું પડે છે જેમ કે, ગીતનો મૂળ ભાવ, યોગ્ય સ્થાને ઠહરાવ, શબ્દોની અખંડિતતા, પંક્તિનો-શબ્દનો ચડાવ-ઉતાર, લયકારી અને સ્વરસૌંદર્ય આ તમામનું બેલેન્સ જળવાય ત્યારે ગીત લોકહૃદયમાં સ્થાન પામે છે. કવિ વિનોદ જોશી પોતે સારું ગાઈ શકે છે એટલે એમનાં પોતાનાં જ કેટલાં ય ગીતો એમણે જાતે સ્વરબદ્ધ કર્યાં છે. પરંતુ, મોટાભાગે એ સરળતાથી ગાઈ શકાય એવો લોકઢાળ હોય છે.
ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, ભાષા-સાહિત્ય ભવનના અધ્યક્ષ તથા આર્ટ્સ ફેકલ્ટીના ડીન રહી ચૂકેલા વિનોદ જોશીએ મુંબઈ ભવન્સના કાર્યક્રમમાં સરસ વાત કરી હતી કે, “ભાષાને હું બહુ મોટું આહવાન ગણું છું. ભાષા પોતે સર્જન છે અને સર્જનમાં સર્જન કરવું એ પડકાર. ભાષાએ રણકો પ્રગટાવ્યો. શબ્દો અનાયાસ ઊતરતા આવે અને આપણે હળવા થવા લાગીએ. ગાયનનો શોખ હોવાથી લય મને ગળથૂથીમાં મળ્યો. મૂળે હું ગામડાનો માણસ એટલે તળપદી ભાષા તો સ્વાભાવિક રીતે મારાં કાવ્યોમાં આવે જ અને સંસ્કૃત ભાષા વારસામાં મળી હતી. તેથી ભાષાના રહસ્યો સુધી પહોંચી શક્યો. મારાં દરેક ગીત જુદો ભાવ લઈને આવે છે. લોકલય, લોકઢાળ એમાં મદદ કરે. કાચી સોપારીનો કટ્ટકો હું લોકઢાળ મુજબ જ ગાઉં. પછી સ્વરકાર જુદું સર્જન કરે. ગાયક પોતાની શૈલીમાં ગાય.”
સર્જકની આ સર્જનપ્રક્રિયા છે. વિનોદ જોશીએ એક અનુપમ પ્રબંધ કાવ્ય ‘સૈરંધ્રી’ થોડા સમય પહેલાં જ પૂરું કર્યું. સાત સર્ગના આ કાવ્યમાં કવિએ દ્રૌપદીના નારીત્વને કલાત્મક રીતે વિકસાવીને દ્રૌપદીના પાત્રને નવો અર્થ આપ્યો છે. સાહિત્યપ્રેમીઓને માટે એ ખૂબ જ રસસંતર્પક દીર્ઘકાવ્ય છે. મૂળ વાત અહીં એ કરવી છે કે આ કવિએ નારીત્વને ગરિમાપૂર્ણ સ્થાન આપ્યું છે. નારી સંવેદના બહુ સૂક્ષ્મ રીતે વહેતી કરી છે. સ્ત્રી સ્વભાવમાં જ એટલા બધા ભાવ છે જે કવિને કવિતા રચવા ઉત્તેજિત કરી શકે છે. અંધકારનો ટેકો લઈને સખી ઊભી રહે અને હૃદયનાં પોલાણની વેદનાનો સાક્ષાત્ અનુભવ થાય એ આ કાવ્યનું હાર્દ છે. આ અપ્રતિમ ગીત તમે ‘ટહુકો’ નામની ગુજરાતી ગીતોની સરસ વેબસાઇટ છે એના ઉપર અથવા યુટ્યુબ પર સ્વતંત્રપણે સાંભળી શકો છો. ડોન્ટ મિસ ઇટ!
આજનું ગીત
સખી! મારો સાહ્યબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો
હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં……
એક તો માઝમ રાતની રજાઇ
ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
પોયણાંથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;
સખી! મારો સાહ્યબો સૂનો એટલો કોના જેટલો
હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પે’રવા દોડી જાઉં
એમ તો સરોવરમાં બોળી ચાંચ
ને પછી પરબારો કોઇ મોરલો ઊડી જાય,
આમ તો પછી ઝૂરતો કાંઠો
એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય;
સખી! મારો સાહ્યબો લાવ્યો અમથો કેવો કમખો
હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં
કવિ : વિનોદ જોષી • સ્વરકાર : અમર ભટ્ટ • ગાયિકા : ગાર્ગી વોરા
https://m.youtube.com/watch?v=8icuONH3Of8
https://nandini103.wordpress.com/2018/07/19/સખી-મારો-સાહ્યબો-સૂતો/